ક્રિકેટ મેચનું વર્ણન જો ધ્યાનથી વાચ્યું હોય તો એમાં જશુભાઈ પટેલની કારકિર્દીના શિરમોર સમો બૉલર તરીકેનો તેમનો દેખાવ રહ્યો તે અંગેનો ઉલ્લેખ છે. જશુભાઈને આ દેખાવ માટે ખૂબ ઈજ્જત અને પ્રસિદ્ધિ મળી. ક્રિકેટમાં થોડો પણ રસ ધરાવતું હોય એવા ઘરેઘરમાં રાતોરાત આ નામ પહોંચી ગયું. જશુભાઈ પટેલની ક્રિકેટ કારકિર્દીમાં આ ખૂબ મોટી ઘટના હતી. કારણ કે, એમની આ કાતિલ બોલિંગના પરિણામે કાનપુર ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો. ઑસ્ટ્રેલિયા સામે ભારત પહેલીવાર કોઈ ટેસ્ટમેચ જીત્યું.

જશુભાઈ પટેલે કાનપુર ખાતે બંને ઈનિંગ્સમાં મળીને લીધેલી 124 રનમાં 14 વિકેટનો રેકોર્ડ ત્યારબાદ 30 વરસના લાંબા ગાળે નરેન્દ્ર હીરવાણીએ તોડ્યો. જશુભાઈની બીજી ઈનિંગમાં લીધેલ 69 રનમાં 9 વિકેટ કોઈ પણ ભારતીય બોલરે એક ઈનિંગ્સમાં લીધેલ સૌથી વધારે વિકેટ હતી. આ રેકોર્ડ છેક ચાળીસ વરસ બાદ અનિલ કુંબલેએ 74 રનમાં 10 વિકેટ લઈને તોડ્યો. 1959-60ની ઑસ્ટ્રેલિયાની ભારત સાથેની આ ટેસ્ટ સિરિઝમાં 19 વિકેટ સાથે જશુભાઈ પટેલનો દેખાવ સર્વોત્કૃષ્ટ રહ્યો. ઑસ્ટ્રેલિયાના પક્ષે રીશી બેનો અને એલન ડેવિડસન બંનેએ 29 વિકેટ ઝડપી હતી.

ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરિઝના અંતે જશુભાઈ પટેલ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા.

બે વરસ બાદ તેમણે રણજી ટ્રોફીમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી.

જશુભાઈ પટેલ અને વિજય હજારે બે એવા ક્રિકેટરો છે જેમણે ભારત સરકાર દ્વારા કોઈ ક્રિકેટરને આવું બહુમાન અપાયાનો આ પહેલો કિસ્સો હતો. પદ્મશ્રીનું બહુમાન મેળવ્યું. આ બધી માહિતી મેં ઉપલબ્ધ રેકોર્ડઝમાંથી એટલા માટે ભેગી કરી છે કે જ્યારે આપણે જશુભાઈ પટેલ જેમણે –

•    ત્રીસ વરસ સુધી એક ટેસ્ટમેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો.

•    ચાલીસ વરસ સુધી ટેસ્ટમેચની કોઈ પણ એક ઈનિંગમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો.

•    વિજય હજારે સાથે પદ્મશ્રીનું બહુમાન મેળવનાર તેઓ પ્રથમ ક્રિકેટ ખેલાડી બન્યા.

       જશુભાઈ પટેલ 26 નવેમ્બર, 1924ના રોજ જન્મ્યા હતા. દસ વરસની ઉંમરે ઝાડ પરથી પડી જવાના કારણે તેમનો હાથ ભાંગ્યો. આ ભાંગેલો હાથ બરાબર સેટ નહીં થયો તેના કારણે એમની બોલિંગ એક્શન JERKY બની રહી. આ કારણથી તેમણે નાંખેલ OFF CUTTER ખૂબ કાતિલ બની રહેતા, ખાસ કરીને એવી મેટીંગ વિકેટ પર કે જે ટર્નિંગ હોય.

જીવનની શરૂઆતમાં થયેલો એક નાનો અકસ્માત.

એ જમાનામાં ઉપલબ્ધ સવલતો આજના જેવી નહોતી.

આને પરિણામે જશુભાઈને હાથમાં ખોડ રહી ગઈ.

આ ખોડ તેમને છેવટે એવી ક્ષમતા આપી ગઈ કે તે પોતાના ક્ષેત્રમાં સિદ્ધિની ચરમસીમાએ પહોંચ્યા.

જશુભાઈના જીવનમાંથી મળતો આ પહેલો મોટો બોધપાઠ છે.

અહીંયા હું ગુજરાતના એક સમયના વિદ્વાન શિક્ષણમંત્રી સ્વ.શ્રી નવલભાઈ શાહને ટાંકું તો –

“કર્મયોગીએ કામ કે સ્થળની પણ આસક્તિ રાખવી ન જોઈએ. તે પાછળ દોડવું ન જોઈએ. જે કામ માટે જીવનની તૈયારી હશે તે કામ બારણાં ઠોકતું આવશે. ભગવાનની જે ઈચ્છા હશે તે કામ તારી પાસેથી લેશે. કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે તેને અનુકૂળ ભૌતિક સામગ્રીઓ પણ આવી મળે છે. સાચી શ્રદ્ધાને માણસ વળગી રહે તો આવા અનેક અનુભવો જીવનમાં થાય, ને થયા છે... શ્રદ્ધા અને શુભ ભાવો જીવનનું મોટામાં મોટું બળ છે – અમૃત પ્રવેશે પાન નં. 56 અને 59”

જીવનમાં બનતી કોઈ પણ ઘટના ઈશ્વરની ઈચ્છા અથવા ભાવિની કોઈ અકળ રમતના ભાગરૂપે જ બને છે. આપણે ઘણીવાર જે ઘટનાને નકારાત્મક અથવા નુક્સાનકારક ગણીએ છીએ તે જ ઘટના આગળ જતાં શુકનિયાળ અથવા હકારાત્મક પૂરવાર થાય છે અને ત્યારે આપણે આનંદવિભોર બની જઈએ છીએ. સારૂં બને છે ત્યારે ઈશ્વર કે નસીબને યાદ કરવાનું વિસરાઈ જાય છે. જશુભાઈના જીવનનો આ દાખલો આ દિશામાં ઘણું બધું કહી જાય છે.

જશુભાઈની ક્રિકેટ કારકિર્દિ બહુ લાંબી ન હતી. તેઓ પ્રથમ ટેસ્ટમેચ પાકિસ્તાન સામે પાંચમી ટેસ્ટમાં 1953-54માં રમ્યા. ત્યારબાદ એક ટેસ્ટમેચ 1955-1956માં ન્યૂઝીલેન્ડ સામે અને 1956-57માં બીજી બે ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયા સામે રમ્યા. છેલ્લે 1959-60 સિરિઝમાં ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટમેચ રમ્યા. આમ, કુલ મળીને જશુભાઈ જેટલી ટેસ્ટમેચ રમ્યા તે બે આંકડામાં નથી પહોંચતી. માત્ર નવ જ ટેસ્ટમેચ અને 1960માં ટેસ્ટ કેરિયરમાંથી નિવૃત્ત એટલે કે માંડ સાત વરસની ટેસ્ટ કેરિયર. આમ છતાંય ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમેચનાં વિજયની શિલ્પી તરીકે જશુભાઈ હંમેશા યાદ રહેશે. જશુભાઈના જીવન અને કારકિર્દી પરથી મળતો આ બીજો પદાર્થપાઠ છે. માણસ કેટલું લાંબુ જીવે છે તે અગત્યનું નથી, પણ ટૂંકી જિંદગીમાં પણ એ ઘણીવાર એવા કામ કરી જાય છે કે જે એને કાયમના માટે અમર બનાવી દે છે. ખૂબ લાંબુ જીવનાર અને આકાશને આંબી જાય એટલી વૃદ્ધિ પામતું ઑકનું વૃક્ષ અને સવારે ખીલીને સાંજે વિલાઈ જતું કમળનું ફૂલ બે વચ્ચેની સુંદર સરખામણી નીચેની પંક્તિઓમાં કરવામાં આવી છે –

IT is not growing like a tree

In bulk, doth make man better be;

Or standing long an oak, three hundred year,

To fall a log at last, dry, bald, and sere:

A lily of a day

Is fairer far in May,

Although it fall and die that night;

It was the plant and flower of light.

In small proportions we just beauties see;

And in short measures, life may perfect be.

- Ben Jonson

આમાં છેલ્લી પંક્તિ મને હંમેશાં આકર્ષતી રહી છે જે કહે છે કે, નાના-નાના બનાવ, ઘટના કે કાર્ય થકી એક નાનું શું જીવન પણ કમળના ફૂલની માફક કલાત્મક રીતે ખીલી શકે. બહુ લાંબી ન કહી શકાય તેવી એક નાની શી જિંદગી પણ પૂર્ણતા પામી શકે !

જશુભાઈ પટેલ આનું આદર્શ ઉદાહરણ છે. માત્ર નવ જ ટેસ્ટમેચ અને દસ વરસ કરતાં પણ ઓછી ક્રિકેટ કારકિર્દી અને તે કારકિર્દીમાં પણ જ્યારે નિવૃત્તિના આરે હતા ત્યારે 34મા વરસે કાનપુર ટેસ્ટમાં મળેલ સિદ્ધિએ જશુભાઈને અમર બનાવી દીધા. આમ, જીવનમાં સફળતા કયા તબક્કે મળે છે તેની પણ બહુ વ્યથા કરવા જેવી નથી. જશુભાઈ એમની ટેસ્ટ કારકિર્દીને સમેટીને નિવૃત્ત થયા તેની ત્રણ જ ટેસ્ટ મેચ પહેલાં કાનપુરમાં નસીબની દેવીએ એમના કપાળમાં અનરગળ કીર્તિનું સુવર્ણતિલક કર્યું. જીવનમાં કોઈ પણ તબક્કે આવતી સફળતા ક્યારેય મોડી નથી હોતી તેનું આદર્શ ઉદાહરણ જશુભાઈ પટેલની જિંદગી છે.

કાનપુર ટેસ્ટમાં મળેલી આ જ્વલંત સફળતા બાદ જશુભાઈ માત્ર ત્રણ ટેસ્ટમેચ રમ્યા. માની લઈએ કે ટેસ્ટમેચમાંથી કદાચ એમને નિવૃત્તિ લેવી પડી હોય, પણ આટલી મોટી સિદ્ધિ મેળવનાર ભારતીય ક્રિકેટનો હીરો રણજી ટ્રોફીમાંથી પણ ત્યારપછીનાં બે વરસમાં સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ સ્વીકારી અને ત્યારબાદ 12 ડિસેમ્બર, 1992 સુધીનું જીવન અમદાવાદમાં કોઈ પણ પ્રકારનો દેખાડો અથવા ઝાકઝમાળ વગર વિતાવે એવી કોઈ કલ્પના ન કરી શકે.

પ્રસિદ્ધિની ચરમસીમાએ પહોંચવું અને પ્રશંસકોની વાહી વાહી મેળવવી એનો પણ એક નશો હોય છે. આ નશો ઉતરતાં ખૂબ વાર લાગે છે. કેટલાકને તો આ નશો ઉતરતો જ નથી. આનાથી તદ્દન વિપરિત જશુભાઈનું વર્તન છે. ક્રિકેટર તરીકે પહેલીવાર કોઈને પદ્મશ્રીનું બહુમાન મળ્યું હોય તો તે જશુભાઈ પટેલને મળ્યું (વિજય હજારેની સાથે). એ દિવસે એચ. એલ. કોમર્સના ગ્રાઉન્ડ પર ટોળાઓ વચ્ચે બેસીને જશુ પટેલની લોકપ્રિયતાની ચરમસીમા મેં જોઈ અને અનુભવી હતી. આ જશુ પટેલ એકાએક નિવૃત્ત થઈ જાય. રણજી ટ્રોફી રમવાનું પણ છોડી દે એ સમભાવવૃત્તિ એક સાધકની નિર્લેપતા જશુભાઈએ કઈ રીતે કેળવી હશે ? મને  આ પ્રસંગને અનુરૂપ ડૉન બ્રેડમેનનાં ઉચ્ચારણો યાદ આવે છે –

"It is always good to quit when people ask 'why' rather than 'when'."

જીવનનાં કોઈ પણ ક્ષેત્ર માટે આ કેટલું સાચું છે નહીં ?

માણસ ઢસરડા કરીને લાંબી જિંદગી જીવે એના કરતાં સમયસર એની ઈનિંગ્સ પૂરી થઈ જતી હોય તો કેટલું સારૂં ?

કોઈ ટ્રસ્ટ કે સંસ્થાના પ્રમુખપદે ચીટકી રહે અને છેવટે એ છોડે ત્યારે બધા હાંશકારો અનુભવે એ કેટલું ઊચિત ?

કોઈ મહેફિલમાં અથવા ચર્ચામાં વણનોતર્યો પેસી જાય, બેસી જાય અને છેવટે જાય ત્યારે બધા હાશકારાનો દમ લે તેના કરતાં સમયસર એ મહેફિલમાંથી વિદાય થઈ જવું સારૂં નહીં ?

જીવનની આટલી મોટી શીખ. જશુભાઈના પદ્મશ્રી મળ્યા બાદ સંપૂર્ણ ગરિમા સાથે ક્રિકેટને અલવિદા કહી દેવાના વર્તનમાંથી મળે છે અને એટલે જ મેં જશુ પટેલ વિશે છેલ્લા બે દિવસમાં ઘણું લખ્યું છે. જશુ પટેલ મહાન બૉલર કે ક્રિકેટર હતા કે નહીં તેના પર અનંત ચર્ચાઓ થઈ શકે, પણ કાનપુર ટેસ્ટના ઑસ્ટ્રેલિયા સામેના તેમના દેખાવમાં કાંઈક એવું તત્વ જરૂર હતું જેણે ભારત સામે કદી નહીં હારેલા અને ભારત આવતા પહેલા 16 ટેસ્ટમેચોમાંથી વેસ્ટ ઈન્ડિઝ કે ઈંગ્લેન્ડ જેવા દેશ સામે એક પણ ટેસ્ટ નહીં હારેલા ઑસ્ટ્રેલિયાને મંત્રમુગ્ધ કરી દીધા.

હા ! એ જશુભાઈની પળ હતી.

હા ! એ જશુભાઈનો દિવસ હતો.

તક્દીર મહેરબાન થાય ત્યારે...?

જીવનમાં આવા ચમત્કારો સર્જાય છે.

કાનપુર ટેસ્ટ અને જશુભાઈનો તરખાટ...

આ ચમત્કારોની યાદીમાં ચોક્કસ સ્થાન પામી શકે.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles