શિક્ષકની વ્યાખ્યા અંગે ચર્ચા કરી એક આદર્શ શિક્ષક પાસેથી શું અપેક્ષા છે તેની વાત આપણે કરી. ગુરૂવંદનાનો જે શ્લોક આપણે બોલીએ છીએ તેની પાછળ રહેલ ગૂઢાર્થ પણ સમજવાનો પ્રયત્ન કર્યો. શિક્ષક માટે બીજો શબ્દ વપરાય છે “માસ્તર”. આ શબ્દમાં પણ મોટું રહસ્ય છૂપાયેલું છે. શિક્ષકનું કામ શું છે તે આ શબ્દ છાપરે ચઢીને પોકારે છે. “માસ્તર” શબ્દનો આપણે જરા નજદીકથી પરિચય કરીએ.

મા નો અર્થ થાય “માતા”. બાળકનો પહેલો શિક્ષક માતા છે. બાળક જન્મે, ત્યાંથી સ્કૂલમાં આવતું થાય ત્યાં સુધીમાં માતાના સહવાસે એ બધું શીખે છે. છત્રપતિ શિવાજીને શૌર્ય અને રાષ્ટ્રભક્તિના પાઠ એમની માતા જીજીબાઈએ પારણે પોઢાડીને હાલરડું ગાતાં ગાતાં પઢાવ્યા હતા. લવ અને કૂશને રામથી ત્યજાયેલાં સીતા માતાએ રાજપૂત્રોને છાજે તેવી તાલીમ આપી હતી. મા જે શિક્ષણ આપે છે તે પાયાનું છે. માણસના વ્યક્તિત્વ ઘડતર અને સમજશક્તિનો પાયો નાખનાર મા છે. જેટલો પાયો મજબૂત એટલું જ એના ઉપર થનાર ચણતર મજબૂત. આ કારણથી આપણે શિક્ષકને મા પછીનું સ્થાન આપીએ તો એમાં કશું ખોટું નથી.

બીજો શબ્દ છે – “અસ્તર”. અસ્તરનો અર્થ નીચે મુજબ થાય છે.

(1) કપડાની અંદર સીવવામાં આવતું પડ.

(2) રંગ લગાવતાં પદાર્થ ઉપર ચડાવવામાં આવતું પડ.

(3) રસ્તા વગેરે ઉપર ચડાવવામાં આવતું ડામર વગેરેનું પડ.

વ્યક્તિત્વ ઘડતરમાં આ આવરણ એટલે કે અસ્તરને આપણે સંસ્કાર, આવડત, વર્તન વિગેરેની સાથે સરખાવી શકીએ. આ અસ્તર પાસેથી બે ગુણ અપેક્ષિત છે. પહેલો એ મજબૂત હોવું જોઈએ. આવડત કે સંસ્કારરૂપી અસ્તર ટકોરો વાગે ને તરડાઈ જાય એવું તકલાદી હોય તો ન ચાલે. આ અસ્તર ચઢાવવાની પ્રક્રિયા જે કરે. મા એ સોંપેલ બાળક ઉપર સંસ્કાર, ક્ષમતા, માનવતા વિગેરે ગુણોનું મજબૂત આવરણ ચઢાવી એને વધુ શોભતો અને વધુ ક્રિયાશીલ તેમજ ઉપયોગી બનાવે તે માસ્તર. આ અપેક્ષા જેની પાસેથી હોય તે વ્યક્તિ “પંતુજી” તો ન જ હોઈ શકે. એક ગુરૂ તરીકે એનામાં માનવ ઘડતરનું આ અત્યંત આવડત માંગી લેતું કામ કરવા માટે સૌથી પહેલું અંતરનો ઉમળકો બને. બીજું, પોતાનું જ્ઞાન તેના મગજમાં વાવવાની ક્ષમતા હોવી જોઈએ. આપણે આજે “માસ્તર” શબ્દને જે હદે નીચે લઈ ગયા છે અને પછી જો કહીએ કે “ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાય છે” તો એ ભાવિ કેવું ઘડાય એનું વર્ણન કરવાની જરૂર નથી.

શિક્ષક એટલે કે માસ્તર વ્યક્તિત્વ ઘડતરનાં પાયામાં છે. આ વ્યક્તિત્વ ઘડતર એટલે શું ? વ્યક્તિત્વ શેને કહેવાય ? શું સારા કપડાં પહેરવાં, ટાપટીપ કરવી, ચપચપ-ધાણીફૂટ અંગ્રેજી બોલવું – આને વ્યક્તિત્વ કહેવાય ? મહદ્અંશે આપણે વ્યક્તિત્વને આ રીતે સમજવાની ગેરસમજ કરીએ છીએ. વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ ઘડતર વિશે ફાધર વાલેસ કાંઈક આમ કહે છે –

વ્યક્તિત્વ –

જેના વડે માનવ માનવ થાય,

વ્યક્તિ વ્યક્તિ થાય

અને કુટુંબ અને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવે,

જેના કારણે

મહાન પૂરૂષો મહાન થયા

અને

નેતાઓ નેતા બન્યા,

જેના પ્રતાપે

બુદ્ધિની ખોટ મહેનત પૂરે

અને

શરીરના દોષ આત્મબળ ભૂલાવી દે...

એ તત્વ

કે એ યંત્ર

યા

એ આંતરિક પ્રવાહોનો સંગમ

એ જ વ્યક્તિત્વ

શિક્ષણ એ વ્યક્તિવ વિકાસનો એક ભાગ છે, પણ સ્વયં સંપૂર્ણ INGRADIENT એટલે કે, ઘટક નથી. એક આદર્શ શિક્ષક માતાની માફક જ ક્યાંક પોતાના વર્તનથી, ક્યાંક પોતાના વ્યવહારથી, ક્યાંક આ ધરાતલ પર હયાત અથવા પસાર થયેલ અનુકરણીય વ્યક્તિત્વોમાંથી પણ વખત આવ્યે એવું શીખવાડે કે જે જીવનભર તમારી મૂડી બની રહે એ શિક્ષક અથવા માસ્તર.

શંકરલાલ વૈજનાથ પાધ્યા એટલે કે અમારા ઘરડા પાધ્યા સાહેબ. બહુ હળવાશમાં જીવનનાં કેટલાક ગૂઢ રહસ્યોની ચાવીઓ પકડાવી દેતા એ આજે ખ્યાલ આવે છે. એક ઉદાહરણરૂપે લક્ષ્મી અને પાર્વતી વચ્ચેનો આ સંવાદ –

ભીક્ષુઃ ક્વાસ્તિ ?

બલેર્મખે

પશુપતિઃ  ?

કીં નાસ્ત્યૌ સ ગોકુલે ?

મુગ્ધે પન્નગભૂષણઃ

સખી સદા શે તે સ શેષોપરી !

બાલે મુંચ વિષાદમાશુ

ચપલે નાહં પ્રકૃત્યા તવઃ

એષઃ શૈલસુતા સમુદ્ર તનયો

સંભાષણમ્ પાતુવઃ

આ સંવાદ આજે પણ પાધ્યા સાહેબે શીખવાડ્યો હતો તેવો ને તેવો મને યાદ છે. માનવસંબંધો અને મનોવિજ્ઞાનને લગતાં મારા અનેક ભાષણોમાં મેં આ સંવાદ ટાંકીને વાહી વાહી મેળવી છે.

એનો અર્થ સમજીએ.

એક દિવસ મા પાર્વતી લક્ષ્મીજીને મળવા વૈકુંઠ પધારે છે. લક્ષ્મીજીનો સ્વભાવ તો તમને ખબર છે. કાંચન અને કામિની આ બે એવાં પરિબળ છે કે જે ભલભલા મુનિવરોને પણ બદલી નાખે છે એટલે જ કહ્યું છે –

“કાંચન દેખી મુનિવર ચળે”

બીજી બાજુ, પાર્વતીજી ભોળિયા શંભુ સાથે રહે છે. સાદગી અને કઠોર તપશ્ચર્યા એમનું જીવન છે. સાથોસાથ શિવ માટેની પ્રબળ લાગણી અને શંકર માટે જરાય ઘસાતું ન સહી લેવાની તૈયારી પાર્વતીના વ્યક્તિત્વનો એક ભાગ છે. પોતાના પિતૃગૃહે પતિનું અપમાન થતાં જેણે ખૂદ પોતાની આહૂતિ આપી હતી તે સતી એટલે જ પાર્વતી. આ પાર્વતીજીને તમે ભગવાન શંકર વિશે કોઈ પણ પ્રકારની મજાક અથવા ઘસાતું બોલો તે ગમે ખરૂં ? દારૂ અને દેવતા ભેગો જ થાય ને ?

અને લક્ષ્મી આ ભૂલ કરે છે.

લક્ષ્મી આજે મજાકના મૂડમાં છે.

એટલે એ પાર્વતીજીને સીધો પ્રશ્ન કરે છે –

“ભીક્ષુઃ ક્વાસ્તિ ?” એટલે કે પેલો ભિખારી ક્યાં છે ?

ભગવાન શંકર વિશે પાર્વતીને કોઈ આવું કહે તો બૉમ્બ ધડાકો જ થાય ને, પણ પાર્વતી સ્વયં અત્યારે લક્ષ્મીજીને એમની જ બાજી રમીને હરાવવાના મૂડમાં છે.

એ બિલકુલ ઠંડે કલેજે જવાબ આપે છે –

“બલેર્મખે.”

એટલે કે “બલિરાજાના યજ્ઞમાં”. હવે બલિરાજાના યજ્ઞમાં યાચક તરીકે તો વિષ્ણુ ગયા હતા. લક્ષ્મીજીને સણસણતો જવાબ મળે છે.

બીજો પ્રશ્ન પૂછાય છે –

“પશુપતિઃ ?”

“અરે બહેન ! પેલા ઢોર ચારવાવાળાની વાત છે.”

એટલી જ ઠંકડથી પાર્વતીજી પ્રશ્નનો જવાબ પ્રશ્નથી આપે છે –

“કીં નાસ્ત્યૌ સ ગોકુલે ?”

“કેમ તે ગોકુળમાં નથી ?” (ગોકુળમાં ગાયો એટલે કે ઢોર તો કૃષ્ણ ચારતા હતા જે વિષ્ણુ ભગવાનનો અવતાર હતા.)

સંવાદ આગળ ચાલે છે.

લક્ષ્મી કહે છે –

“મુગ્ધે પન્નગભૂષણઃ”

“અરે ગાંડી ! સાપોલિયાંનાં આભૂષણ જે પહેરે છે (શિવ) તેની વાત કરૂં છું.”

વળી પાછી એ જ સ્વસ્થતાથી પાર્વતીનો જવાબ આવે છે –

“સખી સદા શેતે સ શેષોપરી !”

“બહેન ! એ તો હંમેશા શેષનાગ પર સૂઈ રહે છે. (શેષનાગ પર તો ભગવાન વિષ્ણુ શયન કરે છે)

પાર્વતીજીની ઠેકડી ઉડાડવા જે મજાકનો દોર લક્ષ્મીજીએ શરૂ કર્યો હતો તેમાં એક પછી એક માથામાં વાગે તેવા જવાબો મળતાં લક્ષ્મીજી પોતે ગુસ્સે થઈ જાય છે. માણસ જ્યારે ગુસ્સે થાય ત્યારે પહેલો ભોગ એની સારાસાર સમજવાની શક્તિનો લેવાય છે. મગજ ગુમાવીને લક્ષ્મીજી સતી પાર્વતીને સલાહરૂપે કહે છે –

“બાલે મુંચ વિષાદમાશુ”

“અરે ! બાલિકા, આ ઝેર પીવાવાળાને છોડી દે”

સતી પાર્વતી માટે આથી મોટું અપમાન કાઈ હોઈ શકે ?

એમના ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળવો જોઈતો હતો.

પણ, એમ થતું નથી.

એટલા જ સ્વસ્થ ચિત્તે એ જવાબ આપે છે –

“ચપલે નાહં પ્રકૃત્યા તવઃ”

અર્થ થાય – “બહેન ! એકને છોડીને બીજે, બીજાને છોડીને ત્રીજે જવાની પ્રકૃતિ તો તારી છે, મારી નહીં.”

લક્ષ્મી ચંચળ છે

અને છેલ્લે કહ્યું છે –

“એષઃ શૈલસુતા સમુદ્ર તનયો

સંભાષણમ્ પાતુવઃ”

અર્થ થાય છે –

“શૈલસુતા એટલે કે પર્વતની પુત્રી – પાર્વતી,

સમુદ્ર તનયા એટલે કે સમુદ્રની દીકરી લક્ષ્મી

બે વચ્ચેનો આ સંવાદ આપણું રક્ષણ કરો. ”

ખરી વાત હવે આવે છે. આ સંવાદ આપણું રક્ષણ કઈ રીતે કરી શકે ?

શું આ શ્લોક વારંવાર બોલીએ એટલે ફળ મળે ?

ના ! એવું નથી.

આ શ્લોકમાંથી ગમે તેવી વિપરિત પરિસ્થિતિમાં પણ

આપણને ઊભા ને ઊભા સળગાવી નાંખે તેવું બને તો પણ

પાર્વતીની માફક આપણે આવી પરિસ્થિતિનો સામનો કરવાનું આવે.

ત્યારે મગજ નહીં ગુમાવતા, જબાન ઉપરનો કાબૂ નહીં ખોતા,

સ્વસ્થ ચિત્તે

સંયત અને યોગ્ય ભાષામાં

જવાબ આપીને પરિસ્થિતિ આપણી તરફેણમાં પલટાવી શકાય છે.

મા ને “મા” પણ કહી શકાય છે,

“બાપની વહુ” પણ કહી શકાય છે.

આ ઉદાહરણ પાધ્યા સાહેબે અમને 10મા ધોરણમાં શીખવાડેલું.

તે જ વાત જરા મઠારીને IIM કે હાર્વર્ડ જેવી ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓ “COMMUNICATION & EFFECTIVE HUMAN RELATIONS.” વિષય તરીકે ભણાવે છે.

આ કામ માસ્તરનું છે.

પાધ્યા સાહેબે ચઢાવેલું આ અસ્તર...

વર્ષો વીતવા છતાં

અનેક વાર વપરાવા છતાં

આજે પણ એટલું જ ચકચકિત છે.

આ અસ્તરને છેદી શકાય તેમ નથી.

આ અસ્તર પાધ્યા સાહેબે ચઢાવ્યું.

આવાં જ ઘણાં બધાં અસ્તર બીજા શિક્ષક સાહેબોએ પણ ચઢાવ્યા છે.

અને એટલે

હું આજે બેધડક કહેવા માગું છું,

હા ! મારા આદરણીય શિક્ષકો

માસ્તર હતા,

એક ઉત્તમ કક્ષાના માસ્તર.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles