લક્ષ્મીપોળ – જ્યાં સાક્ષાત્ લક્ષ્મીનારાયણ વસે છે
નીલકંઠ મહાદેવ અને હનુમાન ગલીવાળા નાકેથી ઉપલી શેરીમાં પ્રવેશ કરી આગળ વધીએ એટલે આશાપુરા માતાજીનું મંદિર આવે. ત્યાંથી સીધા જઈએ એટલે બાવાજીની ખડકી અને ફૂલવાડી વિસ્તાર. જમણે હાથે વળાંક લઈને રસ્તો આગળ વધે. થોડો સાંકડો થાય અને પથ્થર પોળ બાજુના જમચકલાથી સ્ટેશનના મુખ્ય માર્ગ પર મળે તે પહેલાં જ જમણી બાજુ એક અતિપ્રાચીન મંદિર આવેલું છે. ભગવાન લક્ષ્મીનારાયણ સ્વયં અહીંયાં બિરાજે છે. આ કારણથી જ તમે આ વિસ્તારમાં પથ્થર પોળ બાજુથી પ્રવેશ કરો તો એને લક્ષ્મીપોળ નામ આપ્યું છે. લગભગ ૧૨૦૦ વરસ કરતાં પણ વધુ પુરાણા એવા ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરનુ મહાત્મ્ય અને એનો ઇતિહાસ નીચે મુજબ છે.
સિદ્ધપુર શહેરની મધ્યમાં લક્ષ્મીપોળ વિસ્તારમાં અતિપ્રાચીન અને પૌરાણિક ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે. આ મંદિર ગામનું મુખ્ય મંદિર છે. ઐતિહાસિક રુદ્રમહાલય પર ચઢાઈ કરવામાં આવી ત્યારે લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિને પણ ખંડિત કરવામાં આવી હતી. આ મૂર્તિને મંદિરના મુખ્ય સ્થાનેથી ખસેડીને બહાર દીવાલ ઉપર રાખીને નવીન મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પુરાતત્વવિદ વાકણકરજી જ્યારે સિદ્ધપુર આવેલા ત્યારે તેમણે આ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓના મતે આ મંદિર ૧૨૦૦ વર્ષ પુરાણું છે. ૧૯૯૭-૯૮ના વર્ષમાં ગોવિંદમાધવ કમિટીએ આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું. પરંતુ ૨૦૦૧ની સાલમાં વિનાશક ભૂકંપના કારણે મંદિરનો ગર્ભગૃહ, ઘુમ્મટ તેમજ મંદિરની ચારેબાજુની દિવાલો જર્જરિત થઈ હતી. ભૂકંપમાં મંદિર જર્જરિત થતાં તેના જીર્ણોદ્ધાર માટે મૂળ સિદ્ધપુરના રહીશ અને હાલમાં પાલનપુર સ્થિત ઉદ્યોગપતિ જ્યોતીન્દ્રભાઈ મોઢ તેમજ બાલકૃષ્ણભાઈ, હરેશભાઈ મોઢ પરિવાર દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્વાગત પરિવાર, સુરતવાળા મહેન્દ્રભાઇ મોઢ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. જીર્ણોદ્ધાર કમિટીના પ્રમુખ જયંતિલાલ ગણપતલાલ ભટ્ટની દેખરેખ હેઠળ ૨૦૧૦માં મંદિરને આરસથી સજાવવામાં આવ્યું છે. સાથે જ સત્સંગ હૉલ અને પૂજારી માટે રહેવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે.
મંદિરમાં લક્ષ્મીનારાયણ ઉપરાંત મા સિદ્ધાંબિકા, અંબાજી, ચામુંડા માતા, સૂર્યનારાયણ, શિવજી, હનુમાનજી, બળિયાદેવ, ઢોંસમાતાજી બિરાજમાન છે. આ મંદિરની અંદર શીતળા માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. શીતળા સાતમના દિવસે આ મંદિરમાં ગામનો મોટો મેળો ભરાય છે. બહેનો પોતાના પરિવારના સ્વાસ્થ્યની રક્ષા માટે અહીંયાં પ્રાર્થના કરી બાધા રાખે છે. સિદ્ધપુરમાં જન્મેલ જ્ઞાતિના લોકો પોતાના દીકરાના લગ્ન પછી કાંકણ છેડાછેડી માટે આ મંદિરમાં જ આવે છે અને ભગવાનના દર્શન કરી લગ્ન જીવનની સફળતા તેમજ સુખ સમૃદ્ધિ માટે ભગવાનના આશીર્વાદ મેળવે છે. જયંતિલાલ ગણપતલાલ ભટ્ટ પરિવાર આશરે દોઢસો વરસથી ભગવાનની સેવાપૂજા કરી રહ્યો છે. મંદિરમાં અખંડ દીવાજ્યોતિ ચાલે છે. મંદિરની વ્યવસ્થા શ્રી લક્ષ્મીપોળ અને ઉપલી શેરી યુવક મંડળના યુવાનો, મોઢ-મોદી સમાજ કુળદેવી પરિવાર તેમજ મહેન્દ્રભાઈ મોઢ દ્વારા સંભાળવામાં આવે છે.
શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કેટલીક જ્ઞાતિઓના આરાધ્યદેવ તરીકે પણ પૂજાય છે. સિદ્ધપુરના મોઢ-મોદી, વૈષ્ણવ વાણિયા, મોચી સમાજ અને અન્ય સમાજના કુળદેવી છે. સિદ્ધપુરના ઘણા કુટુંબો નવરાત્રિના લક્ષ્મીમાતાના નકોરડા ઉપવાસ કરે છે અને દશેરાના દિવસે મંદિરમાં ઉપવાસ છોડે છે. લક્ષ્મી માતાના દર્શન કરી ખંડ ભરે છે. દિવાળીના દિવસે વેપારીઓ લક્ષ્મી માતાના દર્શન કરી પછી પોતાના ચોપડા પૂજન કરે છે. પોષ સુદ બીજના દિવસે ભગવાનનો પ્રાગટ્યદિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે દિવસે નવચંડી હવન પણ કરવામાં આવે છે.
આજના જેવી રસી તે વખતે નીકળી નહોતી. પચાસનો દાયકો જ્યારે હું બાળક તરીકે ઉછરી રહ્યો હતો ત્યારે ઓરી (Measles), શીતળા (Smallpox), અછબડા (Chickenpox) અને ઉટાટિયું (Whooping cough) એકાદ વખત તો તમારી મુલાકાત લઈ જ જાય. આવું કંઇ પણ થાય ત્યારે મા બે કામ કરે. એક, ઘરના બારણાંમાં લીમડો બાંધે, મારા ખાટલા પર પણ લીમડાની ડાળખી બાંધે અને બીજું, શીતળા માતાને હેમખેમ આ કોપમાંથી મને બહાર કાઢવાની વિનંતી કરે. એ જમાનો આ બધા રોગોને શીતળામા કે બળિયાદાદાના પ્રકોપ તરીકે જોવાનો હતો. કોઈ પણ દવા અપાતી નહોતી. આ બીમારી થાય એટલે તાવ તો આવે જ એવી સ્વીકૃત માન્યતા. સાત દિવસ નિશાળે જવાનું કે બહાર રમવા જવાનું, રખડવા જવાનું બંધ. ઘરે રહીને આરામ કરવાનો. સાતમા દિવસે મા લક્ષ્મીપોળમાં આવેલા આ શીતળા માતાના મંદિરે પગે નમાડવા લઈ જાય. સાથે કુલેર, નાળિયેર, માટીનો એક નવો નક્કોર ઘડો, ઉપર કોડિયું લઈ જવાનું. એની સાથે એક કોરો કાગળ પણ હોય. મા એને ઢાંસીનો કાગળ કહેતું એવું આછુંપાતળું યાદ છે. મદિરમાં દર્શન કરાવે, શ્રીફળ વધેરતાં ખાસ કાળજી રાખવાની કે દીવાની જ્યોતને એની ચોટલી અડકાડવાની નહીં. કુલેરનો પ્રસાદ ધરાવાય અને મા ખોળો પાથરી માતાજી સામે આભારવશ થઈ પ્રાર્થના કરે. એક શીતળા સિવાય બાકીના બધા ઉપદ્રવમાંથી હું બાર વરસનો થયો એ પહેલાં પસાર થયો હતો અને એટલે ત્રણ વાર તો આ વિધિ માટે શીતળા માતા અને બળિયાદેવના દર્શને લક્ષ્મીપોળના આ મંદિરે જવાનું થયેલું. આ સિવાય પણ મા ગામમાં આવી હોય (અમે સિદ્ધપુરને ગામ કહેતા) ત્યારે માતાજીના દર્શનનો લ્હાવો મળે. લક્ષ્મીનારાયણનાં દર્શન પણ થાય. આજે આ બધું નજર સામે તરવરે છે. ઘરથી ગામમાં જતાં ગોગાબાપજી, સિકોતર માતા અને પછી પશવાદળની પોળમાં પેસતા જ બહુચરમાનું મંદિર, વેરાઈના મહાડમાં વારાહીમાનું મંદિર, પંચમુખી હનુમાન, રાધાકૃષ્ણ અને રણછોડજીનું મંદિર, ગોવિંદરાયજી-માધવરાયજી, લીલાબાવા, આશાપુરામા અને લક્ષ્મીનારાયણ તેમજ શીતળામા-બળિયાદેવનું મંદિર માની સિદ્ધપુર યાત્રા વખતે આ બધે જ માથું નમાવવાનું. ક્યાંક પ્રસાદ મળે તો રાજીના રેડ થઈ જવાય. ક્યાંક ચરણોદક મળે તો ક્યાંક ખાલી ભગવાનની અમીદ્રષ્ટિ. માની સાથે મેં માત્ર સિદ્ધપુર જ નહીં પણ ધર્મને પણ અપ્રત્યક્ષ સ્વરૂપે જોયો છે. આજે આ બધું ખૂબ સાર્થક અને શાંતિદાયક લાગે છે. લક્ષ્મીનારાયણ અને શીતળામા-બળિયાદાદાનું મંદિર એ ઉપલી શેરીમાં અમારા સગાના ઘરેથી પાછા ફરતાં માના સર્ક્યુલર રૂટનું છેલ્લું સ્ટોપ હતું. મા એકવડીયા બાંધાની અને પ્રમાણમાં ઝડપથી ચાલતી. માની સાથે ગામમાં જવાનો કોઈ પણ કારણસર પ્રસંગ ઊભો થાય ત્યારે મારા માટે એ દિવસ વણલખ્યો તહેવાર બની જતો. પાકા અને સુવિધાવાળાં ઘર, સાફસુથરા માણસો, શિષ્ટ ભાષા, વડીલો સામે વિવેક અને સાંજ પડે ત્યાં ઝગમગી ઉઠતા વીજળીના દીવા. આજે અમેરિકાની પ્રગતિ વિષે સાંભળીને જેટલા અભિભૂત નથી થવાતું તેટલું એ વખતના સિદ્ધપુરની જાહોજલાલી મને અભિભૂત કરતી. મારા બાળપણનું કાચા રસ્તાવાળું એ સિદ્ધપુર આજના સિદ્ધપુર કરતાં વધુ સારું લાગતું. શક્ય છે મારા બાળપણનો એ ભ્રમ પણ હોય.