वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन
उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा
મારું પાડોશી પરિવાર ભારતીય ચલચિત્ર ઉદ્યોગની ગઈકાલને પોતાના શોખથી જીવંત રાખે છે. ૧૭ મેની રાત્રિ અને ૧૮ મેની સવારે સરસ મજાની નીંદર બાદ ધીરે ધીરે આંખો ખૂલી રહી હતી. નિંદ્રામાંથી તંદ્રા અને ત્યારબાદ જાગૃત અવસ્થામાં આવવાની આ પ્રક્રિયા દરમિયાન જ ભૂતકાળમાં મહેન્દ્ર કપૂરના કંઠે ગવાયેલ ગુમરાહ (૧૯૬૩) ફિલ્મનું ગીત ‘ચલો એકબાર ફિર સે...’ વાગી રહ્યું હતું. ગમ્યું. એટલે પથારીમાં પડયા રહેવાનો સમય થોડો લંબાવી દીધો. ગીત આગળ વધી રહ્યું હતું અને બરાબર ત્યારે જ કાને આ શબ્દો પડ્યા –
तार्रुफ़ रोग हो जाये तो उसको भूलना बेहतर
ताल्लुक बोझ बन जाये तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन
उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा
चलो इक बार फिर से ...
છેક છેલ્લે સુધી આ ગીત સાંભળ્યું. એકાએક ઘણા દિવસથી મને પજવતી એક સમસ્યાનો ઉકેલ મળી ગયો. જીવનમાં અનેક વસ્તુઓ, સજીવ અને નિર્જીવ, સાથે આપણે જોડાઈએ છીએ. નિર્જીવ વસ્તુઓ સાથે તો મહદંશે, સિવાય કે કોઈ અકસ્માતમાં એ તૂટે કે સળગી જાય અથવા પછી ચોરાઈ જાય, આપણી મરજી પ્રમાણે આપણે વરતી શકીએ છીએ. જુની થઈ તો એને રીપેર કરાવી ફરી પાછી એની જગ્યાએ સ્થાપિત કરી શકીએ છીએ. કામમાં આવે એવી જ નથી તો એને ઘરમાં જગ્યા રોકતી મટાડી વિદાય કરી શકીએ છીએ. પણ સજીવ સંબંધોના કિસ્સામાં આવું થાય છે ખરું? જ્યાં લાગણીના સંબંધો જોડાયા હોય ત્યાં એ ગાંઠોને ખોલવાનું અથવા તોડવાનું એટલું સરળ નથી હોતું.
મારા એક અતિ નિકટના મિત્રે મને એની સાથે બની રહેલ ઘટનાથી વાકેફ કર્યો. પોતે શું કરવું જોઈએ, જેની સાથે લાગણીના સંબંધો જોડાયેલા છે એવા એના કુટુંબના સભ્યોમાંથી કેટલાક છેલ્લા કેટલાક સમયથી એની સાથે વિચિત્ર વર્તન કરી રહ્યા છે. ખૂબ લાડકોડમાં ઉછેરેલ આ સંતાનો હવે એને સલાહ આપવામાં કે ભૂલો કાઢવામાં જરાય પાછળ નથી રહેતાં. ઘરમાં પણ એની સાથેનો વ્યવહાર મહેમાનગતી પૂરી કરીને પોતાનો સામાન સમેટી વિદાય થવાની તૈયારી કરીને બેઠેલા કોઈ વડીલની સાથેના વ્યવહાર જેવો છે. અત્યાર સુધી પાણી માગ્યું ને દૂધ આપ્યું તે પિતા અને હથેળીનો છાંયડો કરી ઉછેર્યા તે માતા વ્હાલાં લાગતાં હતા. હવે બધું બદલાયું છે. વડીલમાંથી આશ્રિત બન્યા છે. આ ઉંમરે એને બીજી કોઇ ખેવના નથી પણ પોતાનાં સંતાનો કે એમના સંતાનો બે ઘડી પાસે બેસે, કંઈ વાતચીત કરે, એવા એણે સેવેલા અરમાન ભાંગીને ભટુરિયું થઈ ગયા છે. સૌ કોઇ સૌ કોઈમાં વ્યસ્ત છે. કદાચ પેલો સામાન તૈયાર કરી મુસાફરીએ નીકળવા તૈયાર થઈ બેઠેલો વૃદ્ધ અને એની પત્નીની સુખદ વિદાયની રાહ જોવાય છે.
પણ સમય ક્યાં કોઈની રાહ જુએ છે? પોતે ક્યાં જશે, શું કરશે, કશું જ નિશ્ચિત નથી. અત્યારે તો હરિદ્વાર જવાનો ઇરાદો છે. આગળનું જોયું જશે. દીકરો એમને માટે ઉબર બોલાવી રહ્યો છે. બસ હવે છેલ્લી ૧૦થી ૧૨ મિનીટ...
ટેક્સી આવે એ પહેલા છોકરાઓ આવીને મળી જાય છે, પુત્રવધુ આશીર્વાદ લઇ જાય છે. બધું જ યંત્રવત. બાળકોને માથે હાથ ફેરવી આશીર્વાદ આપતા બંને વૃદ્ધ મા-બાપની આંખ ભીંજાય છે. એના એક ખૂણે લાગણીઓનો ધોધમાર પ્રવાહ ઉમટી પડવા જાણે જોર મારી રહ્યો છે. એને રોકીને આ દંપતી પોતાના દીકરા અને વહુને પણ આશીર્વાદ આપે છે. સામાન બહુ નથી. દીકરો એને ઊંચકીને ટેક્સીમાં મૂકી દે છે. મા-બાપ ગોઠવાઈ જાય એટલે ‘ટેક કેર’ કહી એ ટેક્સીનું બારણું બંધ કરી દે છે. એણે ધ્યાન રાખીને એટલી વ્યવસ્થા તો જરૂર કરી છે કે પેલાં વૃદ્ધ મા-બાપને સહી-સલામત તેમના રિઝર્વેશનના ડબ્બામાં બેસાડી સામાન ગોઠવી આપે તે માટે રઘુને સાથે મોકલ્યો છે. છેક નાનપણથી રઘુ આ પરિવારનો ભાગ છે. ઘરકામ કરતાં કરતાં એ માના હાથે જ ઘડાયો છે. ટેક્સી હવે સ્ટેશન તરફ દોડી રહી છે. હવે એમનું આગળનું નિવાસસ્થાન થોડા દિવસ માટે તો ગંગા કિનારે આવેલ એક આશ્રમ બનવાનું છે. આ એ આશ્રમ છે જેમાં પોતે પણ સારું એવું દાન આપ્યું છે. ત્યારે ખ્યાલ પણ નહોતો કે એક દિવસ આ આશ્રમ ટૂંકા તો ટૂંકા સમય માટે પોતાનું આશ્રયસ્થાન બનશે. બે-ચાર દિવસ બાદ હરિદ્વાર પહોંચી અને પેલા આશ્રમમાં એક ઓરડામાં ગોઠવાયા પછી આ વૃદ્ધ મને ફોન કરી પોતાની વિતક કથા જણાવે છે. આગળ શું કરવું તેની સલાહ માંગે છે. આ વૃદ્ધ મારો લંગોટિયો દોસ્ત હજુ ૭૫ વરસની ઉંમરે પણ ખડતલ, સાહિત્યનો એને જબરજસ્ત શોખ. છેક બાળપણથી એના મોટાભાગના નિર્ણયો અને મૂંઝવણો એ મારી સાથે વહેંચે અને સલાહ પર લે. હું એની આ વ્યાથાકથામાં તાત્કાલિક તો શું કહી શકું? એટલે થોડો સમય માંગી મારા મિત્રને પોતાની સંભાળ રાખવા અને હરિસ્મરણમાં સમય ગાળવાની સલાહ આપું છું.
બસ આ જ પ્રશ્નમાં મારે સલાહ આપવાની છે અને જ્યારે કંઈ જ સૂઝતું નહોતું ત્યારે આ પંક્તિઓ ‘वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा’ મને જાણે એકાએક ખજાનાનું બારણું ખોલી આપે છે. મળી ગયો જવાબ.
चलो इक बार फिर से, अजनबी बन जाएं हम दोनो
चलो इक बार फिर से ...
तुम्हें भी कोई उलझन रोकती है पेशकदमी से
मुझे भी लोग कहते हैं कि ये अपने पराए हैं
मेरे हमराह भी रुसवाइयां हैं मेरे माझी की - २
तुम्हारे साथ गुज़रे गुजरे वक्त की यादे हैं
चलो इक बार फिर से ...
तार्रुफ़ रोग हो जाये तो उसको भूलना बेहतर
ताल्लुक बोझ बन जाये तो उसको तोड़ना अच्छा
वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन - २
उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा
चलो इक बार फिर से ...
(સાહિર લુધિયાનવી સાહેબની ક્ષમાયાચના સાથે નાનકડો ફેરફાર કર્યો છે.)
આ ગીતમાં કેટલો સરસ ઉકેલ આપ્યો છે. જ્યારે કોઈ પણ સંબંધો કે લાગણીઓ બોજ બની જાય ત્યારે, જ્યારે વધુ ખેંચવાથી ટૂંકી જાય એવું લાગે ત્યારે, એને એક સરસ મજાનો મોડ આપી, ચીલો ચાતરી, પોતાના રસ્તે વળી જવું એ જ શ્રેયકર છે. કશું જ કાયમી નથી. આજ દિવસ સુધી પેલા વૃદ્ધે આપ્યું જ છે, લીધું નથી. પેલી માએ આપ્યું જ છે, લીધું નથી. ત્યારે એવું તો શું થયું કે આ સંબંધોમાં ભાર લાગવા માંડ્યો?
ખેર! પહેલો ઉપાય તો સંબંધો વણસી રહ્યા છે તેનો સ્વીકાર કરવો તે છે. અને ત્યારબાદ આ અગાઉ જે ગીતની પંક્તિઓ લખી છે તે છે. મનોમન હું હળવાશ અનુભવું છું. પેલા દોસ્તની સમસ્યાનો ઉકેલ અનાયાસે જ મને મળી ગયો છે. હું હરિદ્વાર ફોન લગાડું છું અને પેલા દોસ્તને સલાહ આપું છું કે વધુ કડવાશ ઊભી થાય તે પહેલાં આ સંબંધોને એક સરસ મજાનો મોડ આપી, વાસ્તવિકતાનો સ્વીકાર કરી છોડી દેવા જોઈએ. કોઈપણ પ્રકારની કટુતા વગર થોડો સમય પસાર થાય પછી જ આમાં આગળ કંઈ વિચારવું. બાકી ઘેર ઘેર માટીના ચૂલા છે એમ સમજી મન વાળી લેવું. છેવટે તો ‘જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો’.
સામે છેડેથી વરસો સુધી જતન કરીને ઉછેરેલ વૃક્ષ જેના પર આ પંખીમેળો રચાયો હતો તે જાણે કે ધ્રુજી રહ્યું છે. એને ભય લાગે છે કે આ પંખીનો માળો આ તૂટતા વૃક્ષની ડાળીઓના મારથી તૂટી તો નહી જાય ને?
શું લાગે છે આપને?
વાસ્તવિકતાનો સ્વીકાર કરી બધું ભૂલી શકાય?
જો એનો જવાબ ના હોય તો?
મારે નવેસરથી મારી સલાહ બદલવી?