અમારી ટ્રેન અમદાવાદ બ્રોડગેજ રેલ્વે સ્ટેશને પહોંચી. સામાન વિગેરે બાંધીને અમે તૈયાર હતા. કૂલીને બોલાવી સામાન લેવડાવી દીધો. અમારે હવે અમદાવાદના મીટરગેજ સ્ટેશનેથી ઉપડતી દિલ્હી મેઈલ પકડવાની હતી. હજુ ટ્રેન ઉપડવાને સારો એવો સમય બાકી હતો એટલે કોઈ ઉતાવળ નહોતી. અમે આરામથી મીટરગેજ સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચ્યા. દિલ્હી મેઈલની રેક હજુ પ્લેટફોર્મ પર લાગી નહતી. એક બાંકડા પાસે સામાન મૂકી રાહ જોવાનું કહી કૂલી ગયો. પ્લેટફોર્મ ઉપર ધીરે ધીરે ચહલપહલ વધવા માંડી હતી. મુસાફરો જેમ જેમ આવતા જતા હતા તેમ તેમ પ્લેટફોર્મ ઉપર મૂકેલા બાંકડા ભરાતા જતા હતા. લગભગ અડધો કલાક વીત્યો ત્યાં સુધીમાં તો સારી એવી સંખ્યામાં મુસાફરો ભેગા થઈ ગયા. થોડીવારમાં અમારો કૂલી પણ આવી પહોંચ્યો. ગાડી પ્લેટફોર્મ ઉપર મુકાય એની સૌ આતુરતાથી રાહ જોતા હતા. થોડીક મિનિટો વીતી હશે તેટલામાં યાર્ડમાંથી પ્લેટફોર્મ ઉપર આવતી ટ્રેનને જોઈને સૌ સતર્ક થઈ ગયા. અમારા જેવા મુસાફરો જેમની પાસે કોઈ રિઝર્વેશન નહોતું તેઓ ગાડી પ્લેટફોર્મ ઉપર આવે કે તરત એની ઉપર તૂટી પડીને ડબ્બામાં જગ્યા મેળવી લેવા તત્પર થઈ ઉઠ્યા. પોતાનો સામાન જાતે જ ઊંચકીને ચઢવાવાળાઓ તો એકદમ એટેન્શનમાં આવી ગયા હતા. અમારો કૂલી સામાન સાથે તૈયાર ઊભો હતો. ગાડીના ખાલી ડબ્બા (રેક) જેવી આવે તેવું તેણે યા હોમ કરીને ઝંપલાવ્યું. આજથી હવે એક નવી દિશા ખૂલી રહી હતી. એ દિશા મારા માટે ઉત્તર દિશા હતી. ફરી પાછું એકવાર હું સિદ્ધપુર તરફ જઈ રહ્યો હતો. થોડીવારમાં ગાર્ડની સીટી વાગી અને સ્ટેશન પર ડિપાર્ચરના બે ટકોરા પડ્યા એટલે ધીરે ધીરે અમારી ગાડી પ્લેટફોર્મ ઉપર ચાલવા લાગી. દિલ્હી મેઈલ અમદાવાદના મીટરગેજ સ્ટેશનેથી સિદ્ધપુર જવા ઉપડી ચૂક્યો હતો. ધીરે ધીરે ગતિ પકડતી આ ટ્રેન સાબરમતીના પૂલને વટાવીને આગળ વધી રહી હતી. ગઈકાલ રાતની મુસાફરીનો થાક વરતાતો હતો. લગભગ ત્રણેક કલાકમાં તો સિધ્ધપુર પહોંચી જવાશે એ નિશ્ચિત હતું. દિલ્હી મેઈલ એક્સપ્રેસ ટ્રેન હતી અને સાબરમતીથી ઉપડ્યા બાદ કલોલ, મહેસાણા અને ઊંઝા સ્ટેશનોએ જ ઊભી રહેવાની હતી. ત્યારબાદનું સ્ટોપેજ સિધ્ધપુર હતું. ગાડી હવે સારી એવી ગતિ પકડી ચૂકી હતી. આજુબાજુના મકાનો અને અન્ય બાંધકામો ઝડપથી પાછળ જઈ રહ્યાં હતાં. હવે ગાડી ખેતર અને બિનરહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. દૂરદૂર દેખાતાં ઝાડવાં જાણે ગોળ ચકરાવો ફરીને નજદીક આવી રહ્યાં હોય એવું દ્રશ્ય બારીમાંથી જોઈ શકાતું હતું. સ્ટેશન આવે એટલે પાટા બદલાય. એની ખટાખટ અને ગતિના કારણે ગાડીનો ડબ્બો થોડો ઝોલું ખાઈ જાય તેવો અનુભવ અને જ્યાંથી ટ્રેન રનિંગ થ્રુ એટલે કે વણથંભી પસાર થઈ રહી હોય ત્યાં સ્ટેશનની બાઉન્ડ્રીનું ફેન્સિંગ અને અન્ય બાંધકામ ધડધડાટ કરતાં પાછળ સરકી જતાં હતાં. આ દિલ્હી મેઈલ હતો. અમદાવાદ અને દિલ્હી વચ્ચે મીટરગેજ લાઈન પર દોડતી સૌથી ઝડપી ટ્રેન.

ટ્રેનની ગતિના કારણે દૂર દૂરની ક્ષિતિજ ગોળ ફરીને મળવા આવતી હોય એવું લાગતું હતું. બરાબર તે જ રીતે મારા મગજમાં વિચારોની ટ્રેન ધમધમાટ દોડી રહી હતી. એ વિચારો હતા મુંબઈમાં અમે જે જોયું, જે અનુભવ્યું, જે મળ્યું અને માણ્યું તેને લગતા. ઘણીબધી બાબતો ઘૂમરી ખાઈને સ્મૃતિપટલ પર ઊભરાતી હતી. આમાંની એક હતી અમે જે જે વ્યક્તિ વિશેષ અથવા મહાનુભાવોને મળ્યા તેમની. બેરિસ્ટર મોહનલાલ વ્યાસથી શરૂ કરીએ તો એ જમાનામાં ઈંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બનનાર અને ધીખતી વકીલાત ચાલતી હતી તેવા આ સજ્જન મારી સાથે બિલકુલ સાહજીકતાથી વાત કરતા હતા. એમની વાતમાં ક્યાંય પોતે બહુ મોટા માણસ છે, જીવનમાં બધું પ્રાપ્ત કરી લીધું છે અને એની સરખામણીમાં હું તુચ્છ છું તેવો કોઈ ભાવ નહોતો. ખૂબ પ્રેમાળ. કંઈ જ પૂછીએ તો ધીરેથી સમજાવે. સાચા અર્થમાં જેમનું વ્યક્તિત્વ શીળી છાંયડી જેવું હતું તેવા મોહનકાકાના ઘરે ગાળેલા આ દસ દિવસ મુંબઈની મારી મુલાકાતનું અવિસ્મરણીય સંભારણું હતું. એમના ઘરે પગ મૂક્યો ત્યારે ઘણીબધી બાબતોથી હું સાવ અજ્ઞાન હતો. રહેણી-કરણીનું આ સ્તર મેં ક્યારેય કલપ્યું નહોતું તેટલું ઊંચું હતું. અત્યંત ચપળતાપૂર્વક ઘરમાં કામ કરતા નોકરો, ઘરની વ્યવસ્થા, સુઘડતા, શાવર, ટૉયલેટ ફ્લશ, માથા ઉપર ગોળ ગોળ ફરતો વીજળીનો પંખો આ બધું મારા માટે નવું હતું. હું આ બધાથી પરિચિત થયો એ એક મોટી તાલિમ હતી એમ કહી શકું. આ સિવાય કાંદિવલી જાપાનવાળા જેઠાલાલકાકા વ્યાસના ત્યાં ગયાં, બાણગંગા ગયા, ભાઈશંકરભાઈને ત્યાં ગયા, બધે જ એક વાત મને ખૂબ પ્રભાવિત કરી ગઈ. તે વાત હતી આ મોટામાણસોની સૌમ્યતા અને પ્રેમ. એમના વ્યક્તિત્વનો તાપ નહોતો લાગતો. અત્યંત સલુકાઈ અને ખાનદાનીપૂર્વકનો વ્યવહાર જાણે કે એમના વ્યક્તિત્વનો એક વિશિષ્ટ ભાગ હતો. કાન્તિલાલ શર્માજી તો પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા, ઉદ્યોગપતિ હતા, ખૂબ તવંગર હતા. એવા માણસ હતા કે જેમના ત્યાં મોરારજી દેસાઈ જેવા મોટા મોટા માણસો આવતા હતા. આમ છતાંય અમે જમવા બેઠા ત્યારે નોકરોની ફોજ મોજૂદ હોવા છતાંય અન્નપૂર્ણા માસીએ પોતે પીરસ્યું એટલું જ નહીં, પણ આગ્રહપૂર્વક અત્યંત પ્રેમથી જમાડ્યા. ઘડીભર મારી મા જે લાગણી અને પ્રેમથી જમાડતી હતી તેની યાદ આવી ગઈ. ડૉક્ટર કે. બી. વ્યાસ સાહેબના ત્યાં આવા અતિ વિદ્વાન અ સિનિયર માણસો લગભગ અડધો-પોણો કલાક મારી સાથે મારા અભ્યાસથી માંડીને સિધ્ધપુર શહેર સુધીની ઘણી બધી વાતો કરી. એક નાનો પ્રસંગ જે રીતે એમણે સમજાવ્યો તેની મારા મગજમાં એટલી ઊંડી છાપ પડી કે આજે પણ એ યાદ છે. અમે રસ્તામાં ફાયરબ્રિગેડના બંબા જતા હતા. ક્યાંક આગ લાગી હશે એટલે ધમધમાટ કરતો આ બંબો ભાગી રહ્યો હતો. મેં બાળસહજ આતુરતાથી પૂછ્યું કે, આ બંબામાં પાણી ખલાસ થઈ જાય તો શું થાય ? અત્યંત સાહજિકતાથી પ્રોફેસર સાહેબે મને ફાયર હાઈડ્રન્ટ પદ્ધતિ અને તેની કામગીરી વિશે સમજાવ્યું. અત્યાર સુધી રસ્તાની બાજુમાં ઊભેલા આ પાણીના મોટા બંબા વિશે ઝાઝી સમજ નહોતી જે કાંતિકાકા પાસેથી મળી. આગનો બંબો પાણી ભરીને આગ ઓલાવવા જાય છે એ મારી માન્યતાનો છેદ ઊડી ગયો. આ બંને પતિ-પત્નીએ પણ અત્યંત પ્રેમથી અમારી આગતા-સ્વાગતા કરી, એટલું જ નહીં, પણ છેક નાકા સુધી અમને વળાવવા આવ્યા. ડૉ. કે. બી. વ્યાસ, મારા કાન્તિકાકા વિસનગર એમ. એન. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં જ્યારે પ્રિન્સિપાલ હતા ત્યારે એક વરસ માટે એ કૉલેજમાં ભણવા ગયો હતો. એક અત્યંત કડક અને કાર્યદક્ષ પ્રિન્સિપાલ તરીકે કાન્તિકાકાને નજદીકથી જોવા-જાણવાનો મોકો મને તે સમયે મળેલો.

ડૉ. કે. બી. વ્યાસ, ભાઈશંકરભાઈ દવે (જેપી), કાન્તિલાલ શર્માજી, શ્રી જેઠાલાલ વ્યાસ (જાપાનવાળા), શ્રી મોહનલાલ વ્યાસ (બેરિસ્ટર) જેવાં વિશિષ્ટ વ્યક્તિત્વોને આટલી નાની ઉંમરે મળવાનો અને ઓળખવાનો મોકો મળ્યો તે મારા વ્યક્તિત્વના ઘડતરની પાઠશાળાનું એક મહત્ત્વનું સોપાન મુંબઈની આ મુલાકાત હતું. રાજપુર જેવડા એક નાનકડા ગામડાની ધૂળમાં રમીને હજુ માંડ દુનિયાને કાંઈક સમજતો થયેલો હું માત્ર દસ દિવસની મુંબઈની આ મુલાકાતને અંતે સારો એવો પરિપક્વ થયો એમ કહું તો જરાય ખોટું ન હોતું.

બીજી એક મહત્ત્વની વાત મારા તારણમાં આવી તે હતી કે, ગામડામાં પ્રમાણમાં ટાંચા સાધનો અને ઘડતરની તકો વચ્ચે ઉછરેલ વ્યક્તિ ખરેખર પોતાની જ ઉંમરના મુંબઈ જેવા કે અન્ય શહેરમાં ઉછરતાં બાળકોની સરખામણીમાં ખૂબ પછાત કહી શકાય તેટલો અપરિપક્વ હોય છે. આ કારણથી આગળ જતાં જ્યારે કોઈ તક માટેની હરિફાઈમાં એને ઊભા રહેવાનું થાય ત્યારે બે બાબતો એને ખૂબ નડે છે. પહેલું સાચા માર્ગદર્શન અને સમજનો અભાવ અને બીજું આંજી નાંખે તેવી ચમક-દમક વચ્ચે ઊભા રહીને તક ઝડપવા માટે જરૂરી આત્મવિશ્વાસ તેમજ હિંમતની ઊણપ.

તમે ક્યાં જનમ્યા છો ? ક્યાં ઉછર્યા છો ? કયા પ્રકારના વાતાવરણથી તમારો પનારો પડ્યો છે ? તમારા કુટુંબની આર્થિક પરિસ્થિતિ કેવી છે ? આ બધી બાબતો વિઘ્નદોડના પેલા અવરોધોની માફક આગળ જતાં હરિફાઈમાં ઉતરો ત્યારે ક્યાંક ને ક્યાંક તમારા રસ્તામાં આવે છે. સરખી બુદ્ધિ અને ક્ષમતાવાળા બે બાળકો અથવા યુવાન જો વિષમતાની પરિસ્થિતિમાં જન્મ્યા અને ઉછર્યા હોય તો ચોક્કસ અભાવની પરિસ્થિતિમાંથી આવતો વ્યક્તિ સ્પર્ધાની શરૂઆત એક ચોક્કસ પ્રકારના DISADVANTAGE એટલે કે ગેરફાયદાથી કરે છે. આ કારણથી કાં તો સ્પર્ધામાંથી ફેંકાઈ જાય છે અથવા પાછળ રહે છે. જેમ અન્ય અભાવની પરિસ્થિતિ DEPRIVATION હોય છે તે જ રીતે EXPOSER & FAMILY BACKGROUND LED DEPRIVATIONS ઘણી આશાસ્પદ કારકિર્દિને ગૂંગળાવી નાંખે છે. સુધરાઈના દિવાને અજવાળે બેસીને IAS થનાર વ્યક્તિનો કિસ્સો આપણે વાંચીએ ત્યારે એને માટે અહોભાવ થાય છે અને થવો પણ જોઈએ, પણ આ પ્રકારના બધા વિદ્યાર્થીઓ પૂરતો IQ  હોવા છતાં તક ઝડપવામાં સફળ થતા નથી. મારી મુંબઈની મુલાકાતનો પ્રથમ અનુભવ મને કાંઈક આવી જ લાગણી કરાવી રહ્યો હતો.

મુંબઈની મુલાકાતે સૌથી મોટો ફાયદો મને કરાવી આપ્યો તે મારા બાપાની અત્યંત નિકટ રહેવાના અનુભવોનો અને તેમની લાગણી તથા દરકારનો. કદાચ મુંબઈ જવાનું ન થયું હોત તો મેં મારા બાપાની બે છેડા ભેગા કરવાની મથામણ જરૂર જોઈ હોત, પણ એ મથામણને વટી જઈને પોતાના દીકરાને મુંબઈ દેખાડવા માટે ઉધારી કરીને પણ ખર્ચો કરવાની હિંમત ન જોઈ હોત. માર બાપાના વ્યક્તિત્વને ખૂબ નજદીકથી જોવાનો અને એમની મારા માટેની લાગણી તેમજ અપેક્ષાઓથી પરિચિત થવાનો એક ખૂબ મોટો લાભ મને મુંબઈની આ મુલાકાતે કરી આપ્યો.

વિચારોનું આ વલોણું ચાલ્યા કરત. વચ્ચે વચ્ચે કલોલ અને મહેસાણા ગાડી ઊભી રહી. ઊંઝા સ્ટેશનેથી દિલ્હી મેઈલ રવાના થયો અને થોડાક સમયમાં મારા સિદ્ધપુરની સરસ્વતિ નદીનાં પુલને વળોટી અમારી ગાડીએ સિદ્ધપુર સ્ટેશનના પ્લેટફોર્મમાં પ્રવેશ કર્યો. એક નાના આંચકા સાથે ગાડી ઊભી રહી. અહીંયા ખૂબ ઓછો સમય રોકાતી આ ટ્રેનમાંથી ઝડપ કરીને ઉતરી શકાય એટલા માટે અમે સામાન ડબ્બાના બારણાં પાસે લાવી રાખ્યો હતો. મારા બાપાએ ઉતરીને પહેલા સામાન ઉતાર્યો. મેં પણ પ્લેટફોર્મ પર ભૂસકો માર્યો. મારૂં સિદ્ધપુર આવી ગયું. જય નારાયણ વ્યાસ હવે મુંબઈ રિટર્ન હતા !

મુંબઈની ધમધમાટ જિંદગી

રોજ નવી અજાયબીઓનો પરિચય

હર પળ કાંઈક ને કાંઈક નવું શીખવાનો સમય

મોહમયી નગરીનો એ ભપકો

ટ્રેનથી માંડીને ટ્રામ અ બસથી માંડીને પદયાત્રા સુધીની મુસાફરી

ભેળ, પુરી-ભાજી અને એલચી કેળાં

ગેટ વે ઑફ ઈન્ડિયા અને ચોપાટી

મુંબઈ ક્યાંય પાછળ રહી ગયું.

સિદ્ધપુર રેલ્વે સ્ટેશનની બહાર નીકળી...

એક ઘોડાગાડીવાળા સાથે રકઝક કરી ભાવ નક્કી કરી

સામાન ઘોડાગાડીમાં ચઢાવી

સિદ્ધપુરના ઉબડ-ખાબડ મેટલ રોડ પર અમે

આગળ વધી રહ્યા હતા.

ઘર તરફ

ઘર.... હા !

ધરતીનો છેડો ઘર


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles