સિદ્ધપુરનું વૈષ્ણવ પરંપરાનું એક વધુ પ્રાચીન મંદિર

ગોપીનાથજીનું મંદિર

 

વૈષ્ણવ મંદિરોની વાત કરીએ તો સિદ્ધપુરમાં એક ગોપીનાથજીનું મંદિર પણ આવેલું છે. કૃષ્ણની સૌથી નિકટની ભક્ત એટલે ગોપી. કૃષ્ણનું બાળપણ ગોપીઓના સાંનિધ્યમાં વીત્યું. એમની બાળલીલાઓની મુખ્ય ભૂમિકા ગોપીઓએ નિભાવી. ક્યારેક માખણ ચોર્યું, ક્યારેક મટકી ફોડી તો ક્યારેક યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરી લીધા, કાનાની આ બધી બાળલીલાઓ. પણ કાનો એ છેડછાડ ન કરે તો વ્રજ સૂનું પડી જાય.

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે.

શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,

માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે.

આ ફરિયાદ લઈને જનાર પણ ગોપીઓ. ભાવ રોષનો નહીં પણ કાના માટેના પ્રેમનો. આમ તો ગોપીનાથ એટલે ગોપીઓના નાથ અથવા અધિષ્ઠાતા. આ સંદર્ભમાં ગોપીનાથજી વિષે, જેનું મંદિર સિદ્ધપુરમાં આવેલું છે, જેના બરાબર સામે આવેલી ખડકી ગોપીનાથજીની ખડકી કહેવાય છે. પૂજારી બ્રાહ્મણ છે જે સામાન્ય રીતે બધા જ વૈષ્ણવ મંદિરોમાં હોય છે પણ એના ટ્રસ્ટીઓ વણિક છે. આ મંદિરનો વહીવટ પણ સિદ્ધપુરના એક વણિક સજ્જનના હાથમાં છે. આજે આપણે ગોપીનાથજી વિષે વાત કરવી છે.  

શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના મોટાભાઈ નિત્યાનંદજીના ગુરુભાઈ શ્રી માધવેન્દ્રયતિજીએ પોતાના જીવનનો મોટો ભાગ વ્રજ અને ઓરીસ્સામા વિતાવ્યો હતો. ૧૪મી સદીમાં ઉડીપીના માધવ સંપ્રદાયના તેઓ ગોસ્વામી કહેવાતા. માધવ સંપ્રદાય અને વલ્લભ સંપ્રદાયમાં શ્રદ્ધાથી તેમને યાદ કરાય છે. માધવસંપ્રદાયમાં માધુર્યભાવની ધારણા અને પરિચય આપનાર શ્રી માધવેન્દ્રપુરી હતા. તેમને શ્રીકૃષ્ણ સિવાયની કોઈ બાબતમાં રસ ન હતો. શ્રી્કૃષ્ણ ભક્તિમાં તલ્લીન થઇને નાચતા ગાતા અને ભગવાનનો વિયોગ કરીને રડવા લાગતા, પ્રેમલક્ષણા ભક્તિ કરતા, કયારેય કોઈનો સંગાથ ન કરતાં.

એક વાર શ્રી ગિરિરાજીની પરિક્રમા કરવા વ્રજમાં આવ્યા. પરિક્રમા કરી સાંજના સમયે ગોવિંદકુંડ પાસે કીર્તન કરતા હતા. ઉપવાસ હતો એટલે કીર્તન કરતાં કરતા ધ્યાનમગ્ન થઇ ગયા. ત્યારે એક કોમળ સ્વર સંભળાયો, ‘ઓ બાબા ઉઠો, તમારા માટે દૂધ લાવ્યો છું, દૂધ પી લો.’ શ્રીમાધવેન્દ્રપુરી આ બાળકને નિહાળી રહ્યા. બાળકની છબી તેમના મનમાં વસી ગઇ અને દૂધ આરોગીને તેમનું રોમ રોમ પુલકિત થઇ ગયું અને તૃપ્ત થઇ ગયા. આંખો બંધ કરી બાળકનું સ્મરણ કરવા લાગ્યા. તંદ્રામા સ્વપ્ન આવ્યું. એક કિશોર વયનો બાળક કહી રહ્યો હતો કે, ‘હું તમારી જ રાહ જોઇ રહ્યો હતો. ગોર્વધન પર્વતની કંદરામાં મારા પૌત્ર વ્રજનાભે મારી ગોર્વધનધારી ગોપાલની મૂર્તિની સ્થાપના કરી હતી પણ યવનના ભયથી મૂર્તિને એક ગહન કુંજમા છુપાવીને પૂજારી જતા રહ્યા છે. ત્યારથી હું ત્યાં જ છુ. ચાલો હું તમને એ સ્થાન બતાવું.’ આવું કહી આ કિશોર માધવેન્દ્રપુરીને એક કુંજ પાસે હાથ પકડીને લઈ ગયો, ‘આ કુંજમાથી મને કાઢી મારી સ્થાપના કરો’.  

માધવેન્દ્રપુરીજી તંદ્રામાથી જાગ્યા ત્યારે તેમની આંખમા આંસુ આવી ગયા. પ્રભુએ મને દર્શન આપ્યા, દૂધ આપ્યું અને કષ્ટ સહન કર્યું. આસપાસમાથી સઘળા ગામવાસીઓને બોલાવી એ જગ્યા પર ગયા. કુંજની ઝાડીઓ અને વેલ લતાઓ ખસેડવામાં આવી. ત્યાં ગોપાલજીની મૂર્તિ મળી આવી. સૌ ગ્રામવાસી અને માધવેન્દ્રપુરી ખૂશ થઈ ગયા. એક શિલા પર મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિને સો ઘડા જળથી સ્નાન કરાવ્યું, વસ્ત્ર ધારણ કરાવ્યા. ચંદન, તુલસી અને ફૂલોની માળા ધરી. દૂધ, દહીં, ફળ અને મિષ્ટાન ધર્યો. માધવેન્દ્રપુરી જાણતા હતા કે ગોપાલજી ભૂખ્યા છે. પોતે અને ગ્રામવાસીઓએ મળીને અનેક સામગ્રી ધરી અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. શ્રીગોપાળે સંપૂર્ણ સામગ્રી આરોગી. માધવેન્દ્રપુરી વનમાંથી ગુંજાના દાણા વીણી લાવ્યા અને તેની માળા બનાવી. મોરપિચ્છ લાવી ચંદ્રીકા બનાવી તે શ્રી ગોપાલને ધરાવ્યા. આ સ્વરૂપ શ્રીનાથજીનુ સ્વરૂપ છે, આજે નાથદ્રારામાં બિરાજે છે. માધવેન્દ્રપુરી નિત્ય નિયમપૂર્વક સેવા કરતા હતા. ગ્રામજનો તેમને જતીબાબા કહેવા લાગ્યા. યતિ એટલે સંન્યાસી. તેના પરથી ગામનું નામ જતીપુરા કહેવાય છે.

એક સમયે ઉષ્ણકાળમાં શ્રીનાથજીએ યતિશ્રીને સ્વપ્નમાં આવીને કહ્યું, ‘મને મલયચંદન અર્પણ કરો. જગન્નાથપૂરીથી મલયચંદન લઇ આવો.’ પોતાના બે ગૌડીય બ્રાહ્મણને સેવા સોંપી યતિશ્રી બંગાળ તરફ ગયા. શાંતીપુરમાં પોતાના શિષ્ય અદવૈત આચાર્યને ત્યાં ઉતરી તેમને સઘળી વાત કરી. આચાર્ય યતિશ્રીની સેવાભાવના અને ભગવાન માટેનો પ્રેમ જોઈ ભાવુક થઇ ગયા. તેમણે પોતે આ કામ કરવાની ઇચ્છા દર્શાવી. યતિશ્રી આચાર્યને ચંદન લાવવાનુ કાર્ય સોંપી દક્ષિણ ભારતમાં રેમુના ગામ તરફ ગયા જયાં ગોપીનાથનું મંદિર છે. અત્યારે આ સ્થળ ઓરીસ્સામા છે. આ મંદિર ૧૨મી સદીમાં સ્થાપિત થયું છે. ગોપીનાથજીના સ્વરૂપને ખીર ધરાવાનુ આજે પણ મહત્વ છે. સ્વરૂપને ખીરચોર ગોપીનાથ કહેવાય છે.

યતિજી ભગવાનના સ્વરૂપ સમક્ષ ભજન કીર્તન કરવા લાગ્યા. દર્શન કર્યાં પછી ત્યાંના બ્રાહ્મણને પૂછ્યું, ભગવાનને કેવા પ્રકારના ભોગ ધરાવે છો. આ કોઇ સ્વાદ કરવાની ભાવના નહોતી પણ સામગ્રીનો પ્રકાર જાણીને વ્રજમાં ગોર્વધન ગોપાળને ધરવાની ઇચ્છા હતી. બ્રાહ્મણે ત્યાં તૈયાર કરવામાં આવતી સામગ્રીનુ વર્ણન કર્યું. સાંજે ભગવાનને માટીના ૧૨ ઘડામાં ખીરનો ભોગ ધરાવે છે જેને અમરીતકેલી કહેવાય છે કારણકે આ ખીર અમૃત સમાન છે. ત્યારે જ ખીરનો ભોગ ધરવામાં આવ્યો. યતિશ્રીને વિચાર આવ્યો, ‘આમાંથી મને ચાખવા મળે તો હું પણ વ્રજમાં મારા ગોપાલ માટે આવી જ ખીર તૈયાર કરું’. પણ તરત જ તેમને થયું કે જ્યારે મારી સમક્ષ ઠાકોરજી આરોગી રહ્યાં છે આવા વિચારો મારાથી ન કરાય. આરતી દર્શન કરીને ત્યાંથી નિકળી એક શાંત સ્થળ પર બેસીને પોતાની ભૂલ પર પસ્તાવો કરવા લાગ્યા. અને હરે કૃષ્ણ હરે રામનું રટણ કરવા લાગ્યા. આ બાજુ ગોપીનાથ મંદિરમા પૂજારી પ્રભુને શયન કરાવી પોતાનો નિત્યક્રમ પતાવી સૂઈ ગયા. રાત્રે શ્રી ગોપીનાથ તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, ‘મંદિરના દ્વાર ઉઘાડી અને જુઓ મેં મારા વસ્ત્રના છેડામાં ખીરની માટલી છુપાવી રાખી છે જે સંન્યાસી માધવેન્દ્રપુરી માટે છે. તેઓ બહાર એકાંત જગ્યામાં બેઠા છે, જઇને આપી આવો.’ પૂજારી સ્નાન કરી મંદિરમા ગયા અને ખીરની માટલી જોઈ આશ્ચર્ય પામ્યા. માટલી લઇ મંદિરના દ્વાર બંધ કરી યતિશ્રીને શોધવા નીકળ્યા. માધવેન્દ્રપુરીને મળીને ખીરની માટલી આપતા કહ્યું, ‘ભગવાન ગોપીનાથે તમારા માટે છુપાવી રાખી હતી.’ પોતે જોયેલ સ્વપ્નની વાત કરી. યતિશ્રીએ ખીરનો પ્રસાદ આરોગ્યો અને માટલી ધોઈ પોતાની પોટલીમા બાંધી લીધી.

ત્યારથી રેમુનામાં બિરાજમાન ગોપીનાથ ખીરચોરા ગોપીનાથ કહેવાય છે. ભક્ત ભગવાનને ઓળખ આપે છે! રેમુનામાં યતિશ્રીને લોકચાહના મળવા લાગી. યતિશ્રીએ ત્યાં લોકોને વૃંદાવનમા ગોપાળ પ્રાગટ્યની વાત કરી. ત્યાં પણ લોકો ભગવાન માટે ચંદન એકઠું કરી આપવા લાગ્યા. યતિશ્રી અદવૈત આચાર્ય પાસેથી ચંદન લઇ વૃંદાવન તરફ આગળ વધ્યા. માર્ગમાં રેમુના આવતા ગોપીનાથના મંદિરમાં દર્શન કરવા ગયા અને ત્યાં રાત્રી મુકામ કર્યો. રાત્રે શ્રીગોર્વધન ગોપાળે સ્વપ્નમાં આજ્ઞા કરી, ‘આ મલયચંદન અને કપૂર શ્રી ગોપીનાથજીને અર્પણ કરો. મને ચંદન મળી ગયું છે. આ ચંદન ગોપીનાથને લગાવો જે મને મળી જશે. હું અને ગોપીનાથ એકરૂપ જ છે.’ યતિશ્રીએ સવારે મંદિરના પૂજારીને ચંદન અને કપૂર આપ્યા અને ઉષ્ણકાળમાં રોજ લગાવાનું કહ્યું. આજે પણ એ રીતે ચંદન કપૂર અર્પણ કરાય છે.

શ્રી માધવેન્દ્રપુરીનો કૃષ્ણપ્રેમ અસામાન્ય હતો. તેમના શિષ્યો સદા હરિકિર્તનમાં મગ્ન રહેતા. અંતિમ સમયમા રેમુનામાં સમાધિ કરી. આજે પણ તેમની સમાધિ પર ચંદન ધરાય છે. તેમના ઇષ્ટદેવ આજે નાથદ્વારામાં બિરાજમાન છે. વલ્લભસંપ્રદાયના પુષ્ટીમાર્ગીય ભકતોના શ્રીનાથજી છે.

આ લેખ સાથે ગોવિંદ-માધવ, રણછોડજી, રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ અને ગોપીનાથજી જેવા સિદ્ધપુરના મૂળ વૈષ્ણવ પરંપરાને અનુસરતા પ્રાચીન મંદિરો વિષે વાત કરી. આમ તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ વૈષ્ણવ પરંપરાને જ અનુસરે છે. એ સંપ્રદાયમાં છેવટે તો રાધાકૃષ્ણ ભગવાન જ આવે છે. અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ એટલે કે તેમાં પણ સ્વામી અને નારાયણની વાત આવે છે. વૈષ્ણવ પરંપરા સમર્પણની પરંપરા છે. ભગવાન ક્યાંક દૂર વસે છે અથવા હતા એમ નહીં પણ મારા ભગવાન મારી સાથે અને સામે જ નિરંતર છે એમ માનીને એમને લાડ લડાવવાના, એમની સાથે વ્યવહાર કરવાની પરંપરા એટલે વૈષ્ણવ પરંપરા. ગોપીનાથજીનું મંદિર પણ સિદ્ધપુરનાં આવાં પ્રાચીન વૈષ્ણવ મંદિરોમાંનું એક છે.   


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles