Monday, February 20, 2017
રાજપુર પ્રાથમિક શાળામાં ભણવાનો એક ફાયદો એ હતો કે આર્થિક સ્થિતિ ભલે ગમે તેવી હોય પણ ઘરનું અને આસપાસનું વાતાવરણ ખૂબ તંદુરસ્ત હતું. એ જમાનામાં પણ મારે ઘેર છાપું આવતું. મારી મા મને પાંચ ધોરણ સુધી જાતે રસ લઈને ભણાવતી. જ્યારે મારી સાથેના વિદ્યાર્થીઓએ સિદ્ધપુરથી આગળ કશું નહોતું જોયું તે જમાનામાં હું વરસમાં એકાદ વાર અમદાવાદ તેમજ વેકેશનમાં મોસાળ વિરમગામ અને પ્રસંગોપાત ચાણસ્મા, કડી, મહેસાણા, પાટણ, પાલનપુર જેવાં સ્થળોની મુલાકાતે જતો. એકાદ બે વખત વડનગર, વિસનગર અને તારંગા હીલ પણ જવાનું બનેલું. પ્રવાસમાં મારા બાપાની ખાસિયત એ હતી કે જે તે જગ્યાનો ઈતિહાસ મને સમજાવતા અને જોવાલાયક સ્થળોએ લઈ પણ જતા. આ બધાની સીધી અસર મારા સામાન્ય જ્ઞાનમાં વધારો કરવામાં થતી. રેલ્વે અને પોસ્ટની કામગીરીથી પણ હું પાંચમા ધોરણ સુધીમાં તો સારો એવો વાકેફ થઈ ગયો હતો. મારા બાપા પાલનપુર-ગાંધીધામ લાઈન ઉપર લોરવાડા, ડીસા, ભીલડી જેવાં સ્ટેશનોએ પોસ્ટીંગ હોય ત્યારે વેકેશનમાં અમે એમની સાથે રહેવા જતાં. તે સમયે ટિકીટ બુકીંગની બારી પર હું અડીંગો લગાવતો અને ટિકીટ બુકીંગમાં મદદ કરતો. આમ કરતાં કરતાં મારામાં સારી એવી આવડત ઉભી થઈ ગયેલી. હું સ્વતંત્રપણે પણ ટિકીટ બુકીંગ સંભાળી શકુ તેટલી ક્ષમતાએ પહોંચ્યો હતો.
એ સમયે પાલનપુર-ગાંધીધામ રેલ્વે નવી નવી શરુ થયેલી. મોટાભાગનો ટ્રાફીક ગુડ્ઝ ટ્રેનનો રહેતો. કંડલા બંદર સાથે જોડતી આ મહત્વની કડી હતી. રેલ્વેમાં ત્યારે ડિઝન એન્જિન નવાં નવાં દાખલ થયેલાં. એનો રંગ લાલ હતો એટલે રેલ્વે બિરાદરીમાં બધા આ એન્જિનને લાલબહાદુર શાસ્ત્રી જે રેલ્વે મંત્રી હતા તે નામે ઓળખતા. આગળનાં સ્ટેશને બે માલગાડી (ગુડ્ઝ ટ્રેન)નું ક્રોસીંગ હોય ત્યારે અમે સ્ટાફના બે-ત્રણ છોકરાઓ ગાર્ડના ડબ્બામાં બેસી જતા અને વળતી ટ્રેને પાછા ગાર્ડના ડબ્બામાં મુસાફરી કરી પરત આવતા. ક્યારેક એન્જિન ડ્રાયવરની કેબીનમાં પણ મુસાફરી શક્ય બનતી. આ અનુભવ બહુ રોમાંચક હતો. ખાસ કરીને ગાર્ડના ડબ્બામાં પાછળ ઝરુખા જેવું હોય તેમાં ઉભા રહીને પૂરઝડપે પાટા પાછળ દોડી જતા હોય તેવું જોવાની મજા આવતી.
એ લાઈન ઉપર પીવાના પાણીનો પણ ત્રાસ હતો. પાણી ખારું હતું એટલે રેલ્વે સ્પેશ્યલ પાણીની ટાંકી પેસેન્જર ટ્રેનમાં જોડતી જે દરેક સ્ટેશને પાણી પુરું પાડતી. આ પાણીની ટાંકીવાળી ગાડી આવે એટલે આખા દિવસનું પાણી ભરી લેવાનો એવો વણલખ્યો નિયમ હતો. પાણીની તંગી હતી અને ભીલડીથી આગળ તો રણપ્રદેશ જ હતો એટલે ત્યાં લોકોમાં ન્હાવા માટેની પણ કોઈ સમજ નહોતી. કપડાં સીવડાવીને પહેરે તે ફાટી જાય એટલે નાંખી દેવાનાં. વચ્ચે વચ્ચે ધૂળમાં દાટી દે એટલે ધગધગતી ગરમીમાં જૂ વિગેરે પડી હોય તો મરી જાય !
આ લોકો એક પોલી થેલીમાં રાણીછાપના રુપિયા ભરી કમરે બાંધતા. એ જમાનામાં આ એક રુપિયાની કિંમત સાડા ત્રણ રુપિયા ઉપજતી. એમને માટે રુપિયો એ રુપિયો હતો પણ એની આંતરીક કિંમત ચાંદીની ધાતુને કારણે તે સમયે સાડા ત્રણ રુપિયા હતી. ટિકીટ બુકીંગ કરાવવા આવે એટલે બારીમાં માથું નાંખે અને કહે “બે ટિકેટ આલો” ક્યાં જવું છે તે આપણે પૂછીએ ત્યારે કહે.
આ લાઈનની બીજી એક ખાસિયત હતી. મારી સમજણમાં પહેલીવાર મેં ગાડી આવવાની હોય ત્યારે નીચા નમવાને બદલે ઉંચાં જતાં સિગ્નલ જોયાં. આની વિશેષતા એ હતી કે આવું સિગ્નલ ત્રણ પોઝીશન બતાવતું. બિલકુલ જમીનને સમાંતર અને થાંભલા સાથે નેવું ડીગ્રી હોય ત્યારે ડ્રાયવર માટે એનો અર્થ હતો“STOP” એટલે કે ઉભા રહો. ત્યારબાદ એ પીસ્તાલીસ ડીગ્રીના ખૂણે ઉભું હોય તો એનો અર્થ હતો આગળ જવાની છૂટ છે પણ “Proceed with Caution” અને આ સિગ્નલ થાંભલા સાથે એકસો એંશી ડીગ્રીનો ખૂણો કરી આકાશ સામે જોતું હોય તો એનો અર્થ એ થાય કે ડ્રાયવરે આગલા સ્ટેશને રોકાવાનું નથી. રેલ્વેની ભાષામાં આને રનીંગ થ્રુ કહેવાય.
આ અને આવું બધું સર્કસથી માંડીને સિનેમા અને ખેતરથી માંડીને ખરવાડ સુધી રખડી રખડીને ગળાયેલા મારા બાળપણે મને સામાન્ય જ્ઞાનની દ્રષ્ટિએ ખાસ્સો ઘડી નાંખ્યો હતો. મારા વર્ગના અને અન્ય સારી શાળાઓમાં ભણતા મારા સહાધ્યાયી વિદ્યાર્થીઓમાં આવું બધું સામાન્ય જ્ઞાન નહોતું અને એટલે હું ઘણીવાર એમ કહું છું કે એ બધા એક શાળામાં ભણતા હતા ત્યારે હું ચાર-ચાર શાળાઓમાં એકસાથે શિક્ષણ લઈ રહ્યો હતો. મારી પહેલી શાળા હતી મારી મા, બીજી શાળા તે હરફનમૌલા જેવા સદાપ્રવાસી મારા બાપા, ત્રીજી નિશાળ તે ખરવાડથી માંડીને ખેતર સુધીનો હળ-સમારથી માંડીને ગાડા અને કોસને સહારે ખૂંદેલો કુદરતનો ખોળો અને ચોથી તે મારી શાળા. મારા બાળપણના ઘડતરમાં આ ચારેચાર શાળાઓએ મને જ્ઞાન પણ આપ્યું અને સ્થાન પણ આપ્યું. સ્થાન એટલા માટે કે આ ઘડતરને કારણે મારા વર્ગમાં હું મારા સહાધ્યાયી વિદ્યાર્થીઓ કરતાં આગળ રહ્યો.
આ જ્ઞાનની આરાધનામાં ક્યારેક વાગ્યું પણ છે. અમારા વાસુદેવ ઠાકર સાહેબ થોડોક સમય શાસ્ત્રીજીની પાઠશાળામાં રહેતા હતા.
શાસ્ત્રીજીના મારા સમવયસ્ક બન્ને સંતાનો પાંચમા ધોરણ સુધી સ્કુલે જતા નહોતા. એ સમયે બહારથી સીધી પરીક્ષા આપી શકાતી હતી. આ નિયમ મુજબ તેઓ બન્ને કાણોદર પ્રાથમિક શાળામાં પરીક્ષા આપી આગળ અભ્યાસ કરતા. રોજ સવારે વાસુદેવ ઠાકર સાહેબના ત્યાં અમે બધાં ભણવા જતાં. એમના એક સંબંધી કાન્તિલાલ ઠાકર (રાવણ)ના બન્ને દિકરા મહેન્દ્ર તેમજ દેવીપ્રસાદ પણ ક્યારેક ક્યારેક આવતા. એ જ રીતે શાસ્ત્રીજીના શેઢા પાડોશી મદનીશભાઈ પટેલનાં સંતાનો કિરીટ અને રવિન્દ્ર (જવાહર) પણ અમારી સાથે જોડાતા. ઠાકર સાહેબ કોઈની પાસેથી એક પૈસો પણ ટ્યુશન લીધા વગર ભણાવતા.
શિયાળાની એક સવારે અમારો નિયમ મુજબનો અભ્યાસ ચાલુ હતો ત્યારે જવલ્લેજ એ બાજુ નીકળતા જયદત્ત શાસ્ત્રીજી ત્યાં આવી ચડ્યા. શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ જ એવું હતું કે બધા ગભરાય. સ્વભાવે અત્યંગ ઉગ્ર. સામે કોઈથી ચૂં કે ચા થાય નહીં. એમણે અમને બધાને દસ શબ્દો લખાવ્યા. મારા બધા જ શબ્દો સાચા પડ્યા. કોણ જાણે કેમ શાસ્ત્રીજીને કયા કારણથી ગુસ્સો આવ્યો એમણે મારી સલેટ ચકાવી. તે સામે ઘાસમાં જઈ પડી. હું સમસમી ગયો. હેબતાઈ પણ ગયો. શાસ્ત્રીજીએ અત્યંત ક્રોધીત થઈ ઠાકર સાહેબને બરાબરના દબડાવ્યા અને કહ્યું કે ગામ આખાનાં છોકરાંને ભેગાં કરો છો એમાં કોઈના પર ધ્યાન નથી અપાતું (એમનો ઈશારો કદાચ એમનાં સંતાનો પ્રત્યે હતો). બસ, એમણે સાહેબને અલ્ટીમેટમ આપી દીધું કાં તો આ બધાં ગામ આખાનાં છોકરાને ભેગાં કરવાનાં બંધ કરો અથવા અહીંથી ખાલી કરી જ્યાં જવું હોય ત્યાં જાવ. તે સમયે મારા બાલમાનસ પર લાગેલ આઘાતની કળ વળતાં ઘણો સમય લાગેલો. મારો આમાં શું વાંક હતો ? મારા તો બધાં જ શબ્દો સાચા પડ્યા હતા. મને શાબાશી આપી શકાઈ હોત પણ, એને બદલે મારી પાટી ફેંકી દીધી.
કોઈપણ સ્થળે કોઈ અપેક્ષા સાથે જવું અથવા વંચિત હોવું એના જેવો અભિશાપ બીજો એકેય નથી એનું આ તાદૃશ ઉદાહરણ હતું. ખેર ! સમય વહે તેમ સ્મૃતિ પણ ધૂંધળી થતી રહે છે. આમ છતાંય બાળપણમાં તમે વેઠેલ તિરસ્કારનું દુઃખ સંપૂર્ણપણે ક્યારેય ભુલી શકાતું નથી. કદાચ એટલે જ કહ્યું છે કે જે સમર્થ નથી, વંચિત છે તેને જ બધું સહન કરવું પડે છે. બાકી તો......
સમરથ કો નાહી દોષ ગુંસાઈ
વાસુદેવ ઠાકર સાહેબના ત્યાં એ દિવસ પછી ક્યારેય ભણવા જવાનું ન થયું એટલું જ નહીં પણ ટ્યુશન શબ્દથી એટલી ધૃણા થઈ ગઈ કે એસએસસીની પરીક્ષા શાળામાં પ્રથમ આવીને મેં પસાર કરી પણ મહદઅંશે આપબળ પર મુસ્તાક રહીને.
પ્રાથમિક શાળાના શિક્ષણ દરમ્યાન થયેલા અનેક સુખદ અનુભવોમાં આવા એકાદ-બે દુઃખદ અનુભવો પણ મારે ભાગ આવ્યા છે. ખેર, દુઃખ કે તિરસ્કાર ન વેઠો ત્યાં સુધી સુખ કે સત્કારની સાચી વ્યાખ્યા સમજી શકાતી નથી.
વાસુદેવ ઠાકર સાહેબના ત્યાં.....
શિયાળાની એ ઠંડી સવારે....
આઠ-નવ વરસના એક બાળકને
તિરસ્કૃત થવું પડ્યું
કારણકે..... ???
એની કોઈ ભૂલ નહોતી
બધું સાચું હોય તો પણ ક્યારેક જીવનમાં પણ આવું બનતું હોય છે.
બરાબરને ?