વડોદરાના વ્યંજનોનો પરિચય આપતાં આપતાં બને તેટલું યાદશક્તિના સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી કાઢીને અક્ષર દેહ આપવા પ્રયત્ન કરું છું. આમ છતાંય ક્યારેક થોડા કલાકો બાદ જ સાંભરે છે કે આ એક-બે વિગતો તો મુકાઇ જ નહીં. પણ ત્યાં સુધીમાં તો મારૂ લખાણ સાયબર સ્પેસમાં હાજરી પુરાવી ફેસબુકના માધ્યમ થકી વાચકોને પહોંચી ગયું હોય છે. આવું જ ગઇકાલના સંસ્મરણોમાં થયું છે. લેખ ઉપર આવેલ સુંદર પ્રતિભાઓને માણતા અચાનક યાદ આવ્યું કે સિધ્ધપુરના મારા નિવાસ દરમિયાન નહીં સાંભળેલ બીજા બે વ્યંજનો વડોદરામાં જોવા અને ચાખવા મળ્યાં.
તેમાંનું પહેલું તે મોદક.
ભગવાન ગણેશજીની અત્યંત પ્રિય વાનગી
ગણેશ ઉત્સવ દરમિયાન આ વાનગીથી પરિચિત થયો.
મૂળ શંકુ આકાર જેવા અંદર મિસ્ટ પૂરણ ભરેલા આ મોદક મહારાષ્ટ્રીયન વાનગી છે. ગણપતિ દાદાને રિઝવવા માટે અથર્વશિર્ષનો જે પાઠ છે તેમાં કંઈક આવું લખ્યું છે.
યો દુર્વાંકુરૈર્યજતિ સ વૈશ્રવણોપમો ભવતિ ||
યો લાજૈર્યજતી સ યશોવાન ભવતિ
સ મેધાવન ભવતિ ||
યો મોદકસહસ્ત્રેણ યજતિ
સ વંછિત ફલમવાપ્નોતિ ||
ય: સાજ્યસમીદભીર્યજતિ
સ સર્વં લભતે સ સર્વં લભતે ||
જે અથર્વશીર્ષનો પાઠ કરી દુર્વાઓથી હોમ કરે છે તે કુબેરસમાન થાય છે. જે ડાંગરથી હોમ કરે છે તે યશવાળો થાય છે, તે બુદ્ધિમાન થાય છે; જે હજાર મોદકથી હોમ કરે છે તે મનવાંચ્છિત ફળને મેળવે છે તેમજ જે ઘી સહિત સમીધો વડે હોમ કરે છે તે સર્વ વસ્તુને પ્રાપ્ત કરે છે, તે સર્વ કોઈ વસ્તુને મેળવે છે.
ગણેસોત્સવ વીતે અને –
“ગણપતિ દાદા મોરયા
પુઢ્ચા વરસી લૌકર યા”
અને
“ગણપતિ ગેલે ર્ગાંવાલા
ચૈન પડે ના આમાલા”
ના નારાઓ સાથે વિદાય લે અને હજુ ઉત્સવનું વાતાવરણ ધીરે ધીરે ઓસરતું હોય ત્યાં જ નવરત્રિના દીવા દેખાવા માંડે. વડોદરામાં મા અંબાનું માંડવીની પોળમાં અત્યંત પ્રાચીન મંદિર છે. આ ઉપરાંત રાજમહેલ સમેત ઠેર ઠેર શક્તિનું આવાહન અને પુજા-આરાધના થાય, આરતી થાય એટલે પ્રસાદ તો હોય જ અને એણે મને એક નવી વાનગી સાથે ભટકાડી માર્યો.
આ વાનગી હતી “પરસાદીયા પેંડા”
માતાજીનો પ્રસાદ ધરાવ્યા પછી પ્રસાદ વહેંચવામાં સરળતા રહે એ માટે નાના નાના પેંડા નવરાત્રીના તહેવાર દરમિયાન ખાસ મીઠાઈવાળાને ત્યાં પધરામણી કરતા. પ્રસાદ માટે વપરાતા એટલે આ પેંડાનું નામ વગર ફઇબાએ કોઇકે પાડી દીધુ “પરસાદીયા પેંડા”. પ્રસાદની વહેંચણીના મેનેજમેન્ટનો આ અદ્દભુત પ્રયોગ એટલે નવરાત્રિ દરમિયાન બજારમાં આવતા પરસાદીયા પેંડા.
આ બધુ ખુલી આંખ અને ખુલા મગજથી જોયું
કુતુહલ વૃત્તિથી જોયું
એક કરતાં વધારે વખત વગોળ્યું
અને...
એટલે એ મગજ સોંસરું ઉતરીને મનના સેફ ડિપોઝિટ વોલ્ટમાં જમા થતું ગયું
મન એ માણસના મનનું દર્પણ છે
મનની સાથે એ ક્યારેય કશુંક છુપાવીને વાત નથી કરતો
મનની સાથે એ ચાલાકી કરવા જાય તો મન એને તરત પકડી પાડે છે.
કુંદનિકા કાપડિયા એમની પુસ્તિકા “જીવન; એક ખેલ” માં વિવિધ જગ્યાએ લખે છે-
“માણસ કલ્પના કરે છે તે વહેલો કે મોડે બાહ્ય આકાર ધારણ કરે છે. માણસ જે કાંઇ બહુ તીવ્રતાથી અનુભવે તેની પૂરી વિગતો અર્ધ જાગૃત મન પર અંકાઇ જાય છે. ઈશ્વરનું રાજ્ય મનુષ્યના હદયમાં છે તેમ કહેવાય છે. આ રાજ્ય એટલે સારા વિચારોનું અથવા દૈવી યોજનાઓનો પ્રદેશ. મન એ મનુષ્યનો વફાદાર સેવક છે. મનુષ્યના મનમાં અનંત સામર્થ્ય રહેલું છે. આંતરમન જે કંઇ ઘડતર કરે તે મોડે-વહેલે બાહ્ય આકાર ધારણ કર્યા વીના રહેતું નથી”
કંઇક આ જ મતલબનું 1965માં આવેલ ચલચિત્ર કાજલના નીચે ઉલ્લેખીત ગીતમાં કહેવાયું છે-
मन ही देवता, मन ही ईश्वर, मन से बड़ा न कोय
मन उजियारा जब जब फैले, जग उजियारा होय
इस उजले दर्पण पे प्राणी, धूल न जमने पाये
तोरा मन दर्पण कहलाये, तोरा मन दर्पण कहलाये |
सुख की कलियाँ, दुख के कांटे, मन सबका आधार
मन से कोई बात छुपे ना, मन के नैन हज़ार
जग से चाहे भाग लो कोई, मन से भाग न पाये
तोरा मन दर्पण कहलाये, तोरा मन दर्पण कहलाये |
કંઇક આ જ પ્રકારનું કામ હું મારા મન પાસેથી લઈ રહ્યો હતો. અગાઉ આ કારણથી જ મે લખ્યું છે કે યુનિવર્સિટીના ભણતરે મારૂ જેટલું ઘડતર કર્યું તેના કરતાં ઘણું વધારે વડોદરા સાથેના મારા સંવાદે કર્યું છે.
સમય વહેતો રહ્યો.
વડોદરામાં હવે એકલવાયું નહોતું લાગતું
હોસ્ટેલમાં પણ ધીરે ધીરે બધું અનુકૂળ થતું જતું હતું.
આમ છતાય જે વાતાવરણમાંથી હું આવતો હતો અને શાળા તેમજ ઘરના જે વાતાવરણમાં મારો ઉછેર થાય તેના કારણે ક્યારેક મૂળસોતો હચમચાવી નાખે એવા જુદા જ પ્રકારના વાતાવરણમાં ફેંકાઇ જવાનું બનતું. આવો જ એક અનુભવ મારી રાહ જોઈ રહ્યો હતો.
છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો
દિવસ હતો ‘હોસ્ટેલ ડે’ નો
વરસે એકવાર દરેક હોસ્ટેલ પોતાનો આવો “હોસ્ટેલ ડે” ઉજવતી.
આ દિવસે સમગ્ર હોસ્ટેલને શણગારાતી.
તે દિવસે બપોરે ફિસ્ટ એટલે કે “બડાખાના” રાખવામાં આવતું.
સાંજના લગભગ ચાર વાગે એટલે હોસ્ટેલની ટેરેસ ઉપર ધમધમાટ શરૂ થતો.
યુવાનોમાં પ્રિય એવાં ફિલ્મી ગીતો અને કેટલાંક અંગ્રેજી ગીતો પણ વાગતાં.
એ દિવસોમાં “Come September” ચલચિત્રની ધૂન ખૂબ જ લોકપ્રિય હતી.
આ જ રીતે બીજું અંગ્રેજી ગીત “House of Bamboo number fifty four…”
પણ ખૂબ પ્રચલિત રહ્યું.
ઓવરસિઝ અને મુંબઈ કે દિલ્લી જેવા શહેરોમાંથી આવતા પૈસાપાત્ર કુટુંબના વિદ્યાર્થીઓ આ અંગ્રેજી તરજ અથવા ગાયન પર ડાન્સ કરતા, કેટલાક જેમનું ગળું સારું હતું અથવા સારું ગાય છે એવો વહેમ હતો એ સિનેમાનાં ગીતો રજૂ કરતાં, કેટલાક હાસ્ય ટૂચકાઓ રજૂ કરતા. આ બધાને અંતે મુખ્ય અતિથિ, હોસ્ટેલ વોર્ડન અને હૉલ મોનીટર સામે બનાવેલ કામચલાઉ ડાયાસ ઉપર સ્થાન લેતા. હોલ મોનીટરના આવકાર પ્રવચન બાદ વોર્ડન અને ત્યારબાદ મુખ્ય મહેમાનનું ઉદ્દબોધન થતું. શિયાળાની ગુલાબી ઠંડીમાં લાઇટો અને રોશનીથી ટેરેસ રમ્ય ભાસતી. કેટલાંક ઓવરસિઝ અને સિનિયર વિદ્યાર્થીઓના નિમંત્રિત તરીકે વિદ્યાર્થિનીઓ પણ આવતી.
હોસ્ટેલ ડે ની આ ઝાકઝમાળ અને રોનક મારા માટે નવી હતી. અંગ્રેજી ગાયનની તરજ ઉપર ડાન્સ કરવાની વાત તો દૂર રહી હું તો ક્યારેય દાંડિયા રસ પણ નહોતો રમ્યો. ચકચકાટ શૂઝ, પાટલૂન અને એના ઉપર મેચ થાય તેવું શર્ટ અને બ્લેઝર, ગાળામાં ટાઈ પહેરીને મહાલતા આ સાથીદારો મારી જ હોસ્ટેલના છે કે ક્યાંક બીજા ગ્રહ પરથી આવ્યા છે તે સમજવું મારા માટે મુશ્કેલ હતું. અત્યાર સુધી કાં તો લીમડાના ઝાડ ઉપર ચડીને અથવા મિત્રો સાથે અંતાક્ષરી રમતાં ગાયનો લલકાર્યાં હતાં. એ નિજાનંદની મસ્તી હતી. આવા ઓડિયન્સ સામે માઇક ઉપર ગાવાનું ગજું તો ઠીક એવું વિચારવાની હિમ્મત પણ નહોતી. હજુ મારૂ અંગ્રેજી પણ આવા ઓડિયન્સ સામે બોલી શકું એવું સારું નહોતું. મારા જેવા બીજા કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા જેમની સાથે લગભગ છેવાડે કહી શકાય એટલે પાછલી હરોળમાં સ્થાન જમાવી આ ભભકથી અંજાઈ અત્યંત પ્રભાવિત થયેલ હું કંઈક ઉચ્ચા શ્વાસે આ બધું જોતો હતો. મારા માટે આ પહેલો અનુભવ હતો.
એક નવી રમત અહીં જોવા મળી એને “ફિશપોંડ” કહેતા. કોઈપણ વિદ્યાર્થી માટે કંઈક ટીખળ પડે એવું લખીને અઠવાડીયા પહેલા હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રસ હોલમાં મુકાયેલ એક બોક્સમાં નાખવાનું હતું. આ ચિઠ્ઠીઓ વાંચવાની શરૂ થઈ અને જીવ પાછો તાળવે ચોંટ્યો. મારા માટે કોઈએ કંઈ હાસ્યાસ્પદ તો નહીં લખ્યું હોય ને? બધા વચ્ચે આપણી ફિલમ ઉતરશે તેની બીક સાથે આ ફિસપોંડવાળી રમત આગળ વધતી હું જોઈ રહ્યો. ત્યારે નહોતું સમજાયું પણ હવે સમજાય છે કે સાવ સામાન્ય અને કશુંજ નોંધપાત્ર ન હોય તેવા વ્યક્તિત્વનું એક મોટામાં મોટું જમાપાસું છે. તમારી કોઈ નોંધ લેતું નથી. મારામાં કોઈને કંઈ જ મશ્કરી કરવા જેવુ દેખાયું નહીં હોય અથવા હું મશ્કરી કરવા જેવો અગત્યનો નહીં લાગ્યો હોઉ જે હોય તે મને કોઈ ફિસપોંડ નહોતું મળ્યું! હા, મારી બાજુમાં બેઠેલા મારા રૂમ પાર્ટનરને કોક વાંક દેખાએ ઝૂડી નાંખ્યો હતો એને ફિશપોંડ મળ્યું હતું “ધ મિસિંગ લિન્ક ઇન ડાર્વિન્સ થીયરી”. પ્રમાણિકતાપૂર્વક કહું છું આ સમજવું મારા ગજા બહારનું હતું પણ બધા ખડખડાટ હસ્યા અને તાળીઓ પડી એટલે લાગ્યું કે વાતમાં કંઈક દમ છે. થોડાક દિવસમાં જ મેં આનો શું અર્થ થાય તે શોધી કાઢ્યું. ડાર્વિનનો સિધ્ધાંત કહે છે કે માણસની ઉત્પત્તિ વાંદરામાથી થઈ છે. પણ એ પ્રક્રિયા દરમિયાન વાંદરો અને માણસ વચ્ચેની કડી એટલે કે અડધો માણસ અને અડધો વાનર હજુ શોધી શકાયો નથી! પેલા ફિશપોંડનો અર્થ તમને સમજાઈ ગયો ને?
છેલ્લે લકી ડ્રો હતો આપણે એમાં કંઈ નાવા નિચોવાનું નહોતું કારણકે તે માટે પૈસા આપીને કુપન લેવાની હતી જે મારી ચિત્તવૃત્તિને અનુકૂળ ન આવે તેવી બાબત હતી. જેમને ઈનામ મળ્યાં તે રાજી થયા અને જેને ન મળ્યા તે પણ કઈ નિરાશ નહોતા જ. કદાચ નિરાશ થવા જેવી એ ઉમર પણ નહોતી. છેવટે મેસના છોકરાઓ નાસ્તાની ડિશો સાથે બહાર પડ્યા અને નાસ્તો ઝાપટ્યા બાદ અમારો આ હોસ્ટેલ ડે પૂરો થયો. મારા માટે આ નવો અનુભવ હતો. પણ એ દિવસે મેં મનોમન નક્કી કર્યું કે આવતી સાલ સુધીમાં હું આ બધામાં સારી રીતે ભાગ લઈ શકું તે સ્તરે ચોક્કસ પહોંચી જઈશ.
ગુજરાતીમાં પંક્તિ છે-
ના માંગે દોડતું આવે,
રહે જો દૂર માંગીએ તે
જેનાથી હું ભાગી છૂટવા માંગતો હતો તે પબ્લિક સ્પીકિંગ એટલે કે એક મોટા ઓડિયન્સ સામે ભાષણ આપવાનું કામ એક દિવસ વણ નોતર્યું મારા ગળે ટિંગાણું. પ્રિપ્રેટરી સાયન્સના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સામે મારા વિચારો વ્યક્ત કરવા માટેનો પ્રસંગ મેં “આ બૈલ મુઝકો માર” કહ્યા અનુસાર સામે ચઢીને નોતરી દીધો.
ભેંસના શિંગડામાં માથું નાખવાનું કામ
અનાયાસે થઈ ગયું
મને અંગ્રેજી એટલું સારું નહોતું આવડતું
પણ ગુજરાતી તો મારા શોખનો વિષય હતો.
હું છઠ્ઠુ ધોરણ પાસ થયો ત્યારે રાજપુર પ્રાથમિક શાળાની લાઇબ્રેરીનાં લગભગ બધાં જ પુસ્તકો વાંચી ચૂક્યો હતો.
ગુજરાતનો નાથ, રાજાધિરાજ, ચૌલાદેવી, જય સોમનાથ જેવા પાટણની પ્રભુતાને રજૂ કરતાં તો સરસ્વતી ચંદ્ર, ભદ્રંભદ્ર જેવાં કંઈક અંશે પંડિતોની ભાષામાં લખાયેલ પુસ્તકો
તો દરિયાલાલ, સરફરોશ, હરારી, જેવી સાહસ કથાઓ દ્વારા...
ક.મા.મુન્શી, મોહનલાલ ચુનીલાલ ધામી, ઈશ્વર પેટલીકર, ધૂમકેતુ, ગુણવંતલાલ આચાર્ય, પન્નાલાલ પટેલ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણી જેવા મોટા ગજાના લેખકો સાથે પણ પરિચય થયો.
આ કારણે સાહિત્યમાં મારી રુચી વિકસી.
આટલી જ તત્પરતાથી મેં હિન્દી ભાષાનો અભ્યાસ કર્યો અને કોલેજના પહેલા વારસામાં દાખલ થયો ત્યારે વિનીત અને રાષ્ટ્રભાષા રત્ન જેવી પરીક્ષાઓ પાસ કરી. હિન્દીમાં સ્નાતક સમકક્ષ ક્વોલોફિકેશન મેળાવી લીધી હતું.
આ કારણથી જ હું ઝડપાઇ ગયો
શું હતી એ ઘટના?
મારો પ્રથમ પબ્લીક સ્પીકિંગ એટલે કે જાહેર ભાષણ પ્રયોગ કેવો રહ્યો?
આ અણધારી આફત ક્યાંથી આવી પડી?
ખેર વિચારવાનો કોઈ સમય નહોતો
આપણને કોઈએ સુરસાગરમાં ધક્કો માર્યો નહોતો
કંકોતરી લખીને આફતને જાતે જ નોતરી હતી
હવે...?
તરો અને કિનારે આવો
અથવા ડુબો અને તળિયે બેસો
સવાલ આ પાર કે પેલે પાર નો હતો
કહેવાય છે કે...
જ્યારે તમારા અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય
ત્યારે...
તમારું સર્વશ્રેષ્ઠ બહાર આવે છે.