એકથી સાત ધોરણ સુધીનો મારા અભ્યાસનો સમય એ મારા ઘડતરનો અને વ્યક્તિત્વ વિકાસનો પહેલો તબક્કો હતો એમ કહું તો ખોટું નથી. રાજપુર પ્રાથમિક કુમારશાળા અને સિદ્ધપુર શાળા નંબર એકમાં અભ્યાસ અને શાળાજીવન સાથે સંકળાયેલ બાબતો અંગે ચર્ચા કરી. આ ચર્ચામાં મહદ્અંશે અભ્યાસ તેમજ સંલગ્ન બાબતો કેન્દ્રસ્થાને રહી છે.

 

આ કાળખંડનું એવું જ એક મહત્વનું પાસું મારા પાડોશીઓ અને બાળપણના દોસ્તારો છે. આ સિવાયનું અગત્યનું પાસું સિદ્ધપુર શહેરમાં યોજાવાતા ઉત્સવો અને એ ઉત્સવો થકી જે શીખવા મળ્યું તે છે.

 

પહેલી વાત કરીએ પાડોશીઓની. અમે નટવરગુરૂના બંગલે રહેતા હતા. તે મકાન જ્યારે બંધાતું હશે ત્યારે ત્યાં એક-બે ઠાકોર કુટુંબો મોટા ભાગે ચોકીયાત તરીકે વસેલા. એ કુટુંબો ખેતરમાં એક ખૂણે પોતાના મકાનો બાંધી રહેતા હતાં. કુટુંબના વડાનું નામ મોડાજી ઠાકોર અને એમના પત્નીનું નામ માનાંબાઈ. એમને ત્રણ પુત્રો હતાં, પણ તેમાંથી એક યુવાન અવસ્થામાં જ ગુજરી ગયો હતો. બાકી બે ભાઈઓ બાજાજી ઠાકોર અને કેશાજી ઠાકોર. આ ઉપરાંત મોડાજીને ત્રણ દીકરીઓ હતી હેમતબેન, હીરાબેન અને દીવાબેન. પહેલી બે દીકરીઓ રાજપુર ગામમાં પરણાવેલી અને ત્રીજી દીકરી ખેરાળુ તાલુકામાં પાલડી ગામે પરણાવેલી. મારા જન્મ સમયે બાજાજીની ઉંમર અંદાજે અઠ્યાવીસ થી ત્રીસ વરસ હતી. તેઓ પરણિત હતા. તેમના સંતાનોમાં સૌથી મોટો સોમાજી લગભગ મારી ઉંમરનો. ત્યારબાદ ચંદુજી, મણાજી, પ્રહલાદજી અને લક્ષ્મણજી એમ પાંચ દીકરા અને બે દીકરીઓ હતી. કેશાજી તે વખતે માંડ આઠેક વરસના હશે. તેમના લગ્ન લગભગ સાઈઠના દાયકાના મધ્યમાં થયા. આ મોડાજી નટવરગુરૂની લગભગ ચારેક વીઘા જમીન વાવતા તેમજ બાજુમાં મુરલીધર પંડ્યા કરીને કોઈની લગભગ બારેક વીઘા જમીનમાં ગણોતિયા તરીકે દાખલ થઈ ગયા હતા. આમ મોડાજીનો મુખ્ય ધંધો ખેતી હતો. ક્યારેક ડાલવાણા, તાલુકો ખેરાલુ ગામેથી એમના મોટાભાઈ સરદારજી પણ સિદ્ધપુર ખેતી કરવા આવતા. આ સરદારજીને ફૂલો અને ચહેરો એમ બે પૌત્રો હતા, જે મારી ઉંમરના હતા. આમ, આંગણપાડોશી તરીકે ઠાકોર પરિવારો સાથે એક કુટુંબની માફક અમે રહ્યાં. સારા-ભલા દરેક પ્રસંગે મારી મા એમને યાદ કરે. એમના છોકરાઓ સાથે લખોટીથી માંડી ગીલ્લીડંડા સુધી અને ભમરડાથી માંડી લંગડી સુધી અનેક રમતો રમતા. કામ ન હોય ત્યારે તે મારા ત્યાં જ હોય. નાનું-મોટું ટાંપું પણ કરે અને અમારા ઘરનું વાસણ-પાણી વિગેરેનું કામ પણ સંભાળે. બાજાજી ઠાકોર મીલમાં જતા. ઠરેલ માણસ એક એક શબ્દ વિચારીને બોલે. પૈસાના વ્યવહારની બાબતમાં ખૂબ જ સજાગ. બીડી સિવાય કોઈ વ્યસન નહીં. કંજુસાઈ કહી શકાય એટલી હદે તે કરકસર કરે એટલે મારી મા ઘણીવાર હસતાં હસતાં કહે, “ઠાકોરના ખોળીયામાં વાણિયાનો જીવ છે.” પ્રમાણમાં સુખી માણસ અને એમની બેઠક-ઉઠક પણ સાહુકાર અને સજ્જન માણસો સાથે. કેશાજી માટે આવું ન કહેવાય. એ સાચા અર્થમાં ઠાકોર ભારાડી માણસ. એમના છોકરા પણ એવા. થોડોક સમય મિલમાં નોકરી કરી, પણ જીવનનો મોટાભાગનો સમય ઠાકોરગીરી કરવામાં ગાળ્યો. એમનાં છોકરાં પણ એ જ લાઈનનાં. ઘણીવાર બે ભાઈઓને ઝઘડા થાય અને ત્યાં કોઈ છોડાવનાર તો હોય નહીં એટલે મેં વચ્ચે પડીને અનેક વખત એમને છુટા પાડ્યા છે.

 

બાજાજીનાં સંતાનોમાંથી સોમાજી માંડ છ ધોરણ સુધી ભણ્યો, પણ પ્રિન્ટીંગ પ્રેસના કામનો અચ્છો જાણકાર. એણે જીવન આખું પ્રિન્ટીંગ પ્રેસની લાઈનમાં જ કાઢ્યું અને અત્યારે નિવૃત્ત જીવન જીવે છે. ચંદુજી રીક્ષા ચલાવે છે. એ પણ બાજાજી જેવો જ કરકસરિયો જીવ છે. હજુ આજે પણ સિદ્ધપુર જવું તો એસ.ટી. સ્ટેન્ડ પાસે કે એટલામાં ક્યાંક મળી જાય છે. મણાજી છેક ભણવાનું પૂરૂં થયું ત્યાં સુધી મારા ઘરે જ રહ્યો. આપણે માનીએ કે ન માનીએ, પણ મારા મા-બાપના આશીર્વાદ એને ચોક્કસ મળે જેને કારણે એ ગ્રેજ્યુએટ થયો અને ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પોસ્ટ સુધી પહોંચી લગભગ 2016માં જ નિવૃત્ત થયા. બાકીના બે ભાઈઓ હીરા ઘસવાનું કામ કરતા હતા પણ અત્યારે શું કરે છે એનું ખ્યાલ નથી. મારૂં પહેલું લેટરહેડ સોમાજીએ છાપેલું. હું વડોદરા ભણવા ગયો ત્યારે સ્ટેશન ઉપર મારી બેગ લઈને મૂકવા આવેલો. અમે સાથે રમ્યાં. મોટા થયાં. ક્યારેય કોઈ ભેદભાવ અમારા સંબંધોમાં આવવા દીધો નથી. છેલ્લે છેલ્લે એ સિદ્ધપુર ગંજબજારમાં સિક્યુરિટીમાં હતો. ત્યારબાદ સંપર્ક નથી. આ લોકોની સાથે થોડાક સમય બાદ એક ભરથરી પરિવાર પણ રહેવા આવ્યું. મૂળ ઉમરેચાના વતની એવા આ પરિવારનો બીજા નંબરનો છોકરો બાબુ પણ મારી ઉંમરનો. એ પણ અભ્યાસ કરવા માટે ત્યાં આવતો. હવે પંચમહાલમાં કોઈક મંદિર બનાવીને પૂજા કરે છે. એનાથી નાના બે ભાઈઓ મંગો અને ચંદુ એસ.એસ.સી. સુધી ભણ્યાં. ત્યારપછી 1977માં અમદાવાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેક્ષ્ચરાઈઝીંગ વિભાગમાં નોકરીએ રખાવ્યાં. આજે બંને ભાઈઓ પાસે પોતાના મકાન છે અને બાળકો પણ સારી રીતે ઠેકાણે પડ્યા છે. એમના જ કુટુંબમાંથી એક છોકરો વિનુ. એ ચોથા ધોરણમાં હતો ત્યારથી મારા ત્યાં આવતો અને એની પ્રાથમિક શાળામાં કે હાઈસ્કૂલમાં કોઈ પણ નાની-મોટી તકલીફ હોય તો મારા બાપા એના સંકટમોચક બનીને હેડમાસ્ટર સાહેબને મળી આવતા. આ છોકરો વ્યાયામ અને રમતગમતમાં પણ સારો હતો અને એને પ્રાથમિક શાળામાંથી છેક રાજ્યકક્ષાએ “વ્યાયામવીર” નો ખિતાબ મેળવ્યો હતો. એની પાસે શાળા સમય દરમિયાનના રમતગમતના જુદા જુદા છોત્તેર પ્રમાણપત્રો છે. કમનસીબે એ કૉલેજમાં ન ગયો કારણ કે લગન થઈ ગયા. આજે મારી સાથે ડ્રાયવર તરીકે કામ કરે છે. કુરિવાજ ક્યારેક આશાસ્પદ કારકિર્દિને કઈ રીતે રોળી નાંખે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

 

આ ઉપરાંત એક કાંતિ ભાઈચંદભાઈ પટેલ પણ મારો મિત્ર હતો અને મારા ત્યાં જ અમે સાથે વાંચતાં. એણે એસ.એસ.સી.માં ગુટલી મારી. ઘણા પ્રયત્નો કર્યા, પણ એસ.એસ.સી.માં પાસ ન થયો. સિદ્ધપુરમાં કાપડની દુકાન કરી. સારી ચાલી પણ અમેરિકા જવાનો મોહ એને ત્યાં ખેંચી ગયો. આજે આ પરિવાર સુખી છે. આ સમગ્ર કાળખંડ દરમિયાન જે કંઈ બન્યું તેના ઉપરથી એક સ્પષ્ટ તારવણી મેં કાઢી છે. મારે ત્યાં રહીને જેમણે જેમણે અભ્યાસ કર્યો અને નાની-મોટી મારા મા-બાપની સેવા કરી એમાંથી એક પણ વ્યક્તિ દુઃખી નથી અને જીવનમાં એમણે નહીં ધારી હોય તેવી પ્રગતિ કરી છે. ઈશ્વરને આપણે જોયો નથી, પણ ક્યારેક નિઃસ્વાર્થ સેવાના બદલામાં કોઈકના હૃદયમાંથી નીકળતો આશીર્વાદ તમારૂં કલ્યાણ કરે છે તેના એક કરતા વધુ ઉદાહરણ મેં અહીંયા મુક્યા છે. મને પણ આ બધા લોકો તરફથી તેટલો જ પ્રેમ અને માન મળ્યા છે. આજે તેમની પ્રગતિ જોઈએ છીએ ત્યારે દિલમાં ટાઢક વળે છે. જગ્યાનો પ્રભાવ હોય કે મારા માતા-પિતાના આશીર્વાદ જે ગણો તે મારા ઘરે રહીને જેમણે અભ્યાસ કર્યો છે તેમાંનો એક પણ વ્યક્તિ દુઃખી નથી. હું આને ઈશ્વરની કૃપા ગણું છું.

 

અમારા સાથે નજીકમાં નજીક રહેતા કુટુંબો ઠાકોર અને ભરથરી જેવાં હતાં. ક્યારેક સીમમાં વાંસફોડિયા વાદી જે ટોપલાં, ટોપલી વિગેરે વાંસની વસ્તુઓ બનાવતા તે પણ અમારા ખેતરમાં પડાવ નાંખતા અને ઉનાળાની ધોમધખતી ગરમીમાં અમારી લીમડીઓની છાયામાં બેસીને કામ કરતા. આ લોકો સાથેના પરિચયમાં બીજી એક ચોંકાવી દે તેવી વાત જાણવા મળી. કોઈ પ્રસંગ અથવા જરૂરિયાતના સમયે આ લોકો પોતાના મુખી પાસેથી પૈસા ઉછીના લેતા. આમાં બે વાત બનતી. એક આ મુખી તોડી નાંખે તેવું ત્રીસથી છત્રીસ ટકા કે તેથી પણ વધારે વ્યાજ લેતો. જે વ્યક્તિએ આ રીતે પૈસા ઉધાર લીધા હોય તેણે વ્યાજ ઉપરાંત અડધો દિવસ આ મુખી માટે કામ કરવાનું રહેતું. જેની કોઈ રકમ વળતરરૂપે તેમને મળતી નહીં. સીધીસાદી ભાષામાં કહીએ તો આ અડધો દિવસ પેલા દેણદારે મફતની વેઠ કરવી પડતી. બાકીનો અડધો દિવસને જે કામ કરે એમાંથી પોતાનો પુરૂં કરવાનું અને જે કંઈ ભરી શકાય તે હપ્તો ભરવાનું. હપ્તા પેટે આપેલ આ રકમ પહેલા ચડત વ્યાજ સામે સરભર કરવામાં આવતી. આ કારણથી દેવું કરનાર વ્યક્તિ ક્યારેય મુદ્દલ પાછી વાળી શકતો નહીં અને આખું જીવન પેલા મુખીની ગુલામી કરવામાં વપરાઈ જતું. પેલો મુખી આ લોકોની મહેનત – મજૂરીને કારણે વધુને વધુ માલેતુજાર થતો જતો. આ ખરેખર કરૂણ પરિસ્થિતિ હતી અને માણસોનું સંપૂર્ણપણે શોષણ કરતી ગુલામીપ્રથાની સર્જક હતી. મને આ જાણીને દુઃખ થતું, પણ મારી પાસે એ સામે કાર્યવાહી કરવાનો કોઈ ઉપાય ન હતો. પછી તો મોટા થયા અને એક વખત બેંકની લોન લેવાનો પ્રસંગ પડેલો ત્યારે ખ્યાલ આવ્યો કે શરૂઆતમાં જે હપ્તા ભરીએ તે વ્યાજ સામે જ સરભર થતાં અને મુદ્દલ એમની એમ રહેતી. મને ત્યારે મનોમન એવી રમૂજ થયેલી કે, બેંક અને વાંસફોડિયા વાદી બેમાં કોઈ ફરક નથી. જે દેવું કરે છે એનું શોષણ થાય છે. વ્યાજ નથી દિવસે ઊંઘતું કે નથી રાત્રે ઊંઘતું. વ્યાજ નથી દિવાળીની રજા પાડતું કે નથી હોળીની રજા પાડતું. વ્યાજનું ચક્કર નિરંતર ચાલ્યા કરે છે અને એમાં જે ફસાયો તે બહાર આવ્યો ત્યારે સમજવાનું કે છૂટ્યો. મેં ત્યારથી નિર્ણય કર્યો છે કે, કોઈ પણ પ્રકારનું વ્યાજ ચડતું હોય તેવી લોન લેવી નહીં. જ્યાં ફરજીયાત જરૂરી હોય તે પેટ્રોલપંપ અથવા ઓનલાઈન ઈ.- ખરીદી કાર્ડથી પણ ન કરવી. ક્રેડિટકાર્ડનું વ્યાજનું ચક્કર તો શરાફી વ્યાજ કરતાં પણ ખતરનાક હોય છે. વાતવાતમાં ક્રેડિટકાર્ડ ઘસી નાંખનાર કાં તો આ સમજતો નથી અથવા આ ખર્ચ કંપનીમાં પડવાનો હોય છે જેની એને બહુ ચિંતા નથી બેંક અને વાંસફોડિયા વાદી. ક્યારેક ક્યારેક મન વિચારે ચડી જાય છે કે, આ પૃથ્વી ઉપર પહેલું કોણ આવ્યું હશે – વાંસફોડિયા વાદી કે પછી બેંક/સાહુકાર. સાચું ખોટું રામ જાણે...

 

આ મારા આંગણપાડોશી અને જેમની અત્યંત નિકટ રહી હું મોટો થયો, જેમના બાકો સાથે નાની મોટી રમતો રમી, ક્યારેક ક્યારેક ઝઘડાં પણ કર્યા તો ક્યારેક ક્યારેક સાથે બેસીને ગ્રામોફોન પણ સાંભળ્યો. સૂરજ નારાયણ અસ્તાચળે જાય અને રાતના અંધારામાં ઉતરવા માંડે ત્યારે અંધકારભરી રાતોના એકાંતમાં જરૂર પડે તો હાક મારીએ એટલે દોડીને આવે એવા આ સહારો અને હૂંફ હતા. આજે આ લખું છું ત્યારે મને મારી મા ના શબ્દો યાદ આવે છે - “પહેલો સગો પાડોશી.”

 

આ થઈ સાવ આંગણપાડોશીની વાત. પણ મારા બાળપણના અનેક મધુર સંસ્મરણો જેની સાથે જોડાયેલા છે. બેન એટલે કે હીરાબા જેમણે મને ઝેમ પાયો હતો. એક અત્યંત પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ એટલે જયદત્ત શાસ્ત્રીજી. એમના સંતાનોમાં સૌથી મોટા આશુતોષભાઈ પછી ક્રમશઃ મીનાબેન, બ્રહ્મબાળાબેન, વ્રજેશ્વરી (નાની બેન) અને પતંજલી (બાબાભાઈ). શાસ્ત્રીજીના સૌથી નાના બે સંતાનો. નાનીબેન અને પતંજલી મારા બાળપણના અત્યંત નજીકના કહી શકાય તેવા મિત્રો હતા. ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ કરવામાં જુદી જુદી જગ્યાએથી આવતા વિદ્યાર્થીઓ. આ બધું ભેગું થઈ અને એ સમયે એક અત્યંત જીવંત વાતાવરણનું સર્જન કરતું હતું. એનું આકર્ષણ કેટલું હતું ? મારી જાગૃત અવસ્થામાં જેટલો સમય મેં ઘરે નથી ગાળ્યો તેટલો સમય શાસ્ત્રીજીના બંગલે અને પાઠશાળામાં ગયો છું. એ માહોલ જ જુદો હતો. 1962 સુધીનાં એ વરસો એટલી બધી નફીકરાઈથી અને આનંદ સાથે ગાળ્યા છે જેનું વર્ણન કરીએ ત્યારે આજે પણ એક સ્વપ્નની દુનિયામાં સરકી જવાય છે. એક એવી દુનિયા જેમાં હતો માત્રને માત્ર નિર્મળ અને નિર્ભય આનંદ.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles