કર્દમ ઋષિની તપોભૂમિ કર્દમ આશ્રમ (કર્દમવાડી) અને એમાં રણકતો અષ્ટધાતુનો ઘંટ
સિદ્ધપુર અને કર્દમ ઋષિ વિષે બિંદુ સરોવર તીર્થના વિવરણમાં વિગતે લખાઈ ગયું છે. આમ તો કર્દમ ઋષિ, દેવહુતિ માતા અને કપિલ મુનિ એટલે જ બિંદુ સરોવર તીર્થક્ષેત્રની આસપાસ રચાયેલી તપસ્યાઓની અનોખી ગાથા. આ ગાથાના ભાગરૂપે અલ્પા સરોવર અને જ્ઞાનવાપી અથવા જ્ઞાનકૂપ પણ આવી જાય. મહારાજા મનુની પુત્રી દેવહુતિ સાથે કર્દમ ઋષિએ લગ્ન કર્યા તેની એક શરત એવી હતી કે પોતે પ્રથમ સંતાન થાય ત્યાં સુધી ગ્રહસ્થાશ્રમ ભોગવશે અને પ્રથમ સંતાન અવતરે એ પછી પોતાનું મન ગ્રહસ્થાશ્રમમાંથી પાછું ખેંચી લઈ આત્મજ્ઞાનની મદદથી પરમહંસો માટે નિર્દેશિત પવિત્ર ધર્મોમાં પૂર્ણપણે પાલન જીવનનું કલ્યાણ કરશે. આમ કર્દમ મુનિ સંસારી બન્યા તે પહેલા પણ પવિત્ર તપસ્વી હતા અને પ્રથમ સંતાન એટલે કે ભગવાન કપિલ મુનિના જન્મ બાદ વળી પાછા અલખને આસરે આત્મ કલ્યાણ અર્થે ચાલી નીકળ્યા હતા. સ્વાભાવિક છે સરસ્વતીને કિનારે અને બિંદુ સરોવર તીર્થના સામીપ્યમાં પરમ તપસ્વી કર્દમ મુનિનો આશ્રમ હોવો જોઈએ. સિદ્ધપુરવાસીઓ આ કર્દમ આશ્રમને કર્દમવાડી તરીકે ઓળખે છે.
બિંદુ સરોવર જવાના રસ્તા ઉપર રેલવેક્રોસિંગ પછી જમણી બાજુએ ઉત્તર દિશામાં મહાપ્રભુનીજી બેઠક નજીક કર્દમવાડી નામની જગ્યા છે. મૂળ આ સ્થાન કર્દમ ઋષિનો આશ્રમ હતો તેવું ઇતિહાસ કહે છે. અહીં કૃષ્ણને બહુ પ્રિય એવા કદમ્બના વૃક્ષો બહુ હોવાથી પણ તેનું નામ કદમ્બવાડી પડ્યું હોવાનું મનાય છે. બ્રહ્માજીના માનસપુત્ર મહર્ષિ કર્દમ આ જગ્યાએ તપ કરતાં હતા. કર્દમ ઋષિએ સિદ્ધ કરેલી આ ભૂમિ પર અનેક સંતો-મહંતોએ તપસ્યા કરી જીવન ધન્ય બનાવ્યા છે. આ જગ્યામાં રાધા, કૃષ્ણ અને બળદેવનું પ્રાચીન મંદિર આવેલું છે જે ગુજરાતભરમાં એકમાત્ર મંદિર છે. અહીં શાલિગ્રામ શીલામાંથી બનેલી મૂર્તિ છે. મંદિરમાં અષ્ટધાતુમાંથી નિર્મિત એક પ્રાચીન ઘંટ આવેલો છે જે સંવત ૧૫૪૪થી એટલે કે સવા પાંચસો વરસ કરતાં પણ વધુ સમયથી અહીં છે. અઢી મણ (૫૦ કિલો) વજનનો આ સુંદર કલાત્મક ઘંટ નેપાળનરેશ દ્વારા મંદિરને ભેટ આપવામાં આવ્યો છે. સોનું, રૂપું, તાંબું, કથીર, પીતળ, સીસું, લોઢું અને પારો જેવી અષ્ટધાતુથી નિર્મિત આ ઘંટ ચંદનના લાકડા પર જડેલો છે.
નેપાળના રાજા નિસંતાન હતા. વળી રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. રાજ્યમાં મેઘમહેર થાય અને પોતાનો વંશવેલો આગળ વધે તે હેતુથી નેપાળનરેશ તીર્થયાત્રાએ નીકળ્યા. યાત્રા દરમિયાન તેઓ સિદ્ધપુર ખાતે આવેલ કર્દમ ઋષિના આશ્રમે પધાર્યા. અહીં પ્રાચીન કૃષ્ણ બળદેવના મંદિરમાં દર્શન કર્યા અને પુત્રપ્રાપ્તિ તેમજ મેઘમહેર માટે મનોકામના કરી બાધા રાખી. બાધા પૂરી થતાં તેઓ ફરી સિદ્ધપુર પધાર્યા અને સંવત ૧૫૪૪ના ફાગણ વદ દસમે કર્દમ આશ્રમના મંદિરમાં અષ્ટધાતુનો ઘંટ અર્પણ કર્યો. ઘંટ નેપાળથી વીસ કિલો ચંદનના લાકડાથી બાંધી હાથી ઉપર શાહી સવારી દ્વારા લાવવામાં આવ્યો હતો. નેપાળનરેશે બિંદુ સરોવર ખાતે માતૃશ્રાદ્ધ પણ કર્યું હતું. તે સમયથી લોકો પુત્રપ્રાપ્તિ માટે અહીં બાધા રાખે છે અને બાધા પૂર્ણ થયા બાદ અહીં ઘંટનાદ કરવાની પરંપરા છે.
અષ્ટધાતુનો આ ઘંટ વિશિષ્ટ છે. સવાર-સાંજ આરતી સમયે ઘંટ વગાડ્યા બાદ એક મિનિટ સુધી ઓમકારનો આહ્લાદક ધ્વનિ વાતાવરણમાં ગુંજતો રહે છે. સામાન્ય રીતે ઘંટ ઉપરના ઘુમ્મટ આકારથી બંધ હોય છે પણ આ ઘંટ ઘુમ્મટ આકારથી ખુલ્લો છે.
અષ્ટધાતુના ઘંટ ભારતવર્ષમાં માત્ર ત્રણ સ્થળે જોવા મળે છે : (૧) તિરૂપતિ બાલાજી મંદિર, દક્ષિણ ભારત (૨) પશુપતિનાથ મંદિર, નેપાળ અને (૩) કર્દમ આશ્રમ, સિદ્ધપુર.
આ જગ્યામાં સંતસેવાની સાથે સાથે ગૌસેવા પણ કરવામાં આવે છે. સંસ્થાન દ્વારા આયુર્વેદિક દવાખાનું પણ ચાલે છે. બિંદુ સરોવર પરિસરમાં શ્રી કૃષ્ણ બળદેવ સંસ્થાનનું સુંદર શૈલીથી નિર્મિત નર્મદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં અખંડ દીવો ચાલે છે. સંસ્થાનના મહંત તરીકે ગાદી પરંપરા મુજબ હાલ નારાયણશરણ સ્વામી બિરાજમાન છે.
જ્યાં આવા સિદ્ધ અને પવિત્ર મુનિએ તપ કર્યું, જ્યાં એમણે પોતાનો ગ્રહસ્થાશ્રમ ભોગવ્યો હોય અને જ્યાં પરમ તેજસ્વી કપિલ મુનિ જેવા સંતાનની એમને પ્રાપ્તિ થઈ હોય એ કર્દમ આશ્રમ અથવા કર્દમવાડીની ધરતી કેટલી પવિત્ર અને બળૂકી હોય એનું વર્ણન કરવાની કોઈ જરૂરિયાત દેખાતી નથી. પરમ તપસ્વી સિદ્ધપુરુષોની તપોભૂમિ હંમેશાં એમનાં તેજવલયો અને પ્રભાવથી જાગૃત હોય છે. આવી આ જાગૃત ભૂમિ અને તેમાં પણ ત્યાંના મંદિરમાં ઓમકાર ધ્વનિ પ્રસરાવતો અષ્ટધાતુનો ઘંટ એ સિદ્ધપુરને ઉપલબ્ધ એક વિરલ પ્રાપ્તિ છે. ઓમકારનું અનેક પ્રકારે પૂજા, આરાધના અને સાધનામાં મહત્વ છે. જેના રણકારમાંથી ઓમકારનો ધ્વનિ ઊઠતો હોય તે ઘંટનો ઘંટારવ પણ વાતાવરણમાં દિવ્ય આંદોલનો ઊભાં કરે છે. આ દિવ્ય આંદોલનો ઝીલવાની શક્તિ તો માત્ર પવિત્ર સાધકને જ પ્રાપ્ત છે. પણ અષ્ટધાતુના ઘંટમાંથી નીકળતો ઓમકારનો ધ્વનિ એ એક એવો બીજમંત્ર વાતાવરણમાં રોપે છે કે જેના વારંવાર શ્રવણથી માણસના વિચારો અને બુદ્ધિનું ઊર્ધ્વીકરણ થાય. જ્યારે વિચારોનું ઊર્ધ્વીકરણ થાય ત્યારે જ માણસ જીવમાંથી શિવ તરફ જવાની પ્રક્રિયાનું પ્રથમ ડગલું ભરતો હોય છે. કર્દમવાડીનો અષ્ટધાતુનો આ ઘંટ આજે પણ નેપાળનરેશની શ્રદ્ધા અને આ ભૂમિમાં રહેલા તપોબળને ઉજાગર કરતો રણકે છે. સિદ્ધપુરમાં ક્યારેક કોઈના કાને આ ઘંટ ધ્વનિ પડે અને ઓમકાર મંત્રને જીવનમાં કેન્દ્રસ્થાને મૂકી એ અલખનો મારગ પકડી લે તે દિવસે ફરી એકવાર સિદ્ધપુરમાં કર્દમ ઋષિનો અંશ જન્મ લેશે.