ભટ્ટ સાહેબનું અવલોકન “સારો વિદ્યાર્થી છે. હાથે કરીને પોતાના પગ પર કૂહાડો મારે છે.” શબ્દો વળીવળીને જાણે કે પડઘા પડતા હોય તે રીતે મારા કર્ણપટલ પર અથડાઈને મગજમાં હથોડાની જેમ ટીપાતા હતા. અત્યાર સુધી ક્યારેય એક અપવાદ ખાતર પણ કોઈ શિક્ષકે મને ટપાર્યો નહોતો. આજે મારા મત મુજબ કોઈ પણ વાંક ન હોવા છતાં બધા વિદ્યાર્થીઓની હાજરીમાં સાહેબે આવા કઠોર શબ્દો વાપર્યા તે મારા માટે પહેલો અનુભવ હોવાથી ખૂબ ચચરતા હતા. સાહેબના શબ્દોએ મારી લાગણીઓને સૉળ પાડ્યા હતા. અત્યાર સુધી ક્યારેય ક્લાસમાંથી ગુલ્લી મારીને હું ક્યાંય ગયો નહતો. પહેલા ધોરણથી જ નિશાળ અને તેનું વાતાવરણ મને ખૂબ ગમતાં અને એટલે છઠ્ઠા ધોરણમાં એક વખત શરીર તાવે ધગી જતું હતું અને અમારા સાહેબે ઘરે જવા માટે કહ્યું ત્યારે પણ મેં ઘસીને ના પાડી દીધી. આમ છતાંય મને પુષ્કળ તાવ ચઢ્યો હતો એટલે અમારા મોતીરામ પટેલ સાહેબે બે વિદ્યાર્થીઓ સાથે મને ફરજિયાત ઘરે મોકલી આપ્યો હતો. તે દિવસ પણ સમય આજની જેમ ઢળતા બપોરનો જ હતો. તે દિવસ પણ ચાલુ ક્લાસે હું ઘરે જઈ રહ્યો હતો. મારે નહોતું જવું તો પણ. મને હજુ પણ એવું ને એવું યાદ છે – હું દફ્તર ભરીને ક્લાસમાંથી બહાર નીકળ્યો ત્યારે મારી આંખમાં ઝળઝળીયાં હતાં. ઘરે જઈને રીતસર મારી માના ખોળામાં માથું મૂકી રડી પડ્યો હતો. કારણ તાવ આવ્યો હતો એ નહોતું, પણ તાવને કારણે નિશાળ બગાડીને ઘરે આવવું પડ્યું તે હતું.
આજે ભટ્ટ સાહેબના શબ્દો સાંભળ્યા બાદ મન ભરાઈ આવ્યું. મેં પાછું વાળીને જોયું અને માંડ માંડ મારા બાપાએ પ્રિન્સિપાલ સાહેબ તેમજ ક્લાસટીચર પાસેથી મને બે પિરિયડ વહેલા જવાની પરવાનગી અપાવી હતી તેટલું કહી શક્યો. આટલું કહેવા માટે પણ મારે મારી જાત પર કાબૂ રાખવો પડ્યો હતો. ખૂલાસો નહીં આપ્યો હોત તો એ અવિવેક ગણાત, પણ એ ખૂલાસો આપ્યા બાદ જ્યારે એલ. એસ. હાઈસ્કૂલના મુખ્ય પ્રવેશદ્વારની બહાર નીકળ્યો ત્યારે બંને આંખોમાં બોર બોર જેવડાં આંસુ હતાં. સદનસીબે આ જોવાવાળું ત્યાં કોઈ નહોતું ! મારા મર્મ પર ઘા થયો હતો. કારણ કે મારી નીષ્ઠા અને સામે સાહેબે આ પ્રકારનું અવલોકન કર્યું હતું.
મારા તરૂણ માનસ પર આ ઘટનાએ જબરદસ્ત અસર કરી. ગમે તેટલું બીજું વિચારું તો ય મન વળીવળીને આ પ્રસંગ તરફ જ જતું હતું.
આ પ્રસંગ પરથી બોધ લઈને મેં મારી અધિકારી તરીકેની કે જાહેરજીવનની કારકિર્દીમાં એ વાત ગાંઠે બાંધી છે કે, પૂરી વિગતો જાણ્યા વગર કોઈને પણ દોષિત ગણવા નહીં. આગળ જતાં કાયદાનો સ્નાતક બન્યો ત્યારે ન્યાયપ્રથાનો એક પાયાનો સિદ્ધાંત શીખવા મળ્યો જે મુજબ “કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી ગુનેગાર પૂરવાર ન થાય ત્યાં સુધી એ નિર્દોષ છે.” ભટ્ટ સાહેબનાં આ અવલોકનોએ મારી જિંદગીમાં એક મોટો પાઠ શીખવાડ્યો છે. કોઈ પણ વ્યક્તિ અથવા એની કામગીરી બાબત અભિપ્રાય બાંધતાં પહેલા હું એની પરિસ્થિતિ સમજવાની પૂરતી કોશિષ કરૂં છું. ઘણીવાર એક સરખા સંયોગોમાં પણ બે વ્યક્તિઓનું વર્તન જૂદું હોઈ શકે છે. દા.ત. વર્ગ-4ના કોઈ કર્મચારીનું બાળક માંદું પડે તો એણે સરકારી હૉસ્પિટલ જેવી સવલતોનો લાભ લેવો પડે છે. તેની પાસે એવા કોઈ સંપર્ક નથી હોતા કે સીધો જે તે રોગનાં નિષ્ણાત ડૉક્ટર પાસે જઈ એને કશું કહી શકે અથવા એમની મસમોટી ફી ભરી શકે. આ કારણથી ક્યારેક એને ઑફિસ આવવાનો વિલંબ થઈ શકે, ક્યારેક ન પણ આવે.
આથી વિપરિત સિનિયર અધિકારીઓ અને સંપન્ન કર્મચારીઓ પાસે આ જ પરિસ્થિતિમાં સંપર્કો તેમજ નાણાંશક્તિનું બળ હોય છે.
અધિકારી હોય કે ડ્રાયવર અથવા પટાવાળો પોતાના સંતાન માટે તો એ બાપ છે. આ કારણથી ક્યારેક વિષય જાણ્યા વગર કોઈ અધિકારી આવા કર્મચારી પર વરસી પડી પોતાની હતાશાનું પ્રદર્શન કરે ત્યારે કદાચ મજબૂરી અથવા શિસ્તને કારણે પેલી વ્યક્તિ એને મ્હોંએ કશું નહીં કહે, પણ મનમાં તો ચોક્કસ આ પ્રકારના વર્તન માટે કડવાશ ઊભી કરશે જ. માનવ સ્વભાવમા જો આટલો સુધારો આવી જાય, કાયદાનો પેલો પાયાનો નિયમ એને સમજાઈ જાય કે જ્યાં સુધી કોઈ માણસ દોષિત પૂરવાર નથી થતો ત્યાં સુધી એ નિર્દોષ છે તો એનું વર્તન ઘણું સુધરી શકે અને સંબંધોની મધુરપમાં વધારો થાય.
ભટ્ટ સાહેબનું આ અવલોકન એમની મારા માટેની લાગણીના કારણે જ હતું એમાં કોઈ શંકા નથી, પણ ક્યારેક તમારી વધારે પડતી લાગણી પણ કોઈને ચચરે છે એનું આ ઉદાહરણ પ્રમાણમાં નાની ઉંમરે મને શીખવા મળ્યું. મેં જેટલી જગ્યાએ નોકરી કરી છે ત્યાં આ સમજને કારણે ક્યારેય મારી ધારણા પ્રમાણેનું વર્તન કોઈનું ન દેખાય તો આકળા-ઉતાવળા થઈને કડવા શબ્દો નથી કહ્યા. એનું સીધું પરિણામ નોકરી છોડ્યા બાદ પણ હું ક્યારેક મારી સાથે કામ કરી ગયેલ રાધેશ્યામ બ્રહ્મભટ્ટ, અનિલ શાહ કે અન્ય કર્મચારીઓને મળ્યો છું ત્યારે એમની આંખમાં દેખાતો મારા માટેનો સ્નેહ મને હંમેશા સ્પર્શી ગયો છે.
કડવો ઘૂંટડો મા પાય. પછી એ ઓસડીયાનો હોય કે ઠપકાનો. શિક્ષક-માસ્તર પણ એવું જ એક આદરણીય પાત્ર છે જે ક્યારેક આવો કડવો ઘૂંટડો જાણે-અજાણે તમને પીવડાવી દે છે. ભટ્ટ સાહેબનાં અવલોકનને કારણે મને જે દુઃખ થયું એમાં મારી વૈચારિક અપરિપક્વતાનો દોષ વધારે ગણું છું. નટુભાઈ ભટ્ટ સાહેબ આજે પણ મારા માટે એટલા જ આદરણીય છે.
સમય વીતતો ચાલ્યો. દસમા ધોરણમાં મારા અભ્યાસ દરમિયાન જૂનથી માર્ચ સુધીના 9 મહિનામાંથી દિવાળી વેકેશન બાદ કરીએ અને બીજી રજાઓ બાદ કરીએ તો ભણવા માટે રહેતા સમયમાં મારા લગભગ બે મહિના બગડ્યા હતા. કારણ કે મારી માની બંને આંખે વારાફરતી મોતિયાનું ઓપરેશન કરાવ્યું એ હૉસ્પિટલના દસ દિવસ પ્રમાણે બે વખતના વીસ દિવસ અને ઑપરેશન કરાવ્યાના થોડા મહિના સુધી એને ચૂલા પાસે જવાની મનાઈ હતી એટલે થોડુંક બીજું વધ્યું.
કદાચ આ બધાં જ કારણોસર અભ્યાસમાં જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું આપી શકાયું નહીં. ક્લાસમાં ચાલી ગયું હોય એવું કેટલુંક કોઈની પાસેથી ઉતારી લેવા જેટલો પણ સમય નહોતો એમ ગણીએ, મારો પ્રમાદ ગણીએ અથવા પોતે હોંશિયાર છે એવો મારો વધુ પડતો આત્મવિશ્વાસ ગણીએ – જે ગણીએ તે પણ પરીક્ષા આવી અને મેં એનાં પેપરો લખ્યાં પણ ખરાં.
ત્યારબાદ થોડા દિવસ રજાઓ હતી.
પરિણામનો દિવસ આવી પહોંચ્યો.
અમારા વર્ગશિક્ષક એમ. આઈ. પટેલ સાહેબ પ્રગતિપત્રકના થપ્પા સાથે ક્લાસમાં આવ્યા અને જેમ જેમ રૉલનંબર બોલતા ગયા તેમ તેમ સહુ પોતપોતાનું પરિણામ લઈને ક્લાસની બહાર નીકળતા ગયા. મારો રૉલનંબર બોલાયો એટલે વટભેર ઊભા થઈને મેં સાહેબ પાસેથી મારૂં પ્રગતિપત્રક લીધું. ક્લાસની બહાર નીકળી સહેજ આગળ જઈ મેં પ્રગતિ પત્રકનું છેલ્લું પાનું જેના ઉપર વિષયવાર માર્ક્સ અને પરિણામ હતું તે ખોલ્યું. મારી નજર મારા માર્ક્સ ઉપર અને હું કયા નંબરે ઉત્તીર્ણ થયો હતો તેના પર પડી. અત્યાર સુધી હંમેશા પહેલો નંબર જોવા ટેવાયેલી મારી આંખ એણે જે જોયું તે માનવા તૈયાર નહોતી. મારા વર્ગમાં હું પાંચમા નંબરે પાસ થયો હતો ! દસમા ધોરણના બે ક્લાસ હતા એટલે કદાચ દસમા ધોરણના બધા વિદ્યાર્થીઓમાં મારો નંબર સાત કે આઠમા ક્રમાંકની આજુબાજુ હશે એવું માનું છું.
મારા માટે આ એક જબરદસ્ત આંચકો હતો.
“સારો વિદ્યાર્થી છે. હાથે કરીને પોતાના પગ પર કૂહાડો મારે છે.”
ભટ્ટ સાહેબના આ શબ્દો આશ્ચર્યજનક રીતે સાચા પડ્યા હોય તેવું લાગ્યું. કોઈનીયે રાહ જોવા ઊભા રહ્યા વગર મેં ઘર તરફ દોટ મૂકી.
જાણી જોઈને આજે રસ્તો પણ બદલી નાંખ્યો.
બજાર વચ્ચે થઈને પશુવાદળની પોળ અને ત્યાંથી દેવસ્વામિની બાગ વટાવી લગભગ વેરાન કહી શકાય તેવા ગોળીબારના ટેકરા વચ્ચેની કેડી પકડી હું જૂદા જ રસ્તે ઘરે પહોંચ્યો.
મારો કોઈ સહાધ્યાયી મને મળે અને પરિણામ પૂછે તો ?
પાંચમા નંબરે પાસ થયો એમ કહેવાની મારી કોઈ હિંમત નહોતી.
ઘરે પહોંચી મારા બાપા જેનો ઉપયોગ કરતા હતા એ આર્મચેરમાં રીતસરનો ફસડાઈ પડ્યો.
મારી માને ખ્યાલ આવી ગયો હશે કે કાંઈક ગરબડ છે.
એ પાણીનો ગ્લાસ લઈ મારી પાસે આવી.
એની સાથે નજર મેળવવાની મારી હિંમત નહોતી.
એણે પૂછ્યું, “શું પરિણામ આવ્યું ?”
કશુંય બોલ્યા વગર મેં પ્રગતિપત્રકનું છેલ્લું પાનું ખોલી એની સામે ધરી દીધું.
જરા પણ સ્વસ્થતા ગુમાવ્યા વગર મારી માએ મારા પાંચમા નંબરના ક્રમાંક પર એના જાડા કાચના ચશ્મામાંથી નજર ફેરવી અને કહ્યું, “અરે ! એમાં ઢીલા પડવા જેવું શું છે ?”
મેટ્રિકની પરીક્ષા આવતી સાલ છે.
ભગવાને તને ચેતવણી આપી છે.
હવે બરાબર મહેનત કરજે.
મેટ્રિકમાં આપણે સારૂં પરિણામ લાવવાનું છે.
મેં મનમાં ગાંઠ વાળી
નહીં છોડું...
ક્યારેય નહીં છોડું...
મેટ્રિકમાં સારા માર્ક્સ લાવી પહેલો નંબર પાછો મેળવીશ
અને દસમા ધોરણનો એ પાંચમો નંબર મને ફળ્યો.
આજે SSCનું પરિણામ હતું.
રૉલનંબર 42978 શોધતાં થોડી વાર લાગી.
હાશ !....
હું પ્રથમ વર્ગ ડિસ્ટીંક્શન સાથે ઉત્તીર્ણ થયો હતો.
થોડાક કલાકો પછી મારા બાપા શાળામાંથી જાણી લાવ્યા – હું લ.સુ.વિદ્યાલયમાંથી મારી બેચમાં પ્રથમ નંબરે હતો. મારા અને બીજા નંબર વચ્ચે તફાવત હતો માત્ર અડધા ટકાનો !!
દસમા ધોરણનો એ પાંચમો નંબર
SSCમાં હું સ્કૂલમાં પ્રથમ આવું એ માટે પ્રમાદ ત્યજીને મહેનત કરવા પ્રેરવાનું કારણ બન્યું.
દસમા ધોરણ જેવી બેફિકરાઈ અગિયારમામાં કરી હોત તો ?
કદાચ ! આજે એલ. એસ. હાઈસ્કૂલના પરિણામ ફલક પર 1961ના વરસમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થવા બદલ લખાયેલું વિદ્યાર્થીનું નામ “જયનારાયણ નર્મદાશંકર વ્યાસ” ત્યાં નહોત.
મારી માની ટકોર મેં પૂરી ગંભીરતાથી લીધી એનું આ પરિણામ હતું.
કારકિર્દીની કેડીનું ફાઈનલ પછીનું બીજું પગથિયું.
મેટ્રિક (SSC) સારી રીતે કંડારાઈ ચૂક્યું હતું.
સાથોસાથ “વિનિત” અને “રાષ્ટ્રભાષા રત્ન” મને ક્યાંક ને ક્યાંક કોઈ હાઈસ્કૂલમાં નોકરી લગાડી આપવા માટે પૂરતાં હતાં.
પણ....
આગળ ભણીને ત્રીજું પગથિયું કંડારવાનું મારા બાપાએ નક્કી કરી નાખ્યું હતું.
મારે આગળ ભણવા જવાનું હતું.
એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા
સિધ્ધપુરનો મારો સ્થાયી નિવાસ
ખૂબ ટૂંક સમયમાં અસ્થાયી બનવાનો હતો.
કાયમને માટે.