Saturday, March 28, 2015
થોડા દિવસ પહેલાં એક મિત્ર મળવા આવ્યો.
વાત માંથી વાત નીકળી કહ્યું હમણાંજ બહુચરાજી જઈ આવ્યો, માં બહુચરના દર્શન કર્યા, મજા આવી.
એણે વાત આગળ વધારી, “મારા એક મિત્રને ત્યાં ગયો. ભાભી સિદ્ધપુર ના છે. એટલે તમારી વાત નીકળી.”
ભાભી એ કહ્યું, “હા એ અમારા ધારાસભ્ય ખરા, પણ વતની ચાણસ્માના છે.
પેલા મિત્ર મને કહી રહ્યા હતા કે હું તો એમ માનતો હતોકે તમારું વતન પણ સિદ્ધપુર જ છે.
નાની એવી વાત હતી પણ મગજમાં પડઘા પડી પડીને એક જ શબ્દ સંભાળતો હતો. ચાણસ્મા... ચાણસ્મા... ચાણસ્મા....
હા, મારૂં વતન ચાણસ્મા.
ભૂતકાળની એક ઘટના યાદ આવી ગઈ. માંડ છ – સાત વર્ષના એક બાળકના કુમળા મગજમાં સંગ્રહાયેલી ઘટના જાણે કે તાજી થઈ.
પ્રસંગ હતો મારી જનોઈનો
માં- બાપ નું એકનું એક સંતાન જન્મ્યો મોટો થયો, ભણ્યો, સિદ્ધપુરમાં.
રાજપુરમાં શાસ્ત્રીજીની પાઠશાળા પાસે નટવરગુરુ નો બંગલો એ છેક ૧૯૭૦ સુધી અમારું સરનામું.
ચર્ચાચાલતી હતી, મારી મા અને બાપા વચ્ચે, ચર્ચાનો મુદ્દો હતો જનોઈનો પ્રસંગ ક્યાં કરવો?
મારા પિતાશ્રીનું કહેવું હતું કે સિદ્ધપુરમાં ઘર ચાલુ છે. અને બધી જ સવલત છે. અહી આપણાં સામાજિક સંબંધો અને વર્તુળ પણ મોટું છે માટે જનોઈ સિદ્ધપુર આપીએ તો ખર્ચમાં પણ ફરક પડે અને ચાલુ ઘર છે એટલે મુશ્કેલી પણ ઓછી પડશે. તેમની દલીલ હતી ચાણસ્મા, માંડવી ચકલે આવેલું અમારું ઘર અવાવરુ હતું અને સીધું સામગ્રી બધુ જ વસાવવું પડે અથવા સિદ્ધપુરથી લઈ જવું પડે એટલે અગવડ પણ ખરી. આમ સિદ્ધપુર જનોઈ દઈએ એ વાત વધુ વ્યાજબી હતી તેવું મારા પિતાશ્રીનું માનવું હતું.
પણ મારી મા જુદા વિચારોની અને થોડીક જુદી માટીની ઘડાયેલી. ખુદ્દારી એ એની આગવી મૂડી હતી.
એણે સામો તર્ક આપ્યો કે એકનાં એક છોકરો છે, લગ્ન કરશે તારે શું પરિસ્થિતી હશે એ આપણાં હાથમાં નથી. આ આપણો પ્રસંગ છે ગમે તેમ તોયે ચાણસ્મા આપણું વતન છે. ત્યાં માંડવો નંખાશે અને કંકોત્રી વહેંચાશે ત્યારે કોઈ પૂછશે કે શું પ્રસંગ છે? તો ગમે તે હશે એ જવાબ આપશે પેલા કુબેરભાના છોકરાના છોકરાની જનોઈ છે. જવાબ સાંભળી મન ભરાઈ જશે. અહીં તમે ગમે તે કરશો અને કોઈ પૂછશે તો સ્વભાવીક રીતેજ જવાબ મળશેકે પેલા ચાણસ્માવાળા નર્મદાશંકર વ્યાસના છોકરાની જનોઈ છે. માટે ભલે જે મુશ્કેલી પડે પણ પ્રસંગતો ઘરેજ કરીશું. અને છેવટે તેની જીદ જીતી. મને જનોઈ આપવાનું સ્થળ માંડવી ચકલો,ચાણસ્માનું અમારું બાપીકું ઘર નક્કી થયું.
પછી તો સમય વિત્યો, યોગનું યોગ મારા લગ્ન સિદ્ધપુરમાંજ થયા, અને એ પ્રસંગ સિદ્ધપુરના ઘરે જ યોજાયો.
આજે ઘણા વર્ષે પેલા મિત્રને પેલા બેને જે જવાબ આપ્યો તેણે આ પ્રસંગની વાત તાજી કરવી.
સિદ્ધપુરમાં જન્મ્યો છું, ત્યાંજ ઉછરીને મોટો થયો છું. અને જે કાંઈ બન્યું તે સમાજ માટે ત્યાંજ કર્યું છે.
હજી આજે પણ મને સિદ્ધપુર અને ચાણસ્મામાં કોઈ ફરક નથી દેખાતો. ઘણી વાર ગમ્મતમાં કહું છુ કે મારે પાસપોર્ટ ચાણસ્માનો છે પણ ગ્રીન કાર્ડ સિદ્ધપુરનું છે.
આમ છતાંએ ક્યારેક આ બેન જેવાં જુદાગરો રાખવા વાળાં મળી જાય છે. અને ત્યારે મારી મા ના શબ્દો ફરીફરીને મગજમાં ઘૂમરાય છે.
ચાણસ્મા... ચાણસ્મા.... ચાણસ્મા...
પંક્તિઓ યાદ આવી જાય છે.
અક્કલ ઉછીની ના મળે, હેત ન મળે હાટ વેચાય
કરગરે કન્યા ના મળે, પ્રીત પરાણે ન થાય.