Thursday, March 19, 2015

અંકિત ત્રિવેદી અને મારા ગ્રહો વચ્ચે કોઈ ગજબનું બિયાબારુ પડ્યું છે. દેશમાં અને વિદેશમાં ગણમાન્ય અને ભારેખમ લાડવા જેવા મહાનુભાવો સાથેના કાર્યક્રમમાંથી ક્યારેક અવકાશ પ્રાપ્ત થાય ત્યારે એ મને ચુટલી ખણી લે છે. આવી જ એક ચુટલી તાજેતરમાં એમણે એસએમએસના માધ્યમથી ખણી છે. આદેશાત્મક ભાષામાં “મારા જીવનમાં કટોકટીની ક્ષણો” ઉપર એક લેખ લખી આપવાનું ફરમાન એમણે છોડ્યું છે. હું જ્યાં રહું છું તે અશ્વમેઘ બંગલો સેટેલાઈટ વિસ્તારમાં અમદાવાદ શહેરમાં આવેલો છે. આ શહેરના કેટલાક રસ્તાઓ કોઈ અપ્સરાના ગાલ જેવા હશે પણ મોટાભાગના ચંદ્ર અને મંગળની સપાટી જેવા છે. મારા ઘરની સામે જાહેર રસ્તો છે. છેલ્લા દોઢ વરસથી એ રીપેર થઈ રહ્યો છે. આમ તો થઈ જવો જોઈતો હતો પણ વચ્ચે આપણા મોંઘેરા મહેમાન પેલા ચીનાભાઈ અમદાવાદમાં ઉતરી આવ્યા એટલે અમારા પૈસા તેમના લાભાર્થે વપરાઈ ગયા. ત્યારપછી આંતરરાષ્ટ્રીય વાયબ્રન્ટ મહોત્સવ આવ્યો. સ્વાભાવિક રીતે જ આટલા બધા દેશોના વડા આપણે ત્યાં આવે ત્યારે અમદાવાદનું ખરાબ દેખાય તે ચાલે ?આમ વારંવાર સગાઈ થવા સુધી પહોંચતા પેલા અઠ્ઠાવીસ – ત્રીસ વરસના કાચા કુંવારા પ્રૌઢ નવયુવાનની માફક અમારો રસ્તો પણ કોઈ વરમાળા પહેરાવે એની રાહ જોતો રહી ગયો. આ રસ્તા વિશે હળવાશથી હું અમારા મુલાકાતીઓને ઘણીવાર કહું છું કે અમારા આ રસ્તામાં ખાડા નથી પણ ખાડાની વચ્ચે વચ્ચે ક્યાંક રસ્તો છે ! ભાઈ અંકિતને મારે કહેવું છે કે પાસ થવાની કટોકટી, પછી જીવનસાથી શોધવા અંગેની કટોકટી, રોજગાર વ્યવસાય શોધવા માટેની કટોકટી, ઘર ઉપર છત શોધવા માટેની કટોકટી, બે છેડા ભેગા કરવા માટેની કટોકટી. આ બધી કટોકટીની ક્ષણો નહીં દિવસો અને મહિનાઓ છે. મૂળભૂત રીતે જ આ કારણથી આ વિષયનું ટાઈટલ “કટોકટીની ક્ષણો” નહીં પણ “કટોકટીના યુગો” હોવું જોઈએ. અમે નિશાળમાં ભણતા હતા (એવું મારું માનવું છે) ત્યારે આત્મકથા નામનો નિબંધ લખવાનો આવતો. કવિ અંકિત ત્રિવેદી એ વખતે સદેહે પ્રગટ નહોતા થયા એટલે બીજા કોઈક કવિની નીચેની પંક્તિઓથી અમે શરુઆત કરતા.

સુણો મારી જીવનકથની

સાહસોત્સાહ કેરી

તેમાં કેવા વિપુલ પલટા

પ્રારબ્ધના ભરેલા

રંગે તેમાં જીવન સઘળુ

સુખ કેરા સુરંગો

તે સામે જો નજર કરશો

દુઃખ કેરા તરંગો

આ કટોકટીની ક્ષણો એ દરેક જીવનમાં અંતર્ગત ભાગ હોય છે. જેમ ઘર્ષણ વગર ચાલી પણ શકાતુ નથી તેમ જીવનમાં પડકારો અને કટોકટી વગર જીવવાની પણ કોઈ મજા નથી.

મારા જીવનમાં વીતેલાં કટોકટીના અનેક વરસો (પેલી ઈન્દિરાબેન વાળી નહીં)માંથી એક ક્ષણ નજર સામે ઝબકી જાય છે. મારો મોટો દીકરો માત્ર ચાર મહિનાનો. સિધ્ધપુર મોસાળ ગયેલો. ત્યાં એને ડાયરીયા અને ન્યુમોનિયા બન્ને થઈ ગયું. રોગ વકર્યો. જનરલ પ્રેક્ટિસનરે હાથ ઉંચા કરી લીધા. સિધ્ધપુર શહેરની સરકારી ઈસ્પિતાલમાં ડૉ. સી.બી. શાહ તે વખતે સુપ્રિટેન્ટેન્ટ. એક કુશળ સર્જન તરીકેની નામના ખરી. પણ બાળકોના ડોક્ટર નહીં. ત્યાં લઈ ગયા. એમણે તપાસીને કહ્યું કે કેસ સીરીયસ છે. વડોદરા લઈ જવો હોય તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપું. (હું તે વખતે વડોદરા ઈજનેરી કોલેજમાં ભણાવતો હતો).

મનોમન વિચાર્યું કે આ કરવા જેવું નથી. ટ્રીટમેન્ટ વહેલી શરુ થઈ જાય તો સારું. મેં ડૉ. સી.બી. શાહને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહ્યું ડોક્ટર તમે પણ અનુભવી છો. જરા પણ સંશય વગર યોગ્ય લાગે તે ટ્રીટમેન્ટ શરુ કરો બાકી ઈશ્વર પર છોડો. ટ્રીટમેન્ટ શરુ થઈ. ડ્રીપ લગાવી એટલે શરીર પર જાણે કે સોજા આવ્યા હોય તેમ ફુલી ગયું. બીજી બાજુ ડાયરીયાને કારણે ડીહાઈડ્રેશન થયું હોય કે ગમે તેમ પણ પેશાબ થાય નહીં. પેટમાં ગેસ. બાળક પિડાય. ત્રણ ચાર કલાક વીતી ગયા. જે જોવા આવે તે ગુસપુસ ગુસપુસ કરે. મોંના ભાવ પરથી આપણને લાગે કે એમનો અભિપ્રાય નકારાત્મક છે. મારા બન્ને ફેમિલી ડોક્ટર આવીને જોઈ ગયા. એમણે કહ્યું કે માત્ર ચમત્કાર જ આ કેસમાં પરિણામ બદલી શકે. આમ કરતાં સાંજના સાડા ચાર – પાંચ થયા. મનમાં એકાએક શું સૂઝ્યું કે હું હોસ્પિટલમાંથી સીધો નીકળીને સિધ્ધપુરના નગરદેવતા ગોવિંદ માધવના મંદિરે પહોંચ્યો. મૂર્તિ સમક્ષ ઉભા રહીને આંખો બંધ કરી રીતસરનો ભગવાન સાથે ઝઘડો જ કર્યો. કહેવાનો સાર હતો આવા ફૂલ જેવા બાળકને શું કરવા રિબાવે છે ? કાં તો એને સારું કરી દે અથવા.... ભગવાનનું ચરણામૃત લીધું. હોસ્પિટલ પરત આવ્યો.

હોસ્પિટલ પરત પહોંચીને જોયું તો બાળક બધી જ તકલીફોમાંથી મુક્ત ! તાવ ઉતરી ગયો. ન્યુમોનિયાના કારણે શ્વાસ ધમણની જેમ ચાલતો હતો તેના બદલે નોર્મલ થઈ ગયો હતો. પેશાબ થઈ ગયો અને બાળક સંપૂર્ણ સ્વસ્થ હોય તે રીતે નીંદર લઈ રહ્યું હતું. મારા ફેમિલી ડોક્ટરને પણ બોલાવ્યા. દરદીની સ્થિતિ આ રીતે સુધરી જાય તે માનવા તેઓ તૈયાર નહોતા. જે હોય તે કટોકટીનાં કાળાં ડીબાંગ વાદળો વિખરાઈ ચૂક્યાં હતાં. નવજીવન અને આશાનાં સૂર્યકિરણો પ્રસરી રહ્યાં હતાં. આને આસ્થા કહો કે અકસ્માત પણ કટોકટીની ક્ષણ વીતી ગઈ હતી.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles