સુખના રાજમાર્ગ પર ડગલું ભરો तेन त्यक्तेन भुंजीथा - ત્યાગીને ભોગવો, સુખી થઈ જશો
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ
માણસ, માણસને જોઈને રાજીના રેડ થઈ જાય.
કોઈ જ કારણ વગર એ રાજીપા પાછળ કોઈ સ્વાર્થ ના હોય.
પોતાના અથવા પારકાના કોઈ ભેદભાવ ના હોય
બસ એમ્મ જ એટલે એમ્મ જ
મન રાજીનો રેડ થઈ જાય આવું ત્યારે જ બને
જ્યારે ઉપરવાળા પર અટલ વિશ્વાસ હોય
મા કહેતી હતી કે હજાર હાથવાળો ભૂખ્યા ઉઠાડે તો છે ભૂખ્યા સુવાડતો નથી
કુદરતે તમારા માટે એનો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. સવારમાં સૂરજનારાયણ ઊઠો એ પહેલાંના ઉષાના રતુંબડા આજવાળાં રેલાય છે.
પંખીઓના કલરવથી વાતાવરણ ભરાઈ જાય છે. ક્યાંક મોર કળા કરે છે.
તો દૂર ક્યાંક કોયલ ટહુકે છે
ખેતરમાં નીકે પાણી ખળખળ વહ્યા જાય છે તો પહાડમાં ઝરણું હરણીયાની માફક કુદકા મારતું દોડી નીકળે છે
ક્યાંક ભમરાનો ગુંજરવ છે તો ક્યાંક ચકલીની ચીં ચીં
વળી પછી સાંજ પડેને સૂર્યનારાયણ ક્ષિતિજ પાછળ સંતાઈ જાય છે
આકાશમાં સંધ્યાના રંગો ખીલી ઊઠે છે
ધીરે ધીરે રાતનાં અંધારા પૃથ્વી પર ઊતરી આવે છે
રાત પણ અજવાળી હોય કે અંધારી એને પોતાનું સૌંદર્ય હોય છે
મેઘલી રાત હોય કે શિયાળાની કડકડતી લાં..........બી રાત કે પછી ઉનાળાની પંખા કે એર કંડીસનરની સોડમાં લપાઈ જવાનું મન થાય કે પછી ધાબે ખુલ્લા આકાશ નીચે સુવાની મોજ પડે એવી ટૂંકી રાત
રાતમાં પણ ક્યાંક ઘુવડ, ક્યાંકથી ચીબરી, ક્યાંક શિયાળના અવાજો સંભળાય
તમરાંનું સંગીત અને દૂર બોલતી ટીટોડીનો અવાજ
રાતના એકાંતને ભરી દે
વાગોળ અને ચામાચીડિયા ઉડાઉડ કરી મૂકે
અજવાળી રાત હોય તો ચંદ્રની ચાંદની અને ચૌદશ અમાસની તારે મઢી અંધારી રાત
કેટકેટલું કુદરતે આપણા માટે સર્જયું છે
કુદરતના આ ખજાનામાંથી ક્યારેક કશુંક મેળવીને પોતે ધનવાનોના પણ ધનવાન છો એનો આત્મ સંતોષ મળ્યો છે ખરો ?
દરેક ઋતુને પોતાનું સૌંદર્ય હોય છે એનાં ફૂલ અલગ, ફળ અલગ અને એનો મિજાજ પણ અલગ
ક્યારેક એને બાથમાં લઈને વ્હાલ કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો?
આપણે તો બસ સુખની વ્યાખ્યા પણ આપણી પસંદગીઓ પર કરવાની. આ બધામાંથી નવરા પડીએ તો માણસને વ્હાલ કરીએ ને?
સુખને મારગ ચાલવું હોય તો તમારી જાત સમ્મેત માણસજાતને અને શક્ય હોય તો જીવમાત્રને વ્હાલ કરતા શીખો
ખામીઓ તો બધે જ શોધી શકાય છે. ભાવક બનીને ખૂબીઓ શોધો
અને જો આવું કરવાના હો તો મકરંદ દવેની આ સલાહ તમને જચી જશે.
મકરંદ દવે કહે છે-
“માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;”
तेन त्यक्तेन भुंजीथा
ત્યાગીને ભોગવો, સુખી થઈ જશો
માણીએ મકરંદ દવેની આ કૃતિ “ધૂળિયે મારગ”
કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?
સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ;
-મકરંદ દવે