ભગવાન ભક્તને આધીન છે

અને એમાંય રણછોડજી તો ક્યારેય ભક્તને નથી ભૂલતા

રણછોડ આપણા માટે તો ઋણ એટલે કે દેવામાંથી મુક્ત કરાવે તે દેવ. અહીંયાં ઋણનો અર્થ માત્ર આર્થિક દેવા પૂરતો મર્યાદિત ન રાખતાં ભવેભવનાં સંચિત કર્મને કારણે જે પાપનું દેવું આપણા માથા પર ખડકાયું હોય તેમાંથી પણ જેની કૃપાથી મુક્ત થવાય અને જેમ રાક્ષસીવૃત્તિ ધરાવતા હિરણ્યકશિપુ, કંસ અને રાવણનો પણ ઉદ્ધાર ભગવાનના હાથે થયો તે જ રીતે આપણી રાક્ષસી વૃત્તિઓ પણ હણાય અને સાત્વિક વિચાર અને જીવન તરફ આપણે આગળ વધીએ તેવી કૃપા જેના થકી પ્રાપ્ત થાય તે રણછોડ. અને એટલે જ આપણા જીવનનું સર્વસ્વ, બધા જ વિચારો જેના તરફ વહેવા જોઈએ એ દયાના સાગર પ્રભુ એટલે રણછોડ. નીચેની પંક્તિઓમાં આ ભાવ મહાકવિ ન્હાનાલાલે બહુ સરસ રીતે વ્યક્ત કર્યો છે.

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા

ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા

મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા

તું હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા

 

પિતા પેલો આઘે જગત વીંટતો સાગર રહે

અને વેગે પાણી સકલ નદીનાં તે ગમ વહે

વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી

દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી

 

થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચરું

કૃતિ ઇંદ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું

સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું

ક્ષમાદષ્ટે જોજો તુજ ચરણમાં નાથજી ધરું

આવા આ રણછોડજીનું મંદિર સિદ્ધપુરના વૈષ્ણવ મંદિરોમાં એક અતિપ્રાચીન અને ભવ્ય ઇતિહાસ ધરાવતું મંદિર છે. સિદ્ધપુરમાં મંડીબજાર ચોકમાં રાધાકૃષ્ણ મંદિરની સામે જ લગભગ ૨૦૦ વરસ જેટલું પ્રાચીન રણછોડજીનું મંદિર આવેલું છે. આ મંદિરની બાંધણી મહારાષ્ટ્રીયન મંદિરો જેવી છે.

૨૦૦ વરસ પહેલાં જ્યારે ગાયકવાડ સરકારનું શાસન હતું ત્યારે શ્રી ચિંતામણિ કરકરે અહીંની મામલતદાર કચેરીના સૂબેદાર હતા. એક વાર કચેરીના કામે તેઓ સરસ્વતી નદીના પૂર્વ કિનારે ઘોડા ઉપર જઇ રહ્યા હતા ત્યારે હિંગળાજ માતાના મંદિર પાસે તેમનો ઘોડો અચાનક અટકી ગયો. ઘોડાને આગળ ચલાવવા તેમણે ઘણો પ્રયન્ત કર્યો પણ ઘોડો ત્યાંથી આગળ વધે જ નહીં. ઘોડો ત્યાં ઊભા ઊભા પગેથી માટી ખોદી આઘીપાછી કર્યા કરે. કરકરેએ સાથીદારોની મદદથી એ જગ્યાએ ખોદકામ કરાવ્યું તો બધાના આનંદ અને આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી રણછોડજીની શ્યામ રંગની શંખ-ચક્ર-ગદા-પદ્મધારી તેજસ્વી મૂર્તિ મળી આવી. હાલ જ્યાં કન્યાશાળા છે ત્યાં ગાયકવાડ સમયમાં જૂની કચેરી હતી. કરકરે આ મૂર્તિ જૂની કચેરીમાં લાવ્યા અને ગામલોકોના સહયોગથી મંદિર બંધાવી તેમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી.

સવાસો વરસ પહેલાં ગરુડેશ્વરથી પૂ. દત્તાવતારી શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી ચાતુર્માસ કરવા સરસ્વતી કિનારે હાટકેશ્વર મહાદેવના મંદિરમાં પધાર્યા. તે વખતે સ્વામીજી આ રણછોજીના મંદિરે દર્શન કરવા આવ્યા અને મંદિરના ઇતિહાસ વિષે જાણી ખૂબ પ્રસન્ન થયા. તે સમયે મંદિરના પૂજારી કૃષ્ણં ભટ્ટ અને દિનકર ભટ્ટને સ્વામીજીએ એક ઝોળી આપી અને શ્રાવણ વદ એકમથી આઠમ સુધી મંદિરમાં અખંડ ભજન-ધૂનનું આયોજન કરવા આદેશ આપ્યો. આ ભજન કરનાર વારકરી લોકોના ભોજનની વ્યવસ્થા માટે સ્વામીજીએ ઝોળી લઈ ગામ ભિક્ષા અર્થે જવા આદેશ કર્યો. પહેલી ભિક્ષા પરિવારની મોભી સુહાગણ સ્ત્રી આપે પછી ગામમાં ફરવાનું અને જે મળે એમાંથી ભજનમંડળીના લોકોના ભોજનનો પ્રબંધ કરવો. સ્વામીજીએ આશીર્વાદ આપ્યા કે કદી ભોજન ઓછું નહીં પડે. આ પ્રથા આજે પણ ચાલુ છે. બહારગામથી આવતા ભક્તો માટે ઉતારાથી માંડીને ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા ગામના મરાઠી તેમજ ગુજરાતી દાતાશ્રીઓ તરફથી કરવામાં આવે છે.

શ્રાવણ વદ એકમથી આઠમ સુધી યોજાતા અખંડ ભજનનો ઉત્સવ ઇ.સ. ૧૮૯૦થી એટલે કે સવાસો વરસ કરતાં વધુ સમયથી ચાલે છે. અમદાવાદ, વડોદરા, કડી, કાલોલ, મહેસાણા, પાટણ વગેરે શહેરો તેમજ આસપાસના ગામો ઉપરાંત મહારાષ્ટ્રથી ભક્તો અહીં આવે છે અને આઠ દિવસ સતત ખડેપગે ભજન કરે છે. ટીવી તેમજ રેડિયોના ગાયક કલાકારો પણ આ ભજનમાં ભાગ લે છે. ભજનમાં દર ત્રણ કલાકે ભજનમંડળી બદલાય છે. ખૂબ ઉત્સાહથી ભક્તો આમાં ભાગ લે છે. ઇ.સ. ૧૯૪૨ની ભારત છોડો ચળવળ વખતે વાહનવ્યવહાર બંધ હતો ત્યારે ભજન માટે વડોદરાથી લોકો ચાલતા આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. ઇ.સ. ૧૯૯૦માં આ ભજન સપ્તાહનો શતાબ્દી ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને શ્રીજીની પાલખીયાત્રા નીકળી હતી.

આ આઠ દિવસ રણછોડજીને નારાયણ, ગર્ગ, વિઠ્ઠલ, કૃષ્ણ, રામ, રોહિણી, શ્રીનાથજી જેવા વિવિધ સ્વરૂપના શણગાર કરવામાં આવે છે. આ દરમિયાન મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. ભક્તો રણછોડજીના વિવિધ સ્વરૂપોના દર્શન કરી મંગળા, શણગાર, થાળ અને શયન આરતી અને પ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે. ભજન સપ્તાહ દરમિયાન ભગવાન પણ ભક્તો સાથે જાગે છે! ઉત્સવના સમાપનના દિવસે રણછોડજીને છપ્પનભોગ ધરાવવામાં આવે છે.

મંદિરમાં જન્માષ્ટમી ઉપરાંત રામનવમી અને વામન જયંતિ પણ ઉજવવામાં આવે છે. અહીં દર ગુરુવારે દત્ત સંપ્રદાયના ભજનો, દર સોમવારે સાંજે ગીતા અધ્યાય તેમજ રાત્રે હરિઓમ તત્સત જય ગુરુ દત્તના ભજનો, દર શનિવારે વાલોવા ટ્રસ્ટના ભજનો અને વાસુદેવાનંદ સ્વામીની સ્તુતિ કરવામાં આવે છે. પ્રતિવર્ષ ભાદરવા માસમાં ભાગવત સપ્તાહ યોજાય છે. ધૂળેટીના દિવસે રણછોડજીની પાલખીયાત્રા નીકળે છે. દિવાળીમાં અન્નકૂટના દર્શન થાય છે. મહા સુદ સાતમે રણછોડજીનો પાટોત્સવ ઉજવાય છે.

શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી ઉપરાંત આ મંદિરમાં પૂ. ડોંગરેજી મહારાજ, શ્રી રંગઅવધૂત મહરાજ (ઇસ.૧૯૫૭માં), પુનાના દત્તમહારાજ કવિશ્વર, નાસિકના નારાયણકાકા ઢેકણે મહારાજ, વામનરાવ ગુળવણી મહારાજ, લીંચના પ્રેમઅવધૂત મહારાજ અને ચાણસ્માના સચ્ચિદાનંદ મહારાજ પધારી ચૂક્યા છે.

આજે રણછોડજીનું વિશાળ મંદિર તેમજ ભકતોને રહેવા માટેનું આશ્રયસ્થાન નવનિર્મિત છે. ચિંતામણિ કરકરેના નામથી જેનું નામકરણ થયું છે એવું ચિંતામણિ મહાદેવનું મંદિર પણ અહીં છે. ચિંતામણિ કરકરેના વંશજો આજે પણ પુના તેમજ વડોદરામાં વસે છે.

ચિંતામણિ કરકરે તો ધન્ય થઈ ગયા. ભાઈ જ્યોતીન્દ્ર ગુરુ અને એમના જે કોઈ સાથીઓને ભગવાને આ પુણ્યનો લાભ આપ્યો તે પણ ધન્ય થઈ ગયા. ભક્ત બોડાણાના પ્રેમને વશ થઈ દ્વારકાધીશે એમની ટેક પૂરી કરવા જે કર્યું તે મુજબ કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોરમાં વિજયસિંહ (કે વજેસંગ) બોડાણાનાં નામે રાજપૂત કુળમાં થયો. તેમના પત્નીનું નામ ગંગાબાઇ હતું. સમય જતાં આગલાં ભવના સંસ્કારે મન ભક્તિ તરફ વળવા લાગ્યું. ધીરે ધીરે દર અષાઢી ૧૧ના દ્વારિકા જવા રવાના થાય અને કાર્તિકી પુનમે પહોંચે, હાથમાં જવારા કે તુલસી વાવેલું કુંડું લે, અને પગપાળા નીકળી પડે. એમ કરતાં કરતાં ૬૦ વર્ષ વિત્યા ત્યાં સુધી આ નિયમ જાળવી રાખ્યો, પણ ધીરે ધીરે શરીર સુકાવા લાગ્યું. સંવત ૧૨૧૨ (ઈસ.૧૧૫૬)ની આ વાત, હવે તો ઉંમર પણ ૮૦ વર્ષ થઈ ગઈ હતી, આ વખતની ખેપ છેલ્લી સમજીને બોડાણાએ ભગવાનને પ્રાર્થના કરી કે નાથ, હવે ચલાતું નથી, બસ એક વખત તારા દર્શન કરી લઉં પછી માફ કરજે, હવે મારાથી અવાશે નહીં. પણ ભગવાન એમ ભક્તની ટેક અધુરી રહેવા દે? પ્રભુએ બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે બોડાણા, આ વખતે બળદગાડું લઈને આવજે, પણ બળદ કે ગાડું ક્યાં? મહામહેનતે લોકોને સમજાવીને ગાડાની વ્યવસ્થા કરી. જેમ તેમ બોડાણા દ્વારિકા પહોંચ્યા. થાક્યા પાક્યા રાત્રે દર્શન કરીને પોઢ્યા ત્યાં ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે ‘ભક્ત ઊભો થા, મંદિરમાં પધરાવેલી મારી મૂર્તિ લઈને તારા ગાડામાં પધરાવી દે, મારે તારી સાથે ડાકોર આવવું છે, અને જલદીથી રવાના થઈ જા’. પણ અહીં તો મંદિરમાં પહેરો હોય? મૂર્તિ કેમ લેવી? પણ ભગવાન પોતે જેને સહાય કરે તેને શું નડે? મંદિરના દ્વાર ખૂલી ગયા. બોડાણા દ્વારકેશના ભરોસે મૂર્તિ ગાડામાં પધરાવીને રવાના થઈ ગયો. આમ જ્યાં ભક્તિ સાચી છે ત્યાં બોડાણા જેવા અનેક ભક્તોની ટેક રણછોડે રાખી છે.  

ભાવ સમર્પણનો છે

ભાવ ક્ષમાયાચનાનો છે

ભાવ દીનતા અને નમ્રતાનો છે

ભાવ પ્રભુમાં અટલ વિશ્વાસનો છે

પોતાના જીવનની ક્ષણે ક્ષણ એવી પ્રવૃત્તિમાં વીતે કે અંતમાં આપણે દયાના પુણ્યોના મહાસાગર એવા આપણા ઇષ્ટદેવના ભળી જઈએ.

જીવન ધન્ય બની જાય

જય રણછોડ માખણચોર


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles