એ જમાનામાં લગ્નપ્રસંગ
ખાસ્સી નવરાશ અને
સામૂહિક શ્રમદાનનો મહિમા
યજ્ઞોપવિત એટલે કે જનોઈનો પ્રસંગ યાદગાર બની રહ્યો. એ જમાનામાં કદાચ બહુ થોડા લોકો પાસે ઘણા પૈસા હતા પણ લગભગ બધા પાસે સમયની કોઈ તંગી નહોતી. એટલે યજ્ઞોપવીત હોય કે લગ્ન જેવો માંગલિક પ્રસંગ અથવા કોઈ ઘરડુંબુઢું ગુજરી ગયું હોય એનો બારમા તેરમાનો જમણવારનો પ્રસંગ, બધું સામૂહિક શ્રમદાનથી લગભગ પાર પડતું. કોઈના ત્યાં જાન આવવાની હોય તો ઘરેઘરેથી ગોદડાં ઉઘરાવાતાં. મર્યાદિત સંખ્યાનો જમણવાર હોય તો ઘરે જ કુટુંબની બધી કટમણો ભેગી થઈ રસોઈ કરી નાખતી. મોટો જમણવાર હોય તો વાડીમાં રસોઈ કરવા માટે રસોઈયા બોલાવતા. ત્યાં પણ વપરાશનું અને પીવાનું પાણી ભરવા તેમજ રસોઈમાં જરૂરી વાસણો વિગેરે ઉટકવા કે રસોઈયા ને મદદ કરવા પૂરતી બહારની વ્યવસ્થા ગોઠવાતી. ગમે તેટલું મોટું રસોડુ હોય, વાડીમાં શાક સમારવા આઠ-દસ જણ બેસી જતા. આ પણ એક મજા હતી. રસોઈ તૈયાર થઈ જાય એટલે વાડીમાં ચાણસ્મા હોય તો પીપળેશ્વર અને વિરમગામ હોય તો કાશી વિશ્વનાથ અને અન્ય જગ્યા એ જે-તે દેવીદેવતાઓના મંદિરે થાળ ધરાવાતો. પીરસવાનું કામ પણ હાથોહાથ સહુ ઉપાડી લેતા. પીતાંબર પહેરીને જ રસોડામાં દાખલ થઈ શકાતું. મોટા ભાગે તો એનો એક છેડો ઓઢવા માટે વપરાતો, બાકી કમ્મરે બાંધવા લાલ ગમછો અને શિયાળો હોય ત્યારે ઉપર શાલ ઓઢાય તો ચાલે. સુતરાઉ કપડું જરા પણ ન ચાલે. જો આખી જ્ઞાતિનું ભોજન હોય તો જ્ઞાતિગોર પણ હાજર હોય અને જો કોઈ નિયમ પાળવામાં જરાય ચૂક કરે તો એનું આવી જ બને.
યજ્ઞોપવીતનો પ્રસંગ જેમ ત્રણ-ચાર દિવસ ચાલતો તેવી જ રીતે લગ્ન પણ નિરાંતે થતાં. પહેલા દિવસે મંડપ મુહૂર્ત અને ગણેશ સ્થાપન હોય,બીજા દિવસે ગ્રહશાંતિ અને નાની મોટી અન્ય વિધિઓ, ત્રીજા દિવસે જો દીકરીનું લગ્ન હોય તો જાન આવે અને જો દીકરાનું લગ્ન હોય તો વરરાજાની જાન લાડી લઈ આવવા માટે પ્રસ્થાન કરે. જાન બહારગામ જવાની હોય તો મોટે ભાગે ટ્રેનનો જ ઉપયોગ થાય. ક્યાંક રેલ્વે સ્ટેશન ઉતરીને અંતરિયાળ ગામમાં જવાનું હોય તો પછી ગાડા અથવા ઉંટગાડી કામમાં લેવાય. બાળપણની એ ઉપરમાં લગ્ન માણવું એ લહાવો હતો. ઘણાં બધાં લગ્નો આ રીતે માણ્યા હશે.
આમાં પણ બહારગામથી જાન આવવાની હોય અને કન્યા પક્ષે સરભરામાં રોકાવાનું હોય ત્યારે તો ખાસ મજા આવતી. સામાન્ય રીતે જાન આવે એટલે એને જાનીવાસો અથવા જાનનો ઉતારો હોય ત્યાં લઈ જવાતી. તે પહેલા ગોદડાં વિગેરે બિછાવી દીધા હોય, પીવાના પાણીની વ્યવસ્થા થઈ ગઈ હોય અને ચા-પાણી માટે પણ વ્યવસ્થા તૈયાર હોય. બધાં થોડાં સેટલ થઈ જાય ત્યાં સુધી તો મોટો હલ્લો આવી રહ્યો છે એવી ચેતવણી આપતો ઢોલ ઢબુકી ઊઠતો. કન્યા પક્ષેથી ચલ્લવું પીરસવા માટે આવી રહ્યા છે એની આ નિશાની હતી. એક બાજુ વરરાજા અને અણવર સાબદા થઈ જતાં તો બીજી બાજુ વરપક્ષની આ પ્રકારનાં અનેક યુદ્ધો લડી ચૂકેલ ચુનંદા જાનેડીઓ પણ મોરચો સંભાળી લેતી. આ પ્રસંગ આમ તો વરરાજાના સ્વાગતરૂપે કંસાર પીરસવાનો હતો પણ એમાં જો વરરાજા સાબદા ન રહે તો પેલી ચલ્લવું પીરસવા આવેલ સેનાપતિ કાં તો સટાક દઈને નાક ખેંચી લે અથવા કન્યાના કોઈ વસ્ત્રથી વરરાજાનું મોં લૂછી લે. આ બંને, વરરાજા અને અણવર, અણઆવડતવાળા અને બોઘા છે તેની નિશાનીઓ હતી. અને આવો બોઘો વરરાજા હોય તો પોતાની દીકરી એના સાસરે રોફ જમાવશે અને એનું ચલણ થશે એવી જડબેસલાક માન્યતાનો જયઘોષ ચલ્લવું પીરસવા આવેલી સેનામાં થાય એ સ્વાભાવિક હતું. જો આમ કરવામાં ચલ્લવા સેનાની સેનાપતિ નિષ્ફળ રહે તો વરપક્ષની સેના નાયિકાઓ જયઘોષ કરે. દરમિયાનમાં બેફામ ફટાણાં ગવાય. વરની ભાભી, બહેનો અને જમાઈઓનો તો આમાં વારો નીકળી જાય. સામે પક્ષે કન્યા પક્ષનાં આવાં સગાઓ ઉપર ફટાણાં બાણ છૂટે. કાન પડે ન સંભળાય એવો ઘોંઘાટ અને ગળું ફાડીને થતી ગાળાગાળી જાણે મુરતિયો લગન કરવા નહીં પણ લડાઈ કરવા આવ્યો છે એવો અનુભવ કરાવે. છેવટે બેચાર સમજુ વડીલ બહેનો બંને પક્ષને જાળવી લે અને છૂટા પાડે. સાથે જ પેલી ચલ્લવા સેના ‘અમે તો મોટાના છોરું રે હરિવન ચાલ્યા, તમે બોલીને બોલાવ્યા રે...’ આવું કાંઈક ગાતી ગાતી સાવ ભર્યા તળાવમાંથી કોરી નીકળી અને સજ્જનતાના સંપૂર્ણ ડોળ સાથે પાછી ફરે. કન્યા પક્ષ દ્વારા કદાચ આ પહેલો અને છેલ્લો હુમલો હોય બાકી તો મોટા ભાગે કન્યા પક્ષવાળા દીકરીનાં સાસરિયાને આદરથી જ બોલાવે. એટલે દીકરીના થનાર સાસરિયાંને ખુલ્લેઆમ ભાંડવાનો આ પ્રસંગ એ રીતે અજોડ બની રહે.
ચલ્લવું પતે એટલે વરરાજાને લગ્નને માંડવે પરણવા આવવાનું નિમંત્રણ મળી જાય. વાજતેગાજતે જાનના ઉતારેથી જાન પ્રસ્થાન કરે ત્યારે વરને જોવા માટે ઘણી બધી જગ્યાએથી ડોકાચિયાં થતાં હોય. લગ્નના માંડવે પહોંચતાં પહેલાં જ્યાં તોરણ બાંધ્યું હોય ત્યાં સાસુમા પોંખવા આવે. બાકીની બધી વિધી જવા દઈએ પણ એ વખતે જો મુરતિયો ચકોર ન હોય અને અણવર ક્યાંક ડાફોળીયા મારતો હોય તો વરરાજાનું નાક ખેંચાઇ જાય. પોંખવાની વિધી પતી જાય એટલે વરરાજા જમણો પગ આગળ વધારી બે કોડિયા ભેગા કરી તૈયાર કરેલ સંપુટ પર પગ મૂકી આગળ વધે અને લગ્ન મંડપમાં પહોંચે. એ જમાનામાં લગ્નો પર ફિલ્મોની અસર નહોતી, ટેલીવિઝન હતું જ નહીં અને લગ્નની વિધીમાં પણ વડીલોની આમન્યા જાળવીને જ બધું થતું.
મોટા ભાગે લગ્નો તે સમયે ગોધૂલિ કે ગોરજ એટલે કે ગાયો સાંજે પાછી આવવાનો સમય લગભગ સાડા પાંચ – છ વાગે થતાં. વરરાજા પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય એટલે વિધી માટે સાસુ, સસરા અને ગોર મહારાજ પોતપોતાની જગ્યા લઈ લે અને એ વિધીના આખરી તબક્કે ‘કન્યા પધરાવો સાવધાન’ની ગોર મહારાજ હાકલ પાડે એટલે કન્યાના મામા એને લગ્ન મંડપમાં લઈ આવે. કન્યાને ડોલીમાં બેસાડીને કે અન્ય રીતે વરઘોડો કાઢીને લઈ આવવાની પ્રથા એ વખતે નહોતી. કન્યાના માથે મોઢ અને છેક ડોક સુધીનો ઘૂંઘટો હોય એટલે કન્યાનું મોં જોવાનું પણ ઘણાં બધાં લગ્નોમાં ફોટોગ્રાફરનેય સદનસીબ ન મળે. આ વિધીને માયરું કહેતા અને મોટા ભાગે એ દિવસે ત્યારબાદ ઇન્ટરવલ પડતો.
બીજા દિવસે ચોરી અને વિધિવત અગ્નિની સાક્ષીએ મુરતિયો કન્યાનું પાણિગ્રહણ કરતો. છેડાછેડી બંધાય, વચ્ચે અંતરપટ નાખીને મંગળાષ્ટક બોલાય અને એ પછી સામસામે બેઠેલાં વરકન્યા એકબીજાની સાથે ગોઠવાઈ જાય. અગ્નિની સાક્ષીએ વડીલોની હાજરીમાં મંગળાષ્ટકના મંગળ આશીર્વાદ સાથે વરકન્યા જીવનભર એકબીજાની સાથે એકબીજાને અનુકૂળ રહીને દામ્પત્યજીવન જીવવાના સોગંધથી બંધાતા. આ દિવસે પણ વિધી લગભગ આટલે પૂરો થતો. રાતનું લગન હોય તો વરકન્યાને સપ્તર્ષિ અને અરુંધતિના દર્શન કરવાતાં.
ત્રીજો તબક્કો એટલે પૂરત અને કન્યાવિદાય. પોતાની દીકરીને જે કાંઇ આપવાનું હોય તે બધું વ્યવસ્થિત ગોઠવાતું. એક પિત્તળની ગોળી, એની અંદર મોટાભાગે ખાજા અથવા મીઠાઇ ભરે અને ઉપર લીલો રેજો બાંધે તે મામાટલી અને બાકીની બધી જ વસ્તુઓ ગોઠવાઈ જાય એટલે કન્યાવિદાયનો પ્રસંગ નજીક આવી ગયો છે તેમ માની લેવાનું. દરમિયાનમાં છેડેબંધા વરવધૂ ઘરમાં ગણેશસ્થાપનના દર્શન કરે અને બહાર કંકુનું પાણી ભરેલી થાળીમાં હાથ બોળી ઘરના બારણે થાપા મારે. ક્યારેક એકદમ નજીકના કાકા કે દાદાનું ઘર બાજુમાં હોય તો ત્યાં પણ થાપા મારી દે અને કન્યા પોતાનાં પિયરિયાંની વિદાય લે. કન્યાવિદાયનું આ દ્રશ્ય અને એ સમયે જે ગમગીન વાતાવરણ ઊભું થાય તે મને જરાય નહોતું ગમતું. વિદાયનો છેલ્લો અંક એટલે વરકન્યા પોતાના વાહનમાં બેસે (ગાડું, જીપ કે ક્યારેક મોટર) અને એના આગળના પૈડે નાળિયેર મૂકી પૈડું સીંચાય એટલે જાન વિદાય થાય.
એ જમાનામાં લગ્નનો આ પ્રસંગ ત્રણ-ચાર દિવસનો રહેતો. કેટલીક જગ્યાએ તો નજદીકના સગા તે જ ગામમાં હોય તો જાન રોકે પણ ખરા. મારા બાપાનું મોસાળ વિરમગામ હતું. એવું સાંભળ્યુ હતું કે એમના મામાએ જાન ત્રણ દિવસ રોકી બધાની આગતાસાગતા કરી હતી. મા એવું કહેતી કે મારા બાપાની જાન સાત દિવસ વિરમગામ રોકાઈ હતી. ત્યારે જોરદાર રમૂજ થતી. ખરા હતા એ જમાનાના માણસો. કોઈને જરાય ઉતાવળ નહોતી અને પ્રસંગોનો પૂરેપૂરો આનંદ ઉઠાવતા. કુટુંબ અને વ્યક્તિ વચ્ચેનું બંધન એ જમાનામાં કદાચ આ કારણથી જ મજબૂત હતું.
ઘરે પરત જતાં જાનેડીઓ જે લગ્નગીતો ગાતી તેમાં પેલી નવી આવી રહેલ વહુઆરુંને એના સાસરીયે બધાં જ સગા વિષેની માહિતી મળી જતી. મને હજુ પણ એક લગ્નગીત જેમાં સાસુ, સસરા, જેઠ, નણંદ, દિયર બધાંના નામ આવી જાય અને એમની ખાસિયતો પણ આવી જાય એવું –
‘કાળી રે કોયલ શબ્દે સોહામણી
ચાલોને કોયલબાઈ આપણા દેશમાં’
આછું પાતળું સ્મરણમાં છે. મોસાળમાં પ્રસંગ હોય ત્યારે સવારમાં જે પ્રભાતિયાં ગવાય એમાં બધા જ જમાઈઓનો વારો નીકળી જતો. મારા બાપાને ફટાણાં અને આ પ્રકારનાં ઠેકડી ઉડાડતાં લગ્નગીતો મુદ્દલ પસંદ નહોતાં એટલે આવા પ્રસંગે એ સમજીને જ ઘટનાસ્થળથી દૂર ખસી જતા. ખેર! પસંદ અપની અપની, ખ્યાલ અપના અપના.
આ તે સમયે યોજાતા લગ્ન પ્રસંગનું એક મોડલ મારા સ્મરણમાંથી અહીં રજૂ કર્યું છે. સ્થાનિક રિવાજો પ્રમાણે એમાં અલગ અલગ વિવિધતાઓ ઉમેરાતી.