બિંદુ સરોવર એટલે માતૃશ્રાદ્ધ
બિંદુ સરોવર તીર્થ અને સરસ્વતીનો કિનારો એટલે માનો મહિમા કરવાનું તીર્થ
મા જે પોતાના સંતાનને નવ મહિના ઉદરમાં પોષે છે
એને કશું નડે નહીં તે માટે જાત જાતના ઉપચારો કરે છે, જાત જાતના ઓસડિયા ખાય છે.
ક્યારેક ખોળાનો ખૂંદનાર ન હોય ત્યારે કપરી બાધાઆખડી રાખે છે.
ઉદરમાં ઉછરતા એના સંતાનના હ્રદયનો એકએક ધબકાર ઝીલે છે.
એ થોડુંક ફરવા માંડે એટલે રોમાંચિત થઈ ઊઠે છે.
પોતાના આવનાર સંતાનના સોણલાંમાં રાચે છે.
સપનાના અનેક મહેલ પોતાના ભાવિ સંતાનની કલ્પના કરીને એ ચણે છે.
છેવટે...
મોતની પીડાથીય વસમી એવી પ્રસૂતિની પીડા વેઠે છે.
પોતાના સંતાનના જીવ ખાતર ખુદ પોતાનો જીવ હોડમાં મૂકે છે.
મા જેટલી વાર બાળકને જન્મ આપે છે, મોતનાં મોંમાં પગ મૂકી પાછી ફરે છે.
બાળકના જન્મ પછી...
એનું મોઢું જોતાં અરધીઅરધી થઈ જાય છે.
પોતાના આ અંશને ખુદના જ શરીરમાંથી પેદા કરેલ દૂધ પીવડાવી ઉછેરે છે.
આજનું મેડિકલ સાયન્સ પણ કહે છે કે બાળક માટે માના દૂધથી ઉત્તમ ખોરાક બીજો કોઈ નથી.
બાળક માના દૂધ પર ઉછરતું હોય તારે એને ન નડે એ માટે થઈને...
પોતાને ખૂબ ભાવતી હોય તેવી વસ્તુઓ પણ મા ત્યાગે છે.
હથેળીનો છાંયડો કરીને પોતાના સંતાનને તે ઉછેરે છે.
એનો કીલકીલાટ અને બાળસહજ હાસ્ય જોઈને માનું મુખ ખીલી ઊઠે છે.
સંતાન રડતું હોય કે નાની અમથી પણ માંદગી હોય તો પણ માનો જીવ ઊડી જાય છે.
બાળક જલદી હસતુંરમતું થાય, સાજું થાય તે માટે મા રાતોની રાતો જાગે છે.
એને સમયસર ઔષધ પીવડાવે છે અને ક્યારેક બાધાઆખડી રાખીને દેવને પણ વિનવે છે.
બાળકે પથારી ભીની કરી હોય તો એને કોરામાં સુવડાવી પોતે ભીનામાં સૂઈ જાય છે.
જરાય સૂગ વગર બાળકનાં મળમૂત્ર સાફ કરે છે.
એને કાલીઘેલી ભાષામાં બોલતાં શીખવાડે છે.
આંગળી ઝાલીને ચાલતા શીખવાડે છે.
ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો...
વારતા રે વારતા, ભાભુ ઢોર ચારતા
વાઘ આવ્યો રે વાઘ આવ્યો
જેવી વારતાઓ કહે છે.
અને ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી, ભઈલો ઉઠ્યો હસી
અને
બેનીના મામા આવે છે, ઝભલાટોપી લાવે છે
બેનીની મામી ધુતારી, ઝભલાટોપી લે ઉતારી
જેવાં વ્હાલનાં હાલરડાં અને ક્યારેક...
આભમાં ઊગ્યો ચાંદલોને જીજાબાઈને આવ્યાં બાળ
બાલુડાને માત હીંચોળે, ધણણણણ ડુંગરા ડોલે
જેવાં વીરરસ અને ચારિત્ર્ય ઘડતરનાં હાલરડાં પણ ગાય છે.
બાળક સુવે ત્યારે પોતાનું કામ પતાવે છે.
બાળક જાગે ત્યારે દોડતી રહે છે.
હા, મા કદી સૂતી નથી.
પોતાનું બાળક જરાક સરખું રડે તો એ દોડતી આવે છે.
પોતાના વ્હાલસોયા સંતાનની આંખમાં આંસુ જોઈને એનું લોહી બળી જાય છે.
મા શિસ્તના પાઠ ભણાવે છે.
વઢે છે, ક્યારેક ધોલધપાટ પણ કરી લે છે.
અને પછી જીવ બળે એટલે છાને ખૂણે સાડલાના છેડાથી આંખ લૂછી લે છે.
મા વઢે છે
મારે છે
પણ કોઈને વઢવા કે મારવા દેતી નથી.
વ્રજની બધી ગોપીઓ ભેગી થઈને કહેવા આવે...
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાળ રે...
ત્યારે પણ ખબર હોવા છતાં મા-જશોદા...
તો કાનાનું જ ઉપરાણું લે છે અને છેવટે નરસૈયો આ પ્રસંગની પૂર્ણાહુતિ કરતાં કહે છે...
નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે.
એ જશોદા હોય, કૌશલ્યા હોય કે પછી જીજાબાઈ
મા એ મા છે અને બાકીના બધા દુનિયાના વા છે.
મા નવરાવે છે, ધોવરાવે છે, માથું ઓળી આપે છે, પાવડર કે વેસેલિન લગાવે છે અને...
આંખમાં મેશ પણ આંજે છે અને પોતાના લાડકવાયા કે ઢીંગલીને નજર ન લાગે તેટલા માટે, ‘કોકો’, કાળો ટીકો પણ કરે છે.
મા કપડાં પહેરાવે છે, માથું ઓળાવી આપે છે અને કોળિયે કોળિયે જમાડે છે.
મા એકડો ઘૂંટાવે છે અને દફતર પણ ભરી આપે છે.
મા લેશન કરાવે અને ઘડિયા-પલાખાં તેમજ પ્રાર્થના પણ બોલાવે છે.
માને મન પોતાનું બાળક ઈશ્વરની સૌથી ઉત્તમ કૃતિ છે.
એટલે જ કહેવાયું છે કે સીદીભાઈને સિદકા વ્હાલાં.
મા પોતાના દીકરાને તું કહીને બોલાવે ત્યાં સુધી તે મોટો નથી થતો. ઉંમર ગમે તેટલી વધે તો પણ.
જ્યારે...
મા પોતાના દીકરાને માન આપવા લાગે – તમે કહીને બોલાવે
ત્યારે દીકરો એકાએક મોટો થઈ જાય છે.
ખરી મજા તો મોટા નહીં થવામાં જ છે, કારણ કે તો જ...
ક્યારેક માના ખોળામાં માથું મૂકીએને સૂઈ જવાય અને ક્યારેક મા માથામાં તેલ પણ નાખી આપે !
આમ કરતાં કરતાં મા દીકરાને મોટો કરે છે.
અને એક દિવસ...
આ બધીય મોહમાયા પાછળ મૂકીને મા મોટા ગામતરે ઉપડી જાય છે.
ત્યારબાદ મા ફોટામાં જીવે છે.
એ ફોટામાં જેને ક્યારેક સુખડનો હાર ચઢાવાય છે
પણ મા એના સંતાનનાં દિલમાંથી તો ક્યારેય મરતી નથી.
ઠોકર વાગે કે કાંઈક આઘાત લાગ્યો
તમ્મર આવી જાય તેવું થાય ત્યારે મોઢામાંથી પહેલો શબ્દ નીકળે છે...
‘ઓ મા !’
માના અગણિત ઉપકારો છે. આ ઉપકારો કયાં અને કેવાં છે તેનું વર્ણન માતૃષોડશીમાં કરવામાં આવ્યું છે.
માતૃષોડશી એટલે માના ઉપકારોનો શિલાલેખ.
આ માતૃષોડશી માના શ્રાદ્ધ વખતે ગોરમહારાજ જો વિદ્વાન હોય તો ખૂબ સરસ રીતે સમજાવે છે. માના આ ઉપકારોનું વર્ણન સાંભળીને ભલભલો કઠણ કાળજાનો જણ પણ પીગળી જાય છે.
ક્યાંક માની યાદ અને એને ખોયાનો વલોપાત,
તો ક્યારેક માને દુભ્યાનો પસ્તાવો
આ બધું ભેગું થઈને દીકરાની આંખમાંથી આંસુરૂપે વહી નીકળે છે.
બિંદુ સરોવર કે સરસ્વતીના તટે માતૃષોડશી સાંભળીને પડેલાં પશ્ચાતાપનાં આંસુ
યાદ દેવડાવે છે –
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યને વરે છે.
માના અગણિત ઉપકારોની આ ગાથા માતૃષોડશી એના અર્થ સાથે અહીં રજૂ કરું છું.
गर्भदावाग्ने दुखम विषामे भूमि वर्थमानी
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥१
ગર્ભમાં જતી વખતે પીડા અને બહાર આવતી વખતે જાનનું જોખમ,
એનાથી મુક્ત થવા માટે માતાને પિંડ આપું છું. ||૧||
मासि मासि कृतम कष्टम वेदना प्रसवे थाधा
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥२
સંતાન પ્રાપ્તિ માટે દરેક મહિનાના સ્ત્રાવોથી દુખી માતાના ઋણથી
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું. ||૨||
मासि मासि कृतम कष्टम वेदनपरसवेपू च।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्याहम ॥३॥
દરેક માસમાં થતું દુખ અને પ્રસૂતિકાળમાં પીડા,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું. ||૩||
संपूर्णे दशमे मासि ह्रात्यन्तं मातृपीडनम ।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥४
અને દસ મહિનાની સમાપ્તિ પછી માતાને ઘણી વેદના થાય છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું.||૪||
गात्रभद्रो भवेन्मातूमृत्युरेव न संशय:।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्याहम ॥५॥
અંગ ભંગ થતી સમયે માતાનું મૃત્યુ પણ થઈ શકે છે, એમાં શંકા નથી,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું. ||૫||
यावत्पुत्रो न भवति तावन्मातुश्र्च शोचनम ।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥६
જ્યાં સુધી પુત્રનો જન્મ થતો નથી ત્યાં સુધી માતાનું શોષણ થાય છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું. ||૬||
शैथिल्यं प्रसवेप्रप्ते मटा विंदति दु:सहम।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्याहम ॥७॥
પ્રસૂતિ પછી માતા ઘણી શિથિલતા અનુભવે છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું ||૭||
पद्मयां जनयते पुत्रम जनन्या: परिवेदना ।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥८
બંને પગની બાજુથી પુત્ર થવાથી માતાને ઘણી વેદના થાય છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું.||૮||
अल्पाहार करौता मटा यावत्पुत्रोडस्ति बालक:।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्याहम ॥९॥
જ્યાં સુધી પુત્ર બાળક છે, ત્યાં સુધી માતા થોડો ખોરાક લે છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું. ||૯||
रात्रो मूत्रपुरीपाभ्यां क्लिश्येंते मातृकुक्षिके ।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥१०
માતાના ખોળામાં રાત્રે મળ-મૂત્ર (વિસર્જન) કરીને ઊંઘે છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું.||૧૦.||
कटुद्रव्याणी विविधानि च भक्षति।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्याहम ॥११॥
અનેક પ્રકારના કડવા પદાર્થો અને દવાઓનું સેવન કરે છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું ||૧૧||
क्षुधया विह्रले जाते तृप्तिम माता प्रयच्छति ।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥१२
ભૂખથી બેબાકળું બને ત્યારે માતા સંતોષ આપે છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું. ||૧૨||
दिवा रात्रौ च यानमाता आनंदति समतृका।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्याहम ॥१३॥
માતા પુત્ર સાથે રાત અને દિવસ પ્રસન્ન થાય છે. (પ્રસવકાળ સુધી),
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું ||૧૩||
यमद्वारे महाघोरे पथि मातुश्र्च शोचनम ।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥१४
ભયાનક યમ દરવાજા તરફ લઈ જનારો આ માર્ગ માતા માટે બહુ પીડા આપનારો (દુખકારક) થાય છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું. ||૧૪||
पुत्रौ व्याधिसमायुक्तों मटा ह्याक्रन्दकारिणी।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्याहम ॥१५॥
જ્યારે પુત્ર ઇજાથી ઘવાયેલો થાય છે ત્યારે માતા ઘણો ગુસ્સો કરે છે,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું ||૧૫||
यस्मिन्काले मृता माता गतिस्तस्या न विद्यते ।
तस्य निष्क्रमणार्थाय मातृपिंडम ददाम्यहम ॥१६
તે સમયે માતા જ્યારે મૃત્યુ પામે છે, તો તેને મોક્ષ મળતો નથી,
એનાથી મુક્ત થવા માટે હું માતાને પિંડ આપું છું. ||૧૬||














