Tuesday, December 20, 2016

ન જાણ્યું જાનકી નાથે

સવારે શું થવાનું છે

આપણા સહુના રોમરોમમાં વસનાર ભગવાન શ્રીરામને પણ ખબર નહોતી કે જે દિવસે એમનો રાજ્યાભિષેક નક્કી હતો તે સવાર કેવી ઉગવાની છે. આપણું તો કોઈ ગજુ જ નહોતું પણ એના કારણે રાતની ઉંઘ બગડે એવુંય નહોતું. નિંદ્રાદેવીની મારા પર શરુઆતથી જ મોટી મહેરબાની રહી છે. ચાલુ ક્લાસમાં ઝોંકા ખાવાથી માંડીને ચાલુ મોટરકારે સૂઈ જવાની મારી આદત છે. ભલભલા હાસ્ય નાટકોમાં પણ પહેલી હરોળમાં બેસીને નિર્લેપભાવે મેં નસકોંરા બોલાવી લીધાં છે. એકવખત તો સ્મૃતિ ઈરાની (અત્યારના માન. કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન)ના એક નાટકનો શો પુરો થયો ત્યારે એમને બેક સ્ટેજ મળવા જવાનું થયું તો એમણે રીતસરનું સંભળાવ્યું “બહુ થાક્યા લાગો છો. ચાલુ નાટકે ઝોંકા ખાતા હતા એવું મેં જોયું છે.” બાપ રે ! નાટકના કલાકારો એમના કામમાં ધ્યાન આપવાના બદલે આવું આડુઅવળું જોઈ પણ લેતા હશે એ સ્મૃતિબેને મને અનુભવ કરાવ્યો ત્યારે ખ્યાલ આવ્યો. જો કે એનાથી મારી ઝોંકા ખાવાની આદત બદલાઈ નથી. હા, હજુ કોઈ ફંક્શનમાં સ્ટેજ પર બેસીને ઉંઘતો ઝડપાયો નથી. કદાચ આ સૌભાગ્ય વડાપ્રધાનોને જ પ્રાપ્ત હશે !

કમિશ્નર સાહેબ સાથે વાત કરી તે દિવસે રાત્રે પણ ઉંઘ તો મજાની આવી. સવારે રાબેતા મુજબ ઓફિસ ગયો. અમારા સાહેબ લગભગ બાર વાગ્યા પછી ઓફિસે આવ્યા અને એકાદ કલાક બાદ તેમનું તેડું લઈને સંતબહાદુર મારી કેબિનમાં પ્રગટ થયો. પરિણામની ઘડી આવી પહોંચી હતી. સાહેબની કેબિનમાં ગયો એટલે એક-બે બીજા મુદ્દાઓની ચર્ચા કરી તેમણે મને સીધું જ કહી દીધું કે ભણવું જ હોય તો મંજૂરી મળશે પણ ઓફિસના કામમાં કોઈ ગરબડ નહીં ચાલે અને ચાલુ ઓફિસે અભ્યાસને લગતું કોઈપણ કામ નહીં થાય. આ ઉપરાંત ફિલ્ડનું કોઈ કામ નહીં મળે ! મને આમાંની એકેય શરત સાથે સંમત થવામાં કોઈ મુશ્કેલી ન લાગી. મેં સંમતિસૂચક માથું હલાવતાં કહ્યું “ભલે સાહેબ”. મારી નજર સામે હું ક્લાસમાં બેસીને ભણતો હોઉં એવું દ્રશ્ય તરવરી ઉઠ્યું. ફરી પાછા એમ.એસ. યુનિવર્સીટીમાં વિદ્યાર્થી તરીકે એક નવી જ કોલેજમાં અભ્યાસ કરવાની તક મળશે એ વિચારે આનંદીત કરી મુક્યો. હું સાહેબનો આભાર માની મારી કેબિનમાં ગયો. લગભગ એકાદ કલાક બાદ મારી અરજીને મંજૂરીની મ્હોર વાગી ગઈ તે જાણ મને કરી દેવાઈ. શમ્મી કપૂર મારો પ્રિય કલાકાર રહ્યો છે. એનાં બધાં જ ચલચિત્રો જોયાં છે એક કરતાં વધુ વાર. પણ ‘જંગલી’ તો ઓગણત્રીસ વાર જોયું. મહારાણી શાંતાદેવી ટોકીઝમાં એક દિવસે ત્રણે ત્રણ શોનું એક જ સીટનું એડવાન્સ બુકીંગ કરાવી એક જ સીટમાં બેસીને દિવસમાં ત્રણ વખત આ પિક્ચર જોવાનો પણ મારો રેકોર્ડ છે. મૂર્ખામીની પરાકાષ્ઠા લાગે છે ને? જે ગણો તે ‘જંગલી’ મારું પ્રિય ચલચિત્ર હતું અને આજે પણ છે. મંજૂરી મ્હોર વાગી એટલે શમ્મી કપૂરની માફક ત્રાડ પાડીને ગાવાનું મન થઈ ગયું.

“યા હુ !”...“યા હુ !”

મારી જીંદગીની સુખદ ક્ષણોમાંની આ એક ક્ષણ હતી. કમિશ્નર સાહેબનો મનોમન આભાર માન્યો, સાથે જ મનમાં વિચાર ઝબકી ગયો “જો કમિશ્નર સાહેબની હૂંફ ન હોત તો ?”

આ અનુભવે ત્યારબાદ છેક મંત્રીપદ સુધી હું જ્યાં પણ રહ્યો કોઈપણ અધિકારી કે કર્મચારીની આગળ અભ્યાસ કરવા અથવા તાલીમ માટેની દરખાસ્તને ક્યારેય ના નથી કહી. જરુર પડે વહીવટી કાયદાની આંટીઘૂંટીને બાજુ પર મુકીને સ્વવિવેક પર આવી મંજૂરીઓ આપી છે. એનાં સારાં પરિણામો પણ જોયાં છે. સરકારમાં આ પરપીડનવૃત્તિ ઘણાં બધાનાં રસ્તામાં આવતી હશે એવું હું માનું છું. આઈઆઈએમ જેવી સંસ્થામાં ભણે તો એના જ્ઞાન અને અનુભવનો ફાયદો મળવાનો હોય તો પણ એક યા બીજા બહાને એને રોકવાની વૃત્તિના ઘણા કિસ્સા મેં જોયા છે.

આપણી વાત આગળ વધારીએ. મંજૂરી મળી ગઈ એટલે બીજા દિવસે પહેલું કામ ફી ભરવાનું કર્યું. આ કોર્સના ડાયરેક્ટર પ્રો. શ્રીકંટૈયા એક અતિ વિદ્વાન અને સારા શિક્ષક હતા. એ મેનેજરીયલ ઈકોનોમિક્સ ભણાવતા. એવા જ એક માર્કેટીંગમાં ખુબ સારા પ્રો. એ.એમ. (અંબાલાલ) શાહ હતા. જે એલેમ્બીકમાં બ્રાન્ડ મેનેજર હતા અને વીઝીટીંગ ફેકલ્ટી તરીકે અમને ભણાવતા. પ્રો. એચ.કે. પટેલ ચાર્ટડ એકાઉન્ટન્ટ હતા અને નાણાં વ્યવસ્થાપન શીખવાડતા. પહેલી બેચ હતી એટલે ભણનારાઓમાં પણ ઉત્સાહ ખુબ હતો. આમેય નોકરી કરતા હોય અને તે પણ લગભગ મીડલ મેનેજમેન્ટની કેડરમાં એટલે ગંભીરતાથી ભણવું હોય તો જ ફી ભરીને દાખલ થાય ને ? બે સારા મિત્રો મને આ કોર્સમાંથી મળ્યા. એક વેંકટેશ જે સયાજી આયરન એન્ડ સ્ટીલ કંપનીમાં મેનેજર હતો અને બીજો દીપક એડવંકર જે ફોર્બ્સ માર્શલ જેવી દેશની અગ્રણી બોઈલર તે સમયે (ઈન્સ્ટ્રુમેન્ટેશન) કંપનીમાં સેલ્સ મેનેજર હતો. વેંકટેશ સાથેનો સંપર્ક થોડાંક વરસ રહ્યો પછી એ ગુજરાત છોડીને કોઈ સારી જગ્યાએ દક્ષિણ ભારતમાં સ્થાયી થયો ત્યારબાદ તુટી ગયો. દિપક આગળ જતાં ફોર્બ્સ માર્શલમાં ડાયરેક્ટર બન્યો અને હજુ પણ એમના એડવાઈઝર તરીકે પુનામાં રહીને સેવાઓ આપે છે, એની સાથે સંપર્ક જીવંત છે. ભણવાની ખુબ મજા આવતી હતી. ટેકનીકલ બેકગ્રાઉન્ડ હોવાને કારણે સ્ટેટેસ્ટીક્સ અને ઈકોનોમેટ્રીક્સ જેવા વિષયો ગમતા. પણ, મારો સહુથી પ્રિય વિષય હતો માર્કેટીંગ મેનેજમેન્ટ. કદાચ પ્રો. અંબાલાલ શાહના જકડી રાખે તેવાં લેક્ચરની આ અસર હતી. આવો જ બીજો વિષય જેમાં રસ પડવા માંડ્યો હતો. તે હતો ઈકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. મેં મારી થીસીસ “Attention getting Value of the Advertisement” પર કરી. ખૂબ ઉત્સાહથી નિષ્ણાતોને મળ્યો, ચર્ચાઓ કરી, લાયબ્રેરી વર્ક કર્યું અને સરસમજાની થીસીસ તૈયાર કરી. હ્યુમન બીહેવીયર અને કોમ્યુનિકેશનમાં ઉંડો રસ ઉભો કરવાનું બીજ અહીં રોપાયું. એ જ રીતે મેનેજરીયલ ઈકોનોમિક્સ વિષયમાં જેમનું પુસ્તક પ્રો. શ્રીકંટૈયાએ ભલામણ કરી હતી તે આઈઆઈએમના પ્રો. મોટે દ્વારા લખાયું હતું. હું એમને પણ મળ્યો. આઈઆઈએમના આટલા સીનીયર પ્રોફેસર આવા સરળ હોય એ અનુભવ આનંદીત કરી દે તેવો હતો. આઈઆઈએમના કેમ્પસની મુલાકાત લીધી અને વળી પાછું મનમાં કીડો સળવળ્યો. 1969માં ચૂકી ગયા પણ બોસ ! અહીં એકવખત તો ભણવું છે.

સમય ક્યાં વીતી ગયો એની ખબર જ ના રહી. વરસ પુરું થયું અને યુનિવર્સીટી દ્વારા પરીક્ષા લેવામાં આવી. થીસીસનું પ્રેઝન્ટેશન અને ઈવેલ્યુએશન પણ થયું. મને લાગતું હતું કે બધું સમુસૂતર જઈ રહ્યું છે. એક દિવસ દિપકનો ઓફિસમાં ફોન આવ્યો. સામે છેડેથી એનો અવાજ સંભળાયો “Congratulations ! You have Toped our Batch !!” અત્યંત રોમાંચિત કરી દે તેવા આ સમાચાર હતા. ફોન પુરો કરી મારી કેબિનમાં જઈ બે સાથીઓને બોલાવ્યા. એક મારો વિશ્વાસુ સીનીયર કારકુન અનિલ અને બીજો જેણે કચેરીના સમય બાદ મહેનત કરીને મારી થીસીસ અત્યંત સુંદર રીતે ટાઈપ કરી તૈયાર કરી આપી હતી (કોઈપણ મહેનતાણું સ્વીકાર્યા વગર) તે રાધેશ્યામ બ્રહ્મભટ્ટ. અમે ત્રણેય જણાએ સંત બહાદુરની મસ્તમજાની ચા પીને આ સમાચારની ઉજવણી કરી. મેં કચેરીમાંથી જ કમિશ્નર ઓફિસે ફોન લગાડી હાઉસીંગ કમિશ્નર સાહેબને પણ આ સમાચાર આપ્યા. એમણે અભિનંદન અને આશીર્વાદ તો આપ્યા પણ સાથોસાથ પેલી ટકોર તાજી કરતાં કહ્યું “વ્યાસજી ! હવે જલ્દી અહીંથી વિદાય થાવ.”

મેં સાહેબને તો કોઈ જવાબ ન આપ્યો પણ મનમાં મક્કમતાની ગાંઠ વાળી નિર્ધાર કર્યો હાઉસીંગ બોર્ડમાંથી વિદાય થવાનો.

ક્યારેક તમારા સારા મનસૂબાને ઈશ્વર પણ મદદ કરતો હોય છે.

થોડા જ સમયમાં એક નહીં બે ઘટનાઓ ઘટી.

જેને કારણે હાઉસીંગ બોર્ડમાંથી મારી વિદાય થવાની તક નહીં પણ પુરેપુરો રાજમાર્ગ ખુલી ગયો હતો.

 

દરમ્યાનમાં 8 ફેબ્રુઆરી 1975ના દિવસે એક એથીય વિશેષ અગત્યની ત્રીજી ઘટના ઘટી.

જેને સીધો મારા વ્યક્તિગત જીવન અને પેલી છેલ્લી આગાહી સાથે સંબંધ હતો.

 

આ તારીખે મારા નાના દીકરા સાકેતનો જન્મ થયો.

ફરી એકવાર પેલી આગાહી મગજમાં ઉપસી આવી “દૂસરે બેટે કે જન્મ કે તીન મહિનોં કે અંદર આપ યે શહર છોડ દેંગે.”

 

કમાલની ઘટનાઓ ઘટી રહી હતી.

એક નહીં બે તકો સામે આવી રહી હતી.

બન્નેમાં પાર ઉતરવાનો વિશ્વાસ હતો.

હવે મારી પાસે એમ.ટેક ઉપરાંત મેનેજમેન્ટમાં પણ ડીસ્ટીંક્શન ફર્સ્ટ સાથેનું અનુસ્નાતક ક્વોલીફીકેશન હતું.

 

શું બનવા જઈ રહ્યું હતું ?

પેલો ભવિષ્યવેત્તા ફરી એકવાર સાચો પડશે એનો આનંદ

પણ...

બીજી બાજુ વડોદરું છોડવું પડે એનો ભારોભાર રંજ

મન કહેતું હતું જીવનમાં કોઈપણ સિદ્ધિ કશું ખોયા વગર મળતી નથી.

હાઉસીંગ બોર્ડની સાથોસાથ વડોદરું પણ છોડવું પડે એવું બનશે ?

 

ન જાણ્યું જાનકી નાથે

સવારે શું થવાનું છે


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles