મુંબઈના પ્રવાસમાં હતો ત્યાં સુધી ભણવાનું ખીંટીએ ટીંગાડ્યું હતું. વાંચવાનું કે લેસન એવું કાંઈ નહીં. બસ સવારથી રાત સુધી માત્ર ને માત્ર ફરવાનું, નવું નવું જોવાનું અને મુંબઈની જિંદગીને માણવાની. સમય ક્યાં જતો રહેતો એ ખ્યાલ પણ નહોતો. રોજ રાત્રે થાક્યા-પાક્યા સૂઈ જવાનું અને સવાર પડે એટલે મુંબઈ દર્શને નીકળી પડવાનું. ઘરે જમવાનું પણ લગભગ એક જ સરખું બને. એ સિવાય જીભના ચટાકા કરવા મળે એવું કાંઈ નહીં. મુંબઈમાં બેરિસ્ટર સાહેબના ત્યાં તો રસોઈ વૈવિધ્યપૂર્ણ બનતી હતી. તે ઉપરાંત બહાર નાનો-મોટો નાસ્તો, ભેળ, પુરી-શાક કે સેન્ડવીચ અથવા એલચીકેળાં ઉપર હાથ અજમાવી લઈએ તે જુદું. વળી, જેના ત્યાં મળવા જઈએ અથવા કેટલાક કિસ્સામાં જમવાનું હોય ત્યાં પણ પૂરા ઠાઠ-માઠથી મહેમાનગતિ થાય. આમ, આટલા દિવસોમાં જમવાનું મેનુ પણ એટલું વૈવિધ્યપૂર્ણ બની ગયું હતું જેની કોઈ કલ્પના નહોતી.
મુંબઈની મુલાકાત દરમિયાન પહેલીવાર લીલા નાળિયેરનું પાણી પીધું. અત્યાર સુધી ઘરે કોઈક વખત નાળિયેર વધેરાય તો એમાંથી નીકળતું પાણી કોઈક નાના વાસણમાં ભેગું કરી પીવાનો ટેસ્ટ કર્યો હતો. અહીં નાળિયેર પાણી તો ચોખ્ખું પણ એની સાથોસાથ બિલકુલ માખણ જેવી કૂણી કોપરાની મલાઈ પણ ખાવા મળી. લીલું નાળિયેર લઈએ ત્યારે જ પેલો લારીવાળો કે દુકાનવાળો પૂછતો પાણીવાળું આપું કે મલાઈવાળું. મને મલાઈવાળું નાળિયેર ભાવી ગયું. કોપરૂં બનતા પહેલા એનું પડ બંધાય ત્યારપહેલા નાળિયેરમાં માત્ર પાણી જ ભરેલું હોય અને જેમ જેમ પડ બંધાતું જાય તેમ તેમ મલાઈ અને પછી કોપરૂં બને. દરિયાકાંઠે ખારા પાણીના સાનિધ્યમાં ઉગતી નાળિયેરીના ફળમાં મીઠું મધ જેવું પાણી ભેગું થાય એ ક્યારેક આપણને પ્રશ્ન કરતાં કરી દે કે શું કુદરત પાસે આ ખારા પાણીને મીઠું કરવાનું મશીન હશે ? કુદરતની કરામતને સલામ કરવી જ પડે એનું દ્રષ્ટાંત નાળિયેર છે.
બીજો પરિચય થયો “નીરા” થી. અત્યાર સુધી ભણવામાં આવતું હતું કે, તાડ અથવા ખજૂરીના ઝાડની ટોચે કાપો મૂકી સૂરજ ઢળતાં બાંધી દીધેલ નાના માટલાં જેવું પાત્ર સવાર સુધીમાં તો સહેજ ગળચટ્ટા એવા તાડ કે ખજૂરીના વૃક્ષના રસથી ભરાઈ જાય. આ રસનું પાત્ર સવારે સૂર્યોદય પહેલાં ઉતારી લે. આ તાજો રસ એટલે નીરો. બોરીવલીમાં અમે જ્યાં ઉતર્યા હતા તેની બાજુમાં જ એક નીરા કેન્દ્ર હતું જ્યાં દૂધની જેમ જ બોટલમાં ભરેલો નીરો મળતો. આ નીરો આરોગ્ય માટે ખૂબ સારો એમ કહેવાય છે. આમાં શરત માત્ર એટલી છે કે, આ રસ સૂર્યોદય પહેલાં પીવો જોઈએ. સૂરજ ચડે અને વાતાવરણ ગરમ થવા માંડે એટલે આ રસમાં આથો આવવા માંડે છે અને નીરામાંથી નશાકારક તાડી બને છે જે આદિવાસી વિસ્તારોમાં દારૂની જેમ પીવાય છે અને નુક્સાનકારક છે. આ તાડીના વ્યસનમાંથી આદિવાસી સમાજ મુક્ત થાય તે માટે ગાંધીજીએ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશમાં તાડી ઉત્પાદનને જડમૂળથી નાબૂદ કરવું એ હેતુથી ગાંધીજી 1932 સુધી ખજૂરીનાં ઝાડ કાપી નાખવાની ઝુંબેશ ચલાવતા હતા. પણ જ્યારે એમને સમજાયું કે, તાડ / ખજૂરીના ઝાડમાંથી મળતો નીરો આરોગ્ય માટે ઉત્તમ છે અને આ નીરામાંથી ગોળ પણ બનાવી શકાય છે એટલે ગાંધીજીએ વિચાર બદલ્યો અને કહ્યું, “ખજૂરી ન કાપો. એ રાષ્ટ્રીય સંપત્તિ છે.”
નીરાની આ વાત સાથે મને ઉત્તર ગુજરાતમાં એક સમયે જેના ઝાડ મોટી સંખ્યામાં હતા અને હજુ આજે પણ આદિવાસી વિસ્તારોમાં સાવ નષ્ટ થઈ ગયા તે મહુડો યાદ આવ્યો. આ મહુડાને લગભગ શિયાળો પૂરો થવા આવે ત્યારે ફૂલ આવે અને વહેલી સવારે આ ફૂલ ખરીને નીચે પડે. મહુડાનું આ ફૂલ સૂર્યોદય પહેલાં ખાઈએ તો રક્તશુદ્ધિ માટે ઉત્તમ ગણાય. અમારા ખેતરમાં પણ એક મહુડો હતો જેનાં ફૂલ વીણવા માટે સવારે વહેલો ઉઠી જતો. આ મહુડાના ફૂલમાંથી સુકવણી કરીને રોટલો પણ બને છે. એને જે ફળ આવે તે “ડોળ” તેમાંથી ”ડોળીયું” – એક પ્રકારનું તેલ નીકળે જે ખાવામાં વપરાય છે. આમ, મહુડો આદિવાસી વિસ્તારનું કલ્પવૃક્ષ ગણાય.
પણ આ બધા ગુણકારી ઉપયોગો બાજુ પર મૂકીને મહુડાના ફૂલમાંથી દારૂ ગાળવાનું કામ થાય છે. મહુડાનું ફૂલ પણ સૂર્યોદય પછી ખાઈએ તો જીવ ડહોળાય અને સહેજ નશાકારક પણ લાગે. પણ મહુડાનો દારૂ તો નશો કરવા જ વપરાય. જો કે, જ્યારે એન્ટીસેપ્ટીક દવાઓ વિગેરે નહોતું ત્યારે મહુડાનો શુદ્ધ દારૂ ઘા ધોવા અને એમાં પાક ન થાય તે માટે ડ્રેસિંગ કરવામાં વપરાતો. આજે પણ જેમને દારૂ વિશે સમજ પડે છે અને જેમના માટે એ રસનો વિષય છે તેઓ મહુડાના “FIRST CUT” એટલે કે “પહેલું નિસ્યંદન” ઉત્તમ કક્ષાનો મહુડાનો નિસ્યંદિત અર્ક (આસવ) પૂરો પાડે છે એમ કહે છે. આયુર્વેદમાં આ સિવાય પણ મહુડો અને એના અર્ક વિશે ઘણી બધી માહિતી આપી છે. આમ, નીરો અથવા મહુડો કે પછી “ડોળીયું” જેમ ગુણકારી છે અને જે કુદરતી દેન છે તે જ રીતે તાડી અને દારૂ નશાકારક છે અને નુક્સાન કરે છે. નશો એક પ્રકારનો રાક્ષસ છે જે માણસનાં સુખ અને સમૃદ્ધિનું નિકંદન કાઢી નાખે છે. મૂળભૂત સવાલ એ છે કે, આપણે કુદરતે આપેલ સંપત્તિનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. આજે મહુડાના વૃક્ષનું તો લગભગ નિકંદન નીકળી ગયું છે. માણસની પ્રગતિની સાથોસાથ આવાં કુદરતી સંસાધનોનો જે રીતે નાશ થઈ રહ્યા છે તે ચિંતાપ્રેરક બાબત છે. આમ છતાંય આ વિષય માત્ર પર્યાવરણ દિવસની નિબંધ હરિફાઈઓ, વકૃત્વ સ્પર્ધાઓ, રેલીઓ અને અન્ય કર્મકાંડ પૂરતો મર્યાદિત થઈ ગયો છે.
વળી પાછા મૂળ વાત પર આવીએ.
બીજા દિવસે સવાર પડી એટલે નિશાળ જવું પડશે એ ખ્યાલ મગજમાં ઉપસ્યો. એક બાજુ દસ-બાર દિવસથી મિત્રોને મળ્યો નહોતો તે પાછા બધા મળશે. મુંબઈની જાતજાતની વાતો કરીશું વિગેરેનો આનંદ હતો તો બીજી બાજુ પાછું આજથી ધૂંસરૂં જોડાશે એનો થોડો અણગમો પણ હતો. ભણવાનો કંટાળો મને નથી આવ્યો પણ સ્કૂલમાં રજા પડે એ દિવસનો નિર્બંધ આનંદ હંમેશાં ભણવા કરતા વધુ આકર્ષક લાગે છે. નિયમ મુજબ તૈયાર થઈ નાસ્તો કરી સ્કૂલ જવા માટેનું ટાઈમટેબલ ગોઠવ્યું ત્યારે આટલા દિવસે ફરી પાછો ચોપડી અને નોટબુકને હાથ અડાડવાનો એક જુદો જ ભાવ મનમાં ઊભો થયો. મનમાં ને મનમાં પેલી કહેવત યાદ આવી ગઈ – “પટેલ ચાર દહાડા બહારગામ જઈ આવ્યો તે ભેંસના ખીલા ભૂલી ગયા.” મારી પણ સ્થિતિ કાંઈક અંશે આવી હતી. આમતેમ પડેલી ચોપડીઓ અને નોટબુકોમાંથી તે દિવસના ટાઈમટેબલ મુજબની ચોપડીઓ જૂદી કાઢી ત્યારે આજે જાણે ફરી પાછું નિશાળમાં દાખલ થવા જતો હોઉં એવી લાગણી થઈ. મારો વર્ગ ધોરણ 8-ક અને સહપાઠી મિત્રો અમારા સાહેબો અને ખાસ કરીને પી. એસ. પરીખ સાહેબ બધા મળીને મને શું પૂછશે ? કઈ કઈ બાબતો કોને કોને કહીશ ? એવું ઘણું બધું વિચારતાં વિચારતાં સ્કૂલનો દરવાજો આવી ગયો. પ્રાર્થના પછી સૌએ પોતપોતાના વર્ગમાં જવાનું હતું, પણ મારા પગ ક્લાસરૂમ તરફ ઉપડે તે પહેલાં અમારા પટાવાળા ભાઈ આવી મને કહી ગયા – “એચ. એમ. સાહેબ ઑફિસમાં બોલાવે છે.”
આ એચ. એમ. સાહેબ એટલે અમારા પ્રિન્સિપાલ શ્રીમાન દામોદર દયારામ ભાવસાર સાહેબ ઉર્ફે દા.દ.ભા.
સૌમ્ય અને શાંત પ્રકૃતિ પણ કડપ જબરો
મારે માટે ભાવસાર સાહેબને મળવાનો આ પહેલો પ્રસંગ હતો.
આમેય, ધોરણ-8ના કોઈ વિદ્યાર્થીને કોઈ વાંક-ગુના વગર પ્રિન્સિપાલ સાહેબ બોલાવે એ પણ કદાચ પહેલો પ્રસંગ જ હશે.
પ્રિન્સિપાલ સાહેબની ઑફિસ પહેલે માળે હતી.
મેં પહેલીવાર આ રૂમમાં પ્રવેશ કર્યો.
લીલા રંગના ગલેફવાળી ગાદી અને ગાદી સાથેની ખૂરશી.
સામે કાચ મૂકેલું મોટું ટેબલ.
ટેબલની સામે દસ-બાર ખૂરશીઓ.
દિવાલ ઉપર મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સુભાષબાબુના ફોટા
મા સરસ્વતિનો ફોટો
પૂરતો હવા-ઉજાસ આવે તે માટે લોખંડના સળિયાવાળી છ કે આઠ બારીઓ
થોડાક ગભરાટ સાથે અને થોડીક ઉત્સુકતા સાથે હું આ રૂમમાં પ્રવેશ્યો
શુદ્ધ ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ ભાવસાર સાહેબને નમસ્કાર કર્યા
સામે આદબ વાળીને ઊભો રહ્યો
પુસ્તકો એક મિત્ર સાથે ક્લાસમાં મોકલી આપ્યાં હતાં.
મને હજુ પણ સમજાતું ન હોતું કે, “મને શા માટે બોલાવ્યો હતો.”
ભાવસાર સાહેબે મારી સામે જોયું.
એમના ચહેરા પર સ્મિત હતું, જેણે મને ખાસ્સો હળવો કરી નાખ્યો
દરમિયાનમાં જેનાથી બધા વિદ્યાર્થીઓ ખૂબ ડરતા હતા તે ધનશંકરભાઈ પંડ્યા સાહેબ રૂમમાં પ્રવેશ્યા.
ટેબલની બાજુની ખૂરશી પર એમણે સ્થાન લીધું.
અત્યાર સુધી જે સૌમ્ય વાતાવરણ હતું તેમાં જાણે કે એકાએક પલટો આવ્યો.
ભાવસાર સાહેબની બીક નહોતી લાગી
પણ....
આ પંડ્યા સાહેબ
બાપ રે !
…. અત્યારે જ અહીં શું કામ આવ્યા હશે ?
સરકસના પાંજરામાં વાઘ અને બકરી સામસામે આવી જાય ત્યારે...
પેલી બકરીને શું થતું હશે તે મને એકાએક સમજાવવા માંડ્યું.
પણ ત્યાં જ ભાવસાર સાહેબનો સૌમ્ય અને માયાળુ અવાજ મારા કાને પડ્યો.
“બેસ.” આ એક શબ્દમાં એટલો બધો પ્રેમ અને વાત્સલ્ય હતું કે,
પંડ્યા સાહેબની ઉપસ્થિતિની બીક લગભગ જતી રહી.
સાહેબે નિર્દેશિત કરેલ ખૂરશી પર હું બેઠો.
પ્રિન્સિપાલ સાહેબ સાથેની...
અને... જેમનાથી ભલભલા તોફાની વિદ્યાર્થી ધ્રૂજતા હતા તે ધનશંકર મણિલાલ પંડ્યા સાહેબ સાથેની મારી આ પહેલી મુલાકાત
શરૂઆત તો સારી થઈ.