Thursday, October 15, 2015

આ એકાદ મહિનાના સમયમાં ઘણું જાણવા અને શીખવા મળ્યું. કામ અને અનુભવ એ એક મોટો શિક્ષક છે અને એના વિના ગમે તેટલું ભણ્યા હોવ વાસ્તવિક પરિસ્થિતિને કળવાનો અને એના પર કાબુ મેળવવાના ઉપાયો આવડતા નથી. સાથે સાથે એક બીજી વાત પણ કહી દઉં કે જો ભણતરનો પાયો કાચો હોય તો માત્ર પ્રેક્ટિકલ જ્ઞાન ઉપર એક હદથી વધારે નભી શકાતું નથી. મારા આ અજમાયશી તાલીમના પ્રવાસ દરમ્યાન ઘણું શીખવા તો મળ્યું પણ ઘણા સાથે મિત્રતા પણ બંધાણી તે આજદીન સુધી ચાલુ છે. કોઈક ક્લાર્કના ટેબલે જઈને તમે બેસો અને એની પાસેથી કંઈક શીખવા માંગો તો એ વ્યક્તિ માટે પણ આ અનુભૂતિ નવી હોય છે. સામાન્ય રીતે અધિકારી તો કંઈ પણ કામ હોય કેબિનમાં જ બોલાવે, સામે ચાલીને કોઈ ક્લાર્કના ટેબલે ખુરશી નાંખીને બેસે ખરો? પણ મેં આ કર્યું. મેં અનુભવ્યું કે શરુઆતના એક બે દિવસ આ લોકો જરા સંકોચ કે ક્ષોભ અનુભવતા પણ પછી તો ખૂબ ચીવટથી અને અંગત ધ્યાન આપીને એમના અનુભવનો નિચોડ મારી સામે મુકવા લાગ્યા. એકાદ બે અપવાદોને બાદ કરતાં મેં આખોય મહિનો કેબિનની બહાર ગાળ્યો. એક બે અધિકારી મિત્રોએ સલાહ પણ આપી કે આ વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ સાથે બહુ ભળવું સારું નહીં. એનાથી મર્યાદા રહેતી નથી અને વહિવટ પરનો કાબુ ગુમાવાય છે. મેં એ સૂચના ત્યારે પણ ધરાર અવગણી હતી અને આજે પણ કોઈપણ સ્તરેથી મેં ક્યારેય કર્મચારીઓ સાથે આવા ભેદભાવથી વર્તન કર્યું નથી. હું જરાય સંકોચ વગર કહી શકું કે ઘરે આવતા મારા અંગત સંબંધીઓમાં આજે પણ મારી સાથે કામ કરી ગયેલા ડ્રાયવર, પટાવાળા કે ચોકીદાર પણ છે અને એમના ગામ બાજુથી નીકળવાનું થાય અથવા કોઈ પ્રસંગ સમયે એમની સાથે ઘરે બેસીને ચા પીવામાં મેં હંમેશ આનંદ અનુભવ્યો છે.

મારી આ તાલીમ યાત્રા દરમ્યાન એક બીજી વસ્તુ મારા ધ્યાને આવી. ટેકનીકલ અધિકારીઓ પછી તે મુખ્ય ઈજનેર હોય કે નાયબ કાર્યપાલક ઈજનેર વહીવટને લગતી ઘણી બધી બાબતો માટે એમના હેડ ક્લાર્ક કે ડીવીઝનલ એકાઉન્ટન્ટ પર આધાર રાખે છે. એમનું નોટીંગ અને ડ્રાફ્ટીંગ મહદ્અંશે કસાયેલું નથી હોતું અને ગમે તે કારણ હોય ટેકનીકલ સિવાયની બાબતો માટે જાણે કે સુગ હોય તે રીતની રુચિ અનુભવે છે. આનું સીધું પરિણામ એ આવે છે કે વહિવટને લગતી બધી જ બાબતોમાં એમને આધાર પેલા નોન ટેકનીકલ માણસો હોય છે જે કોઈપણ કચેરીના મહેકમા ઉપર વર્ચસ્વ ધરાવે છે. અમારો હેડ ક્લાર્ક તો એકવખત ખુલ્લેઆમ કહી ચુક્યો હતો કે “ટેકનીકલ અધિકારીઓને વહિવટ આવડે જ નહીં અને એ એમનું કામ પણ નથી !” આગળ જતાં જો કે એણે આ અભિપ્રાય બદલવો પડ્યો હતો. આ બધા જ કારણોસર મેં સ્ટોર્સ, એકાઉન્ટસથી માંડીને બધી જ બાબતો પર વિશેષ ધ્યાન આપ્યું અને તેમાંય બીસીએસઆર જેવા તેમજ ઈન્ડીયન કોન્ટ્રાક્ટ એક્ટ પ્રમાણે ટેન્ડર પ્રક્રિયાથી લઈને આગળની બધી જ કાર્યવાહીનો ખૂબ ઝીણવટથી અભ્યાસ કર્યો. જેને ડ્રાફ્ટ ટેન્ડર પેપર્સ કહેવાય તે અમદાવાદ હેડ ઓફિસમાં તૈયાર થતાં અને એટલે એમાં બહુ માથું મારવું જરુરી નહોતું. આ આખીય કવાયતનો બીજો ફાયદો એ થયો કે છેક પટાવાળા સુધી સહુને હું નામથી બોલાવતો થયો અને જરુર પડે તો તેમની સલાહ લેવા માટેનો રસ્તો ખુલ્લો થયો. મારે એ કહેવું જોઈએ કે મારો સીનીયર ક્લાર્ક અનિલ યુનિયન લીડર તરીકે સ્ટાફમાં લોકપ્રિય હતો એ ફાયદો તો હતો જ પણ સાથો સાથ કામગીરી બાબતે દરેક વિષયનો એ અચ્છો જાણકાર હતો.

અમારા હેડ ક્લાર્ક ખાન માટે પણ બે વાત સમજી લેવી જરુરી છે. હાઉસીંગ બોર્ડ કર્મચારી યુનિયનનો એ ખૂબ જ પ્રભાવી અને શક્તિશાળી મહામંત્રી હતો અને તે સમયે ટ્રેડ યુનિયનોના ઝુંઝારુ નેતા જે. જી. પરાડકર હાઉસીંગ બોર્ડ કર્મચારી યુનિયનના પ્રમુખ હતા. આમ, મોટા ભાગે આંટાફેરા અને આશીર્વાદ કરતા ખાનથી છેક હાઉસીંગ કમિશ્નર સુધી બધા જાળવીને સંબંધો રાખતા. આગળ જતાં મેં અનુભવ્યું કે અમારા આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નર પોતાની મૂંઝવણો માટે પણ ક્યારેક મોડી સાંજે સૂરસાગર પર આવેલી ખાનના એક સગાની હોટલ પર એને મળવા પહોંચી જતા. બ્રિટીશ જમાને કે જેલર જેવો એનો રુઆબ હતો અને ગુસ્સે થાય તો સ્ટાફમાં ગમે તેને મોટા અવાજે ખખડાવી નાંખતો. અંગ્રેજી પ્રત્યે એને અદભુત આકર્ષણ હતું. એ આમેય કુંવારો હતો એટલે એની પાસે સમયની કોઈ તંગી ક્યારેય વરતાતી નહોતી. અંગ્રેજી પ્રત્યેના એના લગાવનું એક રમૂજ પ્રેરક ઉદાહરણ ટાંકવાની લાલચ હું રોકી શકતો નથી. સરકારે ગુજરાતી ભાષાને વહીવટમાં કેમ પ્રચલિત કરવી તે વિષયને લઈને ગુજરાત વિદ્યાપીઠના શ્રી રામલાલ પરીખની સમિતિ બનાવી હતી. આ સમિતિએ જે અહેવાલ આપ્યો અને તેનું એક મહત્વનું સૂચન રાજ્ય સરકારે સ્વીકાર્યું. રાજ્ય સરકારની દરેક કચેરીઓમાં વહિવટ અને પત્રવ્યવહાર ગુજરાતીમાં ચાલે તે હતું. હાઉસીંગ બોર્ડની વડી કચેરીએથી આ અંગેના આદેશનો સરક્યુલર બહાર પડ્યો. જે આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરની કચેરીમાં આવતાં એને પોતાની હકૂમત હેઠળની બધી જ કચેરીઓને મોકલી આપવા આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરે આદેશ કર્યો. કચેરીના વહિવટી મહેકમના વડા તરીકે શ્રીમાન ખાન સાહેબે એ સરક્યુલર ઉપર અંગ્રેજીમાં શેરો માર્યો જે હજુ પણ મને લગભગ એવો જ યાદ છે. તેઓશ્રીએ આદેશ કર્યો“Please see the above circular from the Housing Commissioner. All concerned are here by instructed to use Gujarati as the language for noting as well as correspondence.” ધત્ તેરીકી! હાઉસીંગ કમિશ્નરના આદેશનું ખાન સાહેબે બેરહેમીથી ખૂન કરી નાંખ્યું. જો કે ગુજરાતીમાં વહિવટના ચલણનો એ સમય હતો એટલે કોઈએ આને ખાનસહજ પ્રવૃત્તિથી વિશેષ મહત્વ ન આપ્યું. હા, થોડા સમય માટે બધાના મનોરંજનનું આ સાધન બન્યું ! નસીબ જોકે તે વખતે આજના જેવા મોબાઈલ કે ફોટો કોપીંગ મશીન હાથવગાં નહોતાં એટલે જાહેર જનતાના લાભાર્થે આ બાબત કોઈ અખબારો સુધી પહોંચી નહીં !

અમારી કચેરીની સાથે સાથે બે કાર્યપાલક ઈજનેરો અને તેમના નાયબ કાર્યપાલક ઈજનેરોની ઓફિસો પણ અમારા જ બિલ્ડીંગમાં હતી એટલે એમના સ્ટાફ સાથેનો પરિચય પણ વધતો ચાલ્યો. જુનીયર એન્જિનિયરોમાંથી શ્રી સુરેશ બોઘાણી અને શ્રી વિક્રમ પરીખ તેમજ ડ્રાફ્ટ્સમેન શ્રી જે. પી. પટેલ સાથે મારી મિત્રતા બંધાવાની શરુઆત થઈ.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles