Tuesday, February 28, 2017
કાકાસાહેબ કાલેલકરના પ્રવાસવર્ણનોમાં સિદ્ધપુર સ્થાન મેળવી શક્યું હોત તો વ્યક્તિગત રીતે મારા માટે આનંદની વાત હતી. પણ કંઈક અંશે એ ખોટ કવિ ઉશનસે (મૂળ નામ પંડ્યા નટવરલાલ કુબેરદાસ, વતન સાવલી) પુરી કરી છે. એમની કૃતિ “સદમાતાનો ખાંચો” હાથમાં લઈને જેવી અનુક્રમણિકા ખોલીએ એટલે પહેલાં ત્રણ પ્રકરણ સિદ્ધપુરને સમર્પિત છે. 1929-30ના અરસાનું સિદ્ધપુર કેવું હતું તેનો કંઈક અણસાર આ પુસ્તકમાંથી મળે છે. સિદ્ધપુર ગાયકવાડી રાજ્યનો ભાગ હતું. તે સમયે આપણા સુપ્રસિદ્ધ નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ સિદ્ધપુરમાં વહિવટદાર હતા. ઉશનસના પિતા એમના હાથ નીચે તજવીજદાર હતા. સિદ્ધપુરનું વર્ણન કરતાં તે લખે છે “સિદ્ધપુર જાત્રાનું સ્થળ. રોજ કથાવાર્તા સત્સંગ ચાલે. રુદ્રમાળની પૂર્વમાં જરીક આગળ જઈએ એટલે પાવડિયાં આવે. આ પાવડિયાં પણ સોલંકી યુગનું જ બાંધકામ છે. પાવડિયાં એટલે કેટલાંક પગથિયાંની શ્રેણી. દરવાજામાં થઈને પાવડિયે જવાય. પાવડિયાંના મથાળે જ નાની મોટી દેરીઓ. કેટલીક પૂજ, કેટલીક તો કાયમની અપૂજ. આ પાવડિયાં ઉપર એક સળંગ સોલંકીયુગનો પુરાણો કિલ્લો છે. આ કિલ્લાને પથ્થરની કોતરણીવાળા ઝરુખા છે જે પૂર્વ તરફની નીચાણવાળી જમીન પર પડે છે. તે પછી એક વહેળો આવે ને તે પછી આવે હાથિયાથોર ને બાવળનું એક નાનું જંગલ. વહેલી સવારના લોક ત્યાં દિશાએ જાય. એ પાવડિયાં, એ જંગલ અમારી રમવાની ને હડિયાદોટી કરવાની પસંદગીની જગ્યા.” આજે ઘાટનાં આ પગથિયાં જર્જરિત અવસ્થામાં છે બાકી હવે કિલ્લો કે એના ઝરુખા અથવા નદીના પટમાં હાથિયાથોર અને બાવળનું જંગલ ઈતિહાસ બની ચૂક્યાં છે. એ સમયે પણ કરકચ્ચાં-કાચકાંની રમત, ચોર-સિપાહી અને ગીલ્લીડંડા રમાતા હતા જેનું વર્ણન લેખક કંઈક આ રીતે કરે –
“મને કાચકાં (કરકચિયાં)ની રમત યાદ આવે છે. આ કાચકાં દવાના કામમાં આવે ને ગાંધીને ત્યાં બજારમાં વેચાતાં મળે. પણ બા ખરીદવા પૈસોય આપે તો ને ?પણ રમણ રમતમાં જ કાચકાં જીતી લાવે. એક સીઝનમાં ઘડો ભરાય એટલાં એ ભેગાં કરે. બીજો રસ્તો તે જંગલમાં જઈ કાચકાનાં જીંડવાં તોડી લાવવાનાં ને તે ફોલી તેમાંથી લીલાં-લીસાં કાચકાં ભેગાં કરવાનાં. મને યાદ છે, રમણ ‘ચોરસિપાઈ’ની રમતમાં ફોજદાર-સિપાઈ બને ને બીજા ભિલ્લુને દોરી બાંધી જંગલ ભણી હાંકે. ત્યાં કાચકાંનાં ધુંગામાં ઊંડે સુધી જઈ આવાં જીંડવાં તોડી લાવે ને પછી લીલી ડાળખીની સોટીનો ચાબૂક વીંઝી ચોર સાથે જ કાચકાં લઈને ઘેર આવે. ધુંગામાંથી કાચકાંના કાંટાના ઉઝરડાય પડે, લોહી પણ નીકળે, પણ એની કશી ગણના જ નહીં ને ! આ કાચકાંની એક રમતનું નામ ‘મેંગીમાર’. ગોળ કૂંડાળું દોરી તેમાં કાચકાંને પહેલાં ધૂળથી ઢાંકી દેવાનાં ને ‘ઘાટી’થી તાકીને કૂંડાળાની બહાર કાઢવાનો, જે ઘાટીને બહાર કાઢે તેનાં તે બધાં જ કાચકાં થઈ જાય. રમણ ભારે તાકોડી. એ ‘ઘાટી’ને અદ્દલ તાકીને કૂંડાળા બહાર કાઢી દે. આ રમતમાં રમણની જ જીત થાય, ને ખીસું ભરીને કાચકાં ઘેર લઈ આવે. આ માટે રમણ ખાસ ‘ઘાટી’ બનાવે, ઘાટી એટલે આમ તો મોટું કાચકું જ, તેને વચ્ચેથી ફોડી પોલાણમાં ધગધગતું સીસું રેડી દેવાનું, સીસું ઠરે ને ‘ઘાટી’ વજનદાર થઈ જાય. પછી રમણની અમોધ તાક ને તરત જીતનું પરિણામ.”
તે સમયે સરસ્વતી નદી બ્રહ્માંડેશ્વર-અરવડેશ્વરને આગળ જતાં વટેશ્વર થઈને વહેતી હતી. અત્યારે નદીના પટમાં કચરો જોઈએ છીએ તો અરેરાટી થાય છે પણ આ બધું “આગુસે ચલી આતી હૈ” વાળી વિરાસત છે. થોડીવાર આપણે આજથી લગભગ સો વરસ પહેલાના જમાનામાં પહોંચી જઈએ. ત્યારની સરસ્વતી અને એની સાથે જોડાયેલ બાબતોનું વર્ણન ઉશનસ્ કંઈક આ રીતે કરે છે –
“પાવડિયાં અમારી રમતોનું મુખ્ય સ્થળ. રમતાં રમતાં કંઈ કેટલાંય પગથિયાં ઊતરી જઈએ ને નીચાણવાળા પટમાં અમસ્તા જ હડિયાદોટી કર્યા કરીએ. આ નીચાણમાં થઈને કોક કાળે કુંવારકા સરસત (સરસ્વતી નદી) વહેતી હશે એમ મનાય છે, હવે તો તે વહેણ બદલી બ્રહ્માંડેશ્વર-અરવડેશ્વર ને વટેશ્વર આગળ થઈને વહે છે. હવે તો આ નીચાણવાળા પહોળા પટમાં ઠેર ઠેર આખા ગામના ઉકરડા ઠલવાય છે. અમારી ટોળી આ ઉકરડામાંય રમ્યા કરે. અમે ઉકરડા ખૂંદ્યા કરીએ ને ફેંદ્યા કરીએ કે કંઈ કરતાં કંઈ જાદુઈ રતન મળી આવે છે ! અમારી ચોર-સિપાઈની રમત પણ અહીં જ સૂકા પટમાં જ રમાય. જૂના વહેણના અવશેષ જેવો એક વહેળો હજીય ત્યાં ઉત્તર-દક્ષિણ દિશાએ વહે છે ને આગળ જઈ મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે, ત્યાં સુધી અમારી હડિયાદોટીની આણ. આ ઉકરડાઓમાંથી કોણ જાણે શોય ખજાનો અમે રોજ ઢૂંઢતા ફરતા હતા. અમારા કિશોર કુતૂહલનો પાર ન હતો.
એક વાર અમે સૌ આ ઉકરડા ખૂંદતાં-ફેંદતાં ફરતા હતા. એ ધૂનમાં જ હું બધાંથી કંઈક આગળ નીકળી ગયો હતો ને એક અત્યંત સુંવાળી રબર જેવી લીસી વસ્તુ મારા હાથમાં આવી ગઈ. આ અસાધારણ પ્રાપ્તિનો હરખ માતો ન હતો. હું હાથ ઊંચો કરી પાછળ આવતા દોસ્તોને બૂમ પાડીને બતાવવા જાઉં છું ત્યાં તો તે હથેળીમાં જરાક સળવળી ! મોટે ભાગે તો ચીતરાએ જ બૂમ પાડી હશે ! ‘નાખી દે, લ્યા નાખી દે નીચે, આ તો આંધળી ચાકરેણ છે, કઈડશે તો પાણી પીવાય તું નહીં માગે, ફેંકી દે હતી ત્યાં ને ત્યાં ઉકેડામાં. ચમકીને મેં તો એ ચમકતી જણસને નીચે ઉશેટી દીધી. નીચે પડ્યું એવું તે સરિસૃપ જાનવર પાણીના રેલાની પેઠે પાછું ઉકરડામાં ક્યાંક ભરાઈ ગયું. લાંબો વખત હું ભયથી ધ્રૂજતો રહ્યો. થયું કે ઘાત ગઈ. કહે છે કે આંધલી ચાકરેણ એ એક જાતનું ખૂબ ઝેરી એવું સરીસૃપ જાતિનું પ્રાણી છે. કરડે તો ભાગ્યે જ કોઈ બચે.’
આ પાવડિયાંનાં તો કંઈ કેટલાંય સ્મરણો છે. સિદ્ધપુરની અમારી જિંદગી ઘર કરતાં અહીં પાવડિયાંમાં જ વધારે વ્યતીત થઈ છે. એક વાર અમે સૌ આ પાવડિયાં નીચેના પટમાં હડિયાદોટીની કોઈ રમત રમતા હતા. બપોરનો વખત હતો. માથા ઉપર ઉનાળાનો સૂર્ય સખત તપતો હતો, ત્યાં કોણ જાણે ક્યાંથી કશુંક વાદળિયું વાતાવરણ થઈ ગયું, ગ્રહણમાં થાય એમ સૂરજ ઢંકાઈ ગયો જોતજોતામાં એક વાદળિયા છાયામાં. ઘડી પહેલાં તો આકાશ ચોખ્ખુંચટ્ટ હતું, ચોમાસાના તો દિવસો પણ નથી. તો આ શું હશે ? અમને કંઈ સમજણ પડી નહીં, ને અમે રમતા જ રહ્યા; જોયું તો આ વાદળું ઉત્તર તરફથી દક્ષિણ ભણી ખસતું હતું ને ધીમે ધીમે નીચે ઊતરતું આવતું હતું. વચ્ચે વચ્ચે આખા ગામની કાબરો ને કાગડા ઊડતાં હતાં. પાવડિયાં ઉપરથી જ બૂમ સંભળાઈ : ‘અલ્યાં છોકરાંઓ, દોડતાં અહીં પાવડિયા ઉપર આવતાં રહો. આ તો તીડ આવ્યાં તીડ ! અમે સૌ દોટ મૂકીને પાવડિયે ચઢી ગયાં. ઉત્તરના રણપ્રદેશ તરફથી આ તીડનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં તેનું આ વાદળું હતું તે હવે કંઈ સમજાયું. કાબર-કાગડાને આજે ભારે જયાફત રહી. તીડનું ટોળું ફંટાઈને પછી વહેળાપારના વગડા તરફ વળી ગયું ને આકાશ પાછું ચોખ્ખું થઈ ગયું. પણ નીચે જોયું તો આ સૂકો પટ હવે તીડોથી છવાઈ ગયો હતો. નાના નાના છોડવાઓ ઉપર પાને પાને તીડ બાઝ્યાં હતાં. કેટલાંક મરેલાં તીડ હતાં તેમના ઉપર ભૂખ્યાં કાગડા-કાબર તૂટી જ પડ્યાં હતાં. જાણે મહાભારતનું 19મા દિવસનું યુદ્ધક્ષેત્ર. બસ ત્યાર પછી આવડા મોટા જથામાં ક્યારેય તીડ જોયાં નથી. અધધધ કેટલાં બધાં હતાં એ ! બંને હાથ વીંઝીને માથા ઉપરથી ઉડાવવા પડતાં હતાં એટલાં બધાં તે અમારી નજીક ઊડતાં હતાં ! પછી તો તીડો વિશે ઘણું જાણવા મળ્યું છે પણ પછીય તીડોનું આવું આગમન તો ક્યારેય માણવા મળ્યું નથી. કાગડા-કાબર તો એમને અદ્ધર ઊડતાં જ અદ્દલ ચાંચમાં ઝડપી લેતાં હતાં એ દૃશ્ય હજી ભૂલ્યો નથી હું.
વળી એક સ્મરણ છે આ પાવડિયાંનું : ચોમાસાના આરંભના તે વાદળિયા દિવસો હતા. બપોરનો અમારો એ વખત. અમે સૌ પાવડિયાં નીચે રમતમાં તલ્લીન હતા. ત્યાં તો કોઈ મોટો ખળભળાટ જેવો અવાજ ઉત્તર દિશામાંથી આવવા લાગ્યો હતો. તે વધારે ને વધારે નજીક આવતો હતો. ઉત્તર દિશાએ છાજલી કરીને જોયું તો એક મોટો જળપ્રવાહ ધસમસતો દક્ષિણમાં – આ તરફ આવતો હતો. ઉત્તરમાં-ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો તેનો આ ઘૂઘવતો પ્રથમ પ્રવાહ હતો. અમે તો આ નીચા સૂકા પટ વચ્ચોવચ્ચ જ રમતમાં લીન હતા. જોયું તો હવે પ્રવાહ છેક નજીક આવી ગયો હતો. રસ્તા વચ્ચેના તમામ ઉકરડાઓને તે તાણી જતો હતો. મૂળે મેલાં ફીણવાળાં ડહોળાં પાણીમાં ઉકરડા ઘુમ્મરીઓ ખાઈ તણાતા જતા હતા. જોવાની મઝા આવી ગઈ. પાવડિયાંમાંથી બૂમ પડી : ‘અલ્યો, દોડ્યા આવો ઝટઝટ અહીં પાવડિયાં ઉપર. દોડો દોડો આ તો પૂર છે. નાહકના તણાઈ જ જશો.’ અમે દોડીને પાવડિયે ચઢી ગયા ને જિંદગીના આ પ્રથમ પૂરને ભારે કૌતુકથી જોઈ રહ્યા. ઉકરડા જ નહીં, ઊખડેલાં ઝાડનાં ઝાડ તણાતાં આવતાં હતાં. મોટાં તોતિંગ લાકડાં તણાતાં આવતાં હતાં. મોટા કોળ ને સાપ તો ખરા જ. પણ જીવતાં ને મૂએલાં ઢોરઢાંખર પણ તણાતાં હતાં. પૂરનાં પાણી પાવડિયાંનાં કેટલાંક પગથિયાં ઉપર ચઢી ગયાં હતાં. અમે પાવડિયાંની ટોચે જઈને ઊભા હતા. હવે સામેના વહેળા સાથે પૂરનાં પાણી એકાકાર થઈ પેલી પારના વગડામાંય ફેલાઈ ગયાં હતાં. ચઢતાં પૂર જોવાની એક ગજબની મઝા પડે છે. એક મોટો અજગર જાણે અમળાતો આવતો હતો. એના શરીરે ફીણનાં ફીંડલાનાં જાણે ચાઠાં હતાં. અજગરનું વિશાળ જડબું જાણે ઊઘડી ગયું હતું; રસ્તામાં જે કંઈ આવે તેને તે ગળતો જતો હતો. ઉકરડા, ઘેટાંબકરાં, ઝાડ-ઝાંખરાં, બધું જ – આમ છતાં આ અજગરનો વેગ મંદ થતો ન હતો, આ સૂકા પટમાં ઠેર ઠેર કૂવેડીઓ હતી; અજગર વેગમાં આ કૂવેડીમાં ખાબકતો તેમને ભરી દેતો ને છલકાતો બહાર નીકળી આવતો ને આગળના રસ્તે પડતો હતો. ઉજ્જડ કૂવેડીઓમાં ખાબકી એણે એમને ભેણની પેઠે ભરી દીધી હતી. એક પળ એકને અંતરે અંતરે પણ ક્યાંય માતો નહીં, ભરાઈ રહેતોય નહીં; પૂરના પાણી મોક્ષપીપળાના પવિત્ર ધરામાંય ઠલવાયાં ને નીકળી ગયાં; આગળને આગળ, સરસ્વતીના મુખ્ય પ્રવાહમાં એકાકાર થઈ ગયાં; પછી તો સરસ્વતીમાંય મોટું પૂર આવ્યું હતું. માઈલો સુધી હવે કેવળ પાણી જ પાણી હતું; હવે ક્યાં છે પેલો વહેળો ને ક્યાં છે પેલો પાતળી તલવાર જેવો ફલ્ગુ સરસ્વતીનો વળાંકમાં વહેતો પ્રવાહ ? કહે છે કે સરસ્વતી કુમારિકા નદી છે. તે સમુદ્રને મળતી નથી; કોણ કહે છે કે એ સાચું છે ? આજે તો સરસ્વતી જ સમુદ્ર જેવડી રુદ્ર ને વિરાટ થઈ ગઈ હતી !
આ જ સરસ્વતીને કાંઠે એકાદ શ્રાવણીમાં જનોઈ નિમિત્તે કદાચ-જમણ જમ્યાનું પણ યાદ આવે છે. બ્રહ્માંડેશ્વર કે અરવડેશ્વર મહાદેવનું મંદિર હતું. ન્હાઈ-ધોઈ પૂજાપાઠ કરી બધા બ્રાહ્મણો પંગતમાં જમવા બેઠા હતા.”
હું નથી માનતો કે આજની પેઢીએ ક્યારેય પૂર આવતું જોયું હોય અને ઉશનસ્ જે રીતે વર્ણન કરે છે તે વર્ણન મુજબની પરિસ્થિતિ અનુભવી હોય. તીડ (તીતીઘોડાના ઘાટનું એનાથી જરા મોટું વનસ્પતિભંજક જીવડું)નાં ટોળાનું આક્રમણ થાય ત્યારે લગભગ કોફી કલરનું એક વાદળ ધસમસતું આવે અને જ્યાં આ તીડ ઉતરે ત્યાં બધું સફાચટ કરી નાંખે. છોડના પાંદડા તો ખાઈ જાય પણ કુમળી ડાળીની છાલ સુદ્ધાં ઝાપટી જાય. એ સમય હતો જ્યારે તીડ આવવાના છે એ આગાહી કરવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી. આ તીડ રણમાં પોતાનાં ઈંડા મુકા છે અને પછી એકસાથે લાખોની સંખ્યામાં એ વાદળની જેમ ચઢી આવે. હવે તો જુદા જુદા દેશની સરકારો દ્વારા આ તીડની ઉત્પત્તિ જ ન થાય તે માટે “લોકસ્ટ કંટ્રોલ મિશન” એટલે કે તીડ નિયંત્રક વ્યવસ્થા ઉભી થઈ છે. મહાવિનાશક તીડનું આક્રમણ આ કારણથી હવે ભુતકાળ બની ચૂક્યું છે.
મેં આ બન્ને પરિસ્થિતિઓ જોઈ છે. એકવખત ઋષિપંચમી પ્રસંગે મારી મા અમારા પાડોશની બે-ત્રણ બહેનો સાથે સરસ્વતીમાં સ્નાન અને ઋષિપૂજન કરવા ગઈ હતી. હજુ તો એમણે બધી પૂજાસામગ્રી માંડ ગોઠવી હશે ત્યાં બુમરાણ મચી ગઈ “ભાગો ભાગો પૂર આવે છે”. બાજુમાં જ અમારા પાડોશનો એક છોકરો અનારજી ઢોર ચારતો હતો. દોડતા આવીને એણે મને તેડી લીધો અને માંડ માંડ બાકીની મંડળી ત્યાંથી ભાગીને સિકોતર માતાના મંદિરના ઓટલા સુધી પહોંચી. દરમ્યાનમાં જ્યાં બિલકુલ પાણી નહોતું એ વહેળામાં પણ ઢીંચણ સમાણું પાણી આવી ગયું. જોતજોતામાં તો નદી બન્ને કાંઠે વહેવા લાગી. એનાં શરુઆતનાં પાણી ફીણવાળા અને ત્યારબાદ માટોડી રંગના. રસ્તામાં જે આવે તેને પોતાની સાથે વહાવીને લઈ જાય. ઉપરવાસમાંથી આ પાણીની સાથે ઝાડ અને નદીના તટમાં ઉગતી પાન જેવી વનસ્પતિ પણ તણાઈ આવે. મારી ઉંમર ત્યારે માંડ ચારેક વરસની હશે. ત્યારપછી અનેકવાર સરસ્વતીમાં પૂર જોયાં છે. એવું કહેવાતું કે “પાટણ જળે અને સિદ્ધપુર થળે” એટલે કે પાટણનો ડૂબી જવાથી નાશ થશે અને સિદ્ધપુરનું રેતમાં દટાઈ જવાથી નાશ થશે. કેટલાક એવું પણ કહેતા કે એવો સમય આવશે જ્યારે ચૌધરીની બાગ પાસેથી સરસ્વતીનાં પાણી વહેણ બદલી ઝાંપલીપોળ ચીરીને સામે છેડે રેલ્વેના પૂલ કે હરીશંકરના આરે નીકળશે. ખેર, આ બધી બાળપણની વાતો છે. અત્યારે તો સરસ્વતીનો પટ સૂકોભઠ પડ્યો છે. આ સરસ્વતી નદી વિશે બીજી પણ એક-બે વાત. એવું કહેવાતું કે સરસ્વતી કુંવારીકા છે. એ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે એટલે કે દરિયાને મળતી નથી. આ કારણથી પતિ-પત્નિ એકબીજાનો હાથ પકડીને નદી પાર ન કરી શકે તેવી દૃઢ માન્યતા પ્રવર્તતી. સરસ્વતીનો પટ રેતાળ છે એટલે તમે એના પ્રવાહમાં એક જ જગ્યાએ ઉભા રહો તો તમારા પગ નીચેની માટી પાણીના પ્રવાહમાં ખેંચાઈ જવાથી તમે નદીના પટમાં ઉતરતા જાવ. આ બહુ મજાનો અનુભવ હતો. નદીના પ્રવાહમાં આ રીતે ઉભા રહીએ અને પગ ચાર-છ ઈંચ અંદર ઉતરી જાય તે અનુભવ આજે પણ એવો જ યાદ છે.
અગાઉ જળો વિશે વાત કરી છે. ખાસ કરીને જ્યાં ખાડો હોય અને પ્રમાણમાં પાણી સ્થિર હોય ત્યાં જળો અને માછલી બન્ને જોવા મળતાં. આ બન્ને જળચર જીવ તમને ગુમડું થયું હોય અથવા ઘા પાક્યો હોય તો એની સરસ સાફસૂફી કરી આપતા. એમાંય જળો ગંદુ અને દુષિત લોહી ખેંચી લે એટલે ઘા પ્રમાણમાં જલદી રુઝાય એવું બનતું. આજે પણ જળોનો આ ઉપયોગ નેચરોપથીવાળા આ પ્રકારની પરિસ્થિતિમાં કરે છે.
આમ, સરસ્વતી સાથે જોડાયેલાં અનેક સંસ્મરણો સ્મૃતિમાં છે. માધુપાવડિયે મોક્ષપીપળા પાસે પણ ઉંડો ધરો હતો. જેમાં ધુબાકા મારીને બાળકો તરતા શીખતા. સિદ્ધપુરમાં તરવામાં રસ પેદા કરે એવું બીજું સ્થાન તે અલ્પા સરોવર. એ અંગે આગળ જતાં વાત કરીશું.
પૂર અને પાવડિયાં
સૌમ્ય સરસ્વતી
રુદ્ર સ્વરુપે પરિવર્તીત થતી
એનો વિશાળ તટ
મહાસાગર જેવો લાગતો
એને કિનારે આવેલાં મંદિરો
બ્રહ્માંડેશ્વર, વાલકેશ્વર, હિંગળાજ, અરવડેશ્વર
અને એથીય આગળ ચંપકેશ્વર
દેથળી ગામને પાદરે સરસ્વતીના તીરે વટેશ્વર
આજથી સો વરસ પહેલાં આ બધું કેવું હતું એની એક ઝલક ઉશનસે ‘સદમાતાનો ખાંચો’ પુસ્તકમાં કરાવી છે.
આજે સુકીભઠ સરસ્વતી મહાસાગરને બદલે રણ જેવી લાગે છે
સો વરસમાં આ પરિવર્તન આવ્યું
આજથી સો વરસ પછી વળી પાછી....
સરસ્વતી બન્ને કાંઠે વહેશે ખરી ?
રામ જાણે....