મા તે મા
માનો મહિમા વર્ણવી શકવાનો અને એના ઉપકારોનો આંકડો માંડવાનો તો શક્ય જ નથી.
મારી મા પણ આવી જ એક મા હતી.
એની દબંગગીરી વિષે તો આગળ ઉલ્લેખ કરીશું. અહીંયાં એનો ઉલ્લેખ સિદ્ધપુરના કેટલાંક દેવસ્થાનોથી મારો પરિચય કરાવ્યો તે માટે કરવો છે.
સિદ્ધપુરને અમે ગામ કહેતા. હા, અમે રહેતા એ તો જંગલ હતું.
રોડ, રસ્તા, પાણીના નળ, ગટર, વીજળીના દીવા એ બધા તે સમયે મારી ડિક્શનરીમાં નહીં આવતા શબ્દો હતા.
બેત્રણ મહિને એકાદવાર કોઈ સગાવહાલાને ત્યાં સારોભલો પ્રસંગ હોય ત્યારે મા ગામમાં જતી.
એ દિવસે એની પાસે જે બેત્રણ જોડ બહાર જવાના કપડાં હોય તેમાંથી એ વસ્ત્રપરિધાન કરતી.
માનું કામ ખાસ્સું ચીવટવાળું.
એને લઘરવઘર અને ઢંગધડા વગરનું ના જ ગમે.
મા કહેતી કપડું થીગડું મારેલું હોય તો ચાલે પણ મેલુ ન જ હોવું જોઈએ.
વાળ વ્યવસ્થિત ઓળાયેલા હોવા જોઈએ.
ટૂંકમાં માના શબ્દોમાં કહીએ તો માણસ જેવા લાગીએ તેવા થઈને જ ઘરની બહાર પડવાનું.
મા ચીવટથી એના વાળ ઓળતી અને કપાળમાં સરસ મજાનો લાલચટ્ટક ચાંદલો કરતી.
માનું એક વ્યક્તિત્વ હતું – પ્રભાવશાળી અને આંજી નાખે તેવું.
જો કે સ્વભાવે મા તીખા મરચા જેવી હતી.
માની સાથે સાથે હું પણ સિદ્ધપુરની વાટ પકડતો.
અમારા બંગલાના ઝાંપામાંથી બહાર નીકળીએ એટલે પશુવાદળની પોળથી ખડાલીયા હનુમાન જવાનો રસ્તો આવે. એ રસ્તે અમે સિદ્ધપુર તરફ પ્રયાણ કરતાં.
બંને બાજુ કાંટાળા થોરની વાડ. ડાબી બાજુ મોડાજી ઠાકોરનું ખેતર અને જમણી બાજુ પટેલોના વાડા.
આ વાડામાં ઘાસના પુળાની ગંજી, જેને અમે હાલા કહેતા, તે દેખાય.
સિઝનમાં નાનું મોટું ખળાનું કામ પણ ત્યાં જ થાય. પણ કોઈ કાયમી વસતિ નહીં.
મોડાજીના ખેતરની વાડ અને સામે છેડે વાડાઓની કાંટાળા થૂવરની વાડ લગભગ સમાંતર ચાલે અને સાથે જ પૂરી થાય.
રસ્તામાં ક્યાંક કણજી, કયાંક લીમડો અને એકાદ મહુડાનું ઝાડ પણ હતું.
આગળ વધીએ એટલે શકરા ભાવસારનું નાનું એવું ખેતર આવે જેમાં વિરાજી ઠાકોર અને તેની પત્ની સમજુબેન અને બાળકો રહે.
વિરાજી આમ શકરા ભાવસારના ચોકિયાત પણ એમના પત્ની અમારે ત્યાં પાણી ભરવાનું અને વાસણ માંજવાનું કામ પણ કરે.
આ શકરા ભાવસારનું ખેતર પાછળથી ચેલદાસ ખુશાલદાસનું તમાકુનું કારખાનું બન્યું.
મોડાજીના ખેતરનો ખૂણો પૂરો થાય એટલે રાજપુરમાંથી નીકળી નદી તરફ જે ખેતર હતાં તે તરફ જવાની ગાડાવાટ આવે. ત્યાં પૂર્વમાં આગળ જતાં નદીકાંઠાને અડીને કેટલાંક ખેતરો આવે જેમાં વ્રજલાલ નાનાલાલની બાગ પણ આવી જાય.
બરાબર શકરા ભાવસારના ખેતરના ખૂણે જ જમણી બાજુ ગોગા બાપજીનું મંદિર.
ભેંસ વીવાય અને બળી કરે ત્યારે અહીંયાં બળી વેચાય. કોઈક નાળિયેર વધેરે તો એનો પ્રસાદ પણ વહેચાય.
આગળ વધીએ એટલે રાજપુરમાંથી આવતો મોટો રસ્તો જે ચોમાસાનું પાણી નદી તરફ લઈ જતો તે આવે. થોડા આગળ વધો એટલે ડાબી બાજુ રણછોડજી ઠાકોર એમના પત્ની રતન અને દીકરો સદો રહેતા તે ખેતર આવે.
અને થોડા આગળ વધો એટલે સ્વામિનારાયણની બાગનો ખૂણો આવે.
મગનલાલ રાવલ એટલે કે દેવસ્વામી સ્વામિનારાયણના સાધુમાંથી સંસારી બનેલા.
સ્વામિનારાયણની બાગ તરીકે ઓળખાતી તેમની મોટી જમીન અને દેવકાકા તેમજ તેના બહેન પારવતીકાકીનું કુટુંબ અહીંયા રહે.
ઢોરઢાંખર રાખે.
વારો હોય ત્યારે એમના ત્યાંથી છાશ લઈ આવવાનું કામ મારે ભાગ આવે.
દેવસ્વામીની બાગમાં ક્યારેય પાણી ન ખૂટે એવો કૂવો અને એના પર મોટર ખેતી માટે પાણી પૂરું પડે.
દેવસ્વામીની બાગમાં જવાનો ઝાંપો, એની બરાબર સામે એક કણજીનું ઝાડ અને આજુબાજુ વેરડો એટલે કે રેત.
થોડા આગળ જાવ એટલે ડાબી બાજુ એક જંગલી બાવળ અને એની નજીક આંબલીનું ઝાડ આવે.
અને જમણી બાજુ મહાજનની જમીન જેમાં આંબલીના મોટા મોટા ઝાડની હારમાળા.
રેત ખૂંદતા ખૂંદતા જવાનું, પગ ભરાઈ જાય એવી રેતનો ઢસો.
આગળ જતાં ડાબી બાજુની જમીન વાવડી તરીકે ઓળખાતી. એમાં એક કૂઈ હતી જેમાં પડીને એક સારા ઘરની બાઈએ આપઘાત કર્યો ત્યાર બાદ લોકો રાતવરત ત્યાં જવાનું ટાળતા.
બસ થોડા આગળ વધો એટલે થોડી ડાબી બાજુ છેક હિંગળાજ સુધીનો ખુલ્લો પટ દેખાય. પાનોના ધરા દેખાય અને એપ્રિલ મહિના સુધી તો ખળખળ વહી જતાં સરસ્વતીનાં પાણી પણ દેખાય.
આખે રસ્તે કોઈ છાપરાં કે વસતિ નહીં. બધું જ ખુલ્લું.
સરસ્વતીના પાણીને સ્પર્શીને આવતો સહેજ ઠંડો અને આહ્લાદક પવન ફેફસાંમાં તાજગી ભરી દે.
સહેજ આગળ વધો એટલે જમણા હાથે સિકોતર માનું મંદિર આવે અને એને લગોલગ રણમુકતેશ્વર મહાદેવ બિરાજમાન. અહીં લીમડીઓની ઘટા અને ત્યાં સહેજ અંદર જ અખાડો એટલે કે વ્યાયામ શાળા.
સાંજ પડે અહીંથી નીકળો તો ૫૦-૬૦ યુવાનો, કોઈ મલ્ખમ કરતા, કોઈ મગદળ ફેરવતા, કોઈ પુલઅપ કરતા તો કોઈ દંડબેઠક કરતા નજરે પડે.
સહેજ આગળ વધો એટલે ઝાંપલીપોળ બાજુથી ચોમાસામાં ધસમસતા ધસી આવતાં પાણીના વહેણનો રસ્તો વટાવો એટલે તમે પ્રવેશી જાવ પશવાદળની પોળમાં.
આગળ વધીએ એટલે જમણે હાથે અમે જેમના ત્યાંથી તેલ લાવતા તે ગોપાલદાસની ઘાણી આવે, ત્યાંથી આગળ પછી શહેર શરૂ થાય.
બાપા સાથે આવ્યા હોઈએ ત્યારે વેરાઈ (વારાહી) ના મહાડમાં કેશવકાકા મિસ્ત્રી કે મણિલાલ ખત્રીને ત્યાં જવાનું હોય. તેજેન્દ્રપ્રસાદજી સંસ્થાનનું સ્વામિનારાયણ મંદિર પણ વેરાઇના મહાડમાં જ.
પણ મા એ રસ્તો ના લે. એ જેટલાં દેવસ્થાન આવતાં જાય એને માથું નમાવતી ચાલે.
પહેલાં આવે કણબીના મહાડના નાકે બહુચર માતા અને આગળ વધો એટલે કાળા ભટ્ટના મહાડને નાકે ભદ્રકાળી માતા. હવે ડાબી બાજુ વળવાનું. સીધો રસ્તો લઈ જાય અલવાના ચકલે. તે પહેલાં આંબલી માતાનું મંદિર આવે. ત્યાંથી નિશાળ ચકલા થઈ મા પથ્થરપોળનો રસ્તો લે.
લક્ષ્મી પોળમાં દાખલ થાવ એટલે શીતળામાતાનું મંદિર આવે અને ત્યાંથી ઉપલી શેરીમાં બરાબર ચોકની વચ્ચે કૂવા ઉપર પોતાનું સિંહાસન જમાવીને બેઠેલાં મા આશાપુરાના દર્શન કરે. ઉપલી શેરીમાં અમારા સગાં હતાં. કૂવાના બરાબર સામે મેડા ઉપર શંકરદાદા અને દિવાળીબા રહે. એમનાં દીકરી શુભદ્રાબહેન. આ બાજુ માતાજીના મંદિરની બરાબર સામે શિવપ્રસાદભાઈ, ચંદ્રકાન્તભાઈ અને યોગેન્દ્રભાઈનો પરિવાર. કૂવા પરથી પાછા વળી ફૂલવાડી તરફ જઈએ તે પહેલાં જમણા હાથે અમારા રામભાઇ જે વડનગરમાં લોજ ચલાવતા અને બાબુભાઇ કમ્પાઉન્ડરનાં ઘર આવે. બાબુભાઇના પત્ની તે તારાભાભી. આમ મા કોઈકને કોઈક સારાભલા પ્રસંગે સિદ્ધપુરમાં સૌથી વધુ વખત ઉપલી શેરીમાં જાય. આમેય માને આશાપુરા મા પર શ્રદ્ધા વધારે. પણ વળતાં ઘરે આવતી વખતે મા હનુમાન ગલીવાળો રસ્તો પકડે. ખૂબ ભક્તિભાવથી અમે લીલાબાવાના દર્શન કરીએ અને ત્યાંથી માની સવારી ઉપડે તે ગોવિંદમાધવના મહાડમાં. નાકે તીતીમાતા પછી લક્ષ્મી માતા અને ત્યાંથી અંદર સીધાં પગથિયાં ચઢી જઈએ એટલે નગરધણી ગોવિંદરાયજી માધવરાયજીનાં દર્શન થાય. માને મેં ગોવિંદરાયજી માધવરાયજીના દર્શન કરતાં ભાવવિભોર બની જતાં જોઈ છે. લગભગ આઠ-દસ મિનિટ એ અનિમેષ નયને તે બંને સ્વરૂપોને જોઈ રહે. એના મનમાં જે કંઇ પ્રાર્થના કરતી હોય તે પણ કુશળક્ષેમ તો અમારું બાપદીકરાનું જ માંગતી હશે તેમાં કોઈ શંકા નહીં. શ્રાવણ મહિનો કે એવું કંઇ હોય તો ત્યાં કથા વંચાતી હોય. કોણ જાણે કેમ પણ માને મેં કોઈ કથાવારતા સાંભળતા જોઈ નથી. કદાચ એનું જીવન જ એવું હતું કે કથાવારતા સાંભળવા બેસવા જેટલો સમય એને નસીબ નહોતો.
ગોવિંદરાયજી માધવરાયજીનાં દર્શન કરી અમે બહાર નીકળી પગથિયાં ઉતરી અને સીધા મંડીબજાર ડૉ. મુરજમલ નિહાલીમલનું દવાખાનું ત્યારે લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલયના મકાનમાં ચાલતું પણ એ બાજુના રસ્તે વળતાં પહેલાં મા ઘડીકવાર માટે દૂધલીમલદાદાને માથું નમાવી પછી આવે રણછોડજીનું મંદિર અને બરાબર સામે રાધાકૃષ્ણનું મંદિર. આ બંને મંદિરોમાં મા અચૂક દર્શન કરે પણ એ પહેલાં પંચમુખી હનુમાન, એના પૂજારી, વયોવૃદ્ધ શાસ્ત્રીજી દેવશંકરભાઈ અને તેમનાં વૃદ્ધ પત્નીને અચૂક બોલાવે. દેવશંકરભાઈના દીકરાનું નામ સીતારામભાઈ. મા અહીંયાથી દર્શન કરી નીકળે, સીધી મહેતા ઓળમાં થઈ વેરાઈના મહાડના નાકે અને ત્યાંથી પશુવાદળ પોળને રસ્તે અમે બંને માદીકરો, દડમજલ કરતાં અંધારું થાય તે પહેલાં ઘર ભેગાં થઈ જઈએ. ક્યારેક સંધ્યાકાળનો સમય હોય ત્યારે મંદિરોની આરતીના ઘંટારવ સંભળાય. અમે પશુવાદળ પોળની બહાર નીકળીએ એટલે નદી ઉપરથી આવતી ઠંડી હવા, જો શિયાળાનો સમય હોય તો શરીરમાં એક લખલખું લાવી દે. સુરજ ડૂબી ગયો હોય અને પૃથ્વી ઉપર અંધારાં ઉતરી આવતાં હોય તેવા સમયે સામે કિનારે દેખાતા હિંગળાજનાં કેવડનાં વન, બ્રહ્માંડેશ્વરની આંબલીઓ અને મેળોજ બાજુ જતાં નદીમાં પડેલા ધરાની પાનો, આજે આમાંનું કશું નથી. બધું ઉજ્જડ વેરાન થઈ ગયું છે પણ એક જમાનામાં મારા બાળપણે આ બધું જોયું છે, એની મજા માણી છે.
સિદ્ધપુરનું સૌથી મોટું મંદિર એટલે ગામધણી ગોવિંદમાધવનું મંદિર. કેટલાંક મંદિરોનો ઉલ્લેખ કર્યો તેમના વિષે અને ભગવાન ગોવિંદમાધવ વિષે વિગતે વાત જોઈએ હવે પછી.