સિદ્ધપુરમાં સરસ્વતી દેવીનું એક નહીં બે મંદિર છે
બાવાજીની વાડીથી આગળ વધીએ અને નદી તરફ જતો ઢાળ ઉતરીએ તો થોડે આગળ જતાં મા સરસ્વતીનું મંદિર જોવા મળે છે. મોટા ભાગના સિદ્ધપુરના લોકો માટે બાવાજીની વાડીની સામે આવેલું અને વિક્રમ સંવત ૧૯૫૦ ને માગસર સુદ પાંચમના દિવસે સુરતના વતની દામોદરદાસ તાપીદાસ શાહે બંધાવેલું આ સરસ્વતી માતાનું મંદિર આજે પણ આસ્થાનું કેન્દ્ર છે. પણ સરસ્વતીનું એક બીજું મંદિર રુદ્રમહાલય પાસે પણ આવેલું છે તે ભાગ્યે જ કોઈ જાણે છે. આજના લેખની શરૂઆત જ હજુ સુધી પ્રમાણમાં ઓછા જાણીતા સરસ્વતીના આ મંદિરની અને તેની સાથે જોડાયેલ વાતથી કરવી છે. દામોદરદાસ શેઠવાળા મંદિર વિષે અગાઉ લખાઈ ગયું છે. આમ છતાંય મા સરસ્વતીના કિનારે આવેલા આ બંને મંદિરો વિષે એકસાથે માહિતી મળી રહે એ હેતુથી આ બંને મંદિરોની માહિતી આ લેખમાં પ્રસ્તુત કરું છે.
પ્રાચિ સરસ્વતીના તીરે વસેલા સિદ્ધપુરમાં વિદ્યાના દેવી મા સરસ્વતીના બે મંદિરો આવેલા છે. બંને મંદિર સરસ્વતી નદીના કિનારે આવેલા છે. સરસ્વતી તટે રુદ્રમહાલય નજીક અતિ પ્રાચીન વૈકુંઠ ઘાટ આવેલો છે. આ વૈકુંઠ ઘાટ લગભગ ૧૨૦૦ વરસ જેટલું પ્રાચીન સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના અને પ્રાણપ્રતિષ્ઠા સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર અને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ત્રણ વાર થઈ હોવાનું માનવમાં આવે છે. હાલમાં મંદિરમાં બિરાજમાન સરસ્વતી દેવીનું મૂર્તિ ત્રીજી વખતની છે. આ સરસ્વતી માતા મહારાષ્ટ્રના જલગાંવ પાસેના કુલકર્ણી પરિવારના કુળદેવી છે. તેમના લગ્ન અથવા કોઈ શુભ પ્રસંગે માતાજીની બાધાઆખડી કરવા તેઓ સિદ્ધપુર આવે છે અને આ મંદિરમાં દર્શન કરે છે. વૈકુંઠ ઘાટની પાસે રામજી મંદિર તથા રામેશ્વર મહાદેવના મંદિર પણ આવેલા છે જે બ્રહ્મક્ષત્રિય કોમના ઇષ્ટદેવ છે.
સરસ્વતી નદીના તટે બાવાજીની વાડીની સામે બીજું પણ એક સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. વિક્રમ સંવત ૧૯૫૦ ને માગસર સુદ પાંચમના દિવસે સુરતના વતની અને વૈષ્ણવ પરિવારના દામોદરદાસ તાપીદાસ શાહે આ મંદિર બંધાવ્યું હતું. કહેવાય છે કે સુરતના વતની દામોદરદાસ એક વાર સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે ફરી રહ્યા હતા. તેમને વિચાર આવ્યો કે કુંવારીકા તરીકે ઓળખાતા સરસ્વતી માતાનું મંદિર અહીં કિનારા નજીક હોય તો કેવું સારું. તેમણે આ વિચારને અમલમાં મૂકવા નદીકાંઠા નજીકની જમીન ખરીદી મંદિર બનાવવાની શરૂઆત કરી. માગસર સુદ પાંચમે મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમના વંશજો પાંચ પેઢીથી આ મંદિરનું સંચાલન કરી રહ્યા છે. છેલ્લી પાંચ પેઢીથી કુબેરજી ખુશાલદાસ વ્યાસ પરિવારના વંશજો દ્વારા મંદિરમાં પૂજા-અર્ચના અને સેવા થાય છે.
મંદિરમાં બે ફૂટ ઊંચી, મયુર પર સવાર ચારભૂજાધારી સરસ્વતી દેવીની આરસની દેદીપ્યમાન મૂર્તિ આવેલી છે. માતાજીને દરરોજ રંગબેરંગી વાઘાથી શણગારવામાં આવે છે. વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ માટે વિદ્યાના દેવી સરસ્વતી દેવીની સ્તુતિ અને પાઠ કરવા આવે છે.
માગસર સુદ પાંચમે માતાજીનો પાટોત્સવ યોજાય છે જેમાં નવચંડી યાગ, હોમ, હવન, પૂજા, અભિષેક જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. દર વરસે કારતક સુદ એકમના દિવસે અન્નકૂટ ઉત્સવ તેમજ કાર્તિકી પુર્ણિમાએ ત્રિવેણી સંગમ નિમિત્તે સરસ્વતી નદીના પટમાં લોકમેળો ભરાય છે. મહા સુદ પાંચમ (વસંત પંચમી)ના દિવસે સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવાય છે.
કાર્તિકી પુર્ણિમાના ત્રિવેણી સંગમ સમયે સરસ્વતી મંદિરે લોકો દૂરદૂરથી આવે છે અને શ્રદ્ધાથી પૂજન અર્ચન કરે છે. ભક્તો દ્વારા અભિષેક પણ કરવામાં આવે છે. અમદાવાદના કેટલાક રબારી પરિવારોની કુળદેવી સરવતી માતાજી હોવાથી બેસતા વરસના દિવસે માતાજીના દર્શન કરવા માટે સિદ્ધપુર આવે છે.