એક અમેરિકન બિઝનેસમેનને, તેના ડોકટરે મેક્સિકોના તટીવર્તી ગામમાં ફરજિયાત વેકેશન પર મોકલી દીધો. એક રાતે ઓફિસમાંથી અરજન્ટ ફોન આવ્યો પછી, બિઝનેસમેન ઊંઘી ન શક્યો અને વહેલી સવારે દરિયા કિનારે ટહેલવા નીકળી પડ્યો. ત્યાં તેણે જોયું કે એક યુવાન મેક્સિકન માછીમારે તેની નાનકડી નાવડી લાંગરી છે. નાવડીમાં વિશાળ કદની યલોફિન ટુના માછલીઓ ભરેલી હતી. બિઝનેસમેને માછલીઓની ગુણવત્તા બદલ માછીમારનાં વખાણ કર્યા.
અમેરિકને પૂછ્યું, ‘તેં કેટલા વખતમાં આ પકડી.’
‘બેચાર કલાક થયા હશે.’
‘તેં વધુ રોકાઈને વધારે કેમ ન પકડી?’
‘પરિવાર અને ભાઈબંધો માટે આટલી પુરતી છે.’
‘અચ્છા, બાકીના સમયમાં તું શું કરે છે?’
‘હું બાળકો સાથે રમું, બપોરે થોડું સુઈ જાઉં, સાંજે ગામમાં આંટો મારવા નીકળું, ભાઈબંધો સાથે વાઈન પીઉં, ગિટાર વગાડું, પરિવાર સાથે ગપાટા મારું, રાતે મોડેથી સુઈ જાઉં. સવારે માછલીઓ પકડું છું.’
બિઝનેસમેન હસ્યો, ‘હું હાવર્ડનો એમબીએ છું, કહેતો હોય તો તારો ધંધો ગોઠવી આપું. તું વધુ માછલીઓ પકડી શકીશ અને મોટી નાવડી ખરીદી શકીશ. એમાંથી ધંધો વધશે અને વધુ નાવડીઓ મારફતે ખુબ બધી માછલીઓ પકડી શકીશ. પછી તું તેને બજારમાં, બીજા વેપારીઓને વેચીને અને એક્સપોર્ટ કરીને એક કંપની ખોલી શકીશ. તું ધંધો કરવા માટે મેક્સિકો છોડીને ન્યુયોર્કમાં રહેવા જઈ શકીશ.’
માછીમારે પૂછ્યું, ‘સર, એમાં કેટલો વખત લાગે?’
‘૧૫ થી ૨૦ વર્ષ. બહુ બહુ તો ૨૫.’
‘પછી શું, સર?’
‘પછી જ ખરી મજા છે,’ અમેરિકને કહ્યું, ‘સમય પાકે એટલે તું તારી કંપનીનો આઈપીઓ લાવી શકીશ. કંપનીના શેર લોકોને વેચી શકીશ. એમાં તું લાખો ડોલર કમાઈને ધનવાન થઈશ.’
‘લાખો ડોલર? ઓહ, પછી?’ માછીમારને આશ્ચર્ય થયું.
બિઝનેસમેને કહ્યું, ‘પછી તું નિવૃત થઇને કોઈ દરિયા કિનારે ગામમાં રહેવા જઈ શકીશ. ત્યાં તું તારા પૌત્રો-પૌત્રીઓ સાથે રમી શકીશ, બપોરે થોડું સુઈ જઈ શકીશ, સાંજે ગામમાં આંટો મારવા નીકળી શકીશ, ભાઈબંધો સાથે વાઈન પી શકીશ, ગિટાર વગાડી શકીશ, પરિવાર સાથે ગપાટા મારી શકીશ, રાતે મોડેથી સુઈ જઈ શકીશ અને વહેલી સવારે ઉઠીને માછીમારીનો આનંદ લઇ શકીશ.’
પેલો માછીમાર તો આશ્ચર્યચકિત થઈ ગયો. એણે પેલા અમેરિકનને કહ્યું કે આ આરામ કરવાનું કામ તો હું વરસોથી કરું છું. એના માટે આટલી બધી જફા કરવાની તમને જરૂર લાગે છે?
આ આખોય પ્રસંગ એક મિત્રએ મને મોકલ્યો. આપણે પેલા માછીમારની જેમ જે છે તેમાં આનંદ નથી માનતા અને જેની પાસે છે તે પેલા અમેરિકન બિઝનેસમેનની માફક શાંતિની શોધમાં ભટક્યા કરે છે.