જીવનના એક ખાનામાં કશુંક મેળવવા માટે બીજા ખાનામાં કશુંક જતું કરવું પડે છે.
આપણે ક્યારેક કોઇ સફળ માણસને જોઇએ છીએ
ક્યારેક એવા કોઇનો રૂબરૂમાં સાક્ષાત્કાર પણ થાય છે
એવે સમયે આપણા અસ્તિત્વનો અણુએ અણુ અભિભૂત થઈ ઊઠે છે
ક્યારેક તો આ નેતા, અભિનેતા કે ખેલાડી ભગવાનથી પણ ઉપરની હસ્તી હોય તેમ તેના ઉપર ઓળઘોળ થઈ જઈએ છીએ
કોઈ ઉદ્યોગપતિ ચકાચકાટ મર્સિડિઝમાં પસાર થાય
કોઈ રાજનેતા મોટા કાફલાની તામજામ સાથે રસ્તા પર ફેલાઈ જાય
મેચ રમવા જતા ક્રિકેટરોને લઈ જતી બસની બારીમાંથી...
કોઈ ખેલાડીની જરા સરખી ઝલક જોવા મળે
અમિતાભ બચ્ચન જેવો સદીનો મહાનાયક...
કે પછી સલમાન ખાન
અથવા અક્ષયકુમાર કે પછી શાહરુખ ખાન
જેવાનો દીદાર કરવા, એની એક ઝલક કે અદા જોવા માટે
કે પછી કોઇ અભિનેત્રીને રૂબરૂ થવા માટે
નો મોકો મળે ત્યારે આપણે મનોમન રાજીના રેડ થઈ જઈએ
પણ એક દિવસ હું પણ આવો/આવી બનું તો?
મહત્વાકાંક્ષા પણ વિચારોમાં આળોટવા માંડે
આવું કંઈ પણ થાય ત્યારે આ વ્યક્તિ આપણી આરાધ્ય બની જાય
આવું થાય તો એમાં કંઈ નવું નથી.
માણસ મહત્વાકાંક્ષા વગર તો મડદું બની જાય છે.
પોતપોતાની રીતે મહત્વાકાંક્ષા પાળવાનો અને એના દોરાયા દોરાવાનો સૌને અધિકાર છે.
પણ...
આવું થાય ત્યારે મારી એક નાનકડી સલાહ ક્ષણભર માટે યાદ કરી લેજો.
તમે જે જોઈ રહ્યા છો તે તો માત્ર તમારી માન્યતા અનુસાર
તમારી આંખે તમારા ચશ્માથી જોવાયેલો વ્યક્તિ છે
એના જીવનમાં જરા ડોકિયું કરી જુઓને.
એના સંઘર્ષો, એની નિષ્ફળતાઓ, એની અપૂર્ત રહેલ આકાંક્ષાઓ
તમે આ અંગે વિચાર્યું છે ખરું?
દોસ્તો! પેકેજીંગ ઉપરથી પ્રોડક્ટ વિષે અભિપ્રાય નથી બાંધી શકાતો.
તમે આ કરી રહ્યા છો
હંમેશા યાદ રાખો, જીવનમાં કોઈ પણ એક ક્ષેત્રમાં અથવા એક ખાનામાં
સફળ થવા માટે
બીજા ખાનામાં અથવા ક્ષેત્રમાં કાંઈક જતું કરવું પડે છે
કાંઇક ગુમાવવું પડે છે
અપાર ધન-સંપત્તિમાં આળોટતો વ્યક્તિ થોડીક લાગણી માટે તરસતો હોય છે
અને એટલે જ કહેવાયું છે કે ભગવાન બધાને બધું જ નથી આપતો
જેને ભૂખ આપે છે તેને અનાજ માટે તરસાવે છે
અને...
જેના ત્યાં ભંડાર ભર્યા છે તેને ભૂખ નથી લાગતી
ધંધો બહુ સારો ચાલે છે, પૈસાની તો ટંકશાળ પડે છે
પણ...
હવે દોસ્તો સાથે નાટક-સિનેમા જોવા નથી જવાતું
ઘરે એટલા મોડા પહોંચાય છે કે બાળકો માટે સમય નથી મળતો
છે તૈયારી તમારી આ બધું ખોઈને મોટા ધનપતિ બનાવવાની?
મજૂરી કરતો માણસ પથારીમાં પડે કે ઘસઘસાટ ઉંઘી જાય છે
બીજી બાજુ અબજોપતિને પથારીમાં પાસાં ઘસવાં પડે છે.
ચોક્કસ મહત્વાકાંક્ષા રાખો, એ તમારો અધિકાર છે.
મહત્વાકાંક્ષા વગર તમે શબવત બની જશો
પણ...
જે કોઈ મહત્વાકાંક્ષા રાખો તે પ્રાપ્ત કરવા માટે
તમારે બીજા ખાનામાં શું ગુમાવવાનું છે તેનો હિસાબ પણ માંડી જોજો
એવું ન થાય કે તમે જે મેળવવા માટે રાતદિવસ એક કર્યા
લોહીનું પાણી કર્યું
પોતાના શોખ અને મિત્રો જતા કર્યા
તે મળ્યા પછી તમને એની કોઈ જ અગત્યતા ન લાગે
યાદ રાખો જીવનના એક ખાનામાં કશુંક મેળવવા માટે બીજા ખાનામાં કશુંક જતું કરવું પડે છે.