આળસ લક્ષ્ય પ્રાપ્તિનાં મારગમાં મોટો શત્રુ
ગુજરાતી નિશાળમાં ભણતો હતો
ત્યારે સાંભળેલી આ વાત છે
એ જમાનો મોટીવેશનલ સ્પીકર કે સાધુ-સંતોના સત્સંગનો નહોતો.
સ્કૂલમાં શિક્ષક અને ઘરે મા-બાપ પ્રોત્સાહન અને માર્ગદર્શનના આ બે મોટા સ્ત્રોત (Source) હતા.
ચારિત્ર્ય ઘડતરની ઘણી બધી વાતો એ વખતે વર્ગ શિક્ષકો ભણતરના ભાગરૂપે વર્ગખંડમાં કરતા
એ જમાનો હતો જ્યારે શિક્ષકો માત્ર શિક્ષણનું કામ કરતા અને શાળામાં ગુરુ તરીકે શિક્ષકનું સ્થાન સર્વોપરી હતું.
બ્રિટિશરાજ થી જ આ પ્રથા પ્રસ્થાપિત હતી.
અને ગાયકવાડ રાજમાં શિક્ષણ પર ખૂબ ભાર મુકાયો હતો એટલે શિક્ષક રાજ્યના કોઈ પણ કાર્યક્રમમાં માનભર્યું સ્થાન પામતો. શાળા મેનેજમેન્ટ સમિતિ જેવી કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં નહોતી.
હેડમાસ્ટર જ સર્વેસર્વા હતા.
એક ડેપ્યુટી સાહેબ ક્યારેક ઇન્સ્પેકશન માટે આવતાં ત્યારે શાળામાં એકાએક ગંભીરતાનું વાતાવરણ ઉભુ થઈ જતું.
ગામડાની શાળામાં વારાફરતી જેનો વારો આવે એ પોતાનો વર્ગખંડ સાફ કરે પાણીનું માટલું ભરે, અને શાળામાં વાવેલા ફૂલ છોડ કે ઝાડને પાણી પણ પવાઈ જાય.
મારી શાળામાં ૬ ધોરણ હતાં.
એ છ ધોરણ વચ્ચે ત્રણ વર્ગખંડ હતા.
અને ત્રણ શિક્ષકો આમ એક વર્ગખંડમાં બે ધોરણો બેસતાં
વચ્ચે સાહેબ ચાલી શકે તેટલી જગ્યા રહેતી.
આ બે ધોરણમાંથી જે સિનિયર ધોરણ હોય તેનો મોનિટર પેલા જુનિયર વિદ્યાર્થીઓ માટે પાર્ટટાઈમ શિક્ષક પણ ખરો.
શ્રુતલેખન કરાવે, પલાખાં કે દાખલા લખાવે, લેસન તપાસે અને ઈ.ભૂ.ના. શા. એટલે કે ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર પણ શીખવાડે.
સિનિયર ક્લાસને કંઈક લખવાનું આપ્યું હોય ત્યારે પડાળીમાં બેસાડીને વર્ગશિક્ષક પેલા જુનિયર ક્લાસને ભણાવી નાખે,આમ શિક્ષકોની ઘટ વાળો પ્રશ્ન ત્યારે કોઈના મગજમાં પણ નહોતો આવતો અને આવી ગામડાની શાળામાં ભણેલા છોકરાઓ આઇઆઇટી સુધી પહોંચતા કે ડેપ્યુટી કલેકટર કે આઈએએસ, આઈપીએસ પણ બનતા.
એ જમાનામાં વિદ્યાર્થીને શાળા પોતાની લાગતી.
ક્યારેક શાળામાં કોઇ જાદુના ખેલ વાળો પણ આવી જતો
કોઈ કઠપૂતળીવાળો પણ આવી જાય
કોઈ મદારી પણ આંટો મારી જાય
આગલા દિવસે બધા બાળકોને કહી દીધું હોય એટલે બધાએ બે પૈસા લેતા આવવાનું
આ બે પૈસા એટલે અત્યારના ત્રણ પૈસામાં એક કલાક મનોરંજન મળી જાય
અમારી શાળાની પાછળ ખરવાડ (ખળાવાડ) હતી, જેમાં એક મોટો વડ હતો
શાળાના પ્રાંગણમાં પણ બહુ મોટી બે કણઝીઓ અને એક લીમડો હતો
ક્યારેક સાહેબને વિચાર આવે તો એકાદ વર્ગને આ ઝાડની છાયામાં બેસાડી શિક્ષણકાર્ય ચલાવે
પાટી અને પેન છઠ્ઠા ધોરણ સુધી ચાલતું
આવી એક શિયાળાની ઢળતી બપોરે અમારા વર્ગ શિક્ષકે કહેલી વાત આજે અહીં ઉતારવી છે
એક રાજ્યમાં એક ખૂબ મોટો જમીનદાર હતો
જાતજાતનાં પક્ષીઓ અને પ્રાણીઓ તેણે પાળ્યા હતા
એને બાજ પાળવાનો બહુ મોટો શોખ હતો
એક દિવસ એક પારધી એની પાસે બાજનાં બે બચ્ચાં લઈ આવ્યો
જમીનદારને આ બચ્ચાં ગમી ગયાં
એણે બાજનાં એ બે બચ્ચાં વેચાતાં લઈ લીધાં
પોતાને ત્યાં પક્ષીઓની સંભાળ રાખવા માટે જે માણસ હતો તેને આ બચ્ચાં સોંપી દીધાં
જમીનદારે એમને સારામાં સારી રીતે ઉછેરવાની અને તાલીમ આપવાની સૂચના આપી.
સમય વીત્યો, પેલાં બચ્ચાં હવે મોટાં થઈ ગયાં હતાં.
એક દિવસ પેલા જમીનદારે બાજને કેવી તાલીમ મળી છે તે જોવા માટે પોતાના માણસને એ બંને બાજને લઇ આવવા કહ્યું.
પેલો માણસ બંને બાજને લઈને હાજર થયો એટલે...
જમીનદારે એમને છૂટા ઉડતા કરી દીધા
છુટા મુકતા જ બંને બાજ પાંખો ફફડાવીને આકાશમાં ઊડવા લાગ્યા
એ બેમાંથી એક બાજ સડસડાટ કરતું આકાશમાં ઊંચે ચડી ગયું અને જાણે કે મુક્તિનો આનંદ માણતું હોય તે રીતે પાંખો પસારીને ચકરાવા લેવા માંડ્યું.
બીજો બાજ શરૂઆતમાં તો એકદમ ઉડયો પણ થોડે દૂર એક ઝાડના ઠૂંઠા પર જઈને બેસી ગયો.
પેલા તાલીમ આપનારે બંને બાજને પાછાં બોલાવી દીધાં.
પોતાના માલિક સામે એને શરમીંદોં બનવું પડ્યું.
થોડા દિવસ જવા દઈ ફરી પાછું જમીનદાર સામે આ જ પરીક્ષા લેવામાં આવી.
ફરી પાછું એ જ પરિણામ
ઘણા પ્રયત્નો કર્યા
બીજા બાજ પાળવાવાળાઓને પણ બોલાવ્યા
પણ પથ્થર પર પાણી.
આમ કરતાં એક દિવસ બાજુના ઇલાકામાંથી એક માણસ ત્યાં આવી ચડ્યો.
યોગાનુયોગ જમીનદારના ત્યાં જે માણસ બાજને તાલીમ આપતો હતો તેણે આ માણસ પાસેથી તાલિમ લીધી હતી.
ચાપાણી કર્યા પછી પેલા માણસે એના મહેમાનને આ કરમ કહાણી સંભળાવી.
જ્યાં આ બાજને એ છૂટા મુકતો હતો તે જગ્યા પણ બતાવી.
વધુ બારીકાઇથી નિરીક્ષણ કર્યા પછી એણે એક કુહાડી મંગાવી અને ઝાડનો પેલું ઠૂઠો કાપી નાખ્યો.
એણે કહ્યું, જમીનદાર સાહેબને બોલાવો
જમીનદાર આવ્યા એટલે પેલા મહેમાને એ બંને બાજને પોતાના હાથમાં લઈ આકાશમાં વહેતા મૂક્યા.
જાણે કે જાદુ થયું, બંને બાજ ખુલ્લા આકાશમાં ઊંચે ચઢીને ચકરાવા લેવા માંડ્યા.
જમીનદાર ખૂબ ખુશ થઈ ગયો
એણે પેલા ભાઈને સારું એવું ઇનામ આપ્યું અને આ વાતનું રહસ્ય પૂછ્યું.
એણે જવાબ આપ્યો, માલિક! આમાં કોઈ રહસ્ય નથી. મેં પેલા ઠૂઠાને કપાવી નાખ્યો. આ આળસુ બાજને બેસવા માટે કોઇ જગ્યા જ ના રહી.
આકાશમાં ઉડાવા સિવાય એનો છૂટકો જ ના રહ્યો.
અને બરાબર આમ જ થયું
આ વાત પૂરી કરતાં અમારા વર્ગ શિક્ષકે કહ્યું કે તમારું જે લક્ષ્ય છે એના રસ્તામાં આવા લોભામણા વિશ્રામસ્થાન આવે અને જો આરામ કરવાની ટેવ પડી ગઈ તો આકાશને ક્યારેય સર નહીં કરી શકો.
માટે જ કહું છું પરિશ્રમી બનો.
લક્ષ્ય ઊંચું રાખો અને એ લક્ષ્યના માર્ગમાં આવતા પ્રલોભનોથી બચો.
અને છેલ્લે લક્ષ્ય કેવું હોવું જોઈએ એ સંજવતી દિવ્યકાન્ત ઓઝાની એક રચના
લક્ષ્ય હો કદી ન આટલા મહીં
દૂર એ,
દૂર હો ક્ષિતિજ યે
કે હજો ક્ષિતિજની એ પાર એ
પરંતુ ચેતના બધી
એક કેન્દ્રમાં ધરી
છલાંગ મારતા જશું
તો કદી લક્ષ્ય દૂર ના રહે,
હાથમાં રમે !
ને કદીય પામતાં
ખુવાર થૈ જવું પડે,
તો ય ધન્યતા મળે !
એટલું સુદૂર લક્ષ્ય સર્વદા હજો !