Saturday, April 25, 2015
બેકાર રહેવાની ભીતી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે દૂર કરી દીધી હતી. એક મોટી રાહત આ નોકરી પાકી થતાં થઈ પણ માણસનું મન ઉદ્વેગ અને અશાંતિ માટેના વિવિધ ઉપાયો અને આયામ સતત શોધતું જ રહે છે. હવે વડોદરા છૂટશે એની ચિંતા સતાવવા લાગી. આ શહેરમાં 1961થી શરુ કરી બે વરસને બાદ કરતાં તેરમાંથી અગિયાર વરસ રહ્યો હતો. ગજબની મોહનિ છે વડોદરામાં. એ સમયે તો આજના વડોદરા કરતાં પણ આ શહેર ઘણું શાંત અને આકર્ષક હતું. પેન્શનર્સ પેરેડાઈઝ કહેવાતું. અભ્યાસકાળ દરમ્યાન રુમ નં. સાડત્રીસ મોક્ષગુંડમ્ વિશ્વેસરૈયા હોલ એ મારું સરનામું રહ્યું. છત્રીસ અને સાડત્રીસ નંબર અમે છ મિત્રોએ હોસ્ટેલમાં રહ્યા ત્યાં સુધી જાળવી રાખ્યા. મારા રુમ પાર્ટનરમાં ડૉ. ઈન્દ્રવદન શાહ જે હાલ અમેરિકા છે, મુકુંદ સિધ્ધપુરીયા જે પ્રમાણમાં વહેલો આ દુનિયા છોડીને જતો રહ્યો, જશભાઈ ભગત જે પણ આજે હયાત નથી, ભુપેન્દ્ર પટેલ આટલા લગભગ કાયમી હતા. છત્રીસ નંબરમાં એક રહેનાર બદલાતો રહ્યો જેમાં પૂજારા અને બીજા એક બેનો સમાવેશ થાય છે. આ બન્ને રુમો અને સામેની બન્ને રુમ જેમાં ખ્યાતનામ શિલ્પકાર જ્યંતિ નાયક, જ્યંત ફીટર, અબુલી સિયામવાલા અને દિલ્હીના ત્રણ વિદ્યાર્થીઓ આદિયા, સરદારજી અને દેસાઈ રહેતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ જમાનામાં ઓપન મેરિટ પર એડમીશન આપતી. લગભગ પચાસ ટકા વિદ્યાર્થીઓ કેન્યા, યુગાન્ડા, ઝામ્બીયા વિગેરે દેશોમાંથી આવતા ઓવરસીઝ સ્ટુડન્ટસ હતા. સીનીયર કેમ્બ્રીજ પાસ કર્યા પછી એ અહીંયા આવતા અને ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ પુરો કરતા. ધાણી ફૂટે તેવું અંગ્રેજી બોલતા, હંબર કે રેલેની સાયકલ અને લેટેસ્ટ ડિઝાઈનનાં કપડાં એ એમની ઓળખ હતી. પ્રમાણમાં છુટથી ખરચ કરતા (ખાસ કરીને વિદ્યાર્થીનીઓને રેસ્ટોરાંમાં કે સિનેમા દેખાડવા પાછળ) અને વાત વાતમાં દારેસલામ, કિંજા કે નકુરુની સરખામણી કરતાં. જમવા બેસે ત્યારે સાથે કોકની બાટલી હોય એવા આ વિદ્યાર્થીઓની એક અલગ જમાત હતી. અમે એમને ઓસલા કહેતા અને એ લોકો અમને દેશી કહેતા. રુમમાં કમ સપ્ટેબરના ટ્યૂન વાગતા હોય કે હાઉસ ઓફ બેમ્બુ નંબર ફીફ્ટીફોર જેવાં ગાયનો સંભળાતાં હોય તો માનવાનું કે આ ઓસલાની રુમ છે. એ જમાનામાં એમની પાસે ફીલીપ્સ, હોલેન્ડ કે સેનિયોનો ટ્રાન્ઝીસ્ટર અને સારામાં સારાં ટેપ રેકોર્ડર રહેતાં. વડોદરા યુનિવર્સીટીની બીજી ખુબી એ હતી કે ગમે તે ફેકલ્ટી (વિદ્યાશાખા)માં ભણતા હોવ પણ હોસ્ટેલો બધા માટે કોમન રહેતી. પરિણામે દરેક હોસ્ટેલમાં આર્ટસ અને કોમર્સથીમાંડી ઈજનેરી અને મેડીકલ સુધીના વિદ્યાર્થીઓ રહેતા. મારી હોસ્ટેલમાં તો એક આખી વીંગ થાઈલેન્ડના વિદ્યાર્થીઓને આપી હતી. આમ દેશના દરેક શહેરમાંથી જ નહીં પણ અનેક દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી સાચા અર્થમાં કોરમોપોલિટન વૈશ્વીક યુનિવર્સીટી હતી અને એની હોસ્ટેલો વ્યક્તિત્વ ઘડતરની પાઠશાળા હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માધવસિંહભાઈ સોલંકીનું શાસન આવ્યા બાદ એડમીશન માત્ર ગુજરાતના બારમું ધોરણ પસાર કરેલા વિદ્યાર્થીઓ પૂરતું જ મર્યાદીત કર્યું ત્યારથી આ યુનિવર્સીટીની દશા બેઠી એવું હું માનું છું.
હોસ્ટેલ જીવનનો પણ એક લ્હાવો હતો. બુટપોલિશવાળો, ધોબી, બ્રેડબટર વેચવાવાળો, હોસ્ટેલનો સ્વીપર બધા તમને સાહેબ કહેતા. આ એક નવો અનુભવ હતો. ઘણા બધા આ સંબોધનને પોતાની મહાનતાનો પુરાવો માની કોશ ગળી ગયા હોય એમ ટટ્ટાર ચાલતા. ઘરે પાઈ પૈસો કરકસરથી વાપરનાર મા-બાપના છોકરાઓને મેં અહીંયા બેફામ ખરચા કરતાં જોયા છે. આમાં પણ બુટપોલિશવાળો અને ધોબી બે પાત્રો કોઈ મલ્ટીનેશનલના સેલ્સમેન જેવાં હતાં. બુટ સહેજ રિપેર કરવાનો થયો હોય, તમે એને આપો એટલે એ બે ચાર બીજી ભુલો કાઢે. છેવટે વાત સોલ બદલવા ઉપર આવીને અટકે. તમે એને પૂછો કેટલો ખરચો થશે ? તો બહુ નિર્દોષતાથી જવાબ મળે “સાહબ ! એક સોલના પચાસ પૈસા અને ખીલી દીઠ પાંચ પૈસા.” આજ મહત્વની વાત હતી. કારણકે જ્યારે આ જોડા રિપેર થઈને આવે અને તમે એની ચૂકવણી માટેની પૃચ્છા કરો ત્યારે જવાબ મળે “સાહબ ! એક રુપિયો બે સોલનો અને પચાસ ખીલ્લી પ્રમાણે “સોલમાં સો ખીલ્લીના પાંચ રુપિયા. કુલ બિલ થયું છ રુપિયા !!” જે જમાનામાં નવા બુટ દસ રુપિયાના આવતા હતા એ જમાનામાં માત્ર સોલ લગાડવાના છ રુપિયા ચાર્જ તમે સાંભળો ત્યારે ઘડીભર તો જમીન પગ નીચેથી સરકી જતી હોય તેવું લાગે. આજ રીતે ધોબી સાદી ધુલાઈમાંથી ડ્રાઈક્લીનમાં તમને ક્યારે ખેંચી જાય એનું કંઈ ઠેકાણું નહીં. પણ આ બધું હોવા છતાંય આ દુનિયામાં તમને પણ કોઈ માન આપે છે એવો આ પ્રથમ અનુભવ હતો.
જો કે હોસ્ટેલ લાઈફની શરુઆતનો થોડોક ભાગ મારા જેવા વિદ્યાર્થી માટે અત્યંત યાતનાભર્યો બની રહેતો. ઘણી બધી વસ્તુઓની જાણકારી મારા માટે નવી હતી. બ્રિલક્રીમ એ માથામાં નખાય કે બ્રેડ ઉપર ચોપડીને ખવાય એ સમજ નહોતી. ચેરીબ્લોઝમ બુટપોલિશ હોઈ શકે તે પણ ખ્યાલ નહોતો. હવાઈ ચપ્પલ બહાર ન પહેરાય માત્ર ઘરના ઉપયોગ માટે જ હોય એ નવું હતું. શેમ્પુ માથું ધોવા માટે હોય છે કે તેલ હોય છે એ સંશોધનનો વિષય હતો. જ્યાં રાત્રે વિજળી પણ નહોતી એવા સ્થળેથી કેરોસીનના દીવાના અજવાળે વાંચી એસએસસીમાં સારા ટકા આવ્યા એટલે આગળ ભણવા માટે મારા માટે વડોદરા યુનિવર્સીટી પસંદ કરાઈ અને હું સીધો એક અર્ધજંગલી જીવન પદ્ધતિમાંથી રાત્રે ઝળહળાં અજવાળે ઝગમગતી શહેરી જીવન પદ્ધતિમાં ફંગોળાઈ ગયો. એનો શરુઆતનો ગાળો મારા માટે અત્યંત વિકટ હતો. મને નહોતું ધાણીફૂટ અંગ્રેજી આવડતું, નહોતી કોઈ વાક્છટા, પાંચ ફૂટ અગિયાર ઈંચની ઉંચાઈ સામે માત્ર છેત્તાલીસ કિલો વજન ધરાવતું આ ખોળિયું વ્યક્તિત્વની બધી વ્યાખ્યાઓનો છેદ ઉડાડી દે તેવું હતું. જંગલમાં મુક્તવિહાર કરતા કોઈ પંખીને જડબેસલાક સલાખાઓવાળા પાંજરામાં નાંખી દીધું હોય એ મારી સ્થિતિ હતી.
હોસ્ટેલમાં જમવાનું રસોડું બધા માટે એક હતું. મને હોસ્ટેલમાં મુકવા મારા પિતાશ્રી આવ્યા હતા. એમણે રસોડાના મહારાજ ડાહ્યાભાઈ સાથે ઓળખાણ કાઢી. લગભગ મારી સોંપણી કરી દીધી હતી એટલે વડોદરામાં મારા પહેલા ગાર્ડીયન કે વાલી બન્યા ડાહ્યાભાઈ મહારાજ. રુષ્ઠપુષ્ઠ શરીર, વાંકડીયા વાળ અને ધોતિયું ઝભ્ભામાં ડાહ્યાલાલ મહારાજનું વ્યક્તિત્વ ફોરી ઉઠતું. એમણે મને સધિયારો આપ્યો હતો “કોઈથી ગભરાવાનું નહીં અને હોસ્ટેલમાં કોઈ છોકરો હેરાન કરે તો મને કહી દેજે.” આમ તો આજ શહેરમાં વ્યાસ ટ્રાન્સપોર્ટ નામની કંપની હતી. સયાજીગંજમાં આવેલ આ કંપનીના એક ભાગીદાર શ્રી કનૈયાલાલ વ્યાસ અને સવિતાબેન મારાં બહુ દૂરના નહીં એવા બહેન બનેવી થાય. એમના સંતાનોમાં શૈલેષ અને વીરેન્દ્ર લગભગ સમવયસ્ક. બીજાં બે વીજુ અને બબુ નાનાં. એ પણ એક મારા માટે આશ્રયસ્થાન હતું પણ ડગલે દૂર એ દસકે દૂર એ ન્યાયે મારા ચીફ પેટ્રન તો ડાહ્યાભાઈ જ રહ્યા. શરુઆતમાં ખાસ કરીને સાંજે થાળીમાં પીરસાય ત્યારે ખીચડી હોય તો તુવરની દાળ થાળીમાં ખખડે. શાક ધંગધડા વગરનું હોય અને કઢી પાણી જેવી. ભાખરી આવે તે ખાવાના કામમાં તો આવે જ પણ જો કોઈને છુટી મારી હોય તો લોહી કાઢે ! ઘરે આટલાં વરસો આ ભાવે અને આ ન ભાવેનાં ઘણાં નખરાં કર્યાં હતાં. આ બધું ક્યારેક જમતાં જમતાં યાદ આવે ત્યારે ડૂમો ભરાઈ જાય અને ચૂપચાપ એકાદુ આંસુ થાળીમાં ટપકી પડે. હોસ્ટેલમાં રહેવું એટલે શું એનો અનુભવ થવા માંડ્યો હતો. અનુભવ માણસનો મોટો શિક્ષક છે. ધીરે ધીરે આ શિક્ષક મને પણ ઘડી રહ્યો હતો. જો કે એનાં ટાંચણાં ક્યારેક રાડ પડાવી દેતા.
ધીરે ધીરે બધું થાળે પડવા માંડ્યું. હું માનું છું કે માણસે જીવનનાં થોડાંક વરસો તો હોસ્ટેલમાં વીતાવવા જ જોઈએ. જાપાનમાં એવું કહેવાય છે કે જે માઉન્ટ ફ્યુજીની ટોચ પર નથી ગયો તેણે જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે. હું ચોક્કસ કહીશ કે હોસ્ટેલમાં જેણે થોડાંક વરસો પણ નથી વીતાવ્યા એણે જીવનનો એક મહત્વનો અનુભવ ગુમાવ્યો છે.
જીવન થાળે પડતુ જતું હતું. એક નાની વાત અમારી હોસ્ટેલના વોર્ડન ડૉ. આર.એમ. મહેતા માટે પણ કહેવી પડે તેમ છે. ભીખુભાઈ તરીકે જાણીતા ડૉ. મહેતા એક અચ્છા પુરાતત્વવીદ હતા. ખુબ સાલસ અને ભોળો સ્વભાવ. અમારી હોસ્ટેલમાં સાઈઠ વોલ્ટ અથવા એથી ઉપરનો ગોળો, વોટર હીટર, ઈસ્ત્રી, પંખા જેવાં ઉપકરણો વાપરી શકાતા નહીં. વોર્ડન ક્યારેક ક્યારેક આ મુદ્દે જાતે ચકાસણી કરવા નીકળતા. એમની સાથે અમારો પટાવાળો ભોલે પણ હોય જ. દરેક રુમમાં જાય અને આવું કોઈપણ ઉપકરણ જુએ એટલે લઈ જાય. આમાં ઈસ્ત્રી, હીટર વિગેરેવાળા તો આ બધું સંતાડીને કબાટમાં રાખતા પણ વીજળીના ગોળા તો ટેબલ લેમ્પમાં ભરાવેલા જ હોય ને ? મહેતા સાહેબ આ જુએ એટલે કાઢી લે અને ભોલે એક મોટી ડોલમાં આ બધું ભેગું કરે. રાઉન્ડ પતી જાય ત્યારપછી આ કઈ રીતે પાછું મેળવવું અને કોઈપણ પ્રકારની સજામાંથી બચવું એનો અદ્દલ ઉપાય કાઢેલો. વોર્ડનનું રેસિડન્સ હોસ્ટેલમાં સહુથી ઉપરના માળે રહેતું. મહેતા સાહેબનાં મા એક જાજરમાન વૃદ્ધા હતાં. એમને કડપ અને દબદબો ભારે. ભીખુભાઈના ભણતર અને ઘડતરમાં માજીનો મોટો ફાળો અને ભીખુભાઈ પણ માનો પડતો બોલ ઝીલે એવા આજ્ઞાંકિત પુત્ર. માજી આમ કડક પણ વિદ્યાર્થીઓ માટે ખુબ હમદર્દી રાખે. અમારું ટોળું એનો બરોબર ગેરલાભ ઉઠાવે. અમે સીધા પહોંચીએ માજી પાસે લગભગ રડમસ અને ગંભીર ચહેરે અરજ થાય. “બા ! સાહેબ અમારા બલ્બ લઈ ગયા છે. પરિક્ષા નજીકમાં છે, ફરી અમે આવા બલ્બ નહીં વાપરીએ. એકવાર સાહેબને કહો જવા દે.” આવી અમારી કાકલુદીઓ ચાલે અને એનું પરિણામ પણ આવે. બાનો હૂકમ છુટે “ભીખા ! આ છોકરાઓને પરિક્ષા છે, આ વેળા જવા દે. બીજી વાર આવું ની કરે.” તદ્દન સુરતી લહેંકામાં આ ફરમાન જારી થાય પછી ભોલે પેલી ડોલ લઈ અને નીચે આવે. સહુ સહુને પોતપોતાના બલ્બ પસંદ કરી લઈ લેવા કહેવાય. એમાં જેના ગયા એ રહી જાય અને નથી ગયા એ લઈ જાય ! ખેર, બલ્બની કોઈ મોટી વિસાત નહોતી પણ આ રીતે મેળવેલ મફતનો બલ્બ કદાચ અમને વધારે પ્રકાશ આપતો હોય તેવું લાગતું. ખેર, આની પણ એક મજા હતી. આ હોસ્ટેલમાં ગાળેલાં છએક વરસની યાદ અમારી વડોદરા માટેની યાદોમાં સામેલ હતી. જેમ જેમ દિવસો વીતે તેમ તેમ આ બધી યાદો અને વડોદરા મગજમાં વધુને વધુ ઘુમરાતા જતાં હતાં.
આ એ શહેર હતું જ્યાં એક સાવ અણધડ વિદ્યાર્થી તરીકે પગ મુક્યો હતો. હોસ્ટેલમાં રહી પ્રેપરેટરી સાયન્સના ક્લાસ એટેન્ડ કર્યા હતા. જેમ હોસ્ટેલનો શરુઆતનો અનુભવ મારા માટે ધ્રુજાવી દે તેવો હતો. તે જ રીતે પ્રેપરેટરી સાયન્સમાં મારા શિક્ષણનો શરુઆતનો તબક્કો અતિવિધ્વંસક તોફાન જેવો હતો. એના સામે ટકી જવાયું એ પણ પુરુષાર્થ અને પ્રારબ્ધની એક વ્યથાકથા હતી.
આ વડોદરાનાં મારાં સંસ્મરણો પોલિટેકનીક અને પંડ્યા હોટલથી છેક પાણીગેટ અને લાલબાગ સુધી વિસ્તર્યાં હતાં. એમાનાં કેટલાંક પાત્રો અને કેટલાંક સ્થળો આ સ્મૃતિમાં એવાં જડાયાં હતાં કે એનાથી વિખૂટાં પડવું પડે એ મંજૂર નહોતું. માણસનું મન પણ કેવું વિચિત્ર છે. પહેલાં નોકરી નહીં મળે તો શું થશે એ વિશે વિચારોના કેન્દ્રસ્થાને હતો. હવે નોકરી મળી ત્યારે વડોદરા છોડવું પડશે એ કાલ્પનિક વ્યથા મનને ઘેરતી જતી હતી. આ એ શહેર હતું જેની હવાના એકેએક ઝોંકામાં અને ધૂળના એકેએક કણમાં ખાસ્સી એક દાયકાની સ્મૃતિઓ ધરબાઈને બેઠી હતી. એકાએક આ શહેર છોડવું પડે તે પરિસ્થિતિ ઉભી થઈ તેની સામે મન સતત જાણે કે બંડ પોકારતુ હતું. ના વડોદરા તો નથી જ છોડવું.
જોઈએ ભાવિના ગર્ભમાં શું લખાયું છે.