ગુણગ્રાહી બનો... સારપ શોધો.
મા બચપનમાં એક નાની વાત કહેતી
ખાસ કરીને હું કોઈની ટીકા-ટિપ્પણી કરતો હોઉ અથવા
કોઇના વર્તન પર વિવેચન કરતો હોઉં ત્યારે.
માની બોધ આપવાની પદ્ધતિ ગજબની હતી
એને જે કહેવું હોય તે ક્યારેક તો એકાદ કહેવતના માધ્યમથી એટલું અસરકારક રીતે કહી દેતી કે શીરાની જેમ સીધું ગળે ઉતરી જાય.
મૂળ વાત પર આવીએ
માની વાર્તા કાંઇક આ પ્રમાણે છે
એક ઘરમાં દીકરી ઉંમરલાયક થઈ
સારું પાત્ર જોઇને એક દિવસ એના લગ્ન કરી દેવાયાં
દીકરી સાસરે થોડા દિવસ રહી.
રિવાજ મુજબ એને આણું કરીને તેડી લાવ્યા
દીકરીની વાતોના કલરવથી ઘર ભરાઈ ગયું.
માનો હરખ તો માય નહીં
એમ કરતાં સવારનો સમય પૂરો થયો
બપોરનું જમવાનું પત્યું
બાપા પોતાના કામે ગયા
મા અને દીકરી એકલાં પડ્યાં
દીકરી સાસરે જઈ આવી એટલે માને સ્વાભાવિક રીતે જ...
એનું સાસરુ અને સાસરિયાં વિશે જાણવાની તાલાવેલી હોય
થોડીવાર આમતેમ વાત કરી માએ દીકરીને સીધો જ પ્રશ્ન કર્યો,
બેટા, તારા સાસરિયામાં બધા માણસોના સ્વભાવ કેવા? ખાસ તો તારી સાસુનો સ્વભાવ કેવો?
દીકરીએ મોં મચકોડ્યું,
જવાબ હતો, ‘ગામની ઉતાર’
તારા સસરા?
કોઈ જ ભલીવાર નહીં, વરસ પાણીમાં નાખ્યાં છે.
તારો જેઠ?
ઢંગધડા વગરનો
જેઠાણી?
વગર વતાવે સારી, બાકી વંતરી
દિયર?
સાવ વાંદરા જેવો
મા છેવટે કંટાળી હોય તેમ આખરી પ્રશ્ન પર આવી, કહ્યું,
જવા દે બેટા, એ બધાની વાત છોડ, મને એ કહે તારો પરણ્યો તો મજાનો છે ને?
છોકરીએ મોઢું થોડું વધુ વાંકું કર્યું
આખું ઘર એવો એ. કંઈ વખાણી નાખવા જેવું છે નહીં.
માને લાગ્યું હવે સાચું કહેવું પડશે.
વેવાઈના પુરા કુટુંબથી એ પરિચિત હતી.
અગાઉ વરસોનો પરિચય ધ્યાનમાં લઇને જ આ સગું કર્યું હતું.
સામે પક્ષે પોતાની દીકરીને પણ ખૂબ લાડકોડથી ઉછેરી હતી
પણ...
સોનાની કટારી હોય તે ભેટમાં શોભે, પેટમાં ન નખાય.
જમાનાની ખાધેલ મા આ જાણતી હતી
અને એટલે...
એણે બહુ જ શાંત પણ મક્કમ સ્વરે પોતાની દીકરીને કહ્યું
જો બેટા, ઘરમાં કોઈ એકાદ-બે માણસના સ્વભાવમાં વિચિત્રતા હોઈ શકે
પણ બધાં જ ખરાબ?
ના દીકરા ના, હજુ તું જિંદગી શરૂ કરે છે
આજે મારી આ વાત ગાંઠે બાંધી લેજે
જ્યારે બધાં જ ખરાબ લાગે ત્યારે દોષ એમનામાં નહીં, આપણામાં હોય દીકરા
પોતે એક આંગળી કોઈ સામે કરીએ ત્યારે બાકીની ચાર આંગળીઓ આપણા સામે થાય છે
વાંકદેખા બનવાથી સુખી નહીં થવાય
કુટુંબના દરેક સભ્યમાં સારપ જોતાં શીખો
જિંદગીમાં પહેલીવાર દીકરીને લાગ્યું કે એની માએ...
અવાજ જરાય ઊંચો કર્યા વગર, શબ્દોમાં કટુતા લાવ્યા વગર...
સુખી સંસાર જીવવાના ખજાનાની ચાવીઓનો ઝૂડો એને સોંપી દીધો
મા આ વાત એક કરતાં વધારે વખત મને કહી ચૂકી હશે
અંતમાં એ અચૂક કહેતી
ભાઈ, ઈશ્વરનું કોઈ સર્જન સાવ નકામું કે નાખી દીધા જેવું હોય જ નહીં
ક્યાંક વાલિયામાં વાલ્મીકિ છુપાયો હોય
તો ક્યાંક પન્ના જેવી એક સામાન્ય દાસી...
રાજકુમારને બચાવવા પોતાના પેટના જણ્યાનું બલિદાન આપી દેવાની સ્વામીભક્તિ છુપાઈ હોય
સારપ શોધો સુખી થશો
બધાનું બૂરું જોશો તો સરવાળે તમારા મનમાં પણ એવા જ વિચારો ઉઠશે
મા મા હતી
ઘણા ઉત્તમ શિક્ષકો અને વિશ્વ વિખ્યાત પ્રોફેસરો પાસે દેશની સારામાં સારી કોલેજમાં હું ભણ્યો
મારા આ શિક્ષકોએ મને ઘડ્યો
પણ...
મા એ બધામાં અવ્વલ નંબરે હતી
મા મા હતી
પણ...
સાથે સાથે મારી ઉત્તમ શિક્ષક પણ હતી