સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ
ઓફિસનું કામ હજુ માંડ માંડ શરૂ થયું છે. અમદાવાદમાં ચોમાસું લાંબુ ચાલ્યું હવે શિયાળો મેદાનમાં આવ્યો છે. બહુ ઠંડીની મોસમ હજુ શરૂ નથી થઈ તો પણ તડકો સારો લાગે એવી ફૂલગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. હજુ ઘરમાં ઓઢવા માટે ધાબળા કે રજાઈ અને પહેરવા માટે સ્વેટર ખાસ ચલણમાં નથી આવ્યાં. તો પણ ક્યાંક ક્યાંક મોડી સાંજે અથવા વહેલી સવારે, ખાસ કરીને મોટરસાયકલ જેવાં દ્વિચક્રીય વાહનો પર જનાર માથે બુઢીયા ટોપી, મફલર અને શરીરે સ્વેટર કે જેકેટ પહેરતાં થયાં છે. પારીજાત, મોગરો અને જુઈ જેવાં ફુલ વિદાય લઈ રહ્યાં છે. બાલસમનો સમય પૂરો થયો છે. હજુ ક્યાંક ઝીનીયાનાં ફુલ દેખાય છે. ટીકોમાના ફૂલનાં ઝુમખાં હવે ઉનાળા સુધી સંતાઈ જશે. જાસુદ, ડાલિયા હજારીગલ એટલે કે મેરીગોલ્ડ, પોપી, ક્રીસેંથીયમ જેવાં શિયાળુ ફૂલ હવે ખીલવા માંડયાં છે. સવારે ઝાકળ પડે છે અને એ ઝાકળની બૂંદ પરથી પરાવર્તિત થતાં વહેલી સવારના સૂર્યકિરણો મેઘધનુષની આભા રચી રહ્યાં છે. ઠંડી અને ભારે હવાને કારણે પ્રદૂષણ હવે આકાશમાં નથી જતું, જમીનથી નજીક આપણી આજુબાજુ ઘુમરાયા કરે છે. દિલ્હી જેવા એરપોર્ટ પર ફોગ અથવા સ્મોગને કારણે સવારની ફ્લાઈટ ક્યારે લેન્ડ થશે તે કુદરત આધારિત હોય છે. હજુ અમદાવાદમાં ધુમ્મસ દેખાતું નથી પણ વહેલી સવારે કે સુરજ આથમ્યા બાદ ક્ષિતિજ ઝાંખી પડતી હોય તેવું થવાનું શરૂ થયું છે.
એ.સી.નો ધડધડાટ અડધોઅડધ ઘરોમાં બંધ થઈ ગયો છે. થોડી વધુ ઠંડી પડશે એટલે હોઠ અને ગાલ ફાટવા માંડશે. ઠંડા પાણીથી ન્હાવું હોય તો ખાસ હિંમતની જરૂર પડે એવો સમય શરૂ થઈ ગયો છે. બરફ ગોળા અને આઈસક્રીમના ધંધામાં હિમ પડવાનું શરૂ થયું છે. નવેમ્બર પૂરો થવામાં છે. અંગ્રેજી વરસનો છેલ્લો મહિનો ડિસેમ્બર બારણે ટકોરા મારી રહ્યો છે. આ એવો સમય છે જ્યારે વરાળ નીકળતી હોય એવા પાણીમાં હર્બલ ટીની કોથળીને ડૂબકાં મરાવી ચૂસકી લેવાની મજા આવે. ઠંડુ છે એ હવે ઓછું ગમશે અને થોડા મહિના હુંફાળું હશે ત્યાં શરીર દોરાશે. આવી એક સવારના સૂરજની સાક્ષીએ પડોશમાં જરા મોટો કહી શકાય એવા અવાજે એક ગીત વાગી રહ્યું છે.
ગીતના શબ્દો છે –
સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ
તેરા નામ એક સાંચા દુજા ના કોઈ
સામાન્ય રીતે મારા ફૂલગુલાબી મિજાજને આવું ગંભીર અને અઘરું ગીત માફક નથી આવતું. આ દુનિયામાં હસતાં રમતાં રહેવું અને એક દિવસ દુનિયામાંથી હસતાં રમતાં વિદાય થઈ જવું એ મિજાજ લઈને હું અત્યાર સુધી જીવ્યો છું. આ કારણથી એક સહજ વિચાર મનમાં આવે છે.
આ સુખ, જેની દરેક માણસને તલાશ છે, અને દુઃખ, જેનાથી દરેક માણસ દૂર ભાગે છે, તે ખરેખર છે શું?
આ દુનિયામાં કોઈ એવો માણસ હોઈ શકે જેને કોઈ ચિંતા ના હોય, કોઈ પ્રશ્નો ના હોય, કોઈ દુઃખ ના હોય, તો કોઈ સમસ્યા ના હોય? જવાબ હકારમાં મળતો નથી. માણસ સુખની શોધમાં સતત દોડે છે, દોડતો જ રહે છે. બરાબર પેલા ઝાંઝવા પાછળ દોડતા હરણની જેમ.
બે વસ્તુ છે -
કસ્તુરી મૃગની ડુંટીમાં જ કસ્તુરી છે જે સુગંધ શોધવા બેતહાશા થઈને દોડે છે. સુગંધનો સ્ત્રોત તો એ ખુદ જ છે. પોતાના શરીરમાં જ એ સુગંધ સંઘરીને બેઠો છે પણ તેનું જ્ઞાન એને નથી. એટલે એ સતત દોડ્યા કરે છે.
ઝાંઝવાના જળ પાછળ દોડતો મૃગ એ બીજો દાખલો છે. એ જેને પાણી સમજીને સમીપે જવા માટે દોડી રહ્યો છે એ ઝાંઝવાના નીર તો એક આભાસ છે. એનું અસ્તિત્વ જ નથી.
મનમાં વિચાર આવે છે સુખ કાં તો કસ્તુરી છે અથવા ઝાંઝવાનું જળ છે.
સવાલ સમજનો છે. જેને આ વાત સમજાઈ જાય તે સુખી. એને નથી પછી કસ્તુરીની તમા રહેતી કે નથી એ ઝાંઝવાનાં જળ પાછળ દોડતો.
પેલા સુખી માણસની વાર્તા જેવુ છે. જેની પાસે સંપત્તિ અને અનેક જોડ સવલતો છે, કપડાં છે, તે સુખી નથી અને જે સુખી છે એની પાસે ખમીસ નથી !!
દોસ્તો ત્યારે આપણે શું પામવું છે? સુખ કે પછી નિરંતર દુઃખ?
જવાબ તમારી પાસે જ છે, બરાબર પેલા કસ્તુરી મૃગની માફક જ.