બસ ટકી રહો... ટકી રહો... ટકી રહો
માણસ સફળ થાય છે.
એ સફળતા ભણવામાં ખૂબ આગળ નીકળી જાય, કોઈ મોભાદાર સરકારી કે અન્ય નોકરી મળે, પોતાના ઉદ્યોગ કે વેપારધંધામાં સફળ થાય, જાહેરજીવનમાં આગળ વધે અને સત્તા પ્રાપ્ત થાય, આવી અનેક રીતે મળી શકે.
સફળતા માટે બહુ સરસ કહેવાયું છે –
જો જીતા વો સિકંદર
જેવા તમે સફળ થાવ એટલે એક પ્રકારનો દોરદમામ અને ચાહકવૃંદ ઊભું થશે.
સાથે સાથે જેમ ગોળ મૂક્યો હોય ત્યાં માખીઓ આવી ચડે
બરાબર તેમજ કેટલાક જીહજૂરિયાઓ પણ તમને વીંટળાઇ વળશે.
ક્યારેક તો એ તમારો કબજો લઈ લેશે.
તમને એવો અહેસાસ કરાવશે કે તમારા જેવો ડાહ્યો અને શક્તિશાળી માણસ કોઈ છે જ નહીં.
હાજીહા કરીને તમને ખુશ રાખનારા તમારો પીછો નહીં છોડે.
ગોરખ પાંડેની આ હાજીહા કરવાવાળા ઉપર એક સરસ વ્યંગ કવિતા છે –
राजा बोला रात है,
रानी बोली रात है
मंत्री बोला रात है,
संत्री बोला रात है
ये सुबह सुबह की बात है।
કેવી સરસ મજાની વાત છે, નહીં?
King can do no wrong એટલે રાજા જો કહે કે...
અમાસની રાત્રે ચંદ્ર ઉગ્યો છે
તો આ જીહજુરીયાઓનું ટોળું એમાં વધારો કરી આપે અને કહે
અમાસનો ચંદ્ર તો શરદપૂર્ણિમા કરતાં પણ વધારે રૂડો લાગે છે
વાઘને થોડું કહેવાય કે તારુ મોં ગંધાય છે?
આવું બધું થતું રહે ત્યારે તમે કદાચ સાચેસાચ તમારી જાતને અત્યંત કાબેલ અને સર્વેસર્વા માનતા થઈ જશો.
આવી પરિસ્થિતિ ઉભી થાય તો મારી એક સલાહ છે
સુખ, સમૃદ્ધિ કે સત્તાથી છકી જશો નહીં
કશું જ કાયમી નથી. નથી કોઈ હોદ્દો કાયમી કે નથી તમારી સત્તા
મોગલ વંશનો સુરજ એક જમાનામાં સોળે કળાએ તપતો હતો પણ પડતી આવી અને એના વંશજો ઉપેક્ષાના એક અંધારા ખૂણે દારૂણ ગરીબીમાં ફેંકાઈ ગયા. બહેરામજી મલબારી આ સ્થિતિનું વર્ણન કરતા કાંઈક આમ લખે છે –
સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતા શેરીએ...!
રાજા રાણા અક્કડ શેંના ? વિસાત શી તમ રાજ્ય તણી
કઇ સત્તા પર કૂદકા મારો ? લાખ કોટિના ભલે ધણી
લાખ તો મૂઠી રાખ બરાબર કોડ છોડશે સરવાળે
સત્તા સૂકા ઘાસ બરાબર બળી આસપાસે બાળે
ચક્રવતી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ........
બધું જ પરિવર્તનશીલ છે. ક્યારેક એ લાંબું ટકે છે, ક્યારેક ઝડપથી પૂરું થઈ જાય છે.
એટલા માટે જ કહ્યું છે - चक्रवत् परिवर्तन्ते दु:खानि च सुखानि च ||
જેમ સુખ કાયમી નથી તેમ દુઃખ પણ કાયમી નથી.
એક ભજનમાં કહ્યું છે –
સુખદુઃખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઇનાં નવ ટળે,
રઘુનાથનાં જડિયાં
૧૯૭૩માં એક ચલચિત્ર આવ્યું હતું, ‘દાગ’
એનો એક ડાયલોગ સત્તાના મદમાં રાચતા
કે પછી...
લક્ષ્મીના ગરુરમાં બેફામ લોકોએ સમજવા જેવો છે.
એ સંવાદ કહે છે –
इज़्ज़तें… शोहरतें… चाहतें… उल्फतें…
कोई भी चीज़ दुनिया में रहती नहीं...
आज मैं हूँ जहां, कल कोई और था...
आज मैं हूँ जहां, कल कोई और था…
ये भी एक दौर है…
वो भी एक दौर था…
જીવનમાં કશું જ કાયમી નથી. તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો આવે જ છે.
દુ:ખની ભયંકર અંધકારભરી કાળી રાત પછી...
સુખનો સૂરજ ઉગે જ છે.
સવાલ માત્ર ધીરજ નહીં ગુમાવવાનો છે.
ટકી રહો અને પરિસ્થિતિ બદલાવાનો ઇંતેજાર કરો.
હાર કબૂલશો નહીં કારણ કે...
તમે જ્યાં સુધી મનથી નથી હારતા દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી નહીં શકે.
સુખના સૂર્યોદયની રાહ જુઓ અને એ માટે મથતા રહો.
દરેક નિષ્ફળતા તમને સફળતાની વધુ નજીક લઈ જાય છે.
ટકી રહો... ટકી રહો... ટકી રહો...
અને આ પંક્તિઓ મનમાં ઘૂંટતા રહો
दुख में जो गाए मल्हारे वो इन्साँ कहलाए -२
जैसे बंशी के सीने में छेद है फिर भी गाए
गाते-गाते रोए मयूरा फिर भी नाच दिखाए रे फिर भी नाच दिखाए
ઇ.સ. ૨૦૧૯નું વરસ વિદાય થઈ રહ્યું છે
બરાબર ક્રિસમસના બીજા દિવસે ૨૬મી ડિસેમ્બરે આ વરસનું છેલ્લું સૂર્યગ્રહણ આ લખું છું ત્યારે પૂરું થઈ ગયું છે.
બરાબર આ જ રીતે તમારા જીવનને કે તમારી કારકિર્દીને
ક્યાંક ગ્રહણ નડી ગયું હોય તો એ પણ પૂરું થશે જ.
કારણ કે આ દુનિયામાં કશું જ કાયમી નથી
બસ ટકી રહો.
૨૦૨૦નું વરસ આવી રહ્યું છે
તમારે માટે નવી આશાઓનો ખજાનો લઈને.
બસ ટકી રહો... ટકી રહો... ટકી રહો.