હૉસ્ટેલની જિંદગીની શરૂઆતનો એકેએક દિવસ કાંઈકને કાંઈક નવું શીખવાડતો. મારી આ રૂમમાં આ અગાઉ જે વિદ્યાર્થીઓ રહેતા હતા તે શહેરી વિસ્તારના અને પ્રમાણમાં આર્થિક રીતે સધ્ધર કુટુંબોમાંથી આવતા હશે. એમણે રૂમ ખાલી કર્યો ત્યારબાદ કબાટ વિગેરેમાં જે અવશેષો મૂકતા ગયા હતા એમાંની ઘણી બધી વસ્તુઓ મેં મારી જિંદગીમાં વાપરી તો ઠીક, પણ જોઈ સુધ્ધાં નહોતી. મારા કબાટનાં ખાનાં સાફ કરતાં કરતાં એમાંથી ફિલ્મફેર મેગેઝિન અને બ્લીટ્ઝના જૂના અંક ઉપરાંત જે વસ્તુઓ નીકળી તેમાં બ્રીલક્રીમની અડધી વપરાયેલી બૉટલ, શેમ્પૂ જેનું નામ મને અત્યારે યાદ નથી. ચેરી બ્લોઝમની અડધી વપરાયેલી ડબ્બી, દાઢી કરવાની સેવન ઓ’ક્લોક બ્લેડ, હૉર્લિક્સની લગભગ ખાલી બૉટલ, કોર્નફ્લેક્સનું એક અધવપરાયેલ પેકેટ અને ટ્રાન્ઝિસ્ટર રેડિયોની બેટરીના બે સેલ જેવી વસ્તુઓ નીકળી. મારે ત્યાં ધર્મયુગ મેગેઝિન આવતું હતું તેમાં આમાંની કેટલીક આઈટમ જાહેર ખબર સ્વરૂપે જોઈ હતી. બ્રીલક્રીમ ખાવામાં વપરાય કે માથામાં નાખવા એ ખ્યાલ ત્યારે નહોતો. સેવન ઓ’ક્લૉક બ્લેડ એ જમાનામાં આપણા દેશમાં દાણચોરીથી આવતી અથવા કોઈ વિદેશ ગયું હોય તે લઈ આવતું. અત્યાર સુધી સાડા ચાર રૂપિયાના બાટાના કેનવાસના જોડા પહેર્યા હતા એટલે બૂટ-પૉલિશ સાથે રૂબરૂ થવાનો મોકો નહોતો મળ્યો. વડોદરા ભણવા આવવાનું થયું ત્યારે સિધ્ધપુરમાં અમારા પરભુભાઈ મોચી પાસે બહુ રકઝક કરીને મારા બાપાએ સાત રૂપિયામાં ચામડાના બૂટ સીવડાવી આપ્યા હતા. હજુ પણ મને આ જોડા પહેરવાનું થોડું અગવડભર્યું લાગતું. સિધ્ધપુરમાં એ જમાનામાં બૂટની એડી અને પંજાના ભાગે સૉલ ઉપર લોખંડની એક નાની માછલી લગાડવાની ફેશન હતી. આને કારણે આપણે ચાલીએ ત્યારે ટક, ટક, ટક એમ અવાજ આવતો. ચામડાના બૂટ પહેરવાનું ભૂતકાળમાં કોઈ પ્રયોજન જ નહોતું થયું, જેને કારણે ચેરી બ્લૉઝમ તો ઠીક, પણ કોઈ સસ્તી બૂટ-પૉલિશ સાથે પણ મારો પનારો પડ્યો નહોતો. આ જ રીતે, ટેબલના ખાનામાંથી પેન્સિલોના ટૂકડા અને રબ્બર બેન્ડ જેવી વસ્તુઓ નીકળી. સાફસૂફી અને કબાટ ગોઠવવાની આ કવાયતે મને અત્યાર સુધી જે વસ્તુઓ સાથે પનારો નહોતો પડ્યો અને આવનાર સમયમાં જેમનાથી મારે પરિચિત થવાનું હતું તેવી વસ્તુઓના ભગ્નાવેશ થકી આ જાણકારી મેળવવાની શરૂઆત કરાવી આપી. શહેરીજીવન અને તે પણ પૈસાપાત્ર કુટુંબના છોકરાઓ કેવી વસ્તુઓ વાપરે એની આ તો એક ઝલક હતી. આગળ જતાં તો કેન્યા, યુગાન્ડા વિગેરે આફ્રિકન દેશોમાંથી આવતા ઑવરસીઝ વિદ્યાર્થીઓ અને મુંબઈ કે દિલ્હીથી આવતા સુખી કુટુંબના નબીરાઓ હેરઑઈલથી માંડીને આફ્ટર શેવ લૉશન અને શેમ્પૂ થી માંડીને સિગારેટ સુધીની ઉચ્ચ જીવનશૈલી સાથે સંકળાયેલી કેટલીય ચીજો વાપરતા તે ખ્યાલ આવ્યો.
હૉસ્ટેલમાં બીજા એક શબ્દ સાથે પરિચય થયો. તે શબ્દ હતો – “નાઈટડ્રેસ”. બીજો શબ્દ હતો – “ગાઉન”. રાત્રે સૂતી વખતે પહેરવા માટે સૂવા માટેના ખાસ પ્રકારનાં ડ્રેસને “નાઈટડ્રેસ” કહેવાતો અને ઓવરસીઝ વિદ્યાર્થીઓમાંથી કેટલાક એક લાંબા ઝભ્ભા જેવું કમ્મરેથી એ જ કપડાંની લેસ અથવા પટ્ટીથી બંધાતું ગાઉન પહેરતા. અમે નિશાળે જઈએ ત્યારે જે પટાવાળા કપડાનો લેંઘો પહેરતા તે અહીંયાં નાઈટડ્રેસની કેટેગરીમાં આવતો. હું વડોદરા આવ્યો તે વરસોમાં સિધ્ધપુરમાં મોરપીંછ રંગના કપડાના બુશર્ટ અથવા ખમીસની ફેશન ચાલતી. મારી પાસે પણ આવાં એક નહીં, બે શર્ટ હતાં. કૉલેજમાં પહેરીશું એમ સમજી બહુ હોંશથી સિવડાવેલાં. અહીંયાં આવીને જોયું તો કોઈ આવાં ભડકાઉ કપડાં પહેરતા નહોતા. કૉલેજમાં પણ લેંઘો પહેરીને જવાતું નહોતું. મારી પાસે નાઈટડ્રેસ તો હોય જ ક્યાંથી ? સદનસીબે બે સફેદ કપડાના લેંઘા હતા તેના ઉપર આ શર્ટ પહેરીને હું સૂઈ જતો. થોડાક દિવસોમાં શર્ટને વાળી અને બેગમાં મૂકી દેવું પડ્યું. કારણ કે, આ બહુરૂપીયા જેવા લિબાસમાં હું મેસમાં જમવા જાઉં કે લૉબીમાં બહાર નીકળું તો બધા મને જોઈ રહેતા અને કેટલાક તો નાની અમથી મશ્કરી પણ કરી લેતા. આમ, જે મોરપીંછ રંગનાં ખમીસ મેં બહુ હોંશથી સીવડાવ્યાં હતાં એ બેગમાં પૂરાઈ ગયાં અને દિવાળી વેકેશન વખતે ઘરે ગયો ત્યારે સોમાજીને આપી દીધા. આમેય ગરીબ હતા અને લૂંટાયા. કપડાં હતાં નહીં એમાંથી બે શર્ટની બાદબાકી થઈ ગઈ ! થોડા દિવસ તો આ કઠ્યું, પણ પછી સ્કૉલરશીપની ચૂકવણી થઈ એટલે ખરચો પાડી બે પાટલૂન અને ત્રણ શર્ટ સીવડાવ્યાં. હવે કાંઈક વેતનાં કપડાં પહેરતો હોઉં એવું થયું. રાજુ જેન્ટલમેનની માફક મારો લિબાસ બદલાયો !
રૂમની સાફસૂફી કરી કબાટ ટેબલ વગેરે બરાબર ગોઠવ્યું. હવે બધું સમુંસૂતરું લાગતું હતું.
આ બધું પૂરૂં કરી ખભે ટૉવેલ નાખી અંડર ગારમેન્ટ્સ સાથે મેં વૉશરૂમ બ્લોકનો રસ્તો પકડ્યો. બાથરૂમમાં દાખલ થયો તે સાથે જ મગજમાં ઝબકારો થયો. અત્યાર સુધી ક્યારેય ઠંડા પાણીથી ન્હાયો નહોતો. ઉનાળાની ગરમીમાં પણ મારે ન્હાવા માટે સહેજ દઝાય તેવું ગરમ પાણી જોઈએ. હૉસ્ટેલમાં શીફ્ટ કર્યું તે પહેલાં જેમના ઘરે ઉતર્યા હતા તેમને ત્યાં તો પાણી ગરમ કરવા માટેનો બંબો હતો એટલે ગરમ પાણીની વ્યવસ્થા મળી રહી. અહીંયા તો માત્ર ઠંડું પાણી ન્હાવા માટે ઉપલબ્ધ હતું. ઠંડું પાણી મારા શરીર ઉપર પડે અને તેમાંય ખાસ કરીને માથા ઉપર પડે તો કપકપી આવી જતી. બાથરૂમનું બારણું બંધ કરીને સૉપબોક્સ તેમજ કપડાં યથાસ્થાને ગોઠવી હું એક નજરે નળ સામે જોઈ રહ્યો. હમણાં આ નળ ખોલીશ અને ઠંડા પાણીની ધાર છૂટશે એ ખ્યાલ માત્ર હાડકાં ધ્રુજાવી દે તેવો હતો.
શું થશે ? પહેલાં નળ ધીમો ચાલુ કર્યો. ચાંગળામાં પાણી લઈ માલીશ કરતો હોઉં તે રીતે શરીરે ચોપડ્યું. ઉનાળો હતો એટલે પાણી બહુ ઠંડુ નહોતુ. કોણ જાણે કેમ મારામાં એકાએક હિંમત આવી ગઈ. આ પાર કે પેલે પાર લડી લેવાના ઝનૂન સાથે મેં આખો નળ ખોલી નાખ્યો. એકદમ પૂરજોશથી પાણીની ધાર વછુટી. જરાય વિચાર કર્યા વગર મેં નળમાંથી વછૂટી રહેલી એ ધાર નીચે માથું નાખી દીધું અને પછી પલાંઠી વાળીને બેસી ગયો. પાણીનો ફોર્સ સારો હતો એને કારણે કે પછી ઉનાળાની મોસમને કારણે જે હોય તે પાણી સાથેના આ પાણીપતમાં હું જીત્યો. મજા આવી ગઈ. બરાબર ધરાઈને નાહ્યો. ત્યારબાદ ડીલ કોરૂં કરી કપડાં પહેરી જાણે યુધ્ધના મેદાનમાંથી કોઈ વિજયી યોધ્ધો બહાર નીકળે તે રીતે હું પહાર પડ્યો. બાથરૂમમાં ઠંડા પાણીથી ન્હાવાનો મારો આ પહેલો અનુભવ હતો. આ અનુભવે મને બીજી એક વાત શીખવાડી. જેનાથી ડર લાગતો હોય એ વસ્તુ સામે ચાલીને કરો, ડરની સાથે સામે ચાલીને ભટકાઓ તો તમે જીતો છો. ડરની હાર થાય છે. કારણો જૂદાં હોઈ શકે, પરિસ્થિતિ જૂદી હોઈ શકે, પણ જો તમે ડરી જાવ છો તો કાયમી ધોરણે એનો મનોવૈજ્ઞાનિક દબાવ તમારા પર હાવી થઈ જાય છે જો તમે નથી ડરતા તો તમે ડર ઉપર વિજય મેળવી લો છો. મેં ઠંડા પાણીથી ન્હાવામાં મારા મનમાં જે ડર અને હીચકીચાટ હતા તેના ઉપર જીત મેળવી લીધી હતી.
કૉલેજના પહેલા વરસમાં મારી પાસે સાયકલ નહોતી. બીજું વાહન હોવાનો તો સવાલ જ નહોતો. કૉલેજ ચાલતા જઈએ તો પણ મારા ઘરથી એલ. એસ. હાઈસ્કૂલ વચ્ચેનું જે અંતર હતું તેના કરતાં નજદીક લાગતી હતી. રસ્તામાં આવતું એમ. એસ. યુનિવર્સિટીનું હૉસ્ટેલ કેમ્પસ અને ત્યાંથી આગળ પ્રેપરેટરી સાયન્સ એટલે કે જનરલ એજ્યુકેશન બિલ્ડીંગ સામે સરસ મજાનું હરિયાળું ક્રિકેટનું મેદાન, ફેકલ્ટી ઑફ સાયન્સ અને આર્ટસનો રમણીય વિસ્તાર. એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસનું એક આગવું સૌંદર્ય હતું. હરિયાળી ખૂબ સારી, દરેક સીઝનમાં ફૂલથી શોભી ઊઠતી ક્યારીઓ અત્યંત આનંદિત થવાય એવું દ્રશ્ય પૂરૂં પાડતાં. હૉસ્ટેલથી કૉલેજની મારી આ પદયાત્રા મને ખૂબ ગમતી. એટલું જ નહીં, પણ યુનિવર્સિટી હૉસ્ટેલ કેમ્પસમાં મનુભાઈ મહેતા હૉલ કે જીવરાજ મહેતા હૉલની સામે હોજમાં ખીલતાં સરસ મજાનાં કમળ નયનરમ્ય દ્રશ્ય પૂરૂં પાડતાં. પ્રપરેટરી સાયન્સમાં અમારા મોટાભાગના વર્ગ હિન્દી, ગુજરાતી તેમજ અંગ્રેજી વિષયોના ફેક્લટી ઑફ આર્ટ્સમાં અને બાકીના ફેકલ્ટી ઑફ સાયન્સમાં ચાલતા. યુનિવર્સિટીનો આ વિસ્તાર એવો હતો કે જ્યાંના ભવ્ય અને અદભૂત આર્કિટેક્ચરવાળાં મકાનો જોનાર માટે મોટું આકર્ષણ બની રહેતાં.
હૉસ્ટેલ અને યુનિવર્સિટી સાથે પરિચયની શરૂઆત થઈ હતી. મારો રૉલનંબર 575 હતો. થોડા જ દિવસોમાં બીજું બ્રહ્મજ્ઞાન થયું જેણે મારા મગજમાંની હવા ફૂસ કરી નાખી.
અત્યાર સુધી નાના તળાવની આ માછલી...
જિલ્લામાં અને સ્કૂલમાં બધે...
પહેલે નંબરે પાસ થવા ટેવાયેલી હતી
પહેલે નંબરે પાસ થવું એ જાણે એનો સુવાંગ અધિકાર હતો.
આ કારણથી...
પોતે બહુ હોંશિયાર છે તેવી એક હવા
એના મગજમાં ભરાઈ ગઈ હતી
પ્રેપરેટરી સાયન્સના આ વર્ગમાં ધીરે ધીરે...
સહાધ્યાયીઓ સાથે...
પરિચય થતો ગયો અને વધતો ગયો...
બે વાત એને સમજાણી
છોકરાઓ અને છોકરીઓ ધાણીફૂટ અંગ્રેજી બોલતાં હતાં
અને...
મોટા ભાગનાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ
એસ.એસ.સી. પરીક્ષા એના કરતાં...
વધારે ટકાવારી મેળવી પાસ થયાં હતાં.
હું હોંશિયાર છું અને પહેલો નંબર પાસ થાઉં જ
એ ફૂગ્ગાને બ્રહ્મજ્ઞાનની આ ટાંકણી વાગતાં જ...
એ ફટાક દઈને ફૂટી ગયો !!!
નાના તળાવની આ માછલી સમજી ગઈ કે...
મોટા મોટા મગરમચ્છની સાથે એણે તરવાનું હતું.
અને....
જીવતા પણ રહેવાનું હતું !a