मुण्डे मुण्डे मतिर्भिन्ना ।
આપણે સવારે ઊઠીએ ત્યાંથી રાતે સુઈએ ત્યાં સુધી અનેક માણસોનાં પરિચયમાં આવવાનું થાય છે
मुण्डे मुण्डे मतिर्भिन्ना ।
इन्सान इन्सान की मति भिन्न होती है ।
આ કહેવત પ્રમાણે દરેક ખોપડીમાં અલગ અલગ બુદ્ધિ ભરેલું મગજ હોય છે.
કેટલાક ચાર વાર બોલાવો ત્યારે એકવાર બોલે છે
કેટલાક બોલાવો તો ખપ પૂરતું તોળીને બોલે છે અને
કેટલાક બોલવા માંડે એટલે બસ બોલ્યા જ કરે છે
કેટલાક ને પૂછો તો સલાહ આપે
કેટલાકને જાણતા હોય તોએ ના કહે
અને કેટલાક બસ દીધે જ રાખે
કેટલાક માને કે ના બોલ્યામાં નવ ગુણ
તો બીજા કહે કે બોલે તેનાં બોર વેચાય!
આ બધાનું તમે સાંભળો અને અમલ કરવા જાઓ, તો શું થાય એની એક વાત છે
એક ડોસો અને એક દીકરો એમનું ટટ્ટુ લઈને...
બાજુના શહેરમાં ગુજરી ભરાય તેમાં વેચવા જતા હતા
દીકરો આગળથી એની લગામ પકડી દોરે
બાપ પાછળ ચાલે
રસ્તામાં વણમાગી સલાહ આપનાર કોઈક મળી ગયો
એણે કહ્યું મૂર્ખ માણસ છો તમે
આ ટટ્ટુ ખાલી ચાલે છે અને તમે બન્ને મૂર્ખાઓ પણ
લાગ્યું કે આ માણસની વાત તો સાચી છે એટલે પેલા બાપાએ દીકરાને ટટ્ટુ ઉપર બેસાડી દીધો
થોડું આગળ ચાલ્યા.
વળી પાછું કોઈએ ટકોર કરી
આ ઘરડો ડોસો પાછળ ચાલે છે અને છોકરડો ટટ્ટુ પર બેઠો છે.
પાકો કળજગ આવ્યો છે ભાઈ!
આ સાંભળીને છોકરો નીચે ઉતરી ગયો
પેલો ડોસો ટટ્ટુ પર બેસી ગયો
સંઘ પાછો આગળ ચાલ્યો
ત્યાં વળી કોઈએ ટકોર કરી
આવું ફૂલ જેવું છોકરડું ચાલે છે
અને આ ખડ્ડુસ ડોસો ટટ્ટુ પર બેઠો છે
એને દયા પણ નથી આવતી
ડોસાને થયું અડધા કરતાં વધુ અંતર તો વટાવી દીધું છે
લાવ છોકરાને પણ મારી સાથે બેસાડી દઉં
ટટ્ટુ પર હવે બંને જણા સવાર હતા
વળી કોઈ જીવદયા વાળો સામે ભટકાયો
એણે તો રીતસરના આ લોકોને ખખડાવી નાખ્યા
તમારામાં દયાનો કોઈ છાંટો છે કે નહીં?
આ બિચારા ટટ્ટુ પર બંને ગુડાણા છો
અબોલ પ્રાણી કેટલું દુખી થતું હશે?
પેલો બાપ-દીકરા બન્ને પાછા નીચે ઉતર્યા
પેલા જીવદયા વાળાની ટકોર એમને અસર કરી ગઇ
બંનેએ મળીને ટટ્ટુના આગળ અને પાછળના બંને પગ બાંધી દીધા
એક મોટું લાકડું લઈ ટટ્ટુને એની સાથે ઊંધું લટકાવી દીધું
નીકળ્યો વરઘોડો બરાબરનો
રસ્તામાં નદી આવતી હતી એના પુલ ઉપર દાખલ થયા
થોડુંક ચાલ્યા ત્યાં નીચે આટલો મોટો નદીનો પ્રવાહ જોઈને ટટ્ટુ ભડક્યું
એણે ઉછાળો માર્યો
વાત બાપ-દીકરાની કાબુ બહાર ગઈ
ટટ્ટુ પુલ ઉપરથી સીધું નીચે નદીમાં ખાબક્યું અને પ્રવાહમાં તણાઈ ડૂબી ગયું
જુદા જુદા માણસોની જુદી જુદી સલાહ સાંભળીએ તો આવું થાય.
આવી પરિસ્થિતિનો સામનો આપણે પણ ઘણી વાર કરવો પડે છે ને?
ત્યારે પ્રશ્ન થાય ત્યારે કોની સલાહ લેવી? અને કોનું કોનું માનવું?
આ સંદર્ભમાં નીચેની એક ટૂંકી કવિતા યાદ રાખો
કવિતાની પંક્તિઓ છે
He who knows not and knows not that he knows not is a fool; avoid him.
He who knows not and knows that he knows not is a student; teach him.
He who knows and knows not that he knows is asleep; wake him.
He who knows and knows that he knows is a wise man; follow him.
પ્રથમ પંક્તિ
“હી હૂ નોસ નોટ એન્ડ નોસ નોટ ધેટ હી નોસ નોટ ઈઝ આ ફૂલ, એવોઈડ હિમ”
એનો અર્થ થાય એક એવો વ્યક્તિ કે જે જાણતો નથી કશું અને એ પણ નથી જાણતો કે પોતે અજ્ઞાની છે આવા માણસને બાજુએ મૂકીને ચાલો.
બીજી પંક્તિ
“હી હૂ નોસ નોટ એન્ડ નોસ ધેટ હી નોસ નોટ ઈઝ અ સ્ટુડન્ટ, ટીચ હિમ”
એનો અર્થ થાય કે એક વ્યક્તિને પોતાની પાસે જ્ઞાન કે આવડત નથી એનું પાક્કું જ્ઞાન છે. આ માણસ વિદ્યાર્થી છે એને શીખવાડો
ત્રીજી પંક્તિ
“હી હૂ નોસ એન્ડ નોસ નોટ ધેટ હી નોસ ઈઝ અ સ્લીપ, વેક હિમ.”
એટલે કે એક એવો વ્યક્તિ કે જેની પાસે ક્ષમતા છે પણ એ ક્ષમતા પોતાનામાં એવું એને ભાન નથી.
આનો આદર્શ દાખલો રામાયણમાંથી મળશે
સીતાની શોધમાં નીકળેલ હનુમાનજીને પોતે પવનપુત્ર છે અને છલાંગ મારે તો દરિયો કૂદીને લંકામાં પહોંચી જઈ શકે છે એ આ જ્ઞાન નહોતું
કોઈકે આ જ્ઞાન કરાવ્યું.
આ રીતે ક્ષમતા હોવા છતાં પોતાની ક્ષમતાથી અજાણ માણસ ઊંઘે છે એને જગાડો
અને છેલ્લે...
ચોથી પંક્તિ
હી હૂ નોસ એન્ડ નોસ ધેટ હી નોસ ઈઝ અ વાઇઝ મેન, ફોલો હિમ
આ પંક્તિ એવું કહે છે કે એવો વ્યક્તિ જે જાણકાર અથવા જ્ઞાની છે અને તેને બાબતનો પૂરેપૂરો ખ્યાલ છે.
આવી વ્યક્તિ ડાહ્યો માણસ છે.
તેને અનુસરો!
આમ કોની સલાહ લેવી અને તેને અનુસરવું તે બાબતે ખૂબ વિચારીને અંતે નિર્ણય લો.
એક વખત નિર્ણય લેવાઈ જાય પછી તેને દૃઢતાથી વળગી રહો
शुभास्तु ते पंथान !
આપનો માર્ગ કલ્યાણમય (શુભ) બની રહો!