નકારાત્મક વિચારોનો ત્યાગ અને પોતાના કાબૂ બહારની પરિસ્થિતિને સ્વીકારવાનું ડહાપણ વિપરીત પરિસ્થિતિ અને દુઃખમાંથી બહાર આવી સુખના રસ્તે પ્રયાણ કરવા માટેનો નક્કર ઉપાય છે.
માણસનું મન જુદા જુદા પ્રકારના વિચારો સંગ્રહીને ક્યારેક પોતાની સમજ મુજબ એનું પૃથ્થકરણ કરીને આનંદ, ભય, શોખ, આતુરતા જેવી લાગણીઓ ઊભી કરે છે. સુખી થવું હોય તો મન આનંદિત રહે એ પાયાની જરૂરિયાત છે. મન આનંદિત રહે એટલે હકારાત્મક વિચારો આવે અને પોતાની સામે ઊભી થયેલી પરિસ્થિતિ ખુશનુમા લાગે.
આથી ઊલટું, મન નકારાત્મક વિચારોએ ચડી જાય ત્યારે કાલ્પનિક ભય અથવા લાગણીઓથી માણસ દોરાઈ જાય અને એને પોતાની આજુબાજુની પરિસ્થિતિ અસહ્ય લાગે. સુખી થવું હોય તો હકારાત્મક વિચારો અને પ્રતિભાવ આપતી પ્રકૃતિ વિકસાવવી પડે. કદાચ આટલા માટે જ કહ્યું છે કે –
जो तुम हँसोगे तो दुनिया हँसेगी
रोओगे तुम तो ना रोएगी दुनिया
મુશ્કેલીઓ બધાને આવે છે. આ દુનિયામાં જેને કોઈ જ તકલીફ ન હોય એવો વ્યક્તિ શોધ્યો નહી જડે. કોઈ જાણીતા કથાકારે કહ્યું છે કે જીવનની આ નદી એક તરફ આનંદ, ઉલ્લાસ અને સુખની સામે બીજા કિનારે ચિંતા, દુ:ખ, ભય કે શોક એમ બે કિનારા વચ્ચે જ વહે છે. જવાબ આપણે પરિસ્થિતિને કઈ રીતે મૂલવીએ છીએ તેના ઉપર આધારિત છે. પેલા કથાકાર કહે છે કે તમને અનુકૂળ આવે તેવી અથવા મનગમતી ઘટનાઓ ઘટે તે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એને પ્રભુ પ્રસાદ અથવા હારી કૃપા સમજી સ્વીકારી લો.
આથી ઊલટું જ્યારે વિપરીત ઘટનાઓ ઘટે અથવા અણગમતી પરિસ્થિતી ઉભી થાય ત્યારે નાસીપાસ થવાને બદલે એને ભગવાનની ઈચ્છા છે સમજી માથે ચડાવો. જેમ કોઈપણ નદી બે કિનારા વચ્ચે જ વહે છે બરાબર તે જ રીતે આપણા જીવનની નદી પણ હરિ કૃપા અને હરિ ઇચ્છા ના બે કિનારા વચ્ચે જ રહે છે. આ સત્ય જેટલું વહેલું સમજાય તેટલું સુખી થવાનો માર્ગ વહેલો મળશે.
ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવનમાં બનેલી ઘટનાઓ આ દિશામાં વિચારોનું ઘડતર કરવા માટે ખૂબ ઉપયોગી પુરવાર થાય તેમ છે. સારંગધર નામે એક નાગર ગૃહસ્થ નરસિંહ મહેતાને પોતાના દુશ્મન સમજતો એટલે મહેતાજી ઉપર ચોરીનું આળ મૂક્યું અને પોતાના પુત્ર હનુમંતના સોગંદ સોગન ખાઈ નરસિંહ મહેતા પર પોતે મુકેલી આળ બાબતની સત્યતા પ્રમાણિત કરવાનો પ્રયત્ન કર્યો. પોતાના પુત્રના ખોટા સોગંદ ખાધા હોવાના કારણે તેમનો પુત્ર હનુમંત મૃત્યુ પામ્યો. આ ઘટનાથી અત્યંત વ્યથિત થઈ હનુમંત ની માતાએ નરસિંહ મહેતાનું શરણું શોધ્યું અને પોતાના પુત્રને જીવતો કરવા માટે ખોળો પાથરીને વિનંતી કરી. એક માને પોતાના પુત્ર માટે ટળવળતી જોઈ નરસિંહ મહેતાનું ભક્ત અને નિર્મળ હૃદય દ્રવી ઉઠ્યું અને ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન! સારંગધરના પુત્ર હનુમંતને જીવતો કર, બદલામાં હું મારા પુત્ર શામળદાસનો પ્રાણ તારા ચરણે ધરું છું. હનુમંત તો જીવતો થયો પણ હજુ જેના લગ્નને થોડો સમય થયો હતો એવો નરસિંહ મહેતાનો એકનો એક પુત્ર શામળદાસ અને પુત્રવધૂ સૂરસેના એક અકસ્માતમાં મૃત્યુ પામ્યાં. નરસિંહ મહેતાની પત્ની માણેકબાઈ પોતાના એકના એક પુત્ર તેમજ પુત્રવધુનું મૃત્યુ સહન ન કરી શક્યાં અને થોડા દિવસોમાં જ એ પણ મૃત્યુ પામ્યાં. નરસિંહ મહેતા ઉપર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. પહેલાં પોતાનો એકનો એક લાડકવાયો પુત્ર અને પુત્રવધૂ અને ત્યારબાદ પોતાના પત્નીના અવસાનને કારણે મહેતાજીના જીવનમાં જાણે કે અંધકાર છવાઈ ગયો. આવા પ્રસંગે પણ નરસિંહ મહેતાએ પોતાની શામળીયા પ્રત્યેની ભક્તિ અને આસ્થા જરાય ડગવા ન દીધી. સમતા ધારણા કરી અને આવા અનહદ દુ:ખના પ્રસંગે પણ જરાય ચલિત ન થતાં એમની જીભેથી શબ્દો સરી પડ્યા “ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ”.
નકારાત્મક વિચારોનો ત્યાગ અને પોતાના કાબૂ બહારની પરિસ્થિતિને સ્વીકારવાનું ડહાપણ વિપરીત પરિસ્થિતિ અને દુઃખમાંથી બહાર આવી સુખના રસ્તે પ્રયાણ કરવા માટેનો નક્કર ઉપાય છે.