જ્યારે વિકાસની વાત આવે ત્યારે ગાંધીવિચાર હંમેશા સર્વસમાવેશક વિકાસની વાત કરે છે. ગાંધીવિચાર એટલે સરકારનું કોઈ પણ આયોજન હંમેશા છેવાડામાં છેવાડાના માણસને લક્ષમાં રાખીને થાય તે. સંપત્તિના સર્જનમાં થોડોઘણો ફેર હોય તે ચાલે પણ એક વ્યક્તિ ૧૫૦૦ કરોડના મકાનમાં રહે અને બીજાના માથે છાપરું ન હોય તે વિકાસ ગાંધીવિચાર સાથે સુસંગત ન હોઈ શકે. આપણે વિકાસની વ્યાખ્યા અનુકૂળતા મુજબ કરીએ છીએ. વ્યક્તિ વિકાસ વિશે વિચારે તો પોતાના વિકાસની વાત કેન્દ્રસ્થાને હોય. સમાજનો કોઈ એક વર્ગ વિકાસ વિશે વિચારે તો એ પોતાના વર્ગ પૂરતી વાત કરે અને એ પ્રમાણે એના વિકાસની વ્યાખ્યા ગોઠવે. દેશનું કોઈ રાજ્ય વિકાસની વાત કરે તો એ રાજ્ય પોતે જ જાણે કે દેશ હોય તેમ દેશના બાકીના રાજ્યોની ચિંતા કર્યા વગર પોતાના વિકાસની ઝળાંહળાં આરતી ઉતારે. પરિણામે આવો વિકાસ સમાજમાં અસમતુલા ઊભી કરવાનું કામ કરે. આપણે આઝાદ થયા. સમાજવાદને આદર્શ તરીકે સ્વીકાર્યો. ક્યાંક વિનોબાની ભૂદાન તો ક્યાંક જયપ્રકાશ નારાયણ કે લોહીયાજીનો સમાજવાદ, ક્યાંક દીનદયાળ ઉપાધ્યાયનું અંત્યોદયલક્ષી એકાત્મ માનવવાદ, તો ક્યાંક ઇન્દિરા ગાંધીનો ગરીબી હટાવોનો નારો. નેતાઓ બદલાતા ગયા અને લોકશાહી એક નેતાની નેતાગીરીથી બીજા નેતાની નેતાગીરી વચ્ચે ફંગોળાતી રહી. વિકાસને નામે મોટી મોટી વાતો જરૂર થઈ, જાહેરાતો પણ થઇ, મોટા મોટા કાર્યક્રમો થયા, પણ સરવાળે પરિણામ શું આવ્યું? આવકની અસમતુલા વિકરાળ બનીને વધતી રહી. ૧૯૭૫ થી ૨૦૧૫ ખાસ્સાં ૪૦ વરસના ગાળામાં આ દેશમાં અને ચીન, અમેરિકા જેવા કેટલાક દેશોમાં સંપત્તિની વહેંચણી કઈ રીતે થઈ, કોણે શું મેળવ્યું અને કેટલો મેળવ્યું, તેના લેખાજોખાં હમણાં જ પ્રસિદ્ધ થયેલ ‘વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ ૨૦૧૮’ના પાના નં. ૪૫ પર ઉપલબ્ધ નીચેના કોષ્ટક પરથી થાય છે.
વૈશ્વિક આવક વૃદ્ધિ અને અસમાનતા, ૧૯૮૦-૨૦૧૬
|
|
પ્રત્યેક પુખ્ત વ્યક્તિ દીઠ કુલ સંચિત વાસ્તવિક વૃદ્ધિ |
|||||
|
આવક જૂથ |
ચીન |
યુરોપ |
ભારત |
રશિયા |
અમેરિકા-કેનેડા |
વિશ્વ |
|
કુલ વસતિ |
૮૩૧% |
૪૦% |
૨૨૩% |
૩૪% |
૬૩% |
૬૦% |
|
નીચલા ૫૦% |
૪૧૭% |
૨૬% |
૧૦૭% |
-૨૬% |
૫% |
૯૪% |
|
મધ્યના ૪૦% |
૭૮૫% |
૩૪% |
૧૧૨% |
૫% |
૪૪% |
૪૩% |
|
ટોચના ૧૦% |
૧૩૧૬% |
૫૮% |
૪૬૯% |
૧૯૦% |
૧૨૩% |
૭૦% |
|
ટોચના ૧% |
૧૯૨૦% |
૭૨% |
૮૫૭% |
૬૮૬% |
૨૦૬% |
૧૦૧% |
|
ટોચના ૦.૧% |
૨૪૨૧% |
૭૬% |
૧૨૯૫% |
૨૫૬૨% |
૩૨૦% |
૧૩૩% |
|
ટોચના ૦.૦૧% |
૩૧૧૨% |
૮૭% |
૨૦૭૮% |
૮૨૩૯% |
૪૫૨% |
૧૮૫% |
|
ટોચના ૦.૦૦૧% |
૩૭૫૨% |
૧૨૦% |
૩૦૮૩% |
૨૫૨૬૯% |
૬૨૯% |
૨૩૫% |
સંદર્ભ : WID.world(2017)
ભારતને લાગેવળગે છે ત્યાં સુધી વિકાસનાં ફળ આ દેશના ૯૦ ટકા વસ્તીના ભાગે નગણ્ય આવ્યાં છે. માલેતુજારો વધુ માલેતુજાર બન્યા છે. ગરીબ વધુ ગરીબ બન્યો છે. ગાંધીવિચાર આ ક્યારેય ન સ્વીકારે. ખેડૂતોના ભોગે અથવા ગામડાંના ભોગે શહેરો અને ઉદ્યોગો વિકસે તે ન ચાલે. ઔદ્યોગિક વિકાસ પણ જરૂરી છે, શહેરી વિકાસ પણ જરૂરી છે પણ ઔદ્યોગિક વિકાસ અને શહેરી વિકાસ કૃષિ અને ગ્રામીણ વિકાસના ભોગે થાય, એનો શોષક બને એવું ન ચાલી શકે. હાથની પાંચ આંગળીઓ પણ સરખી નથી હોતી. વિકાસને એની પોતાની અસમતુલા હોઈ શકે પણ એ અસમતુલા ઉપર આપેલી વહેંચણી જેવી સાવ એકતરફી વિકાસની વાત રજૂ કરે તે હરગીઝ ન ચાલી શકે. શરીરનાં બધાં અંગોનો સપ્રમાણ વિકાસ થાય એ તંદુરસ્તીની નિશાની છે. આવો વિકાસ એ તાકાતની નિશાની છે. પણ શરીરનું એક જ અંગ ફૂલવા માંડે તો એને ‘સોજો આવ્યો’ અથવા અન્ય વિકૃતિનું નામ અપાય છે. ગાંધીજી સમગ્રતા ભૂલીને એકાગ્રતા નહીં વાપરવાની સલાહ આપે છે. વિકાસના પરિમાણોમાં એક ખાનામાં વિકાસ, બીજા કોઈ ખાનાના ભોગે જ થાય, એ શોષણ છે પણ એક ખાનામાં વિકાસ, બીજા ખાનાને પણ વિકાસના માર્ગે દોરે તે પોષણ છે. આ કારણથી જ નાનાજી દેશમુખ કહે છે કે, ‘ભારત કા ઇતિહાસ જીતના જાનતા હું, ઔર જીતના પઢા ભી હૈ, કિસી એક વિષય કો છુ કર ઉસકો સમગ્રતા સે સ્પર્શ કરનેવાલા ગાંધી સે અધિક દૂસરા કોઈ આદમી હમકો મીલા નહીં.’
ગાંધીજીની વાત કરીએ તો આ માણસ એવો છે કે એણે આરોગ્ય લીધું તો એને સમગ્રતાથી જ જુએ છે. એ માત્ર આરોગ્ય ખાતર જ આરોગ્ય નથી જોતો. એટલે પ્રાકૃતિક ચિકિત્સાને, કુદરતના બધા આરોગ્યના નિયમોને અને એના આખા તત્વજ્ઞાનની અંદર બેસે એવી રીતે જુએ છે. બધાને સાથે સાંકળીને સમગ્રતાથી વિચાર કરવો એને માટે એકાગ્રતા અત્યંત આવશ્યક છે. મેનેજમેન્ટમાં અત્યારે તો ખાસ આવશ્યક છે. પણ સમગ્રતા ભૂલીને એકાગ્રતા જો આપણે વાપરીશું તો એમાં તો અનર્થ થશે. એટલે સમગ્રતાને લક્ષમાં રાખીને એકાગ્રતાને જે પ્રયોજે છે એ મેનેજર સાચો. આ મેળ ગાંધીમાં આપણને જોવા મળે છે.
અત્યારના સમયમાં આપણે “હોલીસ્ટીક મેનેજમેન્ટ”
અને...
“હોલીસ્ટીક ડેવલપમેન્ટ”ની વાત કરીએ છીએ.
સમગ્રતયા જેને આપણે વિકાસ કહીએ છીએ એ શું પરિણામ લાવશે?
આ વિકાસ મેળવવા જતાં શેનો ભોગ આપવો પડશે?
જીવનમાં એક ખાનામાં વિકાસ કોઈ એક બીજા ખાનામાં કશું ગુમાવ્યા વગર હાંસલ કરી શકાતો નથી.
માણસના જીવનમાં પણ...
જીવનના એક ખાનામાં અથવા પાસાનો વિકાસ
કોઈ એક બીજા ખાનામાં કશું ગુમાવ્યા વગર નથી કરી શકાતો.
આપણે કોઈક વ્યક્તિની સફળતાનો ઝળહળાટ જોઈએ છીએ
અહીં પહોંચવા...
અને....
ટકી રહેવા
એણે શો ભોગ આપ્યો છે તે નથી જોતા.
ગાંધીજી સમગ્રતાને લક્ષમાં રાખી એકાગ્રતાને પ્રયોજવાની વાત કરે છે જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
ગાંધીજી વર્તનમાં પણ નાનામોટાનો ભેદ નહોતા રાખતા. પેલી ઇઝરાયેલની બાળકીને નારાયણભાઈ દેસાઈ ગાંધી વિશે કંઈક કહેવા મથતાં કહે છે –
“તારા કરતાં અડધી ઉંમરનો હું હતો ત્યારે પણ ગાંધીજી અમારી સાથે એવી રીતે વર્તતા હતા કે જાણે અમે કોઈક વ્યક્તિ છે, કોઈક માણસ છીએ, માણસ તરીકે વર્તતા હતા.”
આજે?
આપણે માણસ તરીકે વર્તવાના બદલે લેબલ મારેલા પૂતળા તરીકે વર્તવાનું શરુ કર્યું છે.
કોઈ સાહેબ છે
કોઈ પટાવાળો છે
કોઈ ડ્રાયવર છે
કોઈ શેઠ છે
કોઈ ઉદ્યોગપતિ છે
કોઈ પ્રધાન છે
પણ....
આમાં માણસ ખોવાયો છે.
હું માનવી માનવ થાઉં તો ઘણું
કવિ સુંદરમની આ પંક્તિ ચરિતાર્થ કરનાર ગાંધીવિચારને પોષે છે.
ગાંધીજી એક સરસ દોસ્ત બની શકતા
બાળક સાથે બાળક બની જતા
મહાદેવભાઈ હોય કે સરદાર
એમની સાથે ઝઘડી પણ શકતા.
મહાદેવભાઈ ને નરહરિભાઈ વચ્ચે ગાઢી દોસ્તી હતી. આશ્રમની શરુઆતના દિવસોમાં એક વાર મહાદેવભાઈએ નરહરિભાઈને લખ્યું હશે કે બાપુ મને અમુક કામ માટે કાયમનો બાંધવા માગે છે. નરહરિભાઈએ વિનોદમાં જવાબ લખ્યોઃ “ડોસો બહુ ચાલાક છે. એક વાર એના પંજામાં ફસાયા કે પછી છૂટવાનું નામ ન લેવું.”
આમ તો બાપુ કદી કોઈ બીજાના પત્રો વાંચતા નહોતા, પણ તે દિવસે બધી ટપાલ તેમના હાથમાં ગઈ. તેમણે જોયું કે આશ્રમમાંથી મહાદેવભાઈ પર પત્ર છે ને અક્ષર નરહરિભાઈના છે. એટલે આશ્રમની ખબરો હશે એમ વિચારીને બાપુએ પત્ર ફોડ્યો. વાંચીને બહુ દુઃખી થયા. પછી તેમણે નરહરિભાઈને પત્ર લખ્યોઃ “તમારો પત્ર અકસ્માત્ મારા વાંચવામાં આવ્યો. આટલાં વરસ વીતી ગયાં ને હવે આ ઘડપણમાં મારો એવો કયો સ્વાર્થ છે કે જેને માટે હું તમને લોકોને છેતરું?”
આ પત્ર વાંચી બિચારા નરહરિભાઈને તો એવું થયું કે જાણે “કાપો તો લોહી ન નીકળે”. દોડ્યા દોડ્યા મહાદેવભાઈ પાસે આવ્યા. મને બધી વાત કહી બાપુનો પત્ર મારા હાથમાં મૂક્યો. પછી પૂછવા લાગ્યા, “હવે કયા શબ્દોમાં બાપુની માફી માગું ?” મેં એમને ધીરજ આપીને કહ્યું, “માફીબાફીની વાત ન કરતા. માફી માગી તો મરી જ ગયા સમજજો. આવાં સંકટ સાંઢની પેઠે શીંગડાં પર ઝીલવાનાં હોય છે. બાપુને લખો “અમારો પત્ર વાંચ્યો જ કેમ ? એ તો ઠીક થયું કે તેમાં આથી વધારે કાંઈ નહોતું લખ્યું. અમ જુવાનિયાઓની પોતાની જુદી એક દુનિયા હોય છે. એ દુનિયામાં આપને વિશે અમે બીજું પણ જે જે કહીએ છીએ તે આપની જાણ માટે અહીં લખી દઉં છું. આવા વિનોદ પર તો અમે જીવીએ છીએ અને એ રીતે અમે આપના પ્રત્યેની નિષ્ઠા કેળવતા જઈએ છીએ.”
આ પત્રની અસર સારી જ થઈ.
આ બધું જ સમજીએ અને વિચારીએ તો એક વાત સ્પષ્ટ બને છે
ગાંધી માણસ હતા.
આજે આપણામાંનો માણસ ખોવાયો છે.
માણસ માણસ મટીને મશીન બન્યો છે.
આ પ્રક્રિયામાં સંવેદના વધેરાઈ ગઈ છે.
હવે તમે જ કહો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઇ માણસ પાછો માણસ બને તો એ પ્રસ્તુત કહેવાય કે નહીં?
ગાંધી વિચારનો પોત બાંધનાર એક અગત્યનું તત્વ છે અહિંસા.
કહેવાય છે વેરથી વેર શમતું નથી,
વેરથી વેર વધે છે.
કલિંગના મહાયુદ્ધમાં મહાસંહારનો નિમિત્ત બની વિજયશ્રીને વરનાર
મહાન સમ્રાટ અશોકને આ સમજાયું.
એના પશ્ચાતાપની વેદનામાંથી જન્મેલી સંવેદના...
એને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા તરફ લઈ ગઈ.
પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને એણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે વિદેશ મોકલ્યાં.
આ ધર્મ દૂર-સુદૂર જાપાન અને ચીન સુધી પહોંચ્યો.
કહેવાયુ છે - હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં.
ભારતની હિન્દુ ધર્મની સંસ્કૃતિ અનેક આક્રમણોને પછી પણ અક્ષુણ્ણ રહી.
કારણ?
એના પાયામાં ‘સર્વત્ર સુખિનઃ સન્તુ’ની ભાવના હતી.
‘કામયે દુઃખ તપ્તાનાં પ્રાણીનામાર્તી નાશનમ’ની પ્રાર્થના હતી.
‘આનો ભદ્રા કૃતવો યન્તુ વિશ્વત:’ એટલે કે દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવો એવું સમજાવતી
ખુલ્લા મગજની સારાને ગ્રહણ કરવાની ઉદારતા હતી.
હિંદુ ફિલોસોફી આ કારણથી હુણો, શકો, યવનો, ફિરંગીઓ, અંગ્રેજો જેવાં અનેક આક્રમણો સામે ટકી ગઈ.
ઉપરથી એણે જૈન અને બૌદ્ધ જેવા બે મહાન ધર્મને જન્મ આપ્યો.
મહાન સમ્રાટ અકબરને હીનયાન અને મહાયાનનો પંથ સુઝાડ્યો.
સારાને સ્વીકારવાની શક્તિ અને સહુનું શુભ થાય એ કામના હિન્દુ તત્વજ્ઞાનની મોટામાં મોટી તાકાત છે. આ કારણથી આ તત્વજ્ઞાન કોઈ સંકુચિત વાડાઓમાં બાંધી શકાયું નથી.
એ ધર્મ નથી, જીવનની ફિલસૂફી અથવા જીવનપદ્ધતિ છે.
It is a way of life
જાગૃતિ ફિલ્મના સદાબહાર અમર ગીતની કેટલીક પંક્તિઓ –
धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई
दागी न कहीं तोप न बंदूक चलाई
दुश्मन के किले पर भी न की तूने चढ़ाई
वाह रे फ़कीर खूब करामात दिखाई
चुटकी में दुश्मनों को दिया देश से निकाल
साबरमती के सन्त तूने कर दिया कमाल
दे दी ...
रघुपति राघव राजा राम
ગાંધીજી કોઈને હરાવવામાં નહીં દિલ જીતીને પોતાનો બનાવવામાં માનતા હતા.
અહિંસાની ઠંડી તાકાત અને સત્યનો આગ્રહ એ ગાંધીજીના ભાથામાં ઉપલબ્ધ મોટા હથિયાર હતાં.
આ કારણથી જ ગાંધીવિચાર એ ક્યારેય અસ્ત ન થાય તેવો આદર્શ છે.
જ્યાં સત્ય માટેનો આગ્રહ હશે
જ્યાં પ્રેમ અને સંવેદના હશે
જ્યાં અહિંસા અને સદભાવના હશે
ત્યાં ગાંધીવિચારનું હાર્દ સતત હાજર હશે.
વિચારને ક્યારેય મારી શકાતો નથી
માણસની હત્યા કરી શકાય છે
વિચારની હત્યા કરી શકાતી નથી
અને એટલે ભલે આજે ગાંધી આપણી વચ્ચે નથી પણ...
ગાંધીવિચાર સદૈવ જીવંત છે અને રહેશે.
સુવર્ણ ક્યારેય જુનૂં થતું નથી
હીરાની ચમક સમયની સાથે ઝાંખી પડતી નથી
ગાંધીવિચાર પણ ક્યારેય અપ્રસ્તુત બને અથવા ઝાંખો પડે એવુ બનવાનું નથી.
જગતમાં સત્ય એ જ શાશ્વત છે, બાકીનું બધું મિથ્યા છે
અને જો સત્ય શાશ્વત હોય તો ગાંધીવિચાર પણ શાશ્વત છે, એ ક્યારેય મિથ્યા નહીં થાય.
પ્રાર્થનાની શક્તિમાં ગાંધીજીને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હતો.
આ વિશ્વાસ જીવનના અંત સુધી કાયમ રહ્યો
એવું કહેવાય છે કે –
A Family prays together,
Stays together
જે કુટુંબ હંમેશા પ્રાર્થનામાં જોડાય છે તે ક્યારેય વિખૂટું નથી પડતું.
એ પ્રાર્થના પછી ‘રઘુપતિ રાઘવ રાજારામ’ હોય કે
‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ હોય
અથવા ‘ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્’ કે પછી
ગીતાબોધ, જીસસ, મહમ્મદ પેગંબર કે અન્ય મહાન ફરિશ્તાઓનો ઉપદેશ હોય
એ ઉપદેશ અને પ્રાર્થના હંમેશા ‘બહુજન હિતાય બહુજન સુખાય’ હોય છે
અને એટલે જ આ લેખની સમાપ્તિમાં કવિ કાન્ત રચિત નીચેની પંક્તિઓ –
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !
ગાંધીવિચાર જેમ જેમ જમાનો આગળ વધતો જશે તેમ તેમ આજે છે તેના કરતાં પણ વધુ પ્રસ્તુત બનતો જશે એવા વિશ્વાસ અને ભાવના સાથે પૂજ્ય બાપુને શ્રદ્ધાવંદના સાથે અટકું છું.














