મારાં જો કોઈ બે વાક્યોમાં તમને મેળ થયેલો ના દેખાય અને તમને ખાત્રી હોય કે મારું ભેજું સલામત છે તો પાછલી વાત માનજો, આગલી વાતને ભૂલી જજો”.

ગાંધીજીની વ્યસ્તતા તેમજ જે પ્રકારનાં વિવિધ દિશામાં ખેંચતાં પરિબળો વચ્ચે તેઓ કામ કરતા, પોતાના સાથીઓમાં પણ બધા વચ્ચે સંતુલન અને હેતપ્રીત રીતે જળવાઈ રહે અને સાથોસાથ સહુની નાનામાં નાની બાબતોની પણ ચિંતા રહે, એમની એ મથામણ સદાય ચાલ્યા કરી. બ્રિટિશ સરકાર એ કોઇ નાનો-મોટો દુશ્મન નહોતો. સામ, દામ, દંડ અને ભેદ ચારેય વાનાંનો ઉપયોગ કરી ગાંધીજીને પરાસ્ત કરવાનો એનો પ્રયત્ન સતત ચાલ્યા કરતો. એક બાજુ ચર્ચા-વિચારણાની ગોળમેજી પરિષદ અને વાઇસરોય સાથેની ચર્ચાઓ જેવી કૂટનીતિઓ હતી તો બીજી બાજુ લાઠીચાર્જથી માંડી ગોળીબાર અને જેલમાં ગોંધી રાખવાની દમનનીતિ પણ એટલી જ પ્રબળ હતી. પોતાના નિકટતમ સ્નેહીના મૃત્યુના અંતિમ સંસ્કારમાં હાજર રહેવા માટે સ્વમાનનું બલિદાન આપવું પડે એવી શરતો એણે કમલા નેહરુના નિધન વખતે નેહરુ સામે અને વિઠ્ઠલભાઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સરદાર પટેલ સામે પેરોલની આકરી શરતોરૂપે જેલમાં પુરાયેલા આપણા નેતાઓ સામે મૂકીને એમની ખુદ્દારી અને ખુમારીની પરીક્ષા લેવાનો પણ પ્રયાસ થયો હતો. આ બધાનું સમતોલન રાખીને ચાલવાનું ગાંધીજી માટે કેટલું મુશ્કેલ હશે અને આમ છતાંય બાળસહજ નિખાલસતાથી એ ખડખડાટ હસી પણ શકતા, મશ્કરીયે કરી શકતા, આશ્રમવાસીઓનાં બાળકોને પોતાના ખોળામાં બેસાડી એમના પર વ્હાલ પણ વસાવી શકતા અને મહાદેવભાઇ હોય કે સરદાર કે પછી નરહરિ પરીખ, બધાની સાથે પ્રેમનો ઝગડો પણ કરી શકતા. મેકઅપ કરીને ફોટા પડાવવાનો એ જમાનો નહોતો અને બહુ સોફિસ્ટિકેટેડ કેમેરા પણ નહોતા. આમ છતાંય ગાંધીજીના ચહેરા પરનું એ નિખાલસ અને નિર્મળ હાસ્ય છેક મૃત્યુની ગોદમાં પોઢી ગયા ત્યાં સુધી એવું ને એવું રહ્યું. આજે નાની-નાની વાતોમાં આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ. સ્ટ્રેસ અને ટેન્શન આજના જમાનામાં માણસ સામેનાં મોટાં દુશ્મન બન્યાં છે. ગુજરાતની વાત કરીએ તો આ તણાવ અને હતાશાનો રોગ માત્ર મોટી ઉંમરના માણસો, ઘર કે ધંધાના મોભીઓ, મોટા અફસરો કે રાજનેતાઓ પૂરતો જ મર્યાદિત નથી રહ્યો. ગુજરાતમાં એક અંદાજ મુજબ રોજના દોઢસોની આસપાસની સંખ્યામાં માણસો આપઘાતની કોશિશ કરે છે. એમાંથી થોડા બચી જાય છે. ઘણી મોટી સંખ્યાને ટેન્શન અને હતાશાનો રાક્ષસ ભરખી જાય છે. જે જીવી રહ્યા છે તે પણ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી સાયલન્ટ કિલર બીમારીઓને શરીરમાં ઘાલીને જીવી રહ્યા છે. મહાત્માજી આટલી બધી વૈવિધ્યપૂર્ણ જવાબદારીભરી અને પોતાના સમય પર મોટું ભારણ આવે એવી જિંદગી જીવી રહ્યા હતા અને છતાં એ ખડખડાટ હસી શકતા કે વિનોદ પણ કરી શકતા. આ ગાંધીજી હતા. એમણે પોતાના જીવનમાં જે કંઈ આવે તેને યથાયોગ્ય રીતે સમતોલ કરીને ચાલવાની અદભુત કળા હસ્તગત કરી હતી. નીચેની બે પંક્તિઓને એમણે પોતાની જીવનપદ્ધતિનો ભાગ બનાવી હતી.

તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તૂટી એ જાય,

તારી વીણાના તાર એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં.

સાચે જ જીવન એક વાજિંત્ર છે જેમાં વધુઓછું કાંઈ જ ચાલતું નથી, બધુ યોગ્ય પ્રમાણમાં જ ચાલે. નાની નાની વાતોમાં આપણે તણાવમાં આવી જઈએ છીએ કે ઉશ્કેરાઈ જઈએ છીએ અને એના ફળ સ્વરૂપ પછી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને કંકોત્રી લખીને બોલાવીએ છીએ. ગાંધીજીના જીવનમાંથી મન ઉદ્વેગીત ન રહે એવું સમતોલ જીવન વ્યવસ્થાપન આપણે શીખીએ તો આપણા અને બીજાના ઘણા પ્રશ્નો ઓછા થઈ જાય.

 

મેં એવા પણ માણસો જોયા છે કે એક વખત કોઇ વસ્તુ કે અભિપ્રાય પકડ્યો એટલે પકડ્યો.  ગાંધીજી આ બાબતમાં વધુ વાસ્તવિક લાગે છે. એમણે કહ્યું છે કે કોઈપણ એક મુદ્દા પર તમને મારા બે જુદા જુદા મત વાંચવા મળે તો મેં જે છેલ્લે કહ્યું હોય તેને સાચું અથવા આધારભૂત ગણવું. આપણે રેંટિયો કે ખાદી એ આ પ્રકારના વિચારના અથવા તંત્રના વાહકો છે એવી વાત કરી. પણ એની પ્રસ્તુતતા ન હોય તો એ બદલી શકાય.

 

હરિશ્ચંદ્રની કથા સદીઓ પુરાણી છે

નજીકના ભુતકાળમાં પણ સત્ય જરુરી હતું

આજે પણ જરુરી.

અને....

૫૦૦ કે ૧૦૦૦ વરસ પછી પણ એ જરુરી.

ભારત – પાકિસ્તાન – અમેરીકા - યુરોપ કે રશિયામાં પણ જરુરી.

આ તત્વ બદલાતું નથી એટલે તત્વ માટે ગાંધીકાળ નિરપેક્ષ અથવા સદા પ્રસ્તુત છે.

તત્વને જાળવી રાખીને તંત્ર બદલાય તો કોઈ જ વાંધો નહીં.

રેંટિયો કે ખાદી બદલાય

રોજગારી અને ગરીબી નિવારણ ના બદલાય

તત્વ માટેની આ વાત વિચારોની ખૂબ ઊંડી સ્પષ્ટતા માંગી લે છે.

આજે કહેવાતા બૌદ્ધિકો પોતાનો કક્કો સાચો કરાવવા માટે ઝઘડે છે.

બીજો મત હોઈ શકે અને એમાં પણ સત્ય હોઈ શકે એ વાત એમને ગળે ઊતરતી નથી.

અસહિષ્ણુતા, હૃદયશૂન્યતા અને સ્વકેન્દ્રીપણું આજનો એક પ્રશ્ન છે.

બદલાતા જતા પવનની આ દિશાથી ગાંધીજી અજાણ નહોતા.

 

એક વાર ડૉ. મોટ નામના એક સજ્જને ગાંધીજીને પૂછ્યું – ‘તમારા મનમાં આ દેશની સૌથી મોટી સમસ્યા શું છે?’

ગાંધીજીનો જવાબ કંઈક આવો હતો – ‘બૌદ્ધિકોને હૃદયશૂન્યતા – Callousness of Intellectuals.’

બૌદ્ધિકો પોતાના વિકાસ અંગે કંઇક વધારે પડતા જાગૃત છે.

પેલો કેમ આગળ વધી ગયો? હું કેમ નહીં?

નોકરીની અરજી કરે ત્યારે લખવાનું કે મને જો આ નોકરી આપવામાં આવશે તો મને સોંપવામાં આવેલી બધી જ કામગીરી પૂરા ખંત અને નિષ્ઠાથી બજાવીશ.

પણ એકવાર પગ જમીનને અડ્યા એટલે કામચોરી, યુનિયનબાજી અને યેનકેન પ્રકારેણ પગાર વધારો અને એરિયર્સને કેન્દ્રસ્થાને મૂકીને જીવવાનું.

આ કુંડાળાંમાંથી તેઓ બહાર નથી નીકળતા.

એમની પોતાના માટેની ચિંતા અને પ્રગતિ કરવાના અધિકાર સામે કોઈ વાંધો નથી.

પણ પોતાને નોકરી મળી છે અને પોતાના જ લાખો દેશબાંધવો કદાચ ભણવામાં કે બુદ્ધિમાં આગળ હોવા છતાં બેકાર છે તે વાત ક્યારેય એમના લાગણીતંત્રને સ્પર્શતી નથી.

સમષ્ટીનો પોતે એક ભાગ છે એમ નહીં પણ સમષ્ટીએ પોતાને માટે જીવવું જોઈએ એવું એ માને છે. એ જેમના માટે જીવે કે કામ કરે એ કુંડાળું નાનું ને નાનું થતું જાય છે.

મનુષ્યવૃત્તિમાંથી પશુવૃત્તિ તરફ એ ગતિ કરી રહ્યો છે.

માણસ સ્વકેન્દ્રી બન્યો છે.

જ્યાં સુધી ગરીબમાં નસીબવાદ છે.

જ્યાં સુધી મધ્યમવર્ગ સમાજના ઉત્થાનને માટે પ્રેરાતો નથી.

જ્યાં સુધી અમીર પોતાના સિવાય કોઈની ચિંતા કરતો નથી.

ત્યાં સુધી ગાંધી પ્રસ્તુત રહેશે.

બાપુના વર્તનમાંથી એક બીજી વસ્તુ ઉભરીને સામે આવે છે.

એ વાત છે સિધ્ધાંત/નિયમ સૌને માટે સરખા.

પોતાનું છે માટે છૂટછાટ મૂકવાની અથવા અપવાદ કરવાનો એ ગાંધીવિચારમાં ન આવે.

આજના રાજકીય કે સામાજિક અગ્રણીઓની કહેણી અને કરણી એકસરખી નથી.

માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ એવાં કૂદી કૂદીને ભાષણ કરનારના છોકરાં...

કે પછી...

છોકરાંના છોકરાં દેશમાં કે વિદેશમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણે છે.

આપણે બળતું બળતું પોતાના પગમાં આવે ત્યારે સગવડિયો ધર્મ પાળીએ છીએ.

ખુદના કિસ્સામાં એક નિયમ અને બીજા માટે બીજો નિયમ

આવાં જુદાં જુદાં કાટલાં રાખતો સમાજ દેશનું કંઈ ભલું કરી શકે નહીં.

ગાંધીજીએ એમના જીવનના એક તબક્કે એવું નક્કી કર્યું હતું કે બે પાત્રોમાંથી એક પાત્ર સવર્ણ હોય અને બીજું પાત્ર દલિત હોય તો જ પોતે લગ્નમાં હાજરી આપશે.

નારાયણભાઈ દેસાઈના લગ્નનો પ્રસંગ હતો.

મહાદેવભાઈ વરસો પહેલા ગુજરી ગયેલા.

નારાયણભાઈનાં માતા દુર્ગાબેનની અત્યંત લાગણી કે બાપુ આ લગ્નમાં હાજર રહે.

પણ...

ગાંધીજી તો નિર્ણયના પાકા.

નરહરિ પરીખ મધ્યસ્થી બનીને ગાંધીજીને આ કિસ્સામાં અપવાદ કરવા સમજાવવા ગયા.

ગાંધીજી એકના બે ન થયા.

નરહરિભાઈને એમણે કહ્યું કે –

“બાબલો તો આપણો દીકરો કહેવાય અને દીકરો છે એટલે એને માટે તો અપવાદ થઈ જ ન શકે.”

ગાંધીજીએ કહ્યું –

“દુર્ગાને કહેજો કે બાબલાને મારા આશીર્વાદ મળશે. મારી હાજરી નહીં મળે.”

તે નારાયણભાઈ દેસાઈના લગ્નમાં હાજર ન રહ્યા તે ન જ રહ્યા.

તો શું ગાંધીજીની આ સિદ્ધાંતનિષ્ઠા આજના સમયમાં જડતામાં ખપી જાય ?

શું ફ્લેક્ઝીબીલીટી એટલે કે લચીલાપણું હોવું જ જોઈએ ?

જવાબ મળે છે –

ના, ગાંધીજી જડ નહોતા.

નારાયણભાઈના લગ્નની સવારે જ તેમને લગ્નના આશીર્વાદ આપતો પોસ્ટકાર્ડ દુર્ગાબેન પાસે પહોંચ્યો.

પત્રમાં ગાંધીજીના આશીર્વાદ હતા.

આમ વચન અને અપેક્ષા બન્ને જળવાઈ ગયાં.

ઉપરના કિસ્સા પરથી એવું પણ તારણ નહીં કરવાનું કે ગાંધીજી જડ હતા.

ગાંધીજીની સ્થિતિસ્થાપકતા અંગેના બે દાખલા –

1932 સુધી ગાંધીજી કહેતા –

ખજૂરીના ઝાડ કાપવા જોઈએ કારણ કે એની અંદરથી તાડી થાય છે.

પણ...

1936માં આ વિચાર બદલાયો.

ગાંધીજીએ એમ કહ્યું કે એમાંથી નીરો નીકળે છે.

એમાંથી ગોળ બને છે.

એટલે ખજૂરીના ઝાડ બિલકુલ ન કાપવા જોઈએ

કારણ કે એ રાષ્ટ્રીય સંપત્તિ છે.

આને ડાયનેમિઝમ (નિત્યવિકાસશીલતા) કહેવાય ?

બીજો દાખલો છે વાછરડાને મરણદાનનો.

મરણદાન? નવાઈ લાગે છે, નહીં?

ગાંધીજી માનતા કે ગૌરક્ષા કરવી હોય તો ભેંસ રાખી ગાયને નહીં બચાવી શકાય. ગાયની સૌથી મોટી હરીફ ભેંસ છે.

બળદ તો પોતાની સેવાના જોરે બચી જાય છે.

ભેંસ પોતાનાં દૂધ-ઘી વધારે હોવાને કારણે બચે છે.

પાડાને બાળપણમાં જ સંભાળ વગર મરવા દેવામાં આવે છે, કારણ કે એની ખાસ કોઈ ઉપયોગીતા નથી.

બાકી રહી ગાય, તે કતલખાને જાય છે.

ગાંધીજી ગૌરક્ષાના ચુસ્ત હિમાયતી હતા.

એક દિવસ એક વાછરડું ખૂબ બિમાર પડ્યું.

કોઈ હિસાબે એ સાજું થાય તેમ નહોતું.

ગાંધીજીથી એની પીડા જોવાતી નહોતી.

તેમને લાગ્યું કે તેને મૃત્યુનો વિશ્રામ આપવો જોઈએ.

વલ્લભભાઈનો મત આથી ઉલટો હતો.

આમ કરવાથી હિન્દુ સમાજમાં ખળભળાટ મચી જશે.

કશું કર્યા વગર પણ એ બે-ચાર દિવસમાં મરી જશે.

ગાંધીજીને લાગ્યું કે બે-ચાર દિવસ આ મુંગુ પ્રાણી આટલી પીડા સહન કરે તે પણ હિંસા છે.

છેવટે નિર્ણય ઝેરનું ઈન્જેક્શન આપી આ વાછરડાને મૃત્યુની પીડામાંથી છોડાવાનો થયો.

દેશમાં ખળભળાટ મચ્યો.

પણ... ગાંધીજી પોતાની અનન્ય ધર્મનિષ્ઠા અને ગૌ ભક્તિને કારણે ઉગરી ગયા.

 

અને એટલે જ અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ એમણે કહ્યું છે કે

“મારાં જો કોઈ બે વાક્યોમાં તમને મેળ થયેલો ના દેખાય અને તમને ખાત્રી હોય કે મારું ભેજું સલામત છે તો પાછલી વાત માનજો, આગલી વાતને ભૂલી જજો”. આ કોણ કહી શકે ? જેને આટલી ખાતરી હોય કે મેં આજે એક કહ્યું છે અને આવતી કાલે જો હું બીજી વાત કરીશ તો એ બીજી વાત સુધી હું આગળ વધેલો હોઈશ. એવા આત્મવિશ્વાસવાળો માણસ જ આ કહી શકે. નહીં તો આવતીકાલે કદાચ પાછળ ગયો હોય તો ! નિત્યવિકાસશીલતા એ ગાંધીનો એક એવો ગુણ છે કે ઘણીવાર એને વિષે સમજવાનો પ્રયત્ન કરનારા પણ એને અંગે થાપ ખાઈ જાય.

બસ આટલે અલ્પવિરામ.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles