આંબો અને યુવાન... વાત સમજવા જેવી છે.
મા પાસે વાર્તાનો મોટો ખજાનો હતો.
અમે જ્યાં રહેતા હતા એ જગ્યા લગભગ જંગલ જેવી હતી.
વીજળી ત્યાં સુધી પહોંચી નહોતી, કેરોસીનના ફાનસથી અથવા દીવડાંથી વહેવાર ચાલતો.
આજુબાજુ પણ ઝાઝી વસતિ નહોતી.
સુરજ ડૂબે અને અંધારું થવા માંડે એટલે...
તમરાંનું સંગીત ધીરે ધીરે ચાલુ થાય.
ઘુવડ અને ચીબરી, ક્યાંક ચામાચીડિયું ઉડાઉડ કરવા માંડે.
પેલી દિવસ દરમિયાન ઝાડ ઉપર ઊંધી લટકતી વાગોળ ખોરાકની શોધમાં નીકળી પડે.
દૂર શિયાળવાંની લાળી અને કૂતરાંના ભસવાનો અવાજ સંભળાય.
અજવાળિયું હોય તો ચંદ્રની ચાંદની રેલાઈ રહે,
અંધારી રાત પણ સ્વચ્છ આકાશમાં ટમટમતા તારલાઓના અજવાળે દીપી ઊઠે.
સન સન સન કરતી રાત વહેવા માંડે.
મારા ઘરની બંને બાજુ બહુ મોટો ચોક હતો.
લગભગ પચાસ-સાઇઠ માણસો પથારી કરીને સુઈ રહે એવડો.
મા એના વ્યક્તિગત વપરાશની વસ્તુઓ ઉપર ટ્રેડમાર્ક લગાડી દેતી.
એની ચા પીવાની કપરકાબી, પાણી પીવાનો ગલાસ, જમવાની થાળી-વાટકી કે પાથરવા માટેની પથારી અને ઓઢવાનું, એ સુવાંગ એનું જ,
એમાં જરાય મીનમેખ થાય નહીં.
મારા અને બાપા માટે તેમજ કોઇ મહેમાન આવે તો એના માટે સુતરની પાટી ભરેલા ખાટલા હતા.
પણ મા શણનું વાણ ભરેલી ઢોલડી (નાની ખાટલી)માં સૂઈ રહેતી.
મા વાઘ જેવી હતી, મનોબળના કારણે
બાકી શરીર મુઠ્ઠી હાડકાનું અને હિંમત હિમાલય જેવડી.
સિદ્ધપુર શહેરને અમે ગામ કહેતા કારણકે અમે વગડામાં રહેતા.
દિવસમાં બે વખત ચાર-પાંચ કિલોમીટર ચાલીને ગામમાં જવાનો બાપાનો નિયમ.
આ પદયાત્રા કરતા એમને ક્યારેય થાકેલા જોયા નથી.
બાપા ગામમાંથી રાત્રે નવ-સાડાનવ અને ક્યારેક એનાથી પણ મોડા આવે.
એટલે વાળુ પતાવીને અમે મા-દીકરો ચોકમાં પોતપોતાનો ખાટલો ઢાળીએ.
એક-બે ભરથરીના છોકરાં અમારા ઘરે જ રહેતા.
એ જમીને આવી ગયા હોય, બાજુમાં રાજપુર ગામમાંથી મારો મિત્ર કાંતિ ભાઈચંદ પણ વાંચવા આવે.
આ અમારી ટોળી અને મા એનો સરદાર
આગ્રહ કરીને મા પાસે પેલો વાર્તાનો પટારો ખોલાવીએ.
વાત કહેવામાં માની ગજબની નિપુણતા.
એનું વર્ણન જ એટલું અદ્ભુત કે વાર્તાના પાત્રો જીવંત થઇ ઊઠે.
ચોકની પાળી ઉપર લગભગ ૩૦ થી ૪૦ ફૂલછોડનાં કુંડા અને એક છેડે જૂઈને મોટી વેલ
ક્યારેક મોગરો, જૂઈ અને જાઇ ખીલ્યાં હોય એના ફૂલોની સુગંધ
ક્યારેક પારિજાત કે ચમેલીનાં ફૂલની મહેંક
તો ક્યારેક લીમડે આવેલા મ્હોરની મહેંક
ક્યારેક થોડાક જ દૂર ઊભેલા પાંચ આંબાને મ્હોર આવ્યા હોય તો વાયરે વહી આવતી એની સુગંધ
તો ક્યારેક પહેલા વરસાદનું ઝાપટું પડયું હોય એની ભીની માટીની સુગંધ
શિયાળાની ઠંડીમાં વચ્ચે સળગાવીને મૂકેલી સગડીમાંથી આવતી ગરમી અને બળતા કોલસાની ગંધ
ઉનાળામાં વળી વાગોળ ખાઈને પડતી કરે તે પાકી લીંબોળીનો ટપાક કરતો અવાજ
થોડે દૂર વાડોલીયામાં ઉભેલી લીંબોળીનાં કે પછી ફૂલોથી લચી પડીલ રાતરાણીનાં ફૂલોની મહેક
આ બધું રાતના લગભગ સૂનકાર કહી શકાય એવા વાતાવરણને ભરી દેતું.
એમાં માની વાતનો રસ ભળે.
હવે વિચારીએ છીએ ત્યારે લાગે છે કે પરમ આનંદની ચરમસીમા કદાચ આને જ કહેવાતી હશે.
એક દિવસે મા એ વાત માંડી.
એક બાળક હતું.
આંબાના એક ઝાડ સાથે એને દોસ્તી થઈ ગઈ હતી.
બળબળતા બપોર હોય ત્યારે એ આંબાની છાયામાં રમે.
કેરીના મરવા બેઠા હોય ત્યારે વળી આંબા ઉપર ચડી જાય અને કેરી તોડી લાવે.
કેરીની શાખ પડે એટલે ધરાઈ ધરાઈને એ પાકેલી કેરીનો સ્વાદ માણે.
આંબાને પણ આ બાળકનો સાથ ગમતો.
બંને વચ્ચે દોસ્તી જામી ગઈ હતી.
થોડાંક વરસો આમ જ વહી ગયાં.
એક દિવસ આ બાળક અદ્રશ્ય થઈ ગયું.
વરસ વીતતાં ચાલ્યાં.
આંબાને પણ હવે પેલો બાળક ભાગ્યે જ યાદ આવતો.
એવામાં એકાએક એક યુવાન આંબા નીચે આવીને ઊભો રહ્યો.
એણે આંબાને પૂછ્યું, ‘ઓળખ્યો મને?’
થોડી વાર એને ધારીને જોયો. ધીરે ધીરે આંબાને જૂની સ્મૃતિઓ તાજી થઈ.
એણે ખુશીથી પૂછ્યું, ‘અરે! બહુ મોટો થઈ ગયો તું. ક્યાં હતો આટલા દિવસ?’
પેલા યુવાને કહ્યું, ‘બાજુના શહેરમાં ભણવા ગયો હતો.
ભણી લીધું પણ હજુ નોકરીનું કંઈ ઠેકાણું પડતું નથી.’
આંબાએ કહ્યું, ‘કંઈ વાંધો નહીં, જો મારી કેરી પકવા આવી છે, ઉતારીને લઈ જા અને વેચી આવ.
થોડા દિવસ પૂરતું તો તારું ગુજરાન ચાલી જશે.’
પેલા યુવાને તે પ્રમાણે કર્યું.
વળી થોડો સમય એ ગુમ થઈ ગયો.
આંબાને લાગ્યું કે ક્યાંક નોકરીની શોધમાં ગયો હશે.
એક દિવસ એ પાછો આવ્યો.
એના ચહેરા પર આનંદ અને ચિંતાના મિશ્ર ભાવ હતા.
આંબાએ પૂછ્યું, ‘વળી પાછું શું થયું?’
પેલા યુવાને કહ્યું, ‘નોકરી તો મળી ગઈ પણ ઘર નથી.’
આંબાએ કહ્યું, ‘કશો વાંધો નહીં. મારા ડાળાં ખાસ્સા મોટા છે.
એને કાપી લઈ જા અને ઘર બનાવ.’
પેલા યુવાને તેમ કર્યું.
તેને ઘર બનાવવા માટે પૂરતાં લાકડાં મળી રહ્યાં.
નોકરી મળી હતી, હવે ઘર પણ વસી ગયું.
પણ પેલો આંબો સાવ ઠૂંઠો થઈ ગયો.
યુવાન તો પોતાની જંજાળમાં પડ્યો.
આવા ઠૂંઠાં જેવા ઝાડ જેની પાસે આપવા જેવું કશું જ નહોતું તેની પાસે કોણ આવે?
આંબો સુકાવા માંડયો.
એ હવે લગભગ સુકાઈ ગયો હતો.
ત્યાં વળી એક દિવસ એક બુઢ્ઢો આવી પહોંચ્યો.
આ વખતે આ બુઢ્ઢાને ઓળખતાં આંબાને વાર ન લાગી.
વધતી જતી ઉંમરે એને પણ પોતાના જેવો ઠૂંઠો બનાવી દીધો હતો.
આંબાએ એને પૂછ્યું, ‘બોલ ભાઈ, કેવું ચાલે છે તારું?
હવે શું જોઈએ તારે?’
પેલો બુઢ્ઢો આંબાના થડને બાઝીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયો.
આંબાની જેમ જ કદાચ તેનાં પણ ડાળાંપાંખડાં કપાઈ ગયાં હતાં.
એના લાગણી અને આવેશભર્યાં આલિંગન અને આંસુઓથી ધોવાઈ રહેલો
આંબો એકાએક ફરી પાછો નવપલ્લવિત બની ઉઠ્યો.
બરાબર આટલે આવીને મા અટકી ગઈ.
અંધારી રાતમાં પણ માનો અવાજ લાગણીથી ભીંજાઈને થોડો ગળગળો થયો તે કળાઈ ગયું.
એ કહી રહી હતી, આ આંબો એટલે ઘરડાં મા-બાપ અને એની છત્રછાયામાં એના ફળ ખાઈને એના જ હાડમાસમાંથી બંધાયેલ યુવાન એટલે એનાં બાળકો.
બાળકો મોટાં થાય, યુવાન થાય અને પોતાનો માળો બાંધે ત્યારે...
કંઈ ખૂટતું હોય તો હજુ પણ જાતે ઘસાઇને પેલા આંબાની જેમ મા-બાપ આપે છે.
કામનો બોજો, ચડતી જવાની અને પરિવારની મોહમાયા અને જંજાળમાં ક્યારેક પેલો જુવાન
જેમ આંબાને ભૂલી ગયો તેમ તેનું સંતાન મા-બાપને ભૂલી જાય છે.
પણ પેલી પંક્તિઓ –
પીંપળ પાન ખરંતા
હસતી કૂંપળીયાં
મુજ વીતી તુજ વીતશે
ધીરી બાપુડિયાં
છેવટે તો એક દિવસ જેનાં ડાળાંપાંખડાં કપાઇ ચૂક્યાં છે એવા પેલા આંબા પાસે આવવાનું છે.
લાગણીનો અમાપ ધોધ
પોતાના બાળક માટે સર્વસ્વ હોમી દેવાની પેલા આંબાની માફક મા-બાપની ભાવના
અને છેલ્લે આંબાની જેમ ડાળાંપાંખડાં કપાવીને, અસ્તિત્વ ઓગાળીને પણ પોતાના સંતાનનું ઘર વસે ત્યાં સુધીનું સમર્પણ
પેલો યુવાન જેમ આંબાને ભૂલી ગયો...
એવું આપણે તો ક્યાંક નથી કરતા ને?