હૉસ્ટેલ જીવનની શરૂઆત થઈ રહી હતી. અત્યાર સુધી જેનાથી પરિચિત ન હોઈએ તેવી ઘણી વસ્તુઓ સાથે પનારો પડવાનો હતો. પ્રમાણમાં સ્વાશ્રયી જીવન જીવવાનું હતું. વાંચતાં વાંચતાં જે હુકમ છોડતા હતા કે, “જરા એક ગ્લાસ પાણી આપને મા.”, “ભૂખ લાગી છે થોડો નાસ્તો આપને.” આ હુકમો હવે ઝીલવાવાળું કોઈ નહોતું. કર્મચારી સવારમાં રૂમ વાળી જાય અને પીવાના પાણીનું માટલું ભરીને મૂકી દે પછી એ જ માટલામાંથી જાતે ઊઠીને પાણી લઈ લેવાનું હતું. ભૂખ લાગે તો વચ્ચે વઘારેલી ધાણી કે મમરાં અથવા સુખડીના બે ટુકડાં કે ખારી પૂરી અથવા મૂઠીયાં હવે કોઈ આપવાનું નહોતું. કાં તો નાસ્તો કરવા કેન્ટીનમાં જવું પડે અથવા બહારથી લાવીને રાખી મૂકવો પડે. અપવાદરૂપ કિસ્સામાં ઘરેથી આવ્યો હોય તો એનાથી ચલાવી લેવું પડે, પણ એ નાસ્તો એકલપેટાની માફક ખાઈ શકાતો નહોતો. રૂમપાર્ટનર અને લોબીપાર્ટનર તેમજ ક્યારેક બીજા એક-બે મિત્રો પણ તેમાં ભળતા. ડબ્બો ભરીને નાસ્તો આવ્યો હોય તે બે દિવસમાં તળિયાઝાટક થઈ જતો. જે લોકો ચા અથવા કૉફી બનાવતા હોય તે કાયદેસર રીતે મંજૂરી ન હોવા તાં પણ ઈલેક્ટ્રીક સગડી રાખતા અને પોતાની ચા-કૉફી કે દૂધ ગરમ કરવાની જરૂરિયાત સંતોષતા. ચા માટે અલગ કપ-રકાબી રાખવાનો રિવાજ નહોતો. એનસીસીના કીટમાં મગ મળે તે એનેમલ્ડ ચઢાવેલું પતરાંનું ડબલું ચા કે કૉફી પીવા માટે વપરાતું જેથી ધોવામાં સરળતા રહે અને નોકર સાફ કરવા લઈ જાય તો તૂટે-ફૂટે નહીં. ક્યારેક આ સગડીવાળાઓનો લાભ લઈને પાપડ શેકવાનો ઉધમ પણ થતો. એક ઝાટકે પાપડનું એક પેકેટ ચાઉં થઈ જતું. વડોદરાના “ઢમરૂં” બ્રાન્ડના પાપડ પ્રખ્યાત હતા. એની અનેક વેરાઈટી આવતી.
જે પૈસાપાત્ર માત્ર કુટુંબના વિદ્યાર્થીઓ હતા તે ચા-દૂધનાં વાસણ સાફ કરવાથી માંડીને કપડાં ધોવા સુધીનાં કામ માટે ઉચ્ચક પૈસા આપીને મેસના કોઈ નોકરને રાખતા. મેં મારી જિંદગીમાં પાણીનો પ્યાલો પણ જાતે પીધો ન હોતો. કપડાં ધોવાની વાત તો આઘી રહી, જે સાહેબી ભોગવી હતી તે કેટલી મોટી હતી તેનો ખ્યાલ મને હૉસ્ટેલમાં જતાં વેંત જ આવી ગયો હતો. આ હાલ જો યુનિવર્સિટી હૉસ્ટેલના હોય પોતાના સમાજની કે જ્ઞાતિની હૉસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થીઓની શું સ્થિતિ હશે તે ધીરેધીરે સમજાતું જતું હતું.
સ્વાશ્રયી જીવન ખૂબ અગત્યનું છે. મારા આ અનુભવ પરથી હું એટલું શીખ્યો છું કે, દીકરો હોય કે દીકરી ગમે તેટલાં લાડકાં હોય એને અમુક સમયે તો પોતાનું અને ઘરનું કેટલુંક કામ જાતે કરવાની તાલીમ આપવી જ જોઈએ. મેં જે ના કર્યું અને જેને કારણે શરૂઆતમાં મૂંઝવણ વેઠવા અને દુઃખી થવાનો વારો આવ્યો તે આજે મારા ઘરમાં મારી બંને પૂત્રવધૂઓ જે રીતે પોતાનાં બાળકોને તાલીમ આપે છે તેને કારણે આ બાળકોએ આગળ જતાં આવું બધું નહીં વેઠવું પડે તે જોતાં મન ઠરે છે. પથારી કરવાથી માંડીને નાનાં-મોટાં દરેક કામ આ બાળકો વચ્ચે વહેંચાયેલાં છે અને એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટને અવકાશ નથી.
જો કે, આ મિલિટરી ડિસિપ્લિન થોડી વધારે કડક છે, પણ એનો લાભ આ બાળકોને એ મોટા થશે ત્યારે ચોક્કસ મળશે એમાં મને કોઈ શંકા નથી. કદાચ આજની આધુનિક મા અગાઉના જમાનાની માના જેટલી OVER PROTECTIVE એટલે કે બાળકોના માથે હથેળીનો છાંયડો કરીને ઉછેરવાવાળી નથી. આજના જમાનાની આ તાસીર છે.
હમણાં જ એક અનુભવ થયો તે અહીં ટાકું છું. એક મૉલમાં એક વિદેશી બહેન અને એમનું બે-અઢી વરસનું બાળક ખરીદી માટે ફરી રહ્યાં હતાં. બાળક એની માની પાછળ ચાલતું હતું. થયું એવું કે, એની માતા થોડી આગળ નીકળી ગઈ. એને પહોંચવાની ઝડપ કરવા જતાં પેલું બાળક ધબ્બ દઈને પછડાયું. આજુબાજુ બધા ચોંકી ગયા. બાળક ઝંખવાણું પડી ગયું. એણે થોડી રોકક્કળ પણ કરી. પણ પેલી માતાના પેટનું પાણી હાલ્યું નહીં. એક ભાઈ પેલા બાળકને ઊભું કરવા ગયા તો એણે ખૂબ નમ્રતાપૂર્વક એમને રોક્યા. બાળકને ઊભું થઈને ફરી ચાલવા માટે એણે પ્રોત્સાહિત કર્યું અને થોડીક વારમાં તો મા અને બાળક પાછાં એમના કામે લાગ્યાં.
મેં આ બહેનને પૂછ્યું, “તમને વાંધો ન હોય અને હું તમારી વ્યક્તિગત જિંદગીમાં દખલ ન કરતો હોઉં તો એક પ્રશ્ન પૂછી શકું ?” પેલી બહેને ટૂંકમાં જવાબ આપ્યો, “નો પ્રોબ્લેમ – કાંઈ વાંધો નહીં, પૂછો.”
મેં એને પૂછ્યું કે – “આ બાળક આટલું નાનું છે. તમે એને છૂટું મૂકી દીધું ત્યાં સુધી તો વાંધો નહીં, પણ એ પડે આખડે તો પણ તમને કોઈ ચિંતા નથી થતી ? એને જો ગંભીર ઈજા થઈ હોત તો ?” આ પ્રશ્નના જવાબમાં બહેને મને સમજાવ્યું કે, “બાળકની દરકાર રાખવી જોઈએ તે વાત સાચી છે, પણ એની એક હદ હોવી જોઈએ. આવનાર કાલ સાથે એણે પોતાના બલ બૂતા પર પનારો પાડવાનો છે. દિવસે ને દિવસે દુનિયામાં જિંદગી વધુનેવધુ સ્પર્ધાત્મક અને કઠીન થતી જાય છે. આ સંયોગોમાં મારૂં બાળક એવા કોઈ ખ્યાલ સાથે ન ઉછરે કે એ જરા જેટલું પણ પછડાશે તો પણ એનો હાથ ઝાલીને ઊભું કરવા માટે મદદ તૈયાર છે. એણે પછડાવવાનું પણ છે અને ઊભા પણ થવાનું છે. તરવાનું શીખવા હૉજમાં પડતો દરેક વ્યક્તિ બરાબર તરતો થાય તે પહેલાં હૉજનું ક્લૉરિનવાળું અમુક પાણી તો એના પેટમાં પહોંચી જ જાય છે. એ પાણીથી એ ગભરાશે અથવા બિમાર પડી જશે તો તરતાં કેમ શીખશે ?”
આટલું કહી તેણે મારી સામે જોયું અને કહ્યું, “આઈ હૉપ આઈ હેવ એન્સર્ડ યોર ક્વેશ્ચન. – હું માનું છું કે મેં તમારા પ્રશ્નોનો જવાબ આપી દીધો છે.” જીવનમાં એક નવો જ પાઠ શીખવાની અનુભૂતિ સાથે હું આગળ વધ્યો. આજની પેઢી આવતીકાલને સક્ષમતાથી કઈ રીતે પહોંચી શકે તેની તૈયારીમાં મારી બંને પૂત્રવધૂઓ મારા પૌત્ર અને પૌત્રીઓને જે તાલિમ આપી રહી છે તે મને લાગે છે કે, આજની પેઢીની વાસ્તવિકતા સાથેની પ્રમાણિક મુલાકાત છે.
વળી હૉસ્ટેલમાં પાછા આવીએ. સ્વાશ્રયી જિંદગીના પહેલા પાઠ મને મારી આ બદલાયેલી જિંદગી શીખવી રહી હતી. કૉલેજ સવારની હતી. એલાર્મ મૂકીને સૂઈ જવાનું. જાતે જ ઊઠી જવાનું ખૂબ કઠતું હતું. શનિવારની એ સવાર મને ક્યારેક યાદ આવી જતી હતી. જ્યારે મા ઓઢવાનું ખેંચી લેવાથી માંડીને અનેક પ્રકારના પ્રયોગો મને જગાડવા માટે કરતી અને ત્યારે કુંવરસાહેબ માના પર ઉપકાર કરતા હોય તેમ ખાટલામાં બેઠા થઈ હુકમ છોડતા – “દાતણ આપી દે.” આ બધું યાદ આવે ત્યારે હવે આંખ ભીની નથી થતી. હું ધીરે ધીરે ઘડાવા માંડ્યો હતો. મારી જાત સાથે વિનોદ કરવાની ટેવ મને આ જિંદગી પાડી રહી હતી એટલે ક્યારેક ક્યારેક હવે આંસુને બદલે મ્હોં પર હળવું સ્મિત આવી જતું અને મનોમન થતું કે સિધ્ધપુરમાં આર્ટ્સ અને કોમર્સ કૉલેજ તો હતી. એડમિશન માટે તો આમંત્રણ આપતો પ્રિન્સિપાલ સાહેબનો પત્ર ઘરે આવ્યો હતો ત્યારે અહીં આટલે બધે લાંબા થવાની ક્યાં જરૂર હતી ? ક્યારેક ક્યારેક સિધ્ધપુર કૉલેજમાં દાખલ થઈને ભણતા મારા મિત્રો શાંતુ, જગો (ત્રિભોવન), એમ.કે., બીડી અને બીજા બધાની ઈર્ષા આવતી. નસીબદાર છે આ બધા. એમના જીવનમાં ખાલી ભણવાની જગ્યા અને ચોપડીઓ બદલાયા સિવાય કશું જ નથી બદલાયું. એ જ રાજપુર, એ જ ઝાંપલીપોળ, એ જ મંડીબજાર, એ જ જમચકલો અને એ જ સરસ્વતી નદીનો પ્રવાહ અને પૂલ. ક્યારેક થતું કેટલી મોટી કિંમત હું ભવિષ્યમાં કાંઈક મેળવીશ એ આશાએ ચૂકવી રહ્યો હતો. ક્યારેક એક ગાંડો વિચાર પણ મનમાં ઝબકી જતો કે આટલા બધા માર્ક લાવવાની ક્યાં જરૂર હતી ? હાથે કરીને પગ પર કૂહાડો માર્યો ને ?
અને ત્યારે...
વડોદરાની જિંદગીમાં ધીમે ધીમે સેટલ થઈ રહેલા જય નારાયણ વ્યાસના મનમાં ઉત્તર ગુજરાતની એક અતિ પ્રચલિત કહેવત ઝબકી જતી.
“બેટા ! કુણે કીધું તું કે બાવળીયે ચઢજો.”
બિલકુલ સાચું. જયનારાયણ વ્યાસ હાથે કરીને બાવળીયે ચઢ્યા.
હવે બાવળીયે ચઢ્યા છે તો શૂળો તો વાગશે જ.
વડોદરા એમ. એસ. યુનિવર્સિટીમાં ભણવાનો અભરખો...
એક નાના તળાવની માછલીને મોટા સરોવરમાં ખેંચી લાવ્યો હતો.
નસીબદાર હતો મારો ભત્રીજો અશ્વિન....
કદાચ મારા કરતાં ડાહ્યો પણ...
એણે અમદાવાદ સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લીધું.
કેવી મજા આવત ?
બંને કાકો-ભત્રીજો એક જ કૉલેજમાં ભણત.
વધારામાં માસીનું ઘર અને અમારો સમવયસ્ક ચંદ્રવદન.
વડોદરા જેવી કોઈ હાઈફાઈ જિંદગી નહીં.
જલસા પડી જાત ને બાપુ ?
પણ અહીં તો....
હાથનાં કર્યા હૈયે વાગ્યાં હતાં
જય નારાયણ વ્યાસ જાતે કરીને બાવળીયે ચઢ્યા હતા.
કહેવત છે...
વધારે ડાહ્યો વધારે ખરડાય !