રણ છોડીને ભાગે તે રણછોડ ? કે પછી
રણ (ઋણ-દેવું)માંથી મુક્તિ અપાવે તે રણછોડ?
મા અચૂક મને જે મંદિરમાં લઈ જતી એ મંદિર એટલે સિદ્ધપુરના વૈષ્ણવ મંદિરોમાં અત્યંત પ્રાચીન અને રાધાકૃષ્ણના મંદિરની લગભગ સામે આવેલું રણછોડજીનું મંદિર. અત્યારે તો એનો જીર્ણોદ્ધાર કરાવીને આ મંદિર એકદમ સજી ઉઠ્યું છે. આ જીર્ણોદ્ધાર કરવામાં એક જમાનામાં જોશીઓની ખડકીમાં રહેતા ભાઈશ્રી જ્યોતિન્દ્રભાઈ ત્રિવેદી (ગુરુ)નું મહત્વનું યોગદાન છે. જેમના બંગલામાં હું ભણીગણીને ગ્રેજ્યુએટ થયો અને મારા લગ્ન થયા ત્યાં સુધી એટલે કે ૧૯૭૨ સુધી મારું પરિવાર રહ્યું તે નટવરગુરુ એટલે કે નટવરલાલ ચકુભાઈ ત્રિવેદી અને એમના ભાઈ ઈશ્વરગુરુ સિદ્ધપુરના બે ખૂબ વિદ્વાન અને સંસ્કારી પંડિતો દૂરના સંબંધે મારા ફૂઆ થાય. આખી જિંદગી ઈશ્વરફૂઆ અને નટવરફૂઆ એ નામે જ તેમનો મેં આદરસહ ઉલ્લેખ કર્યો. સમગ્ર ગામ અને આજુબાજુનો વિસ્તાર તેમને ગુરુના નામે જાણે, ખુદ જયદત્ત શાસ્ત્રીજી પણ જેમની વિદ્વતા માટે આદર ધરાવે એવા આ બે પરમ પ્રતાપી ભૂદેવો. નટવરફૂઆનું સંતાન એટલે ભાઈ અક્ષય ત્રિવેદી, આજે હયાત નથી પણ ઈશ્વરફૂઆના દીકરા ભાઈ જ્યોતીન્દ્ર આમ તો અમારા શહેરપ્રમુખ નાગેન્દ્રભાઈ ઠાકર સાથે સાળા-બનેવીના સંબંધે જોડાયેલા આજે પોતાનું જીવન ભગવાન દત્તાત્રેયને સમર્પિત કરી અત્યંત સાત્વિક જીવન જીવી રહ્યા છે. જ્યોતીન્દ્રભાઈ ઈશ્વરલાલ ત્રિવેદીના સતત પ્રયાસ અને ભગવાનના આશીર્વાદથી રણછોડજીનું મંદિર આજે ઝળાંહળાં છે. એ મંદિરમાં પ્રવેશીએ અને મૂર્તિ સમક્ષ ઊભા રહીએ એટલે એક દિવ્ય તેજ અને શાંતિનો અનુભવ આજે પણ થાય છે.
જૂનું મંદિર થોડુંક અંધારિયું હતું. લોખંડના સળિયાની જાળીઓ અને લાકડાનું બાંધકામ એની વિશેષતા હતાં. મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ અહીંયાં એક મોટો વીંઝણો હતો. આ મંદિરમાં અનેક સત્સંગો થતા પણ શ્રાવણ વદ એકમથી આઠમ સુધી યોજાતા અખંડ ભજનનો ઉત્સવ ઇ.સ. ૧૮૯૦થી ચાલે છે. અનેક પ્રસંગોએ આ ધૂન/ભજન ચાલતી હોય ત્યારે મા ખાસ દર્શન કરવા લઈ જતી. પૂર્વ જન્મના સંસ્કાર કહો કે ગમે તે, શ્રીની મૂર્તિ સમક્ષ જે દિવ્ય વાતાવરણ રચાતું ત્યાંથી ખસવાનું મન નહોતું થતું.
આવું આ રણછોડજીનું મંદિર, એના વિષે તો વિગતે વાત કરીશું પણ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ રણછોડ કેમ પડ્યું તે જાણી લઈએ. કથા કંઈક આ પ્રમાણે છે –
મુચકુંદ રાજા સત્યયુગમાં માંધાતા રાજાને ઘેર જન્મ્યા હતા. તેઓ મહા બળવાન હતા. તેમણે દેવો માટે દૈત્યો સામે એક હજાર વર્ષ યુદ્ધ કર્યું અને દેવોને વિજય અપાવ્યો. આથી દેવતાઓ પ્રસન્ન થયા અને રાજાને વર માગવા કહ્યું. ત્યારે પોતાને લાગેલ અત્યંત થાકથી મુચકુંદ રાજાએ વરદાન માગ્યું કે ‘હું નિરંતર નિદ્રા કરતો રહું અને મને જગાડે તે બળીને ભસ્મ થઇ જાય આવું વરદાન આપો.’ તેથી દેવોએ તથાસ્તુ કહીને રૈવતાચળ પર્વતની એક ગુફા બતાવી જેમાં રાજા નિદ્રાધીન થઇ ગયા. રાજા સૂતા રહ્યા અને દ્વાપર યુગ શરૂ થઇ ગયો. આ યુગમાં હલઘર બળરામજી અને ગિરિધર શ્રીકૃષ્ણ યુગાવતાર થયા. તેમણે કંસને મારીને મથુરા નગરી કબ્જે કરી. આથી આ વેરનો બદલો લેવા કંસના શ્વશુર જરાસંઘ રાજાએ કાલયવનની મદદ લઇ સંયુક્ત ચડાઇ કરી અને મથુરા નગરીને ઘેરી.
આ કાલયવન એટલે ઋષિ શેશિરાયણનો પુત્ર. ઋષિ શેશિરાયણ ત્રિગત રાજ્યના કુલગુરૂ હતા અને તેઓ એક અનુષ્ઠાન કરી રહ્યા હતા જેમાં તેમને બાર વરસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હતું. કોઇએ તેમને નપુંસક છો એવું કહેતા તેમને લાગી આવ્યુ અને તેમણે ભગવાન મહાદેવની તપસ્યા કરી અને મહાદેવ પ્રસન્ન થતા તેમણે મહાદેવ પાસે એક એવા પુત્રનું વરદાન માંગ્યું કે જે અજેય હોય, કોઇ તેને હરાવી ના શકે અને બધા શસ્ત્રો તેની સામે નિસ્તેજ થઇ જાય જેથી કોઇ તેનો સામનો ના કરી શકે. ભગવાન મહાદેવે તથાસ્તુ કહ્યું અને અપ્સરા રંભાથી ઋષિ શેશિરાયણને એક બાળકનો જન્મ થયો. યવન રાજ્યના મહારાજ કાલજંગને કોઇ સંતાન ન હોવાથી તેમણે ઋષિ શેશિરાયણ પાસે આ બાળકની માંગણી કરી અને ઋષિ શેશિરાયણે આ બાળક તેમને આપી દીધું. ત્યારથી આ બાળકનું નામ કાલયવન પડ્યું અને તે યવન રાજ્યનો રાજા બન્યો. મહાદેવના વરદાનથી સુરક્ષિત અજેય કાલયવનને કોઇ હરાવી નહોતું શક્તું જેથી તેની અનિષ્ટતા અને દુરાચાર વધતો જતો હતો.
એક વાર કાલયવને નારદજીને પુછ્યું કે તે કોની સાથે યુદ્ધ કરે જે પોતાના સમાન વીર હોય. ત્યારે નારદજીએ કાલયવનને યદુકુળમણિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાનું કહી તેનું મૃત્યુ નિશ્ર્ચિત કરી દીધું.
મથુરા પર ચડાઇ કરતી વખતે કાલયવન પણ યુદ્ધમાં શામેલ થયો. કાલયવને મથુરા નરેશ પર સંદેશ મોકલાવ્યો અને એક દિવસની મુદત આપી. ભગવાન કૃષ્ણએ પણ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો પણ એક શરત રાખી કે યુદ્ધ કાલયવન અને પોતાની વચ્ચે જ થવું જોઇએ. આટલી મોટી સેનાઓને શું કામ લડાવવી?
યુધ્ધ શરૂ થયું અને શ્રી કૃષ્ણ મથુરામાંથી બહાર આવ્યા. જેવો કાલયવન શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા માટે દોડ્યો કે ભગવાન પોતાની પીઠ દેખાડીને ભાગવા લાગ્યા. બધા અચરજ પામી ગયા. ભગવાન શ્રીકૃષ્ણ રણના આ ઘેરામાંથી ભાગ્યાં તેથી તે ‘રણછોડ’ કહેવાયા.
તેઓ આ યુદ્ધમાંથી છટકીને ભાગ્યા, પડકારા કરતા દોડતા-ભાગતાં સત્યયુગથી રાજા મુચકુંદ જ્યાં સૂતા હતા ત્યાં પહોંચ્યા અને ગુફામાં સુતેલા રાજાને પોતાનું પીતાંબર ઓઢાડીને સંતાઇ ગયા. કૃષ્ણને મારવા પાછળ પડેલ કાલયવન પણ અહીં સુધી પહોંચી ગયો અને મુચકુંદ રાજાને કૃષ્ણ સમજી ઠોકર મારી જગાડ્યા. આથી સૂતેલ રાજા જાગી ગયા અને યવન ઉપર રાજાની નજર પડતાં તે બળીને ભસ્મ થઇ ગયો. આમ કાલયવન જે ભગવાન શ્રી કૃષ્ણથી પણ મરે તેમ ન હતો તેનો નાશ કરવા શ્રી કૃષ્ણએ આવી લીલા કરી.
એક બીજો પણ તર્ક ક્યારેક સાંભળવા મળ્યો છે. ભગવાન કૃષ્ણ એટલે જેમણે સુદામાને દરિદ્રયમાંથી મુક્ત કર્યા, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી. આમ રણછોડ એ ઋણ છોડનું અપભ્રંશ થયું હોય તેવું પણ બની શકે. દેવામાંથી છોડવે, દરિદ્રયમાંથી મુક્તિ આપે તે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ એટલે રણછોડજી.
જેને જે તર્ક સ્વીકારવો હોય તે સ્વીકારે, કોઈ વિવાદ નહીં. પણ એક વાત તો નક્કી છે, રણછોડ એ રણછોડ છે એને ભજનાર પછી દ્રૌપદી હોય, સુદામા હોય કે નરસૈયો હોય, બોડાણો કે પછી મીરાં, કોઈને એણે નિરાશ નથી કર્યા. એ હંમેશાં ભક્તનો થઈને રહ્યો છે. હાથી જેવા પાણીએ પણ મગર પાણીમાં ખેંચી જતો હતો ત્યારે ભગવાનનું સ્મરણ કર્યું, બચાવવા માટે પ્રાર્થના કરી ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુએ પ્રગટ થવું પડ્યું અને એને બચાવ્યો એ ‘ગજેન્દ્રમોક્ષ’ની વાત નાનો હતો ત્યારે મા કહેતી. મા હંમેશાં એક ભજન ગાતી જેની પંક્તિઓ હતી –
હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.
આ ભજન આજે પણ મારા પ્રિય ભજનોમાંનું એક છે. ક્યારેક માનવ સ્વભાવ નિરાશા તરફ દોરી જાય ત્યારે અનેક વખત માના કંઠેથી સાંભળેલી આ પંક્તિઓ ‘હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે’ મારી હિંમત પાછી લાવી છે.
લ્યો...
આવજો ત્યારે...
કાલે મળીશું. મંડીબજારથી મહેતા ઓળ જતાં પંચમુખી હનુમાન વટાવીને ડાબા હાથે રાધાકૃષ્ણના મંદિરની સામે રણછોડજીના મંદિરમાં.
જય રણછોડ
જય રણછોડ
જય રણછોડ