 
					
એક શહેર હતું.
શહેરમાં એક શાહ સોદાગર રહે.
દોમદોમ સાહ્યબી અને ધમધમતો વેપાર.
આ શાહ સોદાગરને ત્યાં પૌત્રનો જન્મ થયો.
મૂડી કરતાં પણ વ્યાજ વહાલું હોય એ ન્યાયે આ નવાગંતુકને આવકારવા શાહ સોદાગરે ગરીબગુરબાંને દાન કરવા પોતાના ભંડારો ખુલ્લા મૂક્યા.
સાધુ સંતોનો અત્યાર સુધી કદીયે ન થયો હોય એવો ભંડારો કર્યો.
દેવમંદિરોમાં પૂજાવિધિ સાથે સારી એવી ભેટ મૂકી.
પોતાના વાણોતરોને ખાસ બક્ષિસ આપી રાજીના રેડ કરી નાખ્યા.
આ ઉજવણીના ભાગરૂપે...
સમગ્ર નગરને મિષ્ટાન્ન જમાડવા ધુમાડાબંધ ચોર્યાસી કરી.
આખું નગર એક રસોડે જમ્યું.
એ દિવસે કોઈને ત્યાં ચૂલો સળગ્યો નહીં.
જે જમવા ન આવે તેવા સાધુસંતો અને મંદિરોને પ્રસાદના થાળ ધરાવ્યા.
આખું નગર જાણે નાના શેઠની વધામણીના આ પ્રસંગે આનંદી ઉઠ્યું.
જમણવાર પૂરો થયો.
છેવટે વ્યવસ્થામાં જે ટુકડી હતી તેણે પોતે જમવા બેસતાં પહેલાં
મનોમન ‘કોઈ રહી તો નથી ગયું ને’ એ વિચારી એકબીજા સાથે ચર્ચા આદરી.
ચર્ચા દરમિયાન એક નાની ભૂલ પકડાઈ.
આખીય વ્યવસ્થામાં એક ક્ષતિ રહી ગઈ હતી તે બહાર આવી.
વાત જાણે કે એમ હતી કે...
નગરની બહાર થોડે જ દૂર ઉગમણા દરવાજે આવેલા એક શિવાલયની બાજુમાં એક સન્યાસી પોતાની મઢૂલી બનાવીને રહેતા હતા.
થોડા જ સમય પહેલાં ક્યાંક ઉત્તર બાજુથી આવ્યા અને અહીં રોકાઈ ગયા.
નદીનું મૂળ અને સાધુનું કુળ ન જોવાય.
આ સન્યાસી લોકો સાથે બહુ ઓછું ભળતા.
મોટા ભાગે શિવની પૂજાઅર્ચના અને ઇશની આરાધનામાં વ્યસ્ત રહેતા.
આ સાધુ મહારાજને થાળ મોકલવાનું ભુલાઈ ગયું હતું.
ઉતાવળે ઉતાવળે થાળ પીરસીને તૈયાર કર્યો.
બે યુવાનો સાધુ મહારાજની મઢૂલી તરફ ચાલી નીકળ્યા.
સંધ્યાનો સમય હમણાં જ પૂરો થયો હતો. રાતનું અંધારું હવે જમીન પર ઉતરી રહ્યું હતું.
પેલા બે યુવાનો થાળ લઈને મઢૂલીએ પહોંચ્યા.
મહારાજ ત્યારે આંગણામાં આવેલ લીમડી નીચે પોતાની પાટ ઉપર આડા પડ્યા હતા.
પેલા બંનેને જોયા એટલે બેઠા થયા.
નમો નારાયણની આપલે થઈ.
પેલા બે માણસોએ પોતાના આવવાનું પ્રયોજન સમજાવી થાળ ક્યાં મૂકે તેમ પૂછ્યું.
સાધુએ કહ્યું, ‘ભાઈ ! સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો મારો નિયમ છે એટલે મેં જમી લીધું. હવે મારે આ થાળ કોઈ ખપનો નથી.’
પેલા બંને જણાએ વિનંતી કરતાં કહ્યું, ‘બાપજી ! આમાં મિષ્ટાન્ન છે. તે બગડી નહીં જાય. સવારે નાસ્તામાં કામ આવશે. આપ અનુમતિ આપો તો આ મિષ્ટાન્ન અલગથી ઢાંકી દઈએ.’
આ વાત સાંભળી પેલા સાધુએ ચહેરા પર સ્મિત લાવી કહ્યું, ‘ભાઈ ! સવારની ચિંતા હું અત્યારે શું કામ કરું? જો આ ભોળિયા શંભુએ ધાર્યું હશે તો સવારમાં મિષ્ટાન્ન મારા સુધી પહોંચી જશે. નહીં તો એને ધરાવેલી જે કાંઇ લૂખીસૂખી રોટી છે તે મારે મન તો પાંચ પકવાન કરતાં પણ વધારે છે. એના આશ્રયે પડ્યો છું, મારી ચિંતા એ કરશે જ. સવારની વાત સવારે. આપે મને સંભારીને આટલે સુધી ધક્કો ખાધો, આભાર. અને...
શેઠના પૌત્રને મારા અંતરના આશીર્વાદ.
ઈશ્વર સૌનું કલ્યાણ કરે.
આપનું પણ કલ્યાણ થાય.
ૐ નમઃ શિવાય.
હર મહાદેવ.
પધારો ત્યારે.’
વાત આમ નાની લાગે પણ જેણે દાંત આપ્યા છે તે ચાવણું આપી જ રહે છે એવી દ્રઢ શ્રધ્ધા હોય તો જ આવી અવધૂતી મસ્તીમાં જીવી શકાય.
હાયવોય કરીને દોડાદોડી કરવાથી ફાયદો નથી.
કર્મ કરવું જોઈએ કારણ કે બેઠા બેઠા તો કશું જ મળતું નથી.
પણ આસક્તિ કે લાલચ વગર.
લોભ તો બિલકુલ નહીં.
ગુજરાતના એક સમયના સૌથી વધુ સુયોગ્ય અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ચુસ્ત ગાંધીવાદી શિક્ષણમંત્રી શ્રી નવલભાઈ શાહે પોતાના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રગટ થયેલ ‘અમૃત પ્રવેશે’ પુસ્તકમાં એમના ૭૫ વર્ષના જીવનકાળ દરમિયાનનાં સંભારણાને અક્ષરદેહ આપ્યો છે.
એના પાન. ૫૬ અને ૫૯ પર કંઈક આમ લખાયું છે.
“કર્મયોગીએ કામ કે સ્થળની પણ આસક્તિ રાખવી ન જોઈએ. તે પાછળ દોડવું ન જોઈએ. જે કામ માટે જીવનની તૈયારી હશે તે કામ બારણા ઠોકતું આવશે. ભગવાનની જે ઈચ્છા હશે તે કામ તારી પાસેથી લેશે.
કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે એને અનુકૂળ ભૌતિક સામગ્રીઓ પણ આવી મળે છે. સાચી શ્રદ્ધાને માણસ વળગી રહે તો આવા અનેક અનુભવો જીવનમાં થાય, ને થયા છે... શ્રદ્ધા ને શુભ ભાવો જીવનનું મોટામાં મોટું બળ છે.”
આટલું સમજાઈ જાય તો બ્લડપ્રેસર, ડાયાબિટીસ અને તણાવમાંથી મુક્ત થઈ જવાય.
ગુજરાતમાં આજે દર પાંચમા વ્યક્તિએ એકને ડાયાબિટીસ છે.
બ્લડપ્રેશર ઘેર ઘેર પહોંચ્યું છે.
માણસ તણાવમાં જીવે છે.
ડિપ્રેશન એટલે કે હતાશાનો શિકાર બને છે.
પરિણામ ?
આયુષ્ય હોય એટલું તો ભોગવાય છે
પણ...
જીવનની ગુણવત્તા નંદવાઇ જાય છે.
“જે કામ માટે જીવનની તૈયારી હશે તે કામ બારણા ઠોકતું આવશે. ભગવાનની જે ઈચ્છા હશે તે કામ તારી પાસેથી લેશે.”
નવલભાઈની વાતમાંથી બસ આટલું સમજાઈ જાય
જીવન અલખને આધારે અને વિશ્વાસે જીવાઈ જાય તો...
બ્લડપ્રેસર, ડાયાબિટીસ કે હતાશા ઢુંકડાં ન આવે.
તમારા હાથમાં જ આ ચાવી છે.
જીવનની ગુણવત્તા નંદવાઇ ન જાય તેવું
ભર્યું ભાદર્યું જીવન જીવવાની.
 
                    













