ગુલઝાર સાહેબ સરસ્વતીના એક એવા પૂજારી જે પોતાના અવિરત શબ્દપ્રવાહમાં જીવનના ગમે તેવા અઘરા સત્યને પણ સરળતાથી કહી દે. ગુલઝાર સાહેબ ચાર પંક્તિઓમાં પણ આપણને સંબંધોનો કે જીવનનો અર્થ સમજાવી દે અને લાંબી લાંબી વાર્તા પણ લખી શકે. આજે આ સિધ્ધહસ્ત સાહિત્યકાર, શાયર, કવિ એવા ગુલઝાર સાહેબની એક એવી રચના રજૂ કરવી છે જે માત્ર થોડી પંક્તિઓમાં જીવનનાં રહસ્યો કહી દે છે.
એ કહે છે ‘યે જિંદગી હૈ યારોં પલ પલ કટેગી’, સલાહ આપે છે, એકલા નહીં રહેવાની, ખ્વાહીશોમાં નહીં ખેંચાઇ જવાની અને પછી હળવાશથી કહી દે છે ‘મુલાકાતેં ના સહી આહતે આતી રહેની ચાહિયે’. આ જીવન ક્ષણિક છે અને ક્યારેક તસવીર ઉપર લાગેલા રંગની માફક આપણે ઊડી જઈશું, એનું કોઈ ઠેકાણું નથી એમ કહેતા ગુલઝાર સાહેબ કહે છે –
બોલી બતા દેતી હૈ ઇન્સાન કૈસા હૈ
બહસ બતા દેતી હૈ જ્ઞાન કૈસા હૈ
ઘમંડ બતા દેતા હૈ કિતના પૈસા હૈ
સંસ્કાર બતા દેતે હૈ પરિવાર કૈસા હૈ
આમ છતાંય આગળ વધીને ગુલઝાર સાહેબ આપણને ચેતવે છે કે –
‘બસ જો હૈ યે આજ હૈ જિંદગી’
તમે નથી વીતી ગયેલી ક્ષણના માલિક રહેતા કે નથી આવતી ક્ષણ આપણા હાથમાં. જે છે તે બસ વર્તમાનની આ જ ક્ષણ છે, એને જીવી લો.
અને છેલ્લે...
ગુલઝાર સાહેબની આ સમગ્ર રચનાના અર્ક સમી ચાર પંક્તિઓ –
જીવન કી કિતાબોં પર
બેશક નયા કવર ચઢાઈએ,
પરંતુ બિખરે પન્નો કો,
પહલે પ્યાર સે તો ચિપકાઇએ
જીવનના જર્જરિત થઈ ગયેલા પુસ્તકનાં વિખૂટાં પડી ગયેલાં પાનાં ચીપકાવવાં એટલે સંબંધોની સાંધણી, જે માટે ઘમંડ, અભિમાન, લોભ, મોહ, મત્સર અને બીજું ઘણું બધું ઊંડા ધરામાં ફેંકી આવવું પડે. છે તૈયારી?