લગ્નની વિધિ પૂરી થઈ ગઈ હતી.
થોડા સમય પહેલાંનાં વરઘોડિયાં હવે નવવિવાહિત પતિપત્ની બની ચૂક્યાં હતાં.
કન્યાવિદાયનો વખત થવામાં હતો.
વરવધૂ કૂળદેવતાને અને ગોત્રજને પગે લાગી ચૂક્યાં હતાં.
વિદાયની આખરી રીતરસમના ભાગરૂપે બારણે કંકુનાં થાપા દેવાઈ ચૂક્યાં હતાં.
અત્યાર સુધી હરખે ઉભરાતું વાતાવરણ એકાએક ગંભીર બની રહ્યું હતું.
દીકરીની વિદાયની ઘડી લગભગ આવી પહોંચી હતી.
દીકરીની વિદાયનો પ્રસંગ આમેય આકરો હોય છે.
વિદાય થતી દીકરીની મા જમાઈને કાંઈક પૂછી રહી હતી -
આ પ્રશ્ન નહીં એક જાતની ખાતરી લેવાનો પ્રયાસ હતો -
સાસુમા જમાઈને પૂછી રહ્યાં હતાં -
“તમે મારી દીકરીને બરાબર જાળવશો ને ?
અમે એને હથેળીનો છાંયડો કરી ફૂલની જેમ ઉછેરી છે.
પાણી માગ્યું ત્યાં દૂધ આપ્યું છે.
એની એકેએક ખુશીનો ખયાલ રાખ્યો છે.
અમારી દીકરી હવે તમને સોંપું છું.
એને ખુશ તો રાખશો ને?
એના સુખ અને ખુશીની તમે મને ખાતરી આપશો જમાઈરાજ?”
એક ક્ષણનાય વિલંબ વગર...
પેલા મીંઢળબંધા વરરાજાએ જવાબ આપ્યો – “જી બિલકુલ નહીં.”
આજુબાજુમાં આ સાંભળતાં સહુ કોઈ હેબતાઈ ગયાં.
વરરાજાએ સાવ આવો જવાબ તો અપાતો હશે?
સાસુમા પ્રશ્નાર્થ નજરે જમાઈ સામે જોઈ રહ્યાં હતાં.
જવાબ આપવાનો વારો હવે જમાઈનો હતો.
ધીરગંભીર અવાજે જમાઈ પોતાની સાસુને કહી રહ્યો હતો –
“તમારી દીકરી, જે હવે મારી પત્ની છે, તેના પ્રત્યેની દરેક જવાબદારી હું અત્યંત કાળજીપૂર્વક અને ગંભીરતાપૂર્વક નિભાવીશ.
મારી ફરજમાં જરાય ઉણો નહીં ઉતરું.
પણ...
હું તમારી દીકરીને સુખી ન કરી શકું.
સુખ તો એણે જાતે જ શોધવું પડશે.
સુખી તો એણે પોતે થવું પડશે, એમાં કોઈ મદદરૂપ નહીં થઈ શકે.
એણે પોતે સુખી રહેવાનો વિકલ્પ અને રસ્તો જાતે જ પસંદ કરવાનો છે.
કારણ કે...
તમારી લાગણીઓના માલિક તમે પોતે જ છો.
તે જ રીતે તેની લાગણીઓની માલિક તમારી દીકરી પોતે જ છે.
સુખ, ધિક્કાર, પ્રેમ કે ગુસ્સો... તમારી પાસે જે છે તે જ તમારે વહેંચવાનું છે.
તમારી પાસે જે છે તે જ તમે વહેંચી શકો છો.
જેવું તમે આપશો તેવું મેળવશો.
તમે તમારી દીકરીને સરસ રીતે ઉછેરી છે એટલે સરસ મજાનાં સંસ્કાર પણ આપ્યા છે.
સાસુમા ! મારા કરતાં પણ તમે તમારા ઉછેર પર વધારે વિશ્વાસ રાખો.
છેવટે તો જે મૂડી તમે આપી છે તેમાંથી જ તમારી દીકરીએ વહેવાર કરવાનો છે.
કોઈ પણ પરિસ્થિતીને અનુકૂળ થવું અને એમાંથી સુખ શોધવું એ
વ્યક્તિના ઘડતરનો પાયો છે.
અને જો પાયો બરાબર નખાયો હશે તો ઇમારત તો મજબૂત બનવાની જ છે.
હું એમાં ખભેખભો મિલાવીને તમારી દીકરી સાથે ઊભો રહીશ.
મારી ફરજમાં ક્યાંય ઉણો નહીં ઉતરું.
એ સુખી થાય એ માટેનો બધો જ પ્રયત્ન પૂરી ગંભીરતાથી મારો હશે.
પણ સુખી તો એણે પોતે જ થવાનું છે.”
જમાઈનો જવાબ પૂરો થયો.
મોટરનું પૈડું સીંચાઇ ગયું હતું.
ગાડી ચાલવા માંડી.
એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી પેલી મા એને જોતી રહી.
જેટલો એને જમાઈનાં શબ્દોમાં વિશ્વાસ હતો તેટલો જ એને પોતે દીકરીને આપેલા સંસ્કારમાં હતો.
એનું આંતરમન કહી રહ્યું હતું...
દીકરી સુખી થશે, થશે અને થશે જ.
બરાબર એ સાથે જ એની બંને આંખમાંથી એકએક આંસુ ધસી આવ્યું.
પણ... એ આંસુ ચિંતા કે દુ:ખનું નહીં
હરખનું હતું.
પોતાની દીકરીને સાચું ઘડતર આપ્યું હતું એના વિશ્વાસમાંથી નીપજેલ હરખનું.
દીકરીના સુખી ભવિષ્યના વિશ્વાસનું.