પુરી એક અંધેરી ને ગંડુ રાજા
એક શ્લોક છે -
કુગ્રામવાસઃ કુલહીનસેવાકુભોજનં ક્રોધમુખી ચ ભાર્યા ।
પુત્રશ્ચ મૂર્ખો વિધવા ચ કન્યા
વિનાગ્નિના ષટ્પ્રદહન્તિ કાયમ્ ॥
અર્થ થાય -
કુગ્રામવાસ એટલે કે અયોગ્ય અથવા ભૂંડા ગામમાં વસવાટ. દુર્જનની સેવા. અપથ્યકારક એટલે કે વિપરીત ગુણવાળું ભોજન. હંમેશા ક્રોધિત રહેતી અથવા વારંવાર ક્રોધિત થઈ જતી ઝઘડાળુ પત્નિ. નાની ઉંમરે વિધવા થયેલ કન્યા અને બુદ્ધિહિન અથવા મૂર્ખપુત્ર એ માણસને અગ્નિ વિના જીવતો બાળી નાંખે તેવી વેદનાનું કારણ બનતાં હોય છે.
સૌથી પહેલા આવે ‘કુગ્રામવાસઃ’. પ્રશ્ન થાય કે આની વ્યાખ્યા કઈ રીતે બાંધવી? વિચારીએ તો પહેલું એવું ગામ કે જ્યાં નઠારા લોકો રહેતા હોય, નીતિમત્તા નેવે મૂકાઈ હોય, દુર્જનોની બોલબાલા હોય, સજ્જનતા ખૂણો પકડી બેઠી હોય, જેની લાઠી તેની ભેંસ અને બળિયાના બે ભાગનો ન્યાય હોય, સારું ને નરસું બધું એક જ લાકડીએ હંકારાય, ટૂંકમાં જ્યાં સારાસારનો વિચાર જ વિસરાઈ ગયો હોય તેવા લોકોનો સમૂહ જે ગામ કે નગરમાં રહેતો હોય ત્યાં કદીયે રહેવું નહીં. આ સમૂહમાં મૂરખાઓ પણ આવી જાય. એવું કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. એટલે વેતા વગરનો, વહીવટની સૂઝ વગરનો, વિવેકહિન રાજા જ્યાં રાજ્ય કરતો હોય ત્યાં પણ રહેવું ખૂબ જ જોખમી છે. આવા શહેરમાં કે રાજ્યમાં, જ્યાંની રાજ્ય વ્યવસ્થા બુદ્ધિહિન લોકો સંભાળતા હોય, ત્યાં પ્રગતિની ગમે તેટલી ઝળાંહળાં હોય, વેપારવણજ એકદમ ફૂલફટાક ચાલતાં હોય અને દોમદોમ સાહ્યબી રસ્તામાં આળોટતી હોય તો પણ આવા નગરમાં રહેવામાં સલામતી નથી. અને ક્યારેક તો ‘નાદાનકી દોસ્તી અને જીવનું જોખમ’ જેવો ઘાટ થઈ જતો હોય છે. રાજા મૂર્ખ હોય એટલે માત્ર ‘કુગ્રામવાસ’ જ નહીં પણ ‘કુલહીનસેવા – દુર્જનસ્ય સેવા’ એટલે કે જે લાયકાત ન ધરાવતો હોય તેવા વ્યક્તિની જીહજુરી અથવા નોકરી કરવી એમ બે-બે જોખમો ઊભા થાય. આ રાજ્યમાં રહેનારનું માથું કે મિલકત ક્યારેય સલામત નથી એવી વાત કવિશ્રી દલપતરામે એક સુંદર દ્રષ્ટાંત કાવ્યના માધ્યમથી કહી છે. પાત્રો બદલાય, સમય બદલાય, સ્થળ બદલાય પણ જેને કોઠાસૂઝનું જ્ઞાન કહે છે એ જ્ઞાન થકી કહેવાયેલી અનુભવસિદ્ધ કથાઓ સનાતન સત્ય બની જતી હોય છે, એમનો મર્મ ક્યારેય બદલાતો નથી. દલપતરામનું આ વ્યંગકાવ્ય કોઈ પણ ટીકા ટિપ્પણી વગર જેમ છે તેમ જ નીચે રજૂ કરું છું. આજે પણ ક્યાંકને ક્યાંક આ ‘પુરી એક અંધેરીને ગંડુ રાજા’વાળી વાત જીવંત થઈને આપણી સામે આવે છે. આજે આવું બને છે એવું નહીં, ભવિષ્યમાં પણ બનતું રહેશે, એમાં કોઈ શંકા રાખ્યા વગર કવિશ્રી દલપતરામ રચિત આ વ્યંગકાવ્ય વાચકમિત્રોને સમર્પિત.
અંધેરી નગરી ને ગંડુ રાજા
પુરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.
ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”
ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.
ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”
ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.
રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.
તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.
“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”
કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂક એ ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”
પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”
મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.
ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ
શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”
ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુએ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.
-દલપતરામ
અને છેલ્લે...
એક ખાસ વિનંતી
ક્યાંય કોઈએ કોઈના પણ ઉપર અથવા પોતાની જાત ઉપર બંધબેસતી પાઘડી પહેરાવી દેવાનો કે પહેરી લેવાનો પ્રયોગ કરવો નહીં!