હું સારવાર આપું છું, એ સાજા કરે છે...
ડોક્ટર એટલે નાના બાળકને જેનું નામ સાંભળીને બીક લાગે અને મોટાને ક્યારેક સારવારનો ગંજાવર ખરચો કેટલે જઈ પહોંચશે તેના વિચારમાત્રથી ધ્રુજારી છૂટી જાય તે. આ આજની સ્થિતિ છે. મોટા મોટા ડોક્ટરો ભણે છે પણ ઘણું બધું. કેટલાક તો ત્રીસ-બત્રીસ વરસે ભણી રહે. મોટી કેપિટેશન ફી આપી હોય એટલે સ્વાભાવિક છે કે એમનું જ્ઞાન લેવું હોય તો એની ફી પણ એ પ્રમાણે હોય. વળી પાછા જાતજાતના ટેસ્ટ કરાવવાના એ લટકામાં. જેટલા સાહેબ મોટા એટલું મોઢું ગંભીર. સાહેબના ત્યાં મોટી લાઇન લાગે એટલે એમના વાણોતર પણ એવા જ રુવાબદાર. આજે ગરીબ માણસનું ગજું નથી માંદા પડવાનું. અને સરકારી હોસ્પિટલોને આડેધડ વખોડનાર સમાજના એ કહેવાતા બોલકા વર્ગને એ ખબર નથી કે સરકારી દવાખાનું ન હોય તો ગરીબ માણસ માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કાંઇ ના હોય.
અમારા સમયમાં આવું નહોતું. ત્યારે એક સંસ્થા અસ્તિત્વમાં હતી. ‘ફેમિલી ડોક્ટર’ તરીકે ઓળખાતી એ સંસ્થા નાડી જોઈને નિદાન કરતી અને આખા ઘરની મેડિકલ હિસ્ટરી મગજમાં ભરી રાખતી. મોટે ભાગે તો ટીકડી અને મિક્ષ્ચર કાફી થઈ જાય. ઇન્જેકશન આપવું પડે એ તો બહુ મોટી વાત ગણાતી. એ ફેમિલી ડોક્ટર ૧૦૦માંથી ૯૯ કેસ પોતે જ નિપટાવતો. અને ૨૫ પૈસાથી ૫૦ પૈસા જેટલી ફીમાં કામ પતી જતું. ઉધારી પણ ચાલે. અમારા સિદ્ધપુરમાં એક ડોક્ટર વિઝિટમાં જાય અને દરદીના ઘરમાં ગરીબી સિવાય કશું જોવા ન મળે તો ઉપરથી દવા અને ફ્રૂટ ખરીદવા માટે પૈસા આપતા આવે! એ ડોક્ટર નહોતા, દાદા હતા, આખા ગામના દાદા. ગરીબો માટે ફરિશ્તા.
આજે આવા ડોક્ટરોની પેઢી વિલીન થતી જાય છે ત્યારે મારા ફેમિલી ડોક્ટર ડૉ. સુધીરભાઈ મોદી વિશે શૈલજા કાલેલકર પરીખના પુસ્તક ‘હવેલીનું વૃક્ષ’માં એક સરસ મજાનો લેખ ‘હું સારવાર આપું છું, એ સાજા કરે છે...’ વાંચવામાં આવ્યો. સુધીરભાઈ એટલે મૃદુભાષી અને સાવ નિસ્પૃહી વ્યક્તિત્વ. ૧૯૭૫થી મારો પરિચય. ક્યારેય ગુસ્સે થયેલા નથી જોયા. શૈલજાબેને એમના વિષે લખ્યું છે એ મારા મતે તો ઘણું ઓછું છે. ડૉ. સુધીર મોદી એ એક ઉત્તમ ફેમિલી ફિઝિશિયન અને ડોક્ટર તો છે જ પણ એથીય આગળ એક ઉત્તમ માણસ છે. એમની વાણી, વ્યવહાર અને વર્તનમાં મેં હંમેશા માનવતાની મહેંક અનુભવી છે.
ડૉ. સુધીરભાઈ વિષે શૈલજાબેને લખેલ લેખ એમના ઋણસ્વીકાર સાથે એમનો એમ ઉતારું છું.
હું સારવાર આપું છું, એ સાજા કરે છે...
એમનું આખું વિશ્વ વીસ ફૂટ બાય બાર ફૂટના એક રૂમમાં સમાઈ જાય છે! આના એક ભાગમાં પાર્ટીશન કરેલું છે જ્યાં દર્દીઓને તપાસી શકાય. જોકે એમાં કોઈ બારણું નથી એટલે જેટલા દર્દીઓ આવે છે તેને કાંઈ ખાનગી નથી તેવી અનુભૂતિ થાય છે. રૂમના બીજા ભાગમાં ડિસ્પેન્સરી છે જેમાં એક ટેબલ છે અને પેથોલૉજીનાં નાનાં સાધનો છે જ્યાં નાની શસ્ત્રક્રિયા અને પેથોલૉજીની સામાન્ય તપાસ કરવામાં આવે છે. એક નાના થડામાં દવાઓનાં ખોખાં અને રંગબેરંગી ટીકડીઓ ધરાવતી બૉટલો છે. અહીં આવનારા અભણ દર્દીઓ આ દવાઓને વિસ્મયથી જોઈ રહે છે.
ડૉક્ટર સુધીરભાઈ બહુ ઓછું બોલનારા, સરળ વ્યક્તિ છે. હું એમને વર્ષોથી ઓળખું છું કારણકે હું મારા બીમાર પિતાજીને એમની પાસે લઈ જતી. મને એમની જેવા માટે ડૉક્ટરો માટે ડર લાગે છે. તેઓ એવા પ્રકારના ડોક્ટર છે જે નામશેષ થઇ રહ્યા છે! જૂના જમાનાની ભાષામાં સુધીરભાઈ એક ‘ફેમીલી ડોક્ટર’ છે. એ એમના દર્દીઓને જ નહીં પણ દર્દીઓના કુટુંબને પણ જાણે છે. બધાની ખાસિયતનો એમને પરિચય છે. એમને એ પણ ખબર છે કે દર્દીઓ માત્ર દવાથી સાજા નથી થતા. જેમ ઘણા માળીઓ પાસે વનસ્પતિને પારખવાની આગવી કલા હોય છે એમ ડોક્ટર સુધીરભાઈના સ્પર્શમાં ઉપચાર કરવાની આગવી કલા છે. આ માત્ર નિદાન કરીને દવા લખી દેવાથી ઘણું વધારે છે.
અમારા ઘર પાસે એક ઝૂંપડપટ્ટી છે. ત્યાંના પુરુષો રંગકામ, લારી ખેંચવાનું, મકાન બનતું હોય ત્યાં દૈનિક મજૂરીનું કામ કરે છે. બધી મહિલાઓ આજુબાજુના ઘરમાં કચરા-પોતાં તથા કપડા-વાસણ સાફ કરવાનું કામ કરે છે. એમાંના કમુબહેન અને શાંતાબહેન મારે ત્યાં સિઝન હોય ત્યારે ઘઉં અને ચોખા સાફ કરવા આવે છે. તેઓ ભગવાનને સુધીરભાઈનું હંમેશા કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરે છે.
કમલાબહેને કહ્યું, ‘બહેન, પૂર આવ્યું ત્યારે અમારા આખા ઘરમાં પાણી ભરાઈ ગયું! બધા દાણા સડી ગયા. એક ઈંચ જેટલી પણ કોરી જગ્યા ન રહી. બધે ગંદકી ફેલાણી. આખી વસ્તીમાં બધાને ઝાડા થઈ ગયા અને તાવ આવી ગયો. અમારાથી ચાલીને દવાખાના સુધી જવાય એમ જ નહોતું. અડધી રાત્રે મારા એ ડૉક્ટરને બોલાવવા ગયા. ડૉક્ટર તરત આવ્યા અને એટલું જ નહીં તેમણે આખી વસ્તીની સારવાર કરી. બધા ઝૂંપડામાંથી ‘ડૉક્ટર, ડૉક્ટર’ના સંભળાતા હતા. કાંઇ બધા ડૉક્ટરો અમારા જેવા લોકો માટે રાતે નથી આવતા. અને ખબર છે?’ એમણે ઘઉં વીણતાં જરા અટકીને કહ્યું, ‘અમે કેટલાય મહિના પછી એમની ફી આપી! પૂરે તો અમારું સત્યાનાશ વાળી દીધેલું પણ ડૉક્ટરસાહેબે અમારી પાસેથી ક્યારેય પૈસા ન માગ્યા!’
શિયાળાની ઠંડીની સાંજે જ્યારે એમનું દવાખાનું દર્દીઓથી ઊભરાતું હોય છે ત્યારે સુધીરભાઈ ડરી ગયેલાં બાળકોને સરસ સ્મિત આપીને તેમનાં કફ ભરેલાં ફેફસાં તપાસે છે. સ્ટેથોસ્કોપ બાળકની છાતી પર મૂકતાં પહેલાં પોતાની હથેળીમાં રાખીને તેને ગરમ કરે છે, રખે ને બાળક તેના ઠંડા સ્પર્શથી ચોંકી ન જાય!
મારા પિતાજીને હાડકાનું સેકન્ડ સ્ટેજનું કેન્સર હતું. તેઓ ડોક્ટર સુધીરભાઈ પાસે કેમોથેરાપીનાં ઇન્જેક્શન લેતા. દર વખતે પિતાજી પોતાનો ખભો પકડીને કહેતા, ‘ડૉક્ટર, અહીં બહુ પીડા થાય છે.’ આનો કોઇ ઉપચાર નહોતો અને જે કાંઈ સારવાર અપાતી હતી તે માત્ર દર્દ ઓછું કરવા માટે હતી, છતાં ડૉક્ટર અનુકંપા સાથે સરસ સ્મિત આપીને કહેતા, ‘એકવાર ઇન્જેક્શનનો કોર્સ પૂરો થઈ જશે ને, પછી ઘણું સારું લાગશે.’ પછી તે મારા પિતાજી સાથે એમના પુત્રની વાતો કરતા. પિતાજીની આંખમાં ચમક આવી જતી! ત્યારબાદ એ આ વયસ્ક અને થોડા થાકેલા ડૉક્ટર સાથે એમના પુત્રનાં ‘પરાક્રમો’ની અવનવી વાતો કરતા!
ચંપાબહેન એક હૃષ્ટપુષ્ટ રબારી મહિલા છે. તેઓ એવાં તો વાતોડિયા સ્વભાવના છે કે કોઈ સાધુની ધીરજની પણ હદ આવી જાય! તે પોતાના દીકરાને લાવીને કહે છે, ‘આ મારા દીકરાને કોફી (કફ) થઈ ગયો છે.’ બધાને ગુજરાતીમાં વાતો કરતી વખતે અંગ્રેજી શબ્દો બોલવાનો શોખ હોય છે! ચંપાબેન આગળ કહે છે, ‘સાહેબ, આને ગયે વખતે દીધો એવો લાલ સિરપ આપી દ્યો ને! ગયે વખતે ઇ એનાથી જ સાજો થઈ ગયો હતો.’
ઘણીવાર એમ થાય કે ચંપાબહેન ડૉક્ટર પાસે શું કામ આવે છે? એમને ખબર છે કે શું રોગ છે, એમને એ પણ ખબર છે કે કઈ દવા લેવાની છે. આ રીતે ભારે શરીરવાળા મગનભાઈ જણાવે છે, ‘સાહેબ, મને મલેરિયા થયો છે.’ કોઈને પણ તાવ આવે તો એ મલેરિયા હશે એમ માની લેવામાં આવે છે. મગનભાઈ રસ્તા ઉપર ડોક્ટરોનાં પાટિયા જુએ છે અને મોટાં ક્લિનિક જુએ છે પણ ઇલાજ કરાવવા તે હંમેશાં સુધીરભાઈ પાસે આવે છે. એમને ખબર છે કે બીજા ડોક્ટરો અવિવેકી ભાષામાં વાત કરશે જ્યારે આ ડૉક્ટર એની વાત શાંતિથી સાંભળશે.
મગનભાઈ એમ પણ કહે છે, ‘ડોક્ટરસાહેબ, મને કેપ્સુલ નહીં આપતા, મને કેપ્સ્યુલ નથી સદતી! મને ટેબ્લેટ આપો.’
આ વાત વૈજ્ઞાનિક રીતે સાબિત નથી થઈ પરંતુ ડૉક્ટર મગનભાઈ સાથે વાદ-વિવાદમાં નથી પડતા. એ તો મગનભાઈની વાત ગંભીરતાથી સાંભળી, એમને તપાસીને કેપ્સ્યૂલને બદલે ટેબ્લેટ લખી આપે છે!
ચોમાસા દરમિયાન અને તેની પછી રોગચાળો ફાટી નીકળે છે. (મુખ્યત્વે આ રોગો અશુદ્ધ પાણીને કારણે થતા હોય છે માટે વિકસિત દેશોમાં ઓછા પ્રમાણમાં થાય છે.) આ સમયે ડોક્ટર સુધીરભાઈ સવારથી લઈને મોડી રાત સુધી દર્દીઓને તપાસે છે. ઘણી વાર તો રાતના અગિયાર વાગ્યા સુધી દવાખાનું ચાલુ રહે છે! મેં ઘણી વાર જોયું છે કે આવે વખતે ડૉક્ટર તદ્દન થાકી ગયા હોય અને કંટાળી ગયા હોય તોપણ દર્દીઓ સાથે તો એ વિવેકપૂર્ણ રીતે જ વર્તે છે.
એક વરસાદી રાતે મેં ડોક્ટર સુધીરભાઈને રામલીની સારવાર કરતાં જોયેલા. રામલી એક ગરીબ, દુર્બળ સ્ત્રી છે જે તેનાં ત્રણ માંદલાં બાળકો સાથે એકલી રહે છે. એનાં ત્રણેય છોકરા તે વખતે તેની સાથે હતાં અને રડતાં હતાં. સુધીરભાઈએ નાની દીકરીની સારવાર પૂરી કરી ત્યારે રામલીએ એમને જણાવ્યું કે એની પાસે પૈસા નહોતા. સુધીરભાઈએ એને જ્યારે સગવડ હોય ત્યારે પૈસા આપવાનું કહ્યું અને ડાયરીમાં જાણે હિસાબ લખતા હોય એમ કાંઈક લખ્યું. પરંતુ રામલીને અને મને ખબર હતી કે સુધીરભાઈ આ ‘હિસાબ’ ફક્ત રામલીનું સ્વમાન ન ઘવાય એના માટે ‘લખે’ છે. રામલીના સંજોગો એવા હતા કે ક્યારેય સુધીરભાઈને પૈસા આપી શકે એમ નહોતી. વળી આ કાંઈ પહેલી વાર નહોતું કે જ્યારે રામલીએ એના જીવનના સંઘર્ષ અને બાળકોના સ્વાસ્થ્ય માટે સુધીરભાઈની મદદ માગી હોય.
મેં આ ડૉક્ટરને ઘણાં વર્ષોથી પ્રેક્ટિસ કરતાં જોયા છે. તેઓ કાંઈ એટલા અમીર નથી. હું જ્યારે એમના ક્લિનિકમાં બેસીને મારો વારો આવે તેની રાહ જોતી હોઉં છું અને બીજા દર્દીઓની માંદગી, દર્દ, અછત, દુઃખ અને અસાધ્ય બીમારીઓ જોઉં છું ત્યારે હું મારી નગણ્ય ‘તકલીફો’ને કેટલી મોટી ગણું છું એ વિચારીને મને ઘણો ક્ષોભ થાય છે.
મને ઘણી વાર થાય કે ડૉક્ટર સુધીરભાઈ એવા ડોક્ટર છે જે હિપોક્રેટસે (આધુનિક આરોગ્યશાસ્ત્રના પ્રણેતા) કલ્પેલા અને જેની વ્યાખ્યા હિપોક્રેટિક ઓથમાં કરવામાં આવેલી છે. ડૉક્ટરો અભ્યાસ પૂરો કરીને આ હિપોક્રેટિક ઓથ લેતા હોય છે જેમાં તબીબી વ્યવસાયના આદર્શો, સિદ્ધાંતો અને ખાનદાનીનું વર્ણન કરવામાં આવેલ છે અને ડૉક્ટરોને એ પ્રમાણે આ વ્યવસાયમાં ગૌરવ અને પ્રમાણિકતાપૂર્વક કામ કરવા પ્રતિજ્ઞાબદ્ધ કરાય છે.
એક વખતે મેં સુધીરભાઈની પ્રશંસા કરી કે તેઓ ઉચ્ચતમ કક્ષાનું કામ કરી રહ્યા છે અને એક આદર્શ ડૉક્ટર છે. જવાબમાં તેમણે તેમનું લાક્ષણિક સ્મિત કર્યું અને ઉપર રહેલા એક બોર્ડ તરફ ઈશારો કર્યો, જેમાં લખેલું, ‘હું સારવાર કરું છું, ભગવાન ઉપચાર કરે છે.’ I treat, He cures'.