‘સ્વર્ગસ્થ શંભુભાઇ પટેલ શિક્ષણ પ્રતિભા એવોર્ડ’
સ્વર્ગસ્થ શ્રી શંભુદાદા એટલે એક સંનિષ્ઠ સહકારી આગેવાન અને જરૂરિયાતમંદ અને દીનદુખિયાઓ માટે સતત લાગણીથી ધબકતું વ્યક્તિત્વ. મુશ્કેલીમાં હોય તેવો કોઈ પણ માણસ શંભુદાદા પાસેથી ખાલી હાથે પાછો ના આવે. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ કોર્પોરેશન એટલે એક જમાનામાં લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સ્થાયી અસ્ક્યામતો માટે ધિરાણ કરતું ગુજરાત સરકારનું એક અગ્રણી નિગમ. શંભુદાદા એના ચેરમેન નિમાયા ત્યારથી મારી સાથે એમનો પરિચય. નિગમના કામ અર્થે સુરતથી આવે અને અઠવાડિયે દસ દિવસે એકાદ વખત એમની રાત્રીસભામાં જોડાવાનું બને. ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇના પિતા શ્રી કાનજીભાઇ દેસાઇ એમના રાજકીય ગુરુ. ખેડાના પાટીદારને સુરતમાં સ્થાયી કરવામાં પ્રેરણા અને સહકાર આપનાર વ્યક્તિ એટલે કાનજીભાઈ. કાનજીભાઈ પોતે બહુ મોટા જાગીરદાર, ખૂબ મોટી જમીનો. ગાંધી માર્ગે ચાલીને એમણે બધું ગણોતિયાને નામે કરી દીધું. એમને પોતાને ફરવા માટે એક સગરામ હતું. મોટર આવી એટલે સગરામની જરૂર પૂરી થઈ પણ કાનજીભાઈએ વિચાર્યું કે આ સગરામ અને ઘોડા તો વેચી મારીશું પણ વરસોથી કોચમેન તરીકે કામ કરતા માણસનું શું? કાનજીભાઈએ આ માણસને જીવનપર્યંત આજીવિકા મળતી રહે તેવી જોગવાઈ કરી આપી એક આદર્શ માલિક તરીકેનો દાખલો પૂરો પાડ્યો. આદરણીય દિનશાભાઈ પટેલે શાહીબાગ ખાતે સરદાર સ્મારકમાં ઓડિટોરિયમ બાંધવાનું નક્કી કર્યું ત્યારે શંભુદાદાએ એક કરોડ ઉપરાંત રૂપિયાનું દાન આપ્યું પણ કાનજીભાઈ દેસાઈના નામે. એવો આ મુઠ્ઠી ઊંચેરો માણસ. સુરતમાં સહકારી બેંક ઉપરાંત બાલમંદિરથી શરૂ કરી કોલેજ સુધીનું શિક્ષણ પુરુ પાડતી તેમની શૈક્ષણિક સંસ્થાઓ. મન લાગી ગયું હશે તે તાપી નદીના કિનારે મા અન્નપૂર્ણાના મંદિરનો એમણે જીણોદ્ધાર કર્યો. આવા શંભુદાદાની સ્મૃતિમાં ‘સ્વર્ગસ્થ શંભુભાઇ પટેલ શિક્ષણ પ્રતિભા એવોર્ડ’ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે સુરત જિલ્લાના વિજ્ઞાન અને કોમર્સ વિષય લઈને એ-વન ગ્રેડ સાથે પાસ થનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સન્માનવામાં આવે છે. તારીખ પહેલી માર્ચ ૨૦૨૦ના દિવસે સવારે દસ વાગ્યે આ કાર્યક્રમ સુરતમાં રંગભવન ખાતે ઉજવાઈ ગયો. આ કાર્યક્રમ છેલ્લાં ત્રણ વરસથી યોજાય છે. મારા માટે આ બીજી વખત કાર્યક્રમમાં હાજર રહેવાનું બન્યું. શ્રીમતી આઈ. વી. પટેલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચના અધ્યક્ષ શ્રી સનિલભાઈ પટેલના આગ્રહ આને માટે કારણભૂત. મારી સાથે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને હાલ સ્ટેટ પ્લાનિંગ કમિશનના અધ્યક્ષ માનનીય શ્રી નરહરીભાઈ અમીન હતા. અધ્યક્ષસ્થાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશભાઈ ઠાકર હતા. બારમું જેમણે ગઈ સાલ પસાર કર્યું અને અત્યારે મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા કોર્સમાં જોડાયા છે તેવા લગભગ ૨૯૫ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સારી ગુણવત્તાથી બારમું ધોરણ પસાર કરનાર અને હવે કોલેજિયન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ચહેરા પર કંઈક વિશેષ પ્રાપ્તિની ઝલક અને યુવા સહજ ઉત્સાહ જોઈ શકાતો હતો.
નાત-જાત કે ધર્મના કોઈ પણ ભેદભાવ વગર આ તેજસ્વી તારલાઓને સન્માનવાનું કામ સ્વ. શંભુદાદાની ગાંધીવિચાર જીવનપદ્ધતિ સાથે સંપૂર્ણ સુસંગત હતું. કાર્યક્રમનું આયોજન અત્યંત સુચારું રીતે કરવામાં આવ્યું હતું અને પોતાને એવોર્ડ મળી ગયો હોવા છતાં પણ શાંત રહીને આ સમગ્ર કાર્યક્રમ માણવા માટે ઉપસ્થિત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, તેમના કુટુંબના સંસ્કાર તેમજ જે શાળાનું તેઓ પ્રતિનિધિત્વ કરતા હતા એ તમામને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો.