ચંદનના એ પ્લોટ જેવું જીવન મોટા ભાગે લોભ, લાલચ કે ઈર્ષ્યાની આગમાં કોલસા પાડવા કે પછી કોઈકને નડતરરૂપ બની બળતણ તરીકે જ વપરાતું હોય છે.
એક રાજ્યમાં લુહારનું એક નાનું પણ સુખી કુટુંબ રહે.
લુહાર ખૂબ અચ્છો કારીગર
જાતજાતની વસ્તુઓ એક વાર જોઈ લે એટલે અદ્દલ બનાવી શકે.
ખેડૂતોમાં એ ખૂબ પ્રિય, કારણ કે એનાં બનાવેલાં ઓજાર ધાર્યું કામ પાર પાડે.
અને ગજવેલની તલવાર બનાવવાની એની હથોટી તો કાબિલેતારીફ.
એક વખત એણે ખૂબ પાણીદાર તલવાર બનાવી. કલાત્મક મૂઠ એના ઉપર ફીટ કરી. સુંદર મજાના મ્યાનમાં એને મૂકી.
દશેરાના દિવસે આ તલવાર એણે રાજાના ચરણોમાં ભેટ ધરી.
લુહારની આ કારીગીરી જોઈને રાજા ખુશ થઈ ગયો.
દક્ષિણ ભારતનું એ રાજ્ય સુખડના વન માટે ખૂબ જાણીતું.
રાજાએ સુખડના વનમાંથી એક પ્લોટ પેલા લુહારને બક્ષિસ આપી દીધો.
થોડા મહિના વિત્યા. એક દિવસ રાજાને વિચાર આવ્યો, ‘લાવ, આજે આ લુહારની સ્થિતિ વિષે જાણું.’
એણે તપાસ કરાવી.
લુહાર સુખી તો હતો પણ એની સ્થિતિ જેમની તેમ જ રહી હતી.
હા. એને એક ફાયદો થયો. હવે ભઠ્ઠીમાં બાળવા માટે લાકડું અને કોલસા બહારથી નહોતા લાવવા પડતા !
રાજા ખુદ એના ત્યાં આવ્યો.
પેલા ચંદનના પ્લોટ વિષે એણે પૃચ્છા કરી.
લુહાર તો એમાંથી લાકડું કાપી ભઠ્ઠીમાં બાળતો હતો.
એ માટેની કુહાડીને પણ એણે એ જ લાકડાનો હાથો બનાવીને તૈયાર કરી હતી.
રાજાએ પેલા લુહારને કુહાડીમાંથી હાથો કાઢી નાખવાનું કહ્યું.
ત્યારબાદ એણે પેલા લુહારને ચંદનના લાકડાના વેપારીને ત્યાં મોકલ્યો.
પેલા વેપારીએ તો ચંદનના આ લાકડાની પરખ કરી
સારા એવા પૈસા ચૂકવી આપ્યા.
લુહાર રાજીના રેડ થઈ ગયો.
એને ત્યારે રાજાએ જે ભેટ આપી હતી તેની કિંમતનો ખ્યાલ આવ્યો.
અત્યાર સુધી તો એણે એ લાકડું માત્ર બાળવા માટે જ વાપર્યુ હતું.
અને આમ લાકડાં કાપતાં કાપતાં આખો ચંદનના વનનો પ્લોટ સફાચટ કરી નાખ્યો હતો.
આપણા જીવનનું પણ કંઈક આવું જ છે ને?
ઈશ્વરે તો આપણને ચંદનના બાગ જેવું જીવન આપ્યું છે
આપણી અણસમજમાં આપણે એને વેડફીએ છીએ.
જ્યારે આ અમૂલખ સંપત્તિની કિંમતનો આપણને ખ્યાલ આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
ચંદનના એ પ્લોટ જેવું જીવન મોટા ભાગે લોભ, લાલચ કે ઈર્ષ્યાની આગમાં કોલસા પાડવા કે પછી કોઈકને નડતરરૂપ બની બળતણ તરીકે જ વપરાતું હોય છે.
આપણે આ જેટલું વહેલું સમજીએ એટલું સારું છે.
નહીંતર...
પેલા લુહારની માફક ચંદનનો આખો પ્લોટ ઉજડી જાય ત્યારે...
આપણને એની કિંમત સમજાય તો પણ..
એનો કોઈ જ અર્થ નથી.
કોલેજકાળ દરમ્યાન એક નાટક જોયું હતું – સુખના સુખડ જલે
યાદ આવે છે એના ટાઇટલ સોંગની પંક્તિઓ
સુખનાં સુખડ જલે મારા મનવા
દુ:ખના બાવળ બળે
સુખડ જલે ને પડે રાખની ઢગલી
બાવળના કોયલા પડે મારા મનવા
સુખનાં સુખડ જલે