આમ તો સિદ્ધપુર કહેવાય પણ હું જ્યાં ઉછરીને મોટો થયો એ નટવરગુરુનો બંગલો અને બાજુમાં જયદ્રથ શાસ્ત્રીજીની પાઠશાળા રાજપુરની બહાર. એ જમાનામાં સાવ વગડો એવી જગ્યા. વીજળી તો છેક ૧૯૬૫માં આવી. બાકી નાનીમોટી વસ્તુ જોઈતી હોય તો સિદ્ધપુર જ જવું પડે. અમે રહેતા હતા એની આજુબાજુ શાક-પાંદડુંય ન મળે. સિદ્ધપુર જવાના બે રસ્તા – એક રાજપુર ગામ વીંધીને વ્હોરવાડમાં થઈ ઝાંપલી પોળ જવાય અને ગોગા બાપજીનું મંદિર, ચેલદાસ ખુશાલદાસનું તમાકુનું કારખાનું, દેવસ્વામીનો બાગ અને ત્યારબાદ આંબલીના તોતિંગ વૃક્ષોની હારમાળાના રસ્તે સિકોતરમાતાના મંદિર થઈ પશુવાદળની પોળમાંથી દાખલ થવાય. ડાબા હાથે ખળખળ કરતાં સરસ્વતી નદીનાં પાણી વહ્યાં જાય (૧૯૮૦માં સરસ્વતી સુકાઈ). લગભગ એકાદ કિલોમીટર જેટલો રેત ખૂંદતા જવાનો રસ્તો. આમ સરેરાશ ગામમાં એટલે કે સિદ્ધપુર જવું હોય તો અઢી-ત્રણ કિલોમીટર ચાલવું પડે. છઠ્ઠા ધોરણ સુધી તો હું રાજપુરની મારા સમયમાં ત્રણ ઓરડાવાળી પ્રાથમિક શાળામાં ભણ્યો અને સાતમા ધોરણથી પછી સિદ્ધપુર. ઘરેથી મારી નિશાળ અને હાઈસ્કૂલ લગભગ ત્રણ કિલોમીટર કરતાં વધારે થતી હશે પણ દોસ્તારો સાથે વાતવાતમાં રસ્તો ટૂંકો લાગે. આવા આ ગામમાં મારા બાપ રોજ સવાર-સાંજ બે બખત ચક્કર મારે. રેલવેની નોકરી પૂરી થયા બાદ થોડોક સમય એમણે શબ્દરચના હરીફાઈઓના એજન્ટ તરીકે કામ કર્યું અને ત્યારબાદ રેલવેમાં કોઈનું પાર્સલ ખોવાયું હોય તો એના ક્લેમ પાસ કરાવવા માટેનું નાનુમોટું કામ કરે જાય. હું કોલેજમાં ગયો, કોલેજ પૂરી થઈ. IITમાં ભણ્યો, એ ભણવાનું પણ પૂરું થયું. તે વખતે મારા બાપાની ઉંમર ૭૦ વરસની ઉપર હશે. મારી મા સાજીમાંદી રહ્યા કરે પણ બાપા ખડતલ. ઉનાળાના ધોમધખતા તડકામાં પણ એ હાથમાં પાંચ કિલો વજન ઉપાડીને ચાલ્યા આવે. કોઈ દિવસ મેં એમને થાકેલા નહોતા જોયા. એક દિવસ અમારે ત્યાં મહેમાન આવેલા. મારા બાપા ઉનાળાની એ ગરમીમાં લગભગ દોઢ વાગ્યે ઘરે પાછા આવ્યા ત્યારે એમના હાથમાં પાકી કેરીની થેલી હતી. એ જમાનામાં એક રૂપિયાની પાંચ શેરથી સાત શેર એટલે કે અઢી થી ત્રણ કિલો સારી કેરી મળતી. આ માણસ બે રૂપિયાની ૧૪ શેર કેરી એટલે કે લગભગ છ કિલો કેરી ખરા બપોરનાં ધોમધખતા તાપમાં ઊંચકી લાવ્યા. પેલા મહેમાને કહ્યું કે અરે, આટલી ગરમીમાં આટલું બધું વજન લઈને ચાલતાં તમને થાક નથી લાગતો? ત્યારે મારા બાપાએ હસતાં હસતાં જવાબ આપેલો, જુઓ, તમારે તો દીકરાઓ મોટા થઈ ગયા. પરણાવી દીધા. એટલે થાક લાગે પોસાય. મારે તો હજુ દીકરાને પરણાવવાનો છે. એટલે મારી ઉંમર તમારી માફક મને ઘરડો કરી નાખે તે ચાલે તેમ નથી. હું આજે પણ એ જ ધગશ અને શક્તિથી કામ કરી શકું છું જે અગાઉ કરી શકતો હતો. ઉંમર તો આપણે ધારીએ તો થાય અને ન ધરીએ તો ન થાય. શરીર શરીરનું કામ કરવાનું પણ મનોબળ મજબૂત રાખો તો મારી માફક કામ કરી શકો.
જીવનનો એક મોટો પદાર્થપાઠ જાણ્યે અજાણ્યે એ દિવસે મારા માનસપટલ પર અંકાઇ ગયો. મનોબળ તમને દોરે છે અને માનનીક રીતે ઘરડા થવું કે ન થવું એ તમારા હાથની વાત છે. એકાએક આજે આ દાખલો યાદ આવી ગયો જ્યારે માર્ટિના નવરાતીલોવા, જે ટેનિસની રમતના ક્ષેત્રે એક દંતકથારૂપ મહિલા ખેલાડી છે, તેનો કિસ્સો વાંચવામાં આવ્યો. નવરાતીલોવાને કોઈ પત્રકારે પૂછ્યું કે તમે હવે ૪૦ વટાવી ચૂક્યા છો ત્યારે તમારાથી યુવાન અને તરવરિયા ખેલાડીઓ સાથે રમતા તમને દહેશત નથી લાગતી? નવરાતીલોવાએ તે પત્રકારને બહુ સરસ જવાબ આપ્યો. તેણે કહ્યું કે હું જે બોલને શૉટ મારું છું તેને મારી ઉંમર થોડી ખબર હોય છે? એ તો હું જે દિશામાં અને જે જોરથી મોકલવા ધારુ છું તેને અનુસરે છે. અને એટલે એને મારી ઉંમરનો બાધ નથી આવતો.
કેટલી સરસ વાત છે, નહીં? ઉંમરના માનસિક ભારથી તમે દબાઈ જાવ તો સરવાળે ચોક્કસ તે તમારી ક્ષમતાને રૂંધે છે. તમે હતાશ થાવ કે મનોવૈજ્ઞાનિક દબાવ નીચે આવો.
નવરાતીલોવાનો આ જવાબ વાંચી ફરી એકવાર મારા બાપાની વાત યાદ આવી ગઈ. છેક ૮૦ વરસની ઉંમર થયા બાદ પણ એ આ ત્રણ-ચાર કિલોમીટરનું ચક્કર પાંચ કિલો વજન ઉપાડીને સહજતાથી કાપી શકતા હતા. ક્યારેક કોઈ ટોકે તો હસીને એને સરસ મજાનો જવાબ આપે અને કોઈ વિવેક ખાતર આ થેલી પકડી લેવા માંગે તો ખૂબ પ્રેમપૂર્વક એને જરાય ખોટું ના લાગે તે રીતે સાહજીકતાથી ના પાડી દે.
આજે નવરાતીલોવાના દાખલા પરથી ભૂતકાળ યાદ આવી ગયો. જનમ તારીખ અને જનમનું વરસ તમે ઘરડા છો કે યુવાન તે નક્કી નથી કરતું. તમારી માનસિકતા અને મનોબળ તમને વહેલા અથવા મોડા ઘરડા કરે છે. નવરાતીલોવાનો દાખલો યાદ રાખીએ. એથીય આગળ જવું હોય તો મહાત્મા ગાંધીને અનુસરીએ. ગાંધીજી કેટકેટલું કરતા હતા. ૨૫૦૦૦ જેટલા તો એમણે પત્રો લખ્યા છે, દાંડીકૂચ, વાઈસરોયથી માંડીને અનેક બ્રિટિશ અધિકારીઓ સાથે વખતોવખત મીટિંગ, અને બીજાં અનેક કામ. આ બધું હોવા છતાંય ગાંધીજીના મોં પર કદી તણાવ જોયો છે?