हा हन्त हन्त नलिनीं गज उज्जहार...
માણસ પોતાના ભવિષ્ય માટે હંમેશાં સકારાત્મક અને રંગીન કલ્પનાઓ કરતો હોય છે. ખાસ કરીને યુવાનીનો કે ચઢતી જવાનીનો સમય હોય ત્યારે એની કલ્પનાઓ વધારે પડતી મહત્વકાંક્ષી બને છે. ભારતીય જનતા પાર્ટીની રચના થઇ ત્યારે અટલજીએ જે કલ્પના કરી હતી તે શબ્દોમાં કંઈક આ રીતે વ્યક્ત થઇ હતી -
अँधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा
વાસ્તવમાં આ ઘટના કમળની અંદર કેદ થયેલા ભમરાની કલ્પના છે. એક ભમરો છે જે કમળના ફૂલની સુગંધથી આકર્ષિત થઈને એનો આનંદ લે છે. તે આનંદ, કમળની એ સુગંધ, એને એટલો તો જકડી રાખે છે અને ભાન ભુલાવી દે છે કે સૂરજ ઢળી જાય છે એનો એને ખ્યાલ નથી રહેતો. સુરજના ઢળવાની સાથે જ કમળની પાંખડીઓ બિડાઇ જાય છે અને કમળના એ બીડાયેલા ફૂલમાં ભમરો કેદ થઈ જાય છે. આ રીતે કેદ થયેલો ભમરો શું વિચારે છે? અને શું બને છે? એનું વર્ણન નીચેના શ્લોકમાં આપ્યું છે.
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम्
भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः ।
इत्थं विचिन्तयति कोशगते द्विरेफे
हा हन्त हन्त नलिनीं गज उज्जहार ॥
અર્થ થાય છે રાત્રી વિદાય લે છે. પ્રભાતની લાલીમા સાથે એક સરસ મજાની સવારનો ઉદય થાય છે. સુરજ ફરી પાછો ઉદય થશે અને આ બિડાયેલુ કમળ એની પાંખડીઓ ખોલીને સૂર્યના કિરણોને આવકારતું હસી ઉઠશે. આ પહેલી બે પંક્તિઓનો અર્થ થયો - ભમરો સુંદર સવારની કલ્પનામાં રાચી રહ્યો છે. સવાર થવાની એને રાહ છે. સૂર્ય ઉગતાની સાથે જ આ કેદમાંથી મુક્ત થવાનું છે.
પણ.....
એ આ વિચારે છે તેવું થાય છે ખરું?
કમળની પાંખડીઓ વચ્ચે સપડાયેલો આ ભમરો આવી સુંદર કલ્પનાઓમાં રાચે છે ત્યાં તો હાથીઓનું એક ઝૂંડ આવી ચઢે છે. આ મદોન્મત હાથીઓ પાણી જોઈને તોફાને ચઢે છે.
અને...
ઓ ભગવાન !
એક હાથીની સૂંઢમાં જે કમળમાં ભમરો કેદ થયેલો છે તે ઉખડીને ક્યાંનું ક્યાં ફેંકાઇ જાય છે. હવે આ કમળ ક્યારેય ખીલશે નહીં. ભમરાની બધી જ રંગીન કલ્પનાઓના મહેલ કકડભૂસ કરતા તૂટી પડે છે. એક સુંદર સવારને બદલે પોતાની કાળરાત્રીનો એને સામનો કરવો પડે છે.
સંસ્કૃતમાં બીજું પણ એક વાક્ય છે –
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥
માત્ર શેખચલ્લીના વિચાર કરવાથી નહીં પણ મહેનતથી જ કાર્ય સિદ્ધ થાય છે. કમળની પાંખડીઓ તો કોમળ હોય. ભમરો લાકડું કોરીને પોતાનું ઘર બનાવે છે. કલ્પનામાં રચ્યા વગર એને જો ઉદ્યમ આદર્યો હોત તો કમળની પાંખડીઓમાં કાણું પાડીને બહાર નીકળવું એના માટે કોઈ મોટી વાત નહોતી.
આ આખીય ઘટનાનો બોધ એ છે કે ભવિષ્યની સુંદર કલ્પનાઓ કરવી એમાં ખોટું નથી પણ કલ્પનાના કેદી ન બની જવું છે.
છેવટે તો “સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય”. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા એ એમને એમ નથી કહેવાયું. જીવનમાં એવી પરિસ્થિતી ઘણીવાર આવે છે કે જ્યારે માત્ર કલ્પનાના ઘોડા ઉપર બેસીને જ આપણે સાત સમંદર પાર કરવા નીકળીએ છીએ. રસ્તામાં આવનાર તોફાન, અવરોધો કે ઘાતક પરિસ્થિતિઓનો સામનો કરવાનો આપણે વિચાર નથી કરતા. એક પ્રકારનો પ્રમાદ અને મોંહ બંને ભેગા થઈને આપણને ઘેરી વળે છે અને પછી છેવટે પરિણામ સ્વરૂપે એ જ કહેવાનું હોય છે.
हा हन्त हन्त नलिनीं गज उज्जहार….