બાબુલનાથથી નીચે ઉતરી અમે પેડર રોડ તરફ જવાના બદલે ચોપાટી તરફનો રસ્તો પકડ્યો. રાત શરૂ થઈ ચૂકી હતી. રોશનીનો ઝળહળાટ એટલો ભવ્ય હતો કે ભલભલો એનાથી અંજાઈ જાય. અમે થોડે દૂર જઈને દરિયા તરફની ફૂટપાથ ઉપર ઊભા રહ્યા. એ વખતે મને કે મારા બાપાને આ જગ્યાની અગત્યતા વિશે ઝાઝી ગતાગમ નહોતી. નજારો ભવ્ય હતો એટલે જોવાનું ગમ્યું.

આગળ જતાં મુંબઈ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજીનો અનુસ્નાતક કોર્ષ માટે દાખલ થયો ત્યારે મુંબઈને વધુ નજદીકથી જાણવાનો અને માણવાનો મોકો મળ્યો ત્યારે ખબર પડી કે, અરબી સમુદ્રની ગીરગામ ચોપાટીથી નરીમાન પોઈન્ટને જોડતો અંગ્રેજીમાં “C” આકારનો સાડા ચાર કિ.મી. લાંબો આ ડ્રાઈવ (રસ્તો) એક જમાનામાં કેનેડી રોડ તરીકે ઓળખાતો (જે નામ આજની પેઢીને તો સ્મરણમાં પણ નહીં હોય.) જે રીતે કોઈ સુંદર સ્ત્રીની ડોક પર અત્યંત મૂલ્યવાન હીરાનો નેક્લેસ શોભી રહે તે રીતે મુંબઈની શોભા બની રહેલ “C” આકારના આ ડ્રાઈવને “ક્વીન્સ નેક્લેસ” તરીકે ઓળખવામાં આવ્યો. મુંબઈ નગરીની આ “ક્વીન્સ નેક્લેસ” એક જોવાલાયક જગ્યા છે. દરિયાના કુદરતી કિનારા પર દિવાલ બાંધી કૃત્રિમ રીતે દરિયો ભરીને આ જમીન ઊભી કરાઈ છે એટલે એ રેક્લેમેશન કહેવાય છે. આ સમગ્ર રસ્તાનું નિર્માણ ડિસેમ્બર 18, 1915ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આમ, મુંબઈની આગવી ઓળખ બની રહેલ મરીન ડ્રાઈવે પોતાની હયાતીની શતાબ્દિ ઉજવી ચૂકી છે.

આગળ જતાં આ દિવાલના પાયાને ઘસારો ન પહોંચે અને એ ધોવાઈ ન જાય એ માટે બે ટન જવનનો એક એવા 6500 ટેટ્રાપોડ્ઝ (ચાર પગ ધરાવતા તોતિંગ પથ્થરો) થકી રક્ષણ આપવામાં આવ્યું છે. 1950માં આ ટેટ્રાપોડ્ઝ ફ્રાન્સ દ્વારા વિક્સાવવામાં આવ્યા અને 1958 મરીન ડ્રાઈવ માટે આયાત કરાયા હતા. ત્યારબાદ સ્થાનિક PWD દ્વારા ટેટ્રાપોડ્ઝના ઉત્પાદન માટેની ક્ષમતા હાંસલ કરાઈ છે.

બીજી એક ખાસ વાત, મરીન ડ્રાઈવ પર વિક્ટોરિયન અને ડેકો સ્ટાઈલનાં મકાનો બંધાયાં છે. ઘણા મરીન ડ્રાઈવવાસીઓ પણ નહીં જાણતા હોય કે, આ આર્ટ ડેકો બિલ્ડિંગનું ક્લસ્ટર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામ્યું છે. આ માળખું આખી દુનિયામાં બીજે નંબરે આવે છે. (પહેલા સ્થાને માયામી છે).

મરીન ડ્રાઈવથી જ જઈ શકાય તેવા બોમ્બે હાઈકોર્ટ, મુંબઈ યુનિવર્સિટી, સેન્ટ્રલ ટેલિગ્રાફ ઑફિસ, વિક્ટોરિયા ટર્મિનસ અને BMC બિલ્ડીંગ વિક્ટોરિયન ગોથીક આર્કિટેક્ચરના ઉત્કૃષ્ટ નમૂના છે.

જો કે, આ વધારાની માહિતી વાચકમિત્રો માટે રસપ્રદ નીકવડશે એમ માની લખ્યું છે. બાકી એ સમયે આમાંનું કશું જ જ્ઞાન મારા કે મારા બાપા પાસે નહોતું.

રાત વીતતી જતી હતી. સાંજે પરત પહોંચતાં મોડું થશે એમ લાગતું હતું એટલે રસ્તામાં આવતી એક ઊડીપીમાં અમે ઘૂસ્યા. મેનુ જોવાનો કોઈ અર્થ નહોતો કારણ કે એમાં લખેલી મોટાભાગની વાનગીઓ અમારા માટે આ અગાઉ ન સાંભળી હોય એવી હતી. દાખલા તરીકે “રસમ” શબ્દ પહેલીવાર સાંભળ્યો. “મસ્કાબન” શું કહેવાય એ ભગવાન જાણે. “ઉપમા” અને “ઉત્તપમ” કોઈ વિદેશી શબ્દો હોય તેવા હતા. છેવટે અમારા માટે બે જ વિકલ્પ હતા, પૂરી-ભાજી અથવા રાઈસ પ્લેટ. મારા બાપા જીવ્યા ત્યાં સુધી ભાતની બાધા લઈને જીવ્યા એટલે એ ભાત ખાતા નહોતા. પરિણામે અમે બંનેએ પુરી અને સૂકી ભાજી મંગાવી. ગોળમટોળ સરસ રીતે ફૂલેલી છ પૂરી અને એક પ્લેટમાં સૂકી ભાજી અમારી સામે મૂકાઈ. ઘરે બાફેલાં બટાકાંનું શાક અનેકવાર ખાધું હતું, પણ આ સૂકી ભાજીમાં સૂંકું મરચું નહોતું. લીલું મરચું, જીરૂં અને વધારામાં કઢી-પત્તાં (મીઠો લીમડો) નાંખીને બનાવેલ આ ભાજી ઘરના અગિયારસના દિવસે બનતા બાફેલાં બટાકાંના શાક કરતાં ઘણી સ્વાદિષ્ટ લાગી. એક પ્લેટના આઠ આના પ્રમાણે એક રૂપિયો બિલ આવ્યું. તે ચૂકવી અમે બહાર નીકળ્યા ત્યારે ક્વીન્સ નેક્લેસની રોશની સાચે સાચ હીરાના નેક્લેસનની જેમ ઝગારા મારતી હતી. દૂર દરિયામાં ઊભેલી સ્ટીમરોની લાઈટો અહીંથી જોઈ શકાતી હતી. આ દ્રશ્ય ખરેખર નયનરમ્ય હતું.

અમે વળી પદયાત્રા શરૂ કરી અને ચર્ચગેટ સ્ટેશને પહોંચ્યા. બોરીવલી માટેની ગાડી પકડી ત્યારે રાતના લગભગ અગિયાર વાગ્યા હતા. આશરે બાર વાગ્યે અમે ઘરે પહોંચ્યા ત્યારે માત્ર ગુરખો જાગતો હતો. ચૂપચાપ અમારા રૂમમાં જઈ કપડાં બદલી નિંદ્રાદેવીને શરણે થયા. આખા દિવસની રઝળપટ્ટીનો થાક હવે વરતાતો હતો, પણ આવતીકાલે અગિયાર વાગે ધોબીતળાવ પરીક્ષા માટે પહોંચવાનું હતું એની ફડક પણ એવી જ હતી. ગમે તેવી ચિંતાની પરિસ્થિતિમાં પણ નિંદ્રાની ઝપકી તો આવી જ જાય. સવારે પરીક્ષા છે એની આતુરતા જરૂર હતી. ચિંતા શબ્દ હજુ મારા શબ્દકોશમાં આવ્યો નહોતો કારણ કે ઘણીબધી ચિંતાઓ અમારી રોજિંદી ટેવ બની ગઈ હતી અને પરીક્ષાને મેં ક્યારેય ચિંતા તરીકે જોઈ નહોતી. પરિણામે આપણે રામ થોડીવારમાં ઘસઘસાટ કરતા નિંદ્રાદેવીને શરણે થયા તે સવાર પડજો વહેલી.

બીજા દિવસે અંદાજે સવારે સાત વાગ્યે મારા બાપાએ ઢંઢોળ્યો ત્યારે આંખ ખૂલી. મેં જોયું તેઓ નાહી-ધોઈને તૈયાર હતા. ઘરેથી મોડામાં મોડું સાડા આઠ વાગે નીકળવું એવું બેરિસ્ટર સાહેબના પરામર્શમાં નક્કી થયું હતું, જેથી લગભગ દસ વાગ્યાના સુમારે પરીક્ષા સ્થળે પહોંચી જવાય. એકાદ કલાકનો ગાળો રહે જે કદાચ મોડું વહેલું થાય તો કામમાં આવી જાય એવી ગણતરી હતી. હું ઝડપથી તૈયાર થઈ ગયો અને નાસ્તો વિગેરે કરી નિર્ધારિત આયોજન મુજબ અમે ઘરેથી બોરીવલી સ્ટેશને જવા રવાના થયા.

બોરીવલીથી ચર્ચગેટ અને ત્યાંથી ધોબીતળાવ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં પહોંચ્યા ત્યારે લગભગ દસેક વાગ્યા હતા. થોડીવારમાં એડવોકેટ શંકરલાલ પટેલ અને એમનો દીકરો પણ આવી પહોંચ્યા. સ્કૂલ શરૂ થઈ ચૂકી હતી. ભવ્ય વર્ગખંડ અને તેમાં ભણતા વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓ કાચની બારીઓને કારણે જોઈ શકાતાં હતાં. અમારે પહેલે માળે જવાનું હતું. એક મોટા વર્ગખંડમાં બધાને બેસાડ્યાં હતાં. સ્કૂલ દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટ, જન્મતારીખનો દાખલો વિગેરે ચકાસીને સાથોસાથ રેલ્વે ભાડાની ટિકિટ / રસીદ વિગેરે જેમ જેમ નંબર આવ્યો તેમ લેવાતાં ગયાં. પરીક્ષા પતે એટલે રેલ્વે ભાડાની ચૂકવણી બાજુના રૂમમાં આવેલ ઑફિસમાંથી લઈ લેવા સૂચના આપવામાં આવી. લગભગ વીસેક જેટલા પરીક્ષાર્થીઓ હતા. લેખિત પરીક્ષા નહોતી. પ્રિલિમીનરી એસેસમેન્ટ માટેની આ પરીક્ષામાં કલર મેચિંગ, જીગ્સો પઝલ તેમજ મૌખિક અંક ગણિત કસોટીના પ્રશ્નો પૂછવામાં આવ્યા. અમારા વર્ગખંડની બાજુમાં જ એક નાનો પણ વ્યવસ્થિત બીજો ખંડ હતો જે પ્રમાણમાં સારી રીતે ફર્નિશ કરેલો હતો. ત્યાં બે સજ્જનો એક ટેબલની સામેની બાજુ બેઠા હતા. પરિક્ષાર્થીને બેસવા માટે બીજી બાજુ એક ખૂરશી હતી. રૂમની અંદરનું વાતાવરણ મારા જેવા ગામડાના વિદ્યાર્થીને કાંઈક અંશે મુંઝવે તેવું હતું. ત્યાં મોટા ભાગે બધા અંગ્રેજી અથવા મરાઠીમાં વાત કરતા હતા. મારી સમજમાં ખાસ કશું આવતું નહતું. એક વાત ચોક્કસ કહી શકાય કે, બંને પરીક્ષકોનું વર્તન ખૂબ માયાળુ અને પ્રેમાળ હતું, જેના કારણે રૂમમાં દાખલ થતાં જે મનોવૈજ્ઞાનિક દબાવ ઊભો થયો હતો તે જતો રહ્યો અને પ્રમાણમાં હળવાશનો અનુભવ થયો. મારો નંબર પત્યો એટલે બહાર આવી ભાડાના પૈસાની ચૂકવણી થતી હતી ત્યાંથી પૈસા લઈ અમે બહાર આવ્યા. પેલા અમદાવાદવાળા ભાઈનો નંબર આવી ચૂક્યો હતો. અમે નીચે ઉતરીને શાળાની બહાર નીકળ્યા. ધોબીતળાવ વિસ્તારનો ટ્રાફિક ધીરેધીરે ઑફિસ છુટવાનો સમય થતાં વધી રહ્યો હતો. એ દિવસે બીજો કોઈ એજન્ડા ન હતો. મુંબઈ રાજ્યની વિધાનસભા જોવા બીજા દિવસે જવાનું હતું. એટલે એડવોકેટ શંકરલાલથી છુટા પડી અમે વળી પાછા ગેટ વે ઑફ ઈન્ડિયાનો રસ્તો પકડ્યો. આજની સાંજ ગેટ વે ઑફ ઈન્ડિયા વિસ્તારમાં ગુજારવાની હતી. નજદીકમાં જોવા જેવી બીજી કોઈ જગ્યા નહોતી એટલે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો.

ગેટ વે ઑફ ઈન્ડિયા મુંબઈનું એક જોવાલાયક સ્થળ ગણાય છે. એના બરાબર સામે એ જમાનામાં મુંબઈનું ઘરેણું ગણી શકાય એવી તાજમહેલ હોટલનો ભવ્યાતિભવ્ય નજારો રાત્રિના સમયે અદભુત લાગતો હતો. માત્ર વિદેશીઓ અને ટોચના ધનપતિઓ જ તેમાં રહી શકે અને એની રાજમહેલ જેવી સવલતો ભોગવી શકે તે તાજમહેલ હોટલ કોઈ સપનું જોતા હોઈએ એવી લાગતી હતી. આથી વિશેષ માહિતી અમને કોઈ આપી શકે તેમ ન હતું એટલે અમે એ હોટલને સમાંતર ફૂટપાથ પર ચાલવા માંડ્યું. એકબાજુ અફાટ જળરાશી અને એની અંદર દૂરદૂર દેખાતી સ્ટીમરોની લાઈટો અને બીજી બાજુ એવી જ અદભૂત તાજમહેલ હોટલ - બે અપ્રતિમ સ્થાપત્યો વચ્ચે ચાલતા ચાલતા અમે છેક છેવાડે પહોંચ્યા જ્યાં મુંબઈની રેડિયોક્લબ આવેલી છે.

એ સમયે ગેટ વે ઑફ ઈન્ડિયા અથવા હોટલ તાજમહેલ વિશે કોઈ અમને સમજાવનાર નહોતું. આજે આ બંનેને લગતી માહિતી સંશોધિત કરી નીચે રજૂ કરૂં છું જેથી મારા વાચકોને અધિકૃત માહિતી મળી રહે.

ગેટ વે ઓફ ઇન્ડિયા :

પંચમ જ્યોર્જ અને તેની રાણી મેરીની મુલાકાતને વધાવવા માટે ઈ.સ. 1911 માં ગેટ વે ઑફ ઈન્ડિયા બનાવવામાં આવ્યું હતું. ઈ.સ. 1914માં મેક્સિકોમાં જન્મેલા કવિ અને નિબંધકાર ઓકાતાવિયો પાઝ મેક્સિકોના એલચી તરીકે 1951માં દિલ્હીની મુસાફરી કરતા પહેલાં મુંબઈ આવ્યા હતા. 1990માં તેમને સાહિત્ય માટે નોબલ પારિતોષિક ઘોષિત થયું હતું. 1951ના નવેમ્બર મહિનામાં તેઓ કેરો થઇને દરિયાઈ માર્ગે વહેલી સવારે મુંબઈ નજીક પહોચતા હતા ત્યારે તડકો ચામડીને બાળીને આંખોને આંજી નાખે એવો હતો. સ્ટીમરના કઠેરા પર બેઠા બેઠા ઇન લાઈટ્સ ઓવ ઇન્ડિયામાં બુમ પાડનાર વીસમી સદીના અતિ પ્રતિષ્ઠિત એન્ગલો -અમેરિકન કવિ ડબલ્યુ. એચ. ઓડેનના સગા ભાઈ થતા હતા. પાઝે નોંધ્યું છે કે, ગેટ વે ઑફ ઈન્ડિયા પ્રકારની સ્થાપત્ય કળા 16મી સદીમાં ગુજરાતમાં વિકસી હતી. ગેટ વે ઓફ ઇન્ડિયાને 101 વર્ષ થયા છે તથા અડીખમ ઉભું છે. પ્રવાસીઓ ગેટ વે ઓફ ઇન્ડિયા પાસેથી બોટમાં ફરવાનો મોકો પણ લઇ શકે છે.

હોટલ તાજ :

આ ફાઈવ સ્ટાર હોટલની મુખ્ય ઈમારતનું નિર્માણ ટાટા દ્વારા ઇન્ડો – સરકેનિક પદ્ધતિમાં કરવામાં આવ્યું હતું તથા આનું પ્રથમ ઉદઘાટન ૧૬ ડીસેમ્બર ૧૯૦૩ના રોજ કરવામાં આવ્યું હતું. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક સંપાદક, જેમણે અનુભવ્યું કે, મુંબઈ જેવા મહાનગરને અનુરૂપ એક એવી હોટલનું નિર્માણ આવશ્યક છે તેથી તેમનાં વિચારોને ધ્યાનમાં રાખીને આ હોટલનું નિર્માણ ભારતના એક વિખ્યાત પુરુષ જમશેદજી ટાટાએ ઈ.સ. ૧૯૦૩માં કરાયું હતું. આ જગ્યાએ પૂર્વ એક હોટલ જોવા મળતી હતી, જેનું નામ “ગ્રીન્સ હોટલ” હતું. ૧૯૭૩ માં હોટલ ગ્રીન્સને તોડી દેવામાં આવી અને તેની જગ્યાએ વર્તમાનમાં જોવા મળતું વિંગ ટાવર બનાવી દેવામાં આવ્યું.

આ હોટલનું નિર્માણ કરાવનાર ખાનસાહેબ સોરાબજી રતનજી હતાં, જેમણે હોટલની મધ્ય પ્રસિધ્ધ તરતી સીડીયોની ડિઝાઈન પણ તૈયાર કરી હતી. આ હોટલના નિર્માણ માટેનો કુલ ખર્ચ £૨૫૦,૦૦૦ (જો કે હાલના £૧૨૭ મિલિયન) થયો હતો. હોટલના મુખ્ય શિલ્પિકાર સીતારામ ખંડેરાવ તથા ડી. એન. મિર્ઝા હતાં અને આ પ્રોજેક્ટને અંગ્રેજી એન્જીનીયર ડબ્લ્યુ. એ. ચેમ્બર્સ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો.

અને ૨૦૧૦ ના પ્રતિષ્ઠિત કોન્ડે નેસ્ટ ટ્રાવેલર રીડર્સ ટ્રાવેલ એવાર્ડમાં સંપૂર્ણ એશિયામાં હોટલ તાજને ૨૦ મો ક્રમાંક આપવામાં આવ્યો હતો.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles