સુખના રાજમાર્ગ પર ડગલું ભરો દુનિયામાં કંઈકનાં કરજદાર છો મુદ્દલ નહીં તો વ્યાજ તો ચૂકવો
સુખના રાજમાર્ગ પર ડગલું ભરો
દુનિયામાં કંઈકનાં કરજદાર છો મુદ્દલ નહીં તો વ્યાજ તો ચૂકવો
સુખી થવાનું કોને નથી ગમતું?
પણ એક વસ્તુ સમજો
મરીઝ સાહેબની નીચેની પંક્તિઓ પર ગૌર કરો
બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે
દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’
ચૂકવું બધાનું દેણું જો અલ્લાહ ઉધાર દે
પ્રશ્ન છે સુખ આવશે તો
તમે એકલા જ બધું ભોગવશો?
ના, એવું ના કરતા,
પોતાના માટે તો બધા જીવે છે. વર્ષો પહેલા સંજીવ કુમારની એક ફિલ્મ આવી હતી જેનું ટાઈટલ હતું, ‘બાદલ’ આ ચલચિત્રમાં મન્નાડે દ્વારા ગવાયેલ એક સરસ મજાનું ગીત હતું. જેની શરૂઆત જ એવી રીતે હતી કે આ સ્વાર્થી દુનિયામાં માણસની ઓળખ શું છે? જવાબ હતો જે પારકી આગમાં સળગી જાય તે ઇન્સાન છે. આ ગીતના શબ્દો આ મુજબ છે.
खुदगज़र् दुनिया में ये, इनसान की पहचान है
जो पराई आग में जल जाये, वो इनसान है
तू जी, ऐ दिल, ज़माने के लिये
કોઈકને માટે કશુંક કરી છૂટવાની ભાવના કેળવવી હોય તો એના માટે બહુ મોટી ડિગ્રીઓ અથવા ખૂબ પૈસાદાર બનવાની જરૂર નથી. કોઈને દુખી જોઈને એનું હૃદય દ્રવે તે વ્યક્તિમાં માનવતા ધબકે છે એમ કહી શકાય. તમે નીચેની પંક્તિઓ સાંભળી જ હશે.
ભલા કિસી કા કર ના સકો તો
બુરા કિસીકા મત કરના
પુષ્પ બનકે ખીલ ના સકો તુમ
કાંટે બન કર મત ચુભના
તમે જ્યારે પણ કોઈકના માટે નાનું અમથું પણ સારું કાર્ય કરું છું ત્યારે એક છૂપો આનંદ તમારી આખી હયાતીને ભરી દે છે. આ પણ સુખી થવાનો એક રસ્તો છે.
બાદલ ચલચિત્રના જે ગાયનની પંક્તિઓ અગાઉ જોઈ ગયા તે ગીત પણ આવું જ કહે છે.
बाज़ार से ज़माने के, कुछ भी न हम खरीदेंगे - २
हाँ, बेचकर खुशी अपनी
लोगों के ग़म खरीदेंगे
बुझते दिये जलाने के लिये - २
तू जी, ऐ दिल, ज़माने के लिये
अपने लिये जिये तो क्या जिये
तू जी, ऐ दिल, ज़माने के लिये
જેના કુટુંબમાં પણ આપત્તિ કે દુઃખના સમયે એક થઈને સામનો કરવાની ભાવના છે. તેઓ ભાગ્યશાળી છે.
મહાભારતની પેલી ‘આપણે ૧૦૫’ ઘટના વાંચીએ છીએ. તો ભલે કૌરવો અને પાંડવો કટ્ટર દુશ્મની નિભાવતા બહારના આક્રમણ સામે એક થઈ જવાની વાત કરીને કૌરવોને બંદી બનાવી લઈ જતા યક્ષ સામે સંગઠિત બનીને લડવાની વાત યુધિષ્ઠિર કરે છે.
માટે જ કહેવાયું છે, ‘સંપ ત્યાં જંપ’
સંપથી રહો એકબીજા સાથે હળીમળીને રહો. કોઈનું દુઃખ વહેંચીને તેના ચહેરા પર મુસ્કાન આવે એવું કરશો તો સરવાળે શાંતિથી અને સુખથી રહી શકશો.
સુખના રાજમાર્ગ પર અશાંતિ કે કલહના કાંટા ક્યાંય વેરાવા દેશો નહીં.
વસુધૈવ કુટુમ્બકમ સમગ્ર વિશ્વ આપણું કુટુંબ છે. એ ભાવના હૃદયમાં રાખી જીવો સુખી થશો.
આપણાં પૂર્વજો આવું જ શીખવી ગયા છે. ઘરમાં રસોઈ બને એમાં પણ ચાર ભાગ પડે છે. પહેલો ભાગ બારણે આવેલ અભ્યાગત માટે
બીજો અતિથિ માટે
ત્રીજો ગૌ ગ્રાસ એટલે ગાય કૂતરાને નાખવા માટે
ચોથુ આપણો
એકલ પેટ્ટા ના બનો, ઘરમાં રસોઈ બને છે એમાંથી પણ માત્ર ચોથો ભાગ જ તમારો છે વહેંચીને ખાઓ
અને
બરાબર તે જ રીતે મરીઝ સાહેબે કહ્યું છે તે પ્રમાણે
‘સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે’
સુખ પણ વહેંચો
એનાથી મળતો આનંદ અદ્વિતીય સુખનો અહેસાસ કરાવશે
વહેંચીને ખાઓ
અન્યને સુખ આપો
કોઈના દુઃખમાં ભાગીદાર બનો
સાચું સુખ એમાં જ છે.