શહેરનો પ્રવૃત્તિથી ધમધમતો વિસ્તાર
મુખ્ય રસ્તા ઉપર જ આઠ બાય દસની એક દુકાન
મોબાઈલ રિચાર્જથી માંડી રીપેર સુધીનું કામ અહીંયાં થાય
એક ઢળતી સાંજે એકબીજાના સહારે જાણે જીવતાં હોય તેવું એક વૃદ્ધ દંપતી
જમાનાની થપાટો ખાઈને કરચલીઓ પડી ગઈ હોય એવો બંનેનો ચહેરો
દુકાનનાં બે પગથિયાં ચઢી અંદર દાખલ થાય છે
દુકાનદારને પોતાનો મોબાઈલ આપે છે
ચશ્મા પાછળથી તગતગતી આંખો પેલા દુકાનદારના ચહેરા પર માંડી
આ મોબાઈલમાં કોઈ ખામી છે કે કેમ એવી પૃચ્છા કરે છે
મોબાઈલ હાથમાં લઈ પેલો દુકાનદાર એને ખોલે છે
એની કુશળ આંખો પળભરમાં બધું નીરખી લે છે
મોબાઈલ બંધ કરી એ કોઈ નંબર ડાયલ કરે છે
કાઉન્ટર પર પડેલો એનો મોબાઈલ રણકી ઊઠે છે
ચહેરા પર સંતોષ સાથે એ પોતાનો મોબાઈલ ઉઠાવે છે
અને...
એમાંથી પેલો આવેલો નંબર રીડાયલ કરે છે
તરત જ પેલો રીપેર કરવા આપેલો મોબાઈલ રણકી ઊઠે છે
ચહેરા પર હળવા સ્મિત સાથે એ પેલો મોબાઈલ વૃદ્ધને પરત કરતાં કહે છે -
કાકા. આમાં કોઈ ક્ષતિ નથી – મોબાઈલ બરાબર છે.
બરાબર તે જ પળે પેલા દુકાનદારના ચહેરા પર નજર નોંધી પેલી વૃદ્ધા એને પ્રશ્ન કરે છે –
તે હેં ભાઈ. તો પછી આ મોબાઇલમાં અમારાં છોકરાનો ફોન કેમ નથી આવતો?
દુકાનદાર પાસે આનો કોઈ જવાબ નથી
પેલો વૃદ્ધ ચૂપચાપ પોતાનો મોબાઈલ ઉઠાવી લે છે
અનાયાસે એનો હાથ આંખના ખૂણે તગતગતું આંસુ લૂછવા લંબાઈ જાય છે.
વૃદ્ધાનો પેલો પ્રશ્ન ફરી ફરીને હવામાં ઘૂમરાય છે -
તે હેં ભાઈ. તો પછી આ મોબાઇલમાં અમારાં છોકરાનો ફોન કેમ નથી આવતો?
* * *
દીકરાની વહુ કંઇ ગડમથલમાં છે.
નાનો પૌત્ર બેએક દિવસથી માંદો છે.
ડોક્ટરે દવા આપી છે પણ એ કડવી છે.
એટલે... બાળક...
કડવી દવા પીતો નથી.
ગમે તેમ કરીને પુત્રવધૂ એ દવા એના મોંઢામાં રેડી દે છે.
નાક દબાવે છે એટલે દવા ઘટાક કરીને બાળકના ગળામાં ઉતરી જાય છે.
બાળક રડે છે
પેલી પુત્રવધૂ એને નાનકડી ચોકલેટ આપીને શાંત કરી દે છે.
વાત નાની છે
મનમાં વિચાર આવે છે
અણગમતી વાતો એટલે કે કડવી દવા પહેલા ગળી જઈએ
અને...
એની ઉપર પછી મનગમતી વાતોની ચોકલેટ મમળાવીએ તો?
વાત નાની છે
જીવન જીવવાનો એક સરસ મજાનો સંકેત એમાંથી મળી જાય છે
કડવી દવા...
મીઠી મધ જેવી ચોકલેટ
જીવનમાં પણ કંઈક આવું જ બને છે ને ?
* * *
ત્રીજો પસંગ સ્વામિનારાયણ પંથના એક સત્સંગી પાસેથી મળ્યો.
આપણે કોઈનુંય નકારાત્મક જોવું, બોલવું, વિચારવું, સાંભળવું નહીં એવી વાત આ પ્રસંગમાં ઉપદેશાઈ છે.
પ્રસંગ નીચે મુજબ છે –
જૂનાગઢ મંદિરમાં એક બ્રહ્મચારી ઠાકોરજીનો થાળ લઈને આવતા હતા તે પડી ગયા. પગમાં સોજો આવી ગયો. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા. બીજા સંતો કહે, “એ જ લાગનો હતો. કરેલાં કર્મ ભોગવવાં જ પડે. એકલો ઠાકોરજીનો પ્રસાદ ખાતો હતો, કોઈને આપતો નહોતો. ઠાકોરજીનો થાળ પાડીને કેટલું નુકશાન કર્યું." આવી રીતે સંતો જાતજાતનાં સ્ટેટમેન્ટ આપીને જતા રહે; પણ કોઈ સેવા ન કરે.
ગુણાતીતાનંદ સ્વામીએ સંતોની સભા કરી ને વાત કરી કે, “બ્રહ્મચારી પડી ગયા છે. આ પ્રસંગ ભગવાને એના આત્મામાં રહેલો કચરો સાફ કરવા માટે ઊભો કર્યો છે. પરંતુ ભગવાનની ડ્યૂટી તમે લઈ લીધી છે. જેને જેને એ બ્રહ્મચારી વિશે ઓરાભાવનો સંકલ્પ ઊઠી ગયો એ બધાને એ બ્રહ્મચારીનું પ્રારબ્ધ આવી ગયું. બ્રહ્મચારીને ત્રણ મહિનાનો ખાટલો હતો. હવે એને પ્રારબ્ધ ભોગવવાં નહિ પડે; તમારે પ્રારબ્ધ ભોગવવાં પડશે.”
કેટલાક સંતોએ ગુણાતીતાનંદ સ્વામીની માફી માગી એને ગુણાતીતાનંદ સ્વામીએ માફી આપી દીધી ને જેણે માફી ન માગી એને ત્રણ ત્રણ મહિનાના ખાટલા આવી ગયા. અઘરામાં અઘરી ગુણાતીતની કોર્ટ છે. રાઈ રાઈનાં લેખાં લે. બ્રહ્મચારી ત્રણ જ કલાકમાં ફ્રેશ થઈ ગયા. સેવા કરતા થઈ ગયા. ત્રણ મહિનાનું પ્રારબ્ધ ત્રણ કલાકમાં નીકળી ગયું.
વાતનો મૂળ સાર છે ક્યારેય કોઈના દોષ નહીં જોવા.
કબીરજીએ કહ્યું છે –
बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय,
जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय।